jump to navigation

ઈ-વિદ્યાલય–૧ January 30, 2019

Posted by devikadhruva in : Uncategorized , add a comment

http://evidyalay.net/archives/109514

 

http://evidyalay.net/archives/109514

 

 

ઈવિદ્યાલયના બાળકો માટે ખાસ…

પ્રિય બાળકો,

આજે વહેલી સવારે તમે યાદ આવ્યાં અને થયું તમારી સાથે કંઈક વાતો કરું. સૌથી પહેલા તો તમે આ ઈવિદ્યાલય પર જે ભણી રહ્યા છો તેને માટે અભિનંદન આપી દઉં. કારણ કે એમાં જાતજાતનું  કેટલું બધું શીખવાનું મળે છે! 

તમારી જેમ એમાંથી હું પણ શીખું છું હોં. એક વાત કહું ? મને સૌથી વધારે પ્રાર્થના વિભાગ ખૂબ ગમ્યો. તમને ખબર છે પ્રાર્થના એટલે શું? ચાલો એના વિશે થોડી વાતો કરીએ.   

આમ તો પ્રાર્થના એટલે બે હાથ જોડીને, આંખો બંધ કરીને ભગવાન પાસે કંઈ માંગવું તે એવો એનો અર્થ થાય. આપણે સૌ નાનપણથી આ કરીએ છીએ અને એનો અર્થ પણ જાણીએ છીએ. પણ આજે આપણે એના વિશે થોડી વધારે વાતો જાણીએ.

એક નવાઈની વાત કહું?  બહુ હસતાં નહિ.  થોડું મલકી લેજો જરૂર. આપણે આ ’પ્રાર્થના’ શબ્દ કેટલી સહેલાઈથી બોલી શકીએ છીએ પણ અમેરિકનો કે બીજી પરદેશી પ્રજાને તો એ બોલતા પણ ન આવડે અથવા બહું અઘરી લાગે. કેવી નવાઈની વાત હેં?

હા,તો આ પ્રાર્થના શબ્દનું મૂળ ક્યાંથી આવ્યું? પહેલાં આ શબ્દને છૂટો પાડીએ.

પ્ર+અર્થ=અન+આ
સંસ્કૃત ભાષામાં પ્ર એટલે સૌથી સારું,ઉત્તમ,શ્રેષ્ઠ.
અર્થ એટલે માંગવું તે.
અન એટલે પણું+માંગવાપણું
આ એટલે સ્ત્રી જાતિનો પ્રત્યય. પ્રાર્થના કેવી કહેવાય.

આ રીતે આખો શબ્દ થયો પ્રાર્થના. પ્રાર્થનાના પણ ઘણાં શબ્દો છે. દા.ત. વંદના,સ્તુતિ કરવી, શ્લોક ગાવો, મંત્ર બોલવો, બંદગી કરવી, સ્તવન કરવું, વિનંતી કે અરજ કરવી, ભજન ગાવું વગેરે. વળી પ્રાર્થનાનો અર્થ માંગણી ખરી.પરંતુ ગમે તેની પાસે માંગીએ તે પ્રાર્થના ન કહેવાય. માત્ર ઈશ્વર સામે જે વાતો કરીએ, ઈચ્છા કરીએ, કોઈનું શુભ ઈચ્છીએ કે ક્યારેક કંઈક માંગીએ અને તે પણ ખરા દિલથી તેને જ પ્રાર્થના કહેવાય. હવે સવાલ થાય કે ઈશ્વર એટલે કોણ? બરાબર ને? તો એનો જવાબ એવો છે કે, કોઈએ એને જોયો નથી પણ દરેક ક્ષણે એનો અનુભવ થાય છે. એણે જ આખું જગત રચ્યું છે અને એણે જ આપણને આ વિશ્વમાં જન્મ પણ આપ્યો છે ને? તમારી સાથે આ વાત કરું છું ને બાળકો? તો પેલી પ્રાર્થનાની પંક્તિ સંભળાઈ કે “મંદિર તારું વિશ્વ રૂપાળું..સુંદર સર્જનહારા રે”.તો આ સર્જનહારને જે વિનંતી થાય કે એની પ્રશંસા થાય કે એની પાસે કંઈક માંગણી થાય અને તેનો આભાર પણ મનાય તેનું નામ પ્રાર્થના. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે પણ એ ખૂબ જ ભાવથી, અંતરથી થવી જોઈએ.

