યાદ આવે…. March 15, 2019
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farમાર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.
આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું કે, મારા મનમાં ખરતા પાન આવે.
હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.
રોજ કાગળ-પેન લઈ શાંતિથી ને ધીરે ધીરે,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.
ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં એ ઉપર ગઈ!
ને ‘છે’માંથી તો ‘હતી’ થઈ ગઈ, મા તુજ વિણ તાણ આવે.
‘પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા,આપતી તું
હર પલે ઝંખુ કે આ દિલે સતત એ ગાન આવે.
માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચનો મહિનો ફરે ને મા, મને બહુ યાદ આવે.
યાદ આવે… March 5, 2016
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farમાર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના બંધ બારણેથી બહાર આવે.
આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું કે, મારા મનમાં ખરતા પાન આવે.
હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.
રોજ કાગળ-પેન લઈ શાંતિથી ને ધીરે ધીરે,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.
ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં ઉપર ગઈ!
‘છે’માંથી ‘હતી’ થઈ ગઈ, એ જ આ અભાવ આવે.
‘પંખીને ચણ, તુલસી જળ, ગાયને ઘાસ,આપતી એ
હર પલે ઝંખુ કે આ દિલે સતત એ ગાન આવે.
માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચ મહિનો આવે ને બસ, મા પ્રબળ યાદ આવે.
ઈશ્કે હકીકી.. September 25, 2015
Posted by devikadhruva in : ગઝલ,Uncategorized , 1 comment so farવિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જતી હતી..
આજે એક ઈશ્કે હકીકી પ્રસ્તૂત છે. ( સ્વરચના )
કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે.
ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.
ઢળી’તી આંખ જોઈને ખરેલા પાન વૃક્ષોના,
પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે.
સજાવે લોક મંદિરો ભરી, સોના-રુપા થાળે,
મેં ભૂખ્યાં બાળના લોચનની ધારે તમને જોયા છે.
સુંવાળી સુખની શૈય્યા કરી પૂજાવ છો ખોટા,
ખરેખર તો ખરા ભક્તોની વ્હારે તમને જોયા છે.
હવે લાગે છે કે, અવતાર લેવા બંધ કીધા છે.
નહિતર કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”!
તમને જોયા છે… September 23, 2015
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farબરકત વીરાણી ‘બેફામ’ની એક જાણીતી ગઝલના આધારે લખાયેલ સહિયારી ગઝલ.
છંદ -હજઝ-૨૮ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે.
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે.
છંદ -હજઝ-૨૮ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
કહું છું વાત છાની આજ, ક્યારે તમને જોયા છે.
પડે છે દુઃખ માથા પર, મેં ત્યારે તમને જોયા છે. (દેવિકા ધ્રુવ)
ખુલી આંખે ન દેખાયા, તમે જ્યારે મને ક્યાં યે
કરી દીધા મેં નેત્રો બંધ ત્યારે, તમને જોયા છે. ( ઇન્દુબેન શાહ )
તમે છો આમ તો પરદેશમાં ખુબ દૂર મારાથી,
છતાં નિકટ ઘણાં યે હર વિચારે, તમને જોયા છે. ( સુરેશ બક્ષી )
વિધિના ખેલ આ કેવાં સદા સ્મરતો રહ્યો છું હું .
રહી મઝધાર પર, હરપળ, કિનારે તમને જોયાં છે. ( રમઝાન વિરાણી )
તમારી યાદ માં ડૂબી હવે પ્હોંચી રહી પાસે.
નથી દૂરી રહી ઝાઝી,એ આરે તમને જોયા છે. (પ્રવીણા કડકિયા)
અચાનક આ તરફ આવ્યાં ને મારું તો જીગર થંભ્યું,
ખબર એ ના પડી, કે ક્યાં ને ક્યારે તમને જોયા છે. (ચીમન પટેલ)
કદી દર્શન પ્રભુના થાય તો છે યાચના મારી,
ન દૂજો ભાવ, ભક્તિના સહારે તમને જોયા છે. ( શૈલા મુન્શા)
હવે લાગે છે કે અવતાર લેવા બંધ કીધા તેં.
નહિતર કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”( દેવિકા ધ્રુવ)
સર્જાય છે…. September 13, 2015
Posted by devikadhruva in : ગઝલ , add a commentગુલામ અબ્બાસના નીચેના એક શેરના છંદને આધાર રાખીને ગૂંથેલ એક ગઝલ.
ભાગ્ય વિફરે તો જીવનમાં એ દશા સર્જાય છે.
ઝાંઝવાઓ રણ ત્યજીને ઉંબરે ડોકાય છે. (ગુલામ અબ્બાસ)
છંદવિધાન-ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.
