jump to navigation

એક નાનકડી વાતઃ June 30, 2011

Posted by devikadhruva in : ટૂંકી વાર્તા/લઘુ કથા , 5 comments

 

૪૫ વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે અમે સ્કુલમાં સાથે ભણતા હતા.અમારું એક નાનકડું ગ્રુપ હતુ. શાન્તુ એમાંની એક હતી..વર્ષો પછી એને મળીને, વિશેષ તો એને સાંભળીને ગદ્‍ગદ્‍ થઇ જવાયું. સાત બેનો અને ત્રણ ભાઇઓ સાથે સંયુક્ત કુટુંબમાં ઉછરેલી શાન્તુ આજે વર્ષોના ગેપ પછી મને સાવ જુદી જ લાગી. કેટકેટલી વાતો કરી એણે ? એની એક એક વાતમાંથી નર્યો પ્રેમ નીતરતો હતો.

કહેતી હતીઃ દેવી, કેટલાં વખત પછી મળ્યા,નહિ ? હું તો તને વારંવાર ખુબ યાદ કરું. સ્કુલમાં સાથે ભણતા હતા અને કેવી મઝા કરતા હતા એ દિવસો તો કેમે કરી ભૂલાતા નથી. પછીના વર્ષોમાં તો આપણે સૌ પોતપોતાની જીન્દગીમાં પરોવાઇ ગયા.તું અમેરિકા ગઇ એ જાણ્યું હતું. ક્યારે કેવી રીતે આટલો મોટો ગેપ પડી ગયો એ જ ખબર ન પડી ! દુનિયાને નાની બનાવતી અને નજીક રાખતી આજના જેવી ટેક્નોલોજી પણ પહેલાં ક્યાં હતી ? કહેતા કહેતા એણે એની બેગમાંથી એક સુંદર, હા્થે બનાવેલ રંગીન પૂજાનું આસન કાઢ્યું અને મને આપતા બોલીઃ આ મેં જાતે બનાવ્યું છે, ખાસ તારા માટે આજે જ પુરૂં કર્યુ. બે વર્ષ પહેલાં તું આવી ત્યારે તને મળવાનું ખુબ મન હતું અને પ્રયત્નો પણ ખુબ કર્યા હતાં પણ જ્યારે તારો ટેલી.નં. મળ્યો ત્યારે તું તો પાછી અમેરિકા જવા નીકળી ચૂકી હતી ! ત્યારથી તારા ફરી આવવાની રાહ જોતી હતી.”

હું તો તાજ્જુબ થઇ ગઇ. ક્યાંય કોઇ ફરિયાદ નહિ, અપેક્ષા નહિ. કેવળ હ્રદયનો છલોછલ છલકાતો સ્નેહ.. સાંભળતા સાંભળતા હ્રદય ભરાઇ આવ્યુ અને આંખ ઝળઝળ થઇ ગઇ.. એ બોલે જતી હતી,ઃ” હવે જરા આંખની થોડીક તકલીફ છે. સોય પરોવતા વાર લાગે. બપોરે ઘરમાં કોઇ હતુ નહિ તો પડોશીને ત્યાં જઇ ત્રણ-ચાર સોયો પરોવડાવી..મારે મારા હાથે જ કંઇક બનાવીને તને આપવુ હતું.;અને હા,આ તારા માટે ખમણ અને સમોસા પણ લાવી છું”.. વાહ, મારા ઘેર આવી હતી અને મારા માટે નાસ્તો લઇને આવી હતી !! એની પ્રેમધારામાં હું ભીંજાતી જતી હતી. શું બોલવું એ જ મને સૂઝતુ નહોતુ. કારણ કે મેં તો એને ફોન પણ કર્યો નહતો..મનોમન મેં ખુબ ગુનેગારીની લાગણી અનુભવી.