બીજી એક વાત એ કે પ્રાર્થના કોઈપણ જગાએ થાય અને કોઈપણ રીતે થાય. એવું જરૂરી નથી કે એ માત્ર મંદિરમાં જ થાય. હા, મંદિરમાં જઈને કરીએ તો એક સરસ મઝાનું પવિત્ર વાતાવરણ લાગે અને કદાચ સૌની સાથે ભાવપૂર્વક પણ થાય. પણ એ હંમેશા જરૂરી નથી. આપણે તો નિશાળોમાં પણ પ્રાર્થના કરીએ જ છીએ ને? અને ઘરમાં પણ. બરાબર? પ્રાર્થના ખરેખર તો ઈશ્વર સાથેનો સંવાદ છે. એ સાંભળે? એવો તમને સવાલ થશે. હા, એ ચોક્કસ સાંભળે. એની તો બહુ બધી વાતો છે અને ઘણી લાંબી છે. ક્યારેક એ વાતો પણ કરીશું. પણ આજે તો પ્રાર્થના વિશે જ વિચારીશું.

 બીજું, તમને ખબર છે બહુ મોટી મોટી અને મહાન વ્યક્તિઓએ પોતાના અનુભવ પછી પ્રાર્થના માટે બહુ સરસ લખ્યું છે. કોઈકે કહ્યું છે કે, પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ  છે. મહાત્મા ગાંધીજી તો કહેતા કે, પ્રાર્થના એ આત્માને સ્વચ્છ કરવાની સાવરણી છે. આપણા મોટા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, હે ઈશ્વર,મારા આનંદ અને શોકને હું  સહેલાઈથી સહી શકું એવું મને બળ આપ, કોઈ સેવાનું કામ કરી શકું એવી મને શક્તિ આપ.  કેટલી ઊંચી પ્રાર્થના?

આવી પ્રાર્થના કર્યા પછી મન ખૂબ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય. હિન્દી ભાષામાં પણ એમ કહેવાય છે કે જિસકા રબ હો ઈસકા સબ હો. રબ એટલે કે જેને પ્રાર્થના કરીએ છીએ તે પરમ શક્તિ,ઈશ્વર. વળી કોઈકે તો  એક મઝાની વાત કરી કે, પ્રાર્થના એ ઈશ્વરનો મોબાઈલ નંબર છે!!!  તો તમે પણ મોબાઈલ સાથે જોડાશો ને?!!  It is a greatest wireless connection and nearest approach to God.

મારી ગમતી એક પ્રાર્થનાઃ

ના માંગુ ધન વૈભવ એવા,મન દેખી મલકાય,
ભલે રહું હું દીન તોય લઉં ના,ગરીબ કેરી હાય !
એવું હૈયાનું બળ આપ, પ્રભુજી ! … માગું 
ઉંચા નીચા ભેદ ન જાણું,સૌને ચાહું સમાન
સૌને આવું હું ખપમાં મુજ, કાયા વજ્ર સમાન
એવું શરીરનું બળ આપ, પ્રભુજી ! … માગું
કરતાં કાર્ય જગે સેવાનાં,જો કદી થાકી જવાય
કાયા થાકે મન નવ થાકે ,જીવતર ઉજળું
એવું મનનું બળ તું આપ, પ્રભુજી !

માંગુ હું તે આપ…

ચાલો, ફરી કોઈ બીજી વાત કરવા મળીશું. આવજો.

દેવિકા ધ્રુવ

 

 

આભલે માછલા, સાગરે તારલા…. January 8, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

આભલે માછલા, સાગરે તારલા, એવું પણ વિશ્વમાં કોઈ આણશે.
માનવીને મળે પંખ ને પૂંછડા, અવનવું અટપટું  કંઈક આવશે. 

