February 7, 2014
Posted by devikadhruva in : કાવ્યો , add a commentવાદળ દળની ધારે ફરતી,સોનેરી કોર સળવળ સળવળ
નાની શી એક રજકણ ખોલે આભલુ આખું ઝળહળ ઝળહળ.
કોઈ આવી પીંછી લઈને ચીતરે સુંદર રંગ અનોખા,
દિવ્ય મનોહર દ્રશ્ય અનુપમ ,નીખરે સઘળા વિશ્વે હરપળ.
શાંત પડેલી લાગણીઓના ધૂમ્મસછાયા પડળો ઘેરા,
કંકર પડતા વલયો રચતા જળના તળ તો ખળભળ ખળભળ.
ખોલે અચાનક મનના દ્વારે દૂરથી પ્રેમે હાથ પસારી,
સમજણ કેરી રજકણ ખોલે, નયને અશ્રુ ઝળઝળ ઝળઝળ.
પાંપણના પલકારા સરખી પળની અહીં છે આવન-જાવન,
આદિ-અંત છે છે નોખા અનોખા, જડ-ચેતનના નિશ્ચે પ્રતિપળ.
હાયકુ January 24, 2014
Posted by devikadhruva in : કાવ્યો , add a comment
ગુજરાતને ઝરૂખેથી.. December 23, 2013
Posted by devikadhruva in : કાવ્યો , add a comment
ગરવી ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.
એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
સાબરનો આરો ને તાપી કિનારો, ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.
કસુંબલ કંઠના આષાઢી સૂરો, આ વિશ્વમાં સૌને સંભળાવી તો જો.
સુરતના પાસાદાર હીરાની ચમક,પારખી ઝવેરાત નાણી તો જો.
પાટણની આભલા મઢેલી ઝમક, નિરખી પટોળાને પામી તો જો.
ધૂમકેતુના ‘તણખા ને મુન્શીની’અસ્મિતા’,શૌર્યનો ઈતિહાસ વંચાવી તો જો,
મેઘાણીની‘રસધાર’ને સુંદરમની’વસુધા’,કવિઓના થાળને જમાડી તો જો.
રોમરોમ ઝંઝોડતી ‘શયદા’ની ગઝલ, અંતરમાં ધીરેથી વસાવી તો જો.
થનગનતી ગુજરાતી નારીની ઝલક, હળવેથી નિકટ જઈ માણી તો જો.
નાટકનો લ્હેકો ને રંગીલો છણકો, ભીતરમાં આરપાર ઊતારી તો જો.
સંસ્કૃતિ ને માણસાઈના દીવાનો તણખો, થઈ વિશ્વમાનવ ફેલાવી તો જો.
રોશન કરી ગઈ છે જગને જે દીપિકા, બની ગુજરાતી પ્રસરાવી તો જો.
આલેખે વિદેશી ઝરૂખેથી ‘દેવિકા’,જાગી,ઊઠી,જરા પડકારી તો જો.
વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો.
એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
‘જાગ્યા ત્યાંથી સવારે’ August 24, 2013
Posted by devikadhruva in : કાવ્યો , add a commentએક સમી સાંજને ટાણે,આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે;
જરા ડોલતી નાવની ધારે,જોઇ સામે કિનારે,અમે ચઢી ગયા વિચારે….
પાર કરી છે પોણી ને પા જેટલી બાકી,
આજ લગી આ નૌકા વેગે હાંકી,
હલેસા બંને હવે ગયા છે હાંફી,
ને પહેલાં કરતા ચાલે થોડી વાંકી.
સમય આવ્યો સમજી લેવા આબોહવાને તાલે, એકમેકને ઇશારે,
એક સમી સાંજને ટાણે,આ સાગરને મઝધારે, અમે ચઢી ગયા વિચારે….
તારું મારું, મારું તારું, કરતાં કરતાં ચાલ્યાં,
આગળ-પાછળ, પાછળ-આગળ દોડ્યાં,
ખાડા-ટેકરા,તડકા-છાંયા રસ્તાઓ વટાવ્યાં,
ખારા-તૂરા, કડવા-મીઠા પીણાં સઘળા ચાખ્યા,
રહ્યું કશું ના બાકી, લાગે ઝબકી તંદ્રાવસ્થે, પરસ્પરને સહારે,
એક સમી સાંજને ટાણે,‘જાગ્યા ત્યાંથી સવારે,અમે ચઢી ગયા વિચારે…
अभ्युत्थानम् अधर्मस्य…… April 23, 2013
Posted by devikadhruva in : કાવ્યો , add a commentવર્તમાન સમયમાં,વિશ્વમાં ચારેબાજુ ઉઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ.