ભૂતકાળના સંસ્મરણો યાદ કરી કરીને કહેતી હતીઃ  “યાદ છે આપણે પેલા નાટકમાં રહ્યા હતાઃ ”માનવ તારું વિશ્વ” ? મણીપુરી નૃત્ય, આસામી  લોક-નૃત્ય ? હું આપણા ગુરુ રામકુમાર રાજપ્રિયને મળી હતી.એ પણ બધાને યાદ કરતા હતા.”  એને કેટલું બધું કહેવુ હતું ? પોતે દીકરા-વહુ અને પૌત્રી સાથે રહે છે જણાવી સારી સારી આનંદની વાતો કરી અને એના મનોકાશમાં મારી સાથે સંકળાયેલી જેટલી જેટલી વ્યક્તિઓ હતી તે તમામના ખબર અંતર રસપૂર્વક પૂછ્યાં અને જાણ્યાં.સાંભળતા સાંભળતા તેને લઇને આવેલી મારી ખાસ સખી શોભામાંથી મારું ધ્યાન શાન્તુની લાગણી તરફ કેન્દ્રિત થતું જતુ હતું. મારી વાતો અને પ્રવૃત્તિઓની કહેવા અને બતાવવા માંગતી બાબતને બાજુએ મૂકી હું તેને વધુ ને વધુ સાંભળવા લાગી.મનમાં વિચારતી હતી કે સાત સમંદર પાર કરીને  જ્યારે સૌને મળવા અને જોવા વતનમાં જઇએ છીએ ત્યારે આ બદલાતા જતા સમયમાં હવે તો ત્યાં કોઇને સમય,અનુકૂળતા અને અમદાવાદથી ગાંધીનગર જેટલા અંતર સુધી જવાની તૈયારી કે ઇચ્છા પણ હોતી નથી; ત્યારે આવી વ્યક્તિઓની આ નીતરતી લાગણી, હૈયાના ઊંડાણને અડકી ન જાય ?

પતિના અવસાન પછીની પોતાની મનોદશાની વાત પણ એણે કેટલી હિંમતપૂર્વક છતાં અતિ નાજૂકાઇથી કરી. કહેતી હતીઃ “દેવી, રોજ સવારે ઉઠું અને અરીસા સામે જોઇને જાતને સમજાવું, હિંમત ભેગી કરતા શીખવાડું, સમાજની પરંપરાગત વિધવાના રિવાજોમાંથી બહાર આવી જીવવાના રસ્તાઓ વિષે ચિંતન-મનન કરું,. દીકરા-વહુના જીવનમાં ઉપયોગી થઇ પડું, ભારરૂપ ન બનું તેવુ બધું ઘણું વિચારું. છેવટે આ “હેન્ડીક્રાફ્ટ” નું કામ શીખી અને  હવે તેમાં આગળ ધપી રહી છું. સારું ચાલે છે. મોટી કંપનીઓ ખરીદે છે અને મને આનંદ આવે છે તે જુદો. અમે બધા સંયુક્ત કુટુંબમાં સાથે જ રહીએ છીએ અને આનંદ કરી છીએ.” કેટકેટલી નમ્રતા,સ્વાભાવિક્તા અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર હતો એમાં ?

ત્રણ ચાર કલાકની આ મુલાકાત મારા મન પર ઘેરી અસર કરી ગઇ. જતા જતા એના પર્સમાંથી સાચવીને રાખેલી એક દોઢ વર્ષ જૂની,નાનકડી છાપાની કાપલી કાઢીને બતાવી; જેમાં મારા પુસ્તક પ્રકાશન અંગે ફોટા સહિતનો લેખ હતો ! હું તો નિઃશબ્દ,અવાક્‍,સ્તબ્ધ થઇ ગઇ. છેલ્લે “આવજે” કહેતા અમારા ત્રણેની આંખો ભીની થઇ. એ એટલું જ બોલીઃ”યાદ રાખજે હવે,” અને હું ક્યારના વાળી રાખેલા આંસુને ખાળી રહી.. ઉનાળાના બળબળતા એ દિવસે આકાશ પણ મન મૂકીને વરસ્યું…માટીમાંથી મીઠી મીઠી મનગમતી સોડમ પ્રસરી ગઇ. બહારનું અને આંતરમનનું વાતાવરણ પ્રફુલ્લિત થઇ રહ્યું….

અનિલ ચાવડાનું એક સુંદર ગીત સાંભર્યુઃ–

જીવતરના ગણિતનો ના ગણતા ફાવે ઘડિયો,ભીતરમાં મંદિર ચણે છે કોઇ અજાણ્યો કડિયો..
નહીં જ ભીંતો,નહીં જ બારી,નહીં કશી યે ફ્રેમ,કહો હ્રદયજી,લખ્યા વિણ કૈં રહી જ શક્શો કેમ 
? !!!!

મે ૧૩,૨૦૧૧.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.