jump to navigation

ગુર્જર નારી May 1, 2012

Posted by devikadhruva in : લેખ , trackback

ગુર્જર નારી…શબ્દમાં જ કેટલું લાલિત્ય છે ? કેટલી સૌમ્યતા અને સંસ્કારીતા છે ? કોઇ કવિ કે લેખક એવો હશે ખરો, જેણે ગુજરાતી નારી વિષે કંઇ લખ્યું ન હોય ?!! અરે ભાઇ, નારી જ તો સર્જનની જનની છે અને સર્જકની પણ ખરી સ્તો !

આદિ-અનાદિકાળથી કહેવાતુ આવ્યું છે કે, “યત્ર નાર્યેસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ” એ વાત જેટલી સમગ્ર નારી જાતિ માટે લાગુ પડે છે તેટલી જ વિશેષ રીતે ગુજરાતી નારીને પણ લાગુ પડે છે. આ વિષે કંઇ પણ કહેવું હોય તો સૌથી પ્રથમ યાદ આવે આપણા ગુજરાતના જાણીતા,માનીતા અને લાડીલા શ્રી અવિનાશભાઇ વ્યાસની પંક્તિઓઃ

 

કંઠે રૂપનુ હાલરડું ને આંખે મદનો ભાર, ઘૂંઘટમાં જોબનની જ્વાળા,ઝાંઝરનો ઝણકાર; લાંબો છેડો છાયલનો ને ગજરો ભારોભાર, લટકમટકતી ચાલ ચાલતી, જુઓ ગુર્જરી નાર….

 

અલબત્ત, જીવન અને જગત પરિવર્તનશીલ છે એટલે આજની ગુજરાતી નારી પછી એ પૂર્વમાં હોય કે પશ્ચિમમાં, જુદી તો લાગે જ. છતાં પ્રગતિશીલ આધુનિક ગુજરાતી નારીની આંતરિક આભા તો એ જ સદીઓ જૂની ચમકીલી છે. આદ્ય કવિઓની જેમ મીરાં,શબરી કે સીતાની વાત કરીએ કે દેશવિદેશ ફરતી આજની નારીની વાત કરીએ પણ ગુજરાતી સ્ત્રીની સંવેદના તો બધે જ હરકાળમાં એકસરખી છે. અરે,આ સંવેદના જ તો એની તાકાત છે.નબળાઇ નથી.ધાર છે, કહો કે અણી વખતની ઢાલ છે. જીવન જીવવાની આબાદ ઔષધિ છે, જડીબુટ્ટી છે.સંવેદનામાં જેટલી વધારે સચ્ચાઇ તેટલી વધારે શક્તિ. એ મેંદી ભલે માળવાની લાવે પણ એનો રંગ તો ગુજરાત જેવો ક્યાંય ન ખીલે !

 

વીર કવિ નર્મદ,દલપતરામથી માંડીને પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન કાળના જે જે સર્જકોએ જ્યારે જ્યારે ગુજરાતની ગાથા ગાઇ છે ત્યારે ત્યારે ગુજરાતી નારીની ગરિમા પણ અચૂક વર્ણવી જ છે. સ્થળ કે સમયના સીમાડા એને ક્યારેય નડ્યા નથી. કાલે હતી એ જ વાત આજે પણ છે. વતનમાં હોય કે વતનથી દૂર પણ ગુજરાતની નારીમાં ગુજરાતના હરેક શહેરનું નૂર છે. એ કનૈયાલાલ મુનશીની અસ્મિતા છે,પાટણની પ્રભૂતા છે તો મેઘાણીની રસધાર છે. વધુ ભણેલી હોય કે થોડું પણ તેનામાં સુરતના હીરાની પાસાદાર ચમક છે. મહદ્‍અંશે પોતાના ઘર-સંસારને સુપેરે સજાવતી જાણે કે, સરસ્વતીચંદ્રની કુમુદસુંદરી છે. નાટ્યક્ષેત્રે છેલછબીલી સંતુરંગીલી છે. ગઇકાલની હોય કે આજની…નજરના જામ છલકાવનારી કામિની છે.મલ્હાર રાગ ગાઇને મેઘરાજને બોલાવતી,વરસાદ વરસાવતી તાના-રીરી છે તો યમરાજને પડકારનારી સાવિત્રી પણ છે. વિદેશમાં રહેતી ગુજરાતી નારી સમયને અભાવે ભલે પીઝા,પીટા ને નાનથી ટેવાઇ હોય, ભલે “જેવો દેશ તેવો વેશ” ને ન્યાયે પહેરવેશમાં ફેરફાર કર્યો હોય, પણ એ હરહંમેશ…હરહંમેશ… વતનની પ્યાસી છે.!! ગુજરાતના તહેવારો…દિવાળી, હોળી,ઉતરાણ, નવરાત્રી…દરેક તહેવાર મસ્તીથી ઉજવે છે. ગુજરાતની વાનગીઓ મન ભરીને માણે છે. હા, નવો સમય છે, નવી પાંખ છે, નવા ઉમંગો છે, નવો મલકાટ છે,એટલે નવી રીતો છે. પણ દિલ તો એનું એ જ છે. હજી આજે પણ દરેક ગુર્જર નારીને સ્નેહનું સિંદૂર ગમે છે,પ્રેમના કંગન ગમે છે અને આદરના અલંકાર ગમે છે. છેલ્લે, સાબરમતી અને તાપીના પાણી પીધેલ,પાણીદાર ગુર્જર નાર વિષે એટલું જ કહીશ કેઃ
વાણી જેનીગુર્જરી ને ગાથા ઘર ઘર નારી છે, વેશ ભૂષા વિદેશી પણ અંતરમાં વસનારી છે. પૂરવ હો યા પશ્ચિમ, ઉત્તર હો યા દક્ષિણ, ગિરા જેની નેક, એ તો ગરબે ઘૂમતી નારી છે…..ગુર્જર નારી છે…    

અસ્તુ..          

                             ( દેવિકા રાહુલ ધ્રુવ )

 


 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.