કંઇક એ રીતે ગઝલની બાંધણી કરશું અમે, કે તમારા મૌનને પણ રાગણી કરશું અમે. સૌથી પહેલાં તો હ્રદયની તાપણી કરશું અમે, એ પછી જે કાંઇ બચશે, લાગણી કરશું અમે.– -બરકત વિરાણી “બેફામ”
છ – છો ને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે, બન્ને દિલોમાં પ્રેમનો ઝણકાર બાકી છે. સંસારના વહેવારનો વેપાર બાકી છે, બન્ને દિલોના મળવા હજુ તાર બાકી છે. અભિમાનમાં ફુલાઈ ગયા, જોયું ના ફરીને ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને બિમાર કરીને મારા ભોળા દિલનો ———– રમેશ ગુપ્તા
જઃ
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.—આદિલ મનસુરી
ઝ –
ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું
નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ, હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે ઘૂંઘટ નહીં ખોલું હું …———– ચીમનલાલ ભીખાલાલ જોશી
ટ – ટચલી આંગળીનો નખ, હું તો લટમાં પરોવી બેઠી સાજન, મુ’ને એકવાર કાગળ તો લખ! ——- વિનોદ જોશી
ઠ – – ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર, તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર! ને દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં, લાગે છે તને દૂરના ચશ્મા છે ઈશ્વર!! ———-સૌમ્ય જોશી
ડ – ડૂબતા સૂરજથી રૂઠી જાય છે સૂરજમુખી, રાતરાણી એને આવીને મનાવી જાય છેઃ ક્યાં રહે બાકી અભિવ્યક્તિની કોઈ શક્યતા, કક્કા સાથે કાનો-માતર પણ ઉઠાવી જાય છે! — અદમ ટંકારવી
ઢ – ઢળેલી આંખ તારા સ્નેહનું પ્રતિબિંબ છે ખરેખર તો હ્રદયની વાતનું પ્રતિબિંબ છે. ——— રશ્મિ શાહ
ણઃ
ક ને મળે તો નાનો કણ,ખ ને મળે તો માથુ ખણ…
ગ ને મળે તો પૈસા ગણ,ચ ને મળે તો પંખી ચણ…
જ ને મળે તો જન્મે જણ,ધ ને મળે તો ટોળે ધણ…
પ ને મળે તો પ્રભુ પણ, ભ ને મળે તો ભણતર ભણ…
મ ને મળે તો મઝા મણ, ર ને મળે તો તરસે રણ…
હ ને મળે તો કોઇને ન હણ,ક્ષ ને મળે તો સરકે ક્ષણ….
ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ,અગર મળે જો અક્ષર ત્રણ,
તો આંગણ ફાગણ કરતા કરતા…‘ણ’ મળી એમ કરતો કામણ….. દેવિકા ધ્રુવ
ત – તમારાં આજ અહીં પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે; ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે! ——– ગની દહીંવાળા
થ – થઈ ગયાં છે ગાંધી અહીં ને થઈ ગયાં લોખંડીવીર, ઈતિહાસને પલટી રહ્યાં, મોદી ખડા ગુજરાત છે. વાણી મારી ગુજરાતીનને ભૂમિ આ ગુજરાત છે! —— દેવિકા ધ્રુવ
દ – – દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે, એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે! માછલીની એક આંખે તાકવું જો તીર તો, સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે? —— શૈલા મુન્શા
ધ – –
ધારો કે એક સાંજ આપણે મળ્યાં; આપણે હળ્યાં, પણ આખા આ આયખાંનુ શું? —– જગદીશ જોશી
ન – નજર મિલાવી નજરથી દિલને લૂંટી કોણ ગયું? ખીલી ન ખીલી કળિયો ત્યાં તો ચૂંટી કોણ ગયું? -– — અમર પાલનપુરી
લ – લાગણીનું નામ આવ્યું,શ્વાસ સૂનો થઇ ગયો, શબ્દ જેવો શબ્દ પણ બેબાક મૂંગો થઇ ગયો. હું કશું સમજું એ પહેલાં સાવ અળગો થઇ ગયો, ફિલસૂફીમાં હું ગળાડૂબ મિત્ર શાણો થઇ ગયો.——- ગુલામ અબ્બાસ.
‘ળ‘ન હોત તો ગોળ ગળ્યો ન હોત,
ને સઘળું સળવળતુ ન હોત;
‘ળ‘ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત;
‘ળ‘ ન હોત તો માળવે મળ્યા ન હોત,
ને વાંસળી થી વ્યાકુળ ન હોત;
‘ળ‘ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત;
‘ળ‘ ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,
ને જળ ખળભળ ન હોત.————–દેવિકા ધ્રુવ
*ક્ષ* –
ક્ષણ છોડી ને ,સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ ,નદીમાં શોધું છું !!
છે બધું છતાં કેમ,ખૂટે છે કશુ ?
સુખના કારણો,અતીતમાં શોધું છું !!
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
આઃ
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી ને પોયણી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી ને નજરું જુએ તે રાધા રે !
ઈઃ
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
થવું પડે સુદામા….ઈશ્વર પડ્યો નથી રસ્તામાં….
બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહી મળે સસ્તામાં… ઈશ્વર પડ્યો નથી રસ્તામાં….
નહી મળે ચાંદી સોનાના,અઢળક સિક્કા માં,
નહી મળે કાશીમાં કે મક્કા માં,
પણ નસીબ હોય તો મળી જાય
તુલસીના પત્તામાં….ઈશ્વર પડ્યો નથી….– અવિનાશ વ્યાસ
એકલા જ આવ્યા મનવા, એકલા જવાના
સાથી વિના સંગી વિના, એકલા જવાના…
કાળજાની કેડીએ, કાયા ન સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ન સાથ દે ભલે, છાયા ન સાથ દે ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના… બરકત વિરાણી ‘બેફામ’
ઓઃ
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે….
ઔઃ
ઔર ગાણામાં હોય શું ગાવું.
ગીત ગાવું તો પ્રીતનું ગાવું.
છીછરા નીરમાં હોય શું ન્હાવું
તરવા તો મઝધારે જાવું.
ઐઃ
ઐ શાહજહાં,તારું એ સંગેમરમરનું દર્શન જોઇ લીધું
ને તેં કરાવેલ દૂનિયાને દોલતનું દર્શન જોઇ લીધું;
પણ યાર કબર પર ફૂલો હોય, પત્થર નહીં,
મેં તાજ શું જોયો,તારી અક્કલનું પ્રદર્શન લીધું.
અં
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……