 

પંખીઓ પામશે વાણી ને બે પગો, અચરજો પણ પછી કંઈ ન લાગશે.
યુગયુગોથી  અહીં હાલતા ને ચાલતા, ફેરફારો જગે કાળ લાવશે..

 

એક જણ વાવશે, અન્ય કો’ ફાવશે એ જ ક્રમ હર ઘરે એમ ચાલશે.
કોઈ નથી કોઈનું,  વાતવાતે કહી,  સગવડિયો નિયમ સૌ બતાવશે. 

 

ધમપછાડા કરો, નભ સુધી પહોંચવા, એકમેક અંતરો કોણ વાંચશે?
જે વિતી તે ઘડીય, તું કદી ફેરવે, નીકળ્યાં વેણ-તીર કોણ વાળશે?

 

 મારશે ગોળી ત્રણ, હાથ ખીલે બાંધશે, તે પછી શિર ખાલી નમાવશે.
યાદ ‘દેવી’ કરી, આશ દિલમાં ભરે, ‘એ જ એ’ આવીને સર્વ તારશે.

સાત રંગનું સરનામું… December 22, 2018

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગઝલકાર શ્રી,’શૂન્ય’પાલનપુરીના ૯૭-મા જન્મદિનપ્રસંગે, ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે, તારીખ:૧૯ ડિસેમ્બર ૨૦૧૮,બુધવારના રોજ,સાંજે ૦૫-૩૦ કલાકે,આત્મા હૉલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે યોજાયેલ સાહિત્યિક વ્યાખ્યાન ‘સાત રંગનું સરનામું’ પ્રસંગની થોડી તસ્વીરો..
‘શૂન્ય’પાલનપુરીના જીવન વિશે,શૂન્ય’પાલનપુરીના પુત્ર શ્રી તસનીમખાન બલુચ અને ‘શૂન્ય’પાલનપુરીની કાવ્યસૃષ્ટિ વિશે જાણીતા કવિશ્રી રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું હતું અનેસમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેતે’સંભાળ્યું હતું..

      

પળ-અકળ November 29, 2018

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

પળ-અકળ

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,

પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.

 

ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.

કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..

રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..

પણ પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…………
                                          જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.

શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..

સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,

તોય પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં..………
                                             જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

 

ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.

લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.

છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..

આખરી પળ પણ એવી અકળ અહીં…………
                                       પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…

 

એકાંકી નાટકઃ ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’ June 27, 2018

Posted by devikadhruva in : Uncategorized , add a comment

સ્થળ– ‘ધર્મયુગ’ કોલોનીનું એક નિવાસસ્થાન.

કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.

 શિર્ષક : ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’

પાત્રો

વિનોદ ભટ્ટ

યમરાજાની પત્ની યમી-

ચિત્રગુપ્તની પત્ની- ચિત્રા-

હાસ્ય લેખકોઃ જ્યોતિન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા- 

કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.

નાટ્ય રૂપાંતરઃ રાહુલ ધ્રુવ, દેવિકા ધ્રુવ અને  સહાયક બધાં જ પાત્રો

સૂત્રધાર—  દેવિકા ધ્રુવ..

_____________________________________________________________________

 પ્રથમ દૃશ્ય


સાંજનો સમય છે. શ્રી વિનોદ ભટ્ટ ‘ધર્મયુગ કોલોની’માં આવેલા પોતાના નિવાસસ્થાને બેઠા છે. ઢળતી સાંજના આછા અંધારામાં ઓરડામાં કંઈક હલચલ થતી જણાય છે, કોઈ આકૃતિ આવતી દેખાય છે. અને…વિનોદ ભટ્ટ પૂછે છેઃ

****************************************************************************************************

વિનોદ ભટ્ટ–  કોણ? કોણ છે?

યમી– હું યમી..

વિનોદ ભટ્ટ.- યમી?  કોણ યમી??  કાંઈ ઓળખાણ નથી પડતી.