( સપ્તકલ રમલ ૨૬ )
*************** ***************** *****************
દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે. ( શૈલાબેન મુન્શા )
રામ ને સીતાની મૂર્તિને નમે છે લોક સૌ
ઊર્મિલાના ત્યાગને તો ક્યાં અહીં પૂછાય છે? ( દેવિકા ધ્રુવ )
જોડણીના કોશમાં સંબંધના અર્થો જુઓ
દુનિયામાં આજ એવી લાગણી વર્તાય છે? ( ઈન્દુબેન શાહ )
શીદ જાવું દુર તારે, ભાંગવા ઈમારતો,
તીર શબ્દોના કદી, ક્યાં કોઈથી રોકાય છે? ( શૈલાબેન મુન્શા )
માત તારી અશ્રુ ધારા, જોઉ છું હું મુખ પર
દર્દ પિતાનુ છુપું, ના કોઇને દેખાય છે. (ઈન્દુબેન શાહ )
ખુબ ચીતરી, ખૂબ લેખી તો ય ના પૂરી થઈ,
ને અઢી અક્ષર-કથા, ના કોઈથી સમજાય છે. (દેવિકા ધ્રુવ )
સાચું બોલે એ બધા તો જાય ટીપાઈ અહીં,
જૂઠનો લે આશરો તે કેમ નેતા થાય છે? ( ચીમન પટેલ )
જીવવું ના જીવવું તો નિયતિને હાથ છે.
જિંદગીની દોડમાં ક્યાં કોઇ થી પહોંચાય છે? ( શૈલાબેન મુન્શા )
આજ,કાલે ને પછી ક્યારે મળીશું શી ખબર?
આ સમયની જાળ તો ના કોઈથી પરખાય છે. (દેવિકા ધ્રુવ )
__________________________
મળી ગઈ… June 7, 2015
Posted by devikadhruva in : ગઝલ , add a commentઅહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.
આ ઉગ્યો રવિ દૂરથી રાત વીંધી.
ને સૂરજની ધારા તિમિરો ગળી ગઈ.
સમયના બે કાંટા સતત ફર્યા પણ,
ફરીને સમયના અક્ષરો કળી ગઈ.
ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી છો,
વળી તો,પરમ દર્શને હું મળી ગઈ.
આ શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
ઘનેરા ફૂલોના વને હું ઢળી ગઇ.
નિરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.
કલમની કમાલે ધરી હામ સાચી,
કહું? આ છે પૂજા, શિવે હું મળી ગઇ.
ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે… પહેલી મુલાકાત સમયે… May 28, 2015
Posted by devikadhruva in : ગઝલ , add a commentગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે…પહેલી મુલાકાત સમયે…સપ્રેમ, સાદર…
કડકડ થતી ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા દિલાવર લોક વચ્ચે લાગતું ઘર આંગણું.
પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.
જ્યાં જ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.
આવી અહીં જોયાં બધાં, ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું?
મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો, ગુલે ફલો, શબ્દો તણું લઈ ટાંકણું.
સમયનો તકાજો.. April 7, 2015
Posted by devikadhruva in : ગઝલ , add a commentજીતી જો જાવ તો ખુદના બધાં, પાછળ રહી જાય છે.
અગર હાર્યાં તમે, તો પોતીકા પાછળ મૂકી જાય છે.
સમયનો આ તકાજો પણ અરે, સોદો કરી જાય છે,
અનુભવ આપી સઘળી માસુમિયત એ લઈ જાય છે.
અજાયબ ને અકળ છે દોડ આ જીવન સંગ્રામે,
કપાતી રાત ના, ને વર્ષના વર્ષો વીતી જાય છે!
અમે વરદાન માંગ્યું, દુશ્મનોથી છૂટવાનું જ બસ,
થતું આશ્ચર્ય કે મિત્રો બધાં ઓછા થઈ જાય છે !
ન જાણે કોને માટે સ્વર્ગ, ઉપર તેં બનાવ્યું હશે.
કહેને કોણ ક્યારે અહીં, ગુના વિના જીવી જાય છે?
રંગમંચ December 20, 2014
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farતખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.
નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.
અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.
વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.
હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.
સમજણને….. December 10, 2014
Posted by devikadhruva in : ગઝલ , add a commentસમજણને પણ સમજાવવું પડે તે કેવું? કદાચ સ્ત્રીલિંગ છે એટલે હઠીલી હશે!!
લો, એક નવી ગઝલ. સમજણ વિષે…
કેટલી યે વાર કીધું, એકલી તું મ્હાલજે.
રાહમાં જો આથડે કંઈ, પ્રેમથી તું ટાળજે.
પણ હઠીલી જાત સ્ત્રીની માને ના ગુમાનિની
ને પછી ખૂણે રડી કહેશે કે તું સંભાળજે.
કાં વીંટે ઈર્ષા સમા વસ્ત્રો નકામા જાત પર,
નગ્ન સમજણ સત્ય છે તું, એકલી વિચારજે..
વાત તો છે સાવ નાની, તો ય છે સૌથી વડી
પાણી ને વાણી અહીં, હર કાળમાં તું ગાળજે.
સ્હેલી થઈ સરતી રહે આ જીંદગી બસ તુજ થકી,
એકવત્તા એક થઈને એક છે સમજાવજે.