******************************** ******************************
માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?
જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળુ?
ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,
લીધા ઉગારી તેં ગોકુળના વાસી,
નરસિંહ,પ્રહલાદ ને કેવટની નાવડી
દ્રૌપદી,શબરી અનેક લીધા તારી.
મીરાંને કાજ પેલા મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું,
કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે આ કાળુ ને ધોળુ?
ફૂંફાડે ફેણ ધરી કેટલાંયે કાળીનાગ,
ડોલે મદારીના ડુગડુગિયા ગાન-તાન,
કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,
ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.
ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરી ઢંઢોળુ?
ના’વે જીસસ,પૈગંબર કે કા’ન હવે,કળિયુગમાં ખાલી શું ખોળુ?
પાક્યો સમય હવે પરિત્રાણ સાચનો,
ને આવ્યો સમય દુષ્કૃત્ય-વિનાશનો.
આ સત-અસતના સમરાંગણોમાં,
બની પાર્થસારથિ હટાવો વિષાદો.
સંસ્થાપવાને ધર્મો કુરુક્ષેત્રે, પધારો તો વાતો ફરીથી વાગોળુ.
માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.
કંઇક સારું લાગે. November 19, 2012
Posted by devikadhruva in : કાવ્યો , add a commentઆજે વહેલી સવારનો ચાંદ મને ખુબ ગમ્યો.ચમકી ગયા ને ? સવારનો ચાંદ ? હા,શરદપૂનમ પછીની વહેલી સવારનો ચાંદ. રાત આખી યે ખુલ્લાં આકાશમાં એકલો એકલો ફરીને, સમગ્ર વિશ્વને ચાંદનીમાં સ્નાન કરાવતો ચાંદ, પરોઢિયે મને એક તપસ્વી જેવો લાગ્યો,વધુ તેજસ્વી લાગ્યો.ક્ષણભર એક કલ્પના જાગી કે સાવ ખાલીખમ આકાશમાં એકલો રહીને પણ આ તેજથી ભરપૂર છે; અને ભીડથી ભરેલી ધરતી પર માનવ સાવ ખાલીખમ છે. કદી આ ચાંદ ઇશ્વરનું રૂપ ધરી અહીં ઉતરી ન આવે ?!!!
ને આ તરંગ આરઝુ બની બોલી ઉઠે છે કે……
અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે.
કાયાની દિવાલે આતમને પૂરી,
તમે પડદે રહો તે કેમ ચાલે ?
અંદર ને અંદર કોઇ બોલ્યા કરે,
સમંદરમાં મીન જેમ તરસ્યાં વહે,
સંવાદી ગીતથી ડોલાવી મનડું,
તમે એક ક્ષણ ગાઓ તો ન્યારું લાગે,
દરિયાનું જળ પછી મીઠું લાગે, તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે…
પાંખો પ્રસારી જેમ પંખીઓ ઊડે,
ને આભલુ વિશાળતો યે નાનું પડે,
રાતો વીતે ને તો યે વાતો ના ખુટે,
ભવભવના જન્મારા ઓછા પડે,
પાસે બેસી કા’ન વાતો કરીને,
તમે ફેરવો જો હાથ શિર ધન્ય લાગે…
જીવન-કટારી પછી વહાલી લાગે, નહિ તો ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે,કોઇક મારું લાગે, કંઇક સારું લાગે.
ચ્હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો. September 11, 2012
Posted by devikadhruva in : કાવ્યો , add a comment
રોજ સવારે,ડેક પર સાથે,વાંચીએ ગમતી વાતો,
ચ્હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો.
સાંજ જીવનની શરુ થઇ,આ કેવી ક્ષણ ક્ષણ સરકી,
ભીંત પરના તારીખિયાના પાનપાન ઉડાડી,
જોતજોતામાં ઢળી જશે આ સૂરજ પણ મદમાતો,
ચ્હાના ઘૂંટે મીઠી કરીએ ચાહથી મનની વાતો.
કાલ હતું જે આજ નથી ને આજ છે, ન મળશે કાલે,
લખે વિધાતા ઝાંખી રેખા, કરવી સુંદર મારે-તારે,
તાર જુદા પણ એક જ સૂરમાં ગાશું દિવસ રાતો,
ચ્હાના ઘૂંટે મીઠી કરીએ અલકમલકની વાતો.