યમીઃ હું યમરાજની પત્ની યમી.

વિનોદ ભટ્ટ -ઓહોહો… પણ તમે ક્યાંથી? હું તો યમરાજની રાહ જોતો હતો!!

યમીઃ. તમે લોકોને બહુ એન્ટરટેઈન કર્યા એટલે તમારા માટે યમે મને મોકલી!

વિનોદ ભટ્ટ -લો કહો ત્યારે… આપણે તો અહીંથી જ સ્વર્ગલોક શરુ. કર્મના ફળની વાત સાચી હોં.

 યમી-  આ ઘોર કલિયુગમાં તમે ધર્મયુગ‘ કોલોનીમાં રહો છો? કમાલ છો !

વિનોદ ભટ્ટ– કેમ એમાં શુ? હસે અને બીજાને હસાવે તે ઘર વસાવે. એનું નામ ‘ધર્મયુગ’.. અરે, તમને પણ હસાવીને પેટ

દુઃખાડી દઉ. કરવો છે અખતરો?

યમીઃ હા, હા, ચાલો મારી સાથે..તૈયાર છો ને?

વિનોદ ભટ્ટ– યમી….એક મિનિટ હોં.. ઊભા રહો. આ ઘર અને  બીજાં બંગલાવાસીઓને છેલ્લી એકવાર જોઈ લઉં?

યમીઃ રહેવું છે હજી થોડાં વર્ષ લાગવગ લગાડુંવોટ્સેપ પર મેસેજ મોકલી દઉં?

વિનોદ ભટ્ટ -નારે નાહવે બહું થયુંકૈલાસ ગઈહમણાં નલિની ગઈતેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠીતારક મહેતાનેય મળવું છે. અને યમી..તમને   જાણીજોઈને બેન નથી કહેતો. નહિ તો પાછા આપણને એન્ટરટેઈન કરવાની અગવડ પડી જાય! હં… તો હું એમ કહેતો હતો કે…અરે..( માથું ખંજવાળતાં) શું કહેતો હતો…આ તમને જોઈને ભૂલી ગયો બધું.

 યમીઃ તમે એમ કહેતા હતા કેજ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠીતારક મહેતાનેય મળવું છે 

વિનોદ ભટ્ટ -હા તે બધાનેય મળવું છે અને અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. ચાલોતમતમારે… આપણે રેડી છીએ.”

યમીઃ  ઊભા રહોજરા ગાંઠિયા ખાઈ લઉં.

વિનોદ ભટ્ટ- હાએ પહેલું હો.. ગાંઠિયા અને ચહા વિના વાહન ના ચલાવી શકાયતો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે.  

યમીઃ (હસીને) પાડો નથી,પાડી છે.. તમારે માટે બધી જ સ્ત્રીઓ!

વિનોદ ભટ્ટ —આ તમારી પાડીને તો ગાંઠિયા નથી ખવડાવતા ને ! “

યમી હસી પડી.નાનાપાડી તો લીલા ઘાસ વિના બીજું કશું ખાતી નથી.

વિનોદ ભટ્ટ-અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દોબધુ ખાતી થઈ જશે.

દૃશ્ય  ૨

સૂત્રધાર—(આમ  વિનોદ ભટ્ટ યમીની પાછળ પાડી પર બેસીનેમજાક કરતા કરતા યમલોકમાં પહોંચે છે..)

યમીઃ લો, તમે અમારા લોકમાં આવી પહોંચ્યા હવે. અરે, ચિત્રા,ઓ ચિત્રા …(બૂમ પાડી બોલાવે છે.)

યમી-( વિનોદ ભટ્ટને ચિત્રાને સોંપતાં કહ્યું-) આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.

વિનોદ ભટ્ટ-.– આ ચિત્રા વળી કોણ છે?

યમીઃ યમની યમી અને ચિત્રગુપ્તની ચિત્રા !  તમારો બધો હિસાબ જોશે.

(ચિત્રાએ મોટો ચોપડો કાઢ્યો._)
 

ચિત્રા– નામ ?

વિનોદ ભટ્ટ –“વિનોદ”

ચિત્રા–“કેવા ? “

વિનોદ ભટ્ટ –“એવા રે અમે એવા”

ચિત્રા-“એમ નહીં,જ્ઞાતિએ કેવા ?”

વિનોદ ભટ્ટ –” અહીં પણ લોકશાહી છેઅહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “

ચિત્રા–અરેઆખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ ૬૭૫૮૩ છે.”

વિનોદ ભટ્ટ—( હસીને કહે છે)  હવે ૬૭૫૮૨ થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”

ચિત્રાએ ચોપડો ફંફોસવા માંડ્યો.

ચિત્રા–” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”

વિનોદ ભટ્ટ..કેમ “વધારે લખાઇ ગયું છેઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”

ચિત્રા—( થોડી) અકડાઈવિનોદભાઇજે ઓછું કે વધુ નહીંપણ સાંભળો.. ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વેતમે તો લોકોને બહુ હસાવ્યા છે.”

વિનોદ ભટ્ટ-_( ચિત્રાના ખભા પર હાથ મૂકીને) જો દોસ્તલખવાનું કામ આપણુંહસવાનું કામ વાચકોનું.”

ચિત્રા— (ગળગળી થઇ) સાહેબમેં પણ તમને બહુ વાંચ્યા છે, હોં.. 

વિનોદ ભટ્ટ –(આંખ મીંચકારી) તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો. 

ચિત્રા–સાહેબતમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે. 

વિનોદ ભટ્ટ –અચ્છા તો તમે ગુણવંત શાહને પણ વાંચ્યા એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરશો.. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો સંપાદકને તકલીફ પડે. 

ચિત્રા—સાહેબઆ બધુ તમારે ઉપરયમરાજાને કહેવું પડે. હું તો હિસાબની વ્યક્તિ અને તે પણ તમારા જેવા ખાસ

માણસોને માટે જ.. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.

 ચિત્રા— (પોતાના નાક પર આંગળી મૂકીને કહે છે) હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.

(ચિત્રાને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે)

વિનોદ ભટ્ટ —- તમે યારહજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.

ચિત્રા–(ચશ્માં સરખાં કરતાં)– એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છેપણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશેઆપણે ખોટી મહેનત કરવી.”

વિનોદ ભટ્ટ (હસતાં હસતાં)–એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…

ચિત્રા (હસતાં હસતાં),” બોલોનર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”

વિનોદ ભટ્ટ –વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?

ચિત્રા–“નાઅહીં સાહિત્ય એકેડેમી કે સાહિત્ય પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”.

વિનોદ ભટ્ટ –તો યારત્યાં લઈ લો. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તોદિવ્યભાસ્કરમાંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”

ચિત્રા–“તમે કહેતા હોય તોતેમને અહીં બોલાવી લઇએ.”

વિનોદ ભટ્ટ ––“નાના. ” જરા ઉભા રહો, આ વોટ્સેપ જોઈ લઉ.

(બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રા પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,)”

ચિત્રા–  મારો પણ વોટ્સેપ આવ્યોલો. (વાંચતા વાંચતાતમને જ્યોતિન્દ્ર દવે,તારક મહેતા,બકુલ ત્રીપાઠી યાદ કરે છેજાઓસ્વર્ગલોકમાં સિધાવો.”

દૃશ્ય-૩


 સૂત્રધાર–(ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છેલતાઓ, વનલતાઓઅનેક પ્રકારના છોડવિવિધ પ્રકારનાં પુષ્પો અને લીલાંછમ પાનથી શોભતાં વૃક્ષોથી વાતાવરણ છલકાઈ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છેતેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છેતારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે વિનોદભાઈને  ભાવથી આવકારે છે.)

 

જ્યોતિન્દ્ર દવે–“આવોવિનોદ આવો,” (જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.)