સામે બેઠા પંખી કેવા ડાળ ઉપર મલકતા,
રંગબેરંગી પાંખો લઇને ક્યાં ક્યાં જઇ અટકતા,
દેશ-વિદેશે ઉડી-ફરીને શોધે નિજનો માળો,
એ જ છેલ્લે સાચો, બસ ‘હું ને તું’ નો નાતો….
ચ્હાના ઘૂંટે મીઠી કરીએ, ચાહથી મનની વાતો.
ખુશીની વેદના August 7, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a comment “મેરે વતનકે લોગોં”ના સૂર ગૂંજ્યાં ફરી એક વાર આજે,
કુરબાની ને શહીદીના સ્મરણો સર્યાં ફરી એક વાર આજે.
રુધિરથી લથબથતી નવજવાનોની લાશો નજર સામે,
ને કદી ના રુઝાતા જખમ ઉપસ્યાં ફરી એક વાર આજે.
કેસરિયાં કરતી વિરાંગનાના શોણિતભીનાં દિલ,
ને આઝાદીના ચૂકવેલાં મૂલ સાંભર્યાં ફરી એક વાર આજે.
કોઇના લાડકવાયાનાં બીડાતાં લોચનોની તસ્વીર,
ને કપાળે કંકુ લૂછાતા હાથ સ્મર્યાં ફરી એક વાર આજે.
એક્સઠ વર્ષની સ્વતંત્રતાને, વીર ત્રીરંગી ઝંડો પૂછે,
‘શાંતિ ક્યાં?‘સવાલ સળગતા જાગ્યાં ફરી એક વાર આજે.
દેશી-વિદેશી દિલમાં વસતા ને વંચાતા ગાંધીજીએ,
આઝાદ દિને,સત્ય-અહિંસા યાદ કર્યા ફરી એક વાર આજે.
વિશ્વ-માનવી બનવા કાજે રહેજે લડતો સ્વયંની સાથે,
સંદેશ ઝંડા સાથે લઇને શૂરા નમ્યાં ફરી એક વાર આજે.
********************************************************************
ઓગષ્ટ મહિનાને અને ભારતની આઝાદીને ઘેરો સંબંધ છે.15મી ઓગષ્ટનો માહોલ હર હિંદુસ્તાનીના દિલમાં જાગ્યા વગર રહેતો નથી..ક્યારેક શૂરવીરોની અપાયેલ આહુતિ યાદ આવતા,સ્વાતંત્ર્યની ખુશીમાં વેદના ટપકે છે;તો ક્યારેક ગુલામીની જંજિરો પછી મળેલી સ્વતંત્રતા, વેદનામાં ખુશી રૂપે નીતરી રહે છે. કદાચ 61 વર્ષ પછી પણ દ્વન્દ્વોભરી વર્તમાન પરિસ્થિતિ આવા મિશ્ર ભાવોનું પરિણામ હશે…
2007ના ઓગષ્ટમાં જે કલમે “વેદનાની ખુશી” વ્યક્ત કરી તે જ કલમ
2008ના ઓગષ્ટમાં આજે…… “ખુશીની વેદના” રૂપે પ્રગટ થઇ રહી છે……..
તરંગની પાંખે July 9, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a commentરોજ રોજ તરંગની પાંખે, હું ઉડું છું,
દૂર,દૂર,જુદી નવી સફરે હું ઉડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની,
કુદરત ને ભીતરની સફરે હું ઉડું છું.
હિરા-મોતી ખુબ ખોબે ભરી લાવીને,
અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે,
શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.
ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,
કલ્પનાની નાવ લઇ દરિયો હું ડહોળું છું,
ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,
તરતા ન આવડે,તરવૈયાને શોધું છું.
પારેવાની પીડા June 21, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a commentપારેવાની પાંખમાં વેદના કણસાય છે,
આભમાં આજ કશુંક અશુભ વરતાય છે.
મુક્ત ગગનમાં વિહરતા પંખીને,
અચાનક કાં વ્યાકુળતા વીંટળાય છે ?
આઝાદીનાં ગીતડાં ગાતો માનવી,
વિહંગના ઉંચા ઉડ્ડયનથી કતરાય છે !
જાળમાં ફસાઇ,પિંજરમાં પકડાયેલ,ભેરુને જોતાં,
માળાના પક્ષીને હવે સઘળું સમજાય છે.
નીડમાં છુપાઇ,દર્દને લપેટી ગભરુ પંખી,
પાંખો ફેલાવીને હવે ઉડતાં ગભરાય છે.