વિનોદ ભટ્ટ —બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? (વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”)

જ્યોતિન્દ્ર દવે —ના રે ના નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” અમે યુનિયન નથી કર્યું હો ભઈલા…..

બકુલ ત્રિપાઠી(વિનોદભાઇના દેહ પર નજર કરતાંવિનોદતમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ”

વિનોદ ભટ્ટ -“બકુલભાઈસૂકાઈ ગયો એટલે તો અહીં આવ્યોનહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”.

બકુલભાઈ—( હસતાં હસતાં જવાબ ) તમે અહીં આવવાના હતા એટલે…બાકી આમ તો થોડી વધી હતી!

તારક મહેતા—( વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી)—વિનોદભાઈ, સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”

વિનોદ ભટ્ટ —.”તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે અહીં પરમેનેન્ટ મજા નથી હોતી ?”

જ્યોતિન્દ્રભાઇ –“પહેલા એવું હતુંપણ હવે વોટસેપ અને ફેઈસબૂકને કારણે સ્થિતિ બદલાઇ ગઈ છે. 

તારક મહેતા – સારુ, સારુ.. એ વાત જવા દો. હવે એમ કહો કે રતિલાલ બોરીસાગર ત્યાં કેમ છે?

વિનોદ ભટ્ટ.—“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. બાબા રામદેવનું શીખવાડેલું શવાસન અને કપાલભાતિ દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં ૩૦-૩૫ વરસ અહીં આવે તેમ લાગતું નથી!”

જ્યોતિન્દ્ર –એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ.( થોડી વાર વિચારી)
 જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખઅશોક દવેશાહબુદીન રાઠોડજગદીશ ત્રિવેદીહરનીશ જાની આ બધા લખી રહ્યા છે. વિનોદ્ભાઈ, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું ૭૮એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા ૮૭માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી ૭૭મેં આવ્યા. મધુસુદન પારેખ ૮૫ વર્ષે હજી જામેલા છેઆમ તો રતિલાલ બોરીસાગરને ૮૦ થઇ ગયાં છેપણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.

બકુલભાઈ–” નાનાબધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાયથોડાને ત્યાં પણ રહેવા દો”

ચિત્રાવિનોદ ભટ્ટ સાહેબ… કૈલાસબહેન અને નલિનીબહેન પણ અહીંયા જ છે.

વિનોદ ભટ્— ઓહોહો…ઓહોહો…લાગવગ લગાવો ત્યારે. મને ત્યાં જ લઈ જાવ ને ભાઈ.

ચિત્રા—ચાલો,ચાલો લઈ જાઉં. એ લોકો પણ તમને યાદ કરી રહ્યાં છે.

વિનોદ ભટ્ટ  (ઊભા થાય છેઉતાવળે પગલે જતાં જતાં બોલે છે)_ હાશ.. ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.

પરમ શાંતિ… 

સ્ટેજ પર અંધકાર છવાય છે અને પડદો પડે છે. 

 

સૂત્રધાર—અને… વિનોદ ભટ્ટ  આ રીતે શાંતિથી સ્વર્ગલોકની મઝા માણે છે…

———————————————————–
પોઝિટિવ મિડિયા.. રમેશ તન્નાના લેખ પરથી નાટ્યરૂપાંતર.

 

કાવ્યપઠન-વાસંતી વાયરો August 27, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર-સંગીતા ધારિયા

કાવ્ય પઠન-સોનેરી એક સાંજ August 26, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર-દેવિકા ધ્રુવ

મને આવી સવાર ગમે-કાવ્યપઠન-સંગીતા ધારિયા August 25, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , 2 comments

મને આવી સવાર ગમે-કાવ્યપઠન-

રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા

 

શતદલ-દ્રશ્ય અને શ્રાવ્ય August 24, 2017

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર અને  સ્વરાંકન–ભાવનાબેન  દેસાઇ

 

 

પૂરવનો જાદુગર-ગીત-ઑડિયો August 23, 2017

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર અને  સ્વરાંકન–ભાવનાબેન  દેસાઇ

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.