પ્રીતનું ગીત October 5, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so far
આપણા સંબંધનું ગીત જડ્યું આજે
નો’તુ વિચાર્યું મારે શોધવું છતાં યે,
દોડીને આવ્યું બસ એમ આપમેળે,
રમતું દીઠું ને બેઠું કલમની કોરે;
સમયના પાન કેવાં ઉડ્યાં ને આજે,
નો’તુ વિચાર્યું મને સ્પર્શ્યું છતાંયે,
આવીને સ્મિત દીધું દિલને માંડવડે,
મસ્તીથી ઝૂલે એ તો મનડાને માળે;
વર્ષોના વાયરા વીત્યા ને આજે,
નો’તુ વિચાર્યું મને વળગ્યું છતાંયે,
ગણગણતું કાનમાં ગૂંજ્યુ કોણ જાણે,
શબ્દોની દોરે ગૂંથાયું ગીત રૂપે….
નકલી સંસાર September 30, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentએક મુક્તક :
નકલી સંસાર
કુદરત સર્જિત સમય વીણા પર
વર્ષો ફરે છે નખલી જાણે,
સત-અસતના સાજ ઉપર
સંસાર ફરે છે નકલી જાણે….
પાનખર : September 28, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farએક મુક્તક :પાનખર
ઝીણી ઝીણી જાળી જેવી ખરેલ પાનની ડાળી,
ક્રમ સ્વીકારી, મનને વાળી, સ્થિર ઉભી આ ડાળી,
રંગ ગયાં,ફળ ફૂલ ગયાં,ઋતુની દઇ બે તાળી,
થડ ને મૂળ બસ જડાઇ રહ્યાં,સૌ વાત સમજો શાણી.
એક સાંજ : ડો.રઇશ મણિયારને નામ : September 19, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 9 commentsઅમે ઝુમી ઉઠ્યાં એક સાંજે,
હઝલની હળવી-શી વાતે,
અમે ડૂબી ગયાં એક સાંજે,
ગઝલની મર્મભરી વાતે,
અમે ડોલી ઉઠ્યાં એક સાંજે,
“કાગળ પર સખીરે”ની વાતે,
અમે હાલી ગયાં એક સાંજે,
“નૌકાના છિદ્ર”ની વાતે,
અમે ચોંકી પડ્યાં એક સાંજે,
“પગ નીચે ધરતી”ની વાતે,
અમે ઝૂકી પડ્યાં એક સાંજે,
“ત્રણ અક્ષ્રરી ઇશ્વર”ની વાતે…
———————-*****—————————-****—————————— પંદરમી સપ્ટે.ની સાંજે હ્યુસ્ટનમાં આપણા સૌના જાણીતા અને માનીતા ડો. રઇશ મણિયારની ગઝલસંધ્યાનો સુંદર કાર્યક્રમ માણ્યો. તે પછીની તરત સ્ફુરેલી પંક્તિઓને, તે દિવસની મઝાની એક ઝલક તરીકે રજૂ કરી છે.તેમની હઝલ અને ગઝલમાં કોણ ચડે તે કહેવું મુશ્કેલ છે. કેટલીક જાણીતી અસરકારક અને ગહન લીટીઓ, દા.ત.
1)”કોરા કાગળ પર બસ સખી રે!” લખ્યુ,
2) નૌકા અને જળના પરિચયની વાત કરતા “છિદ્ર પડતાં પરિચય થતો જાય છે” અને
3) “લાગણીથી પર છે તું,ઇશ્વર છે તું”
વગેરે ઘણી ગમી,જેનો સહજ ઉલ્લેખ રચનામાં શક્ય બન્યો તે રીતે કર્યો છે.
આશા છે સૌને ગમશે..
જીવન-સાગર September 12, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 9 commentsજનમ-મરણના કાંઠા વચ્ચે,
જીવન-સાગર અવિરત ધારે,
ભરતી ઓટના પ્રવાહો વચ્ચે,
સુખ ને દુ:ખના ઝોલા જાણે;
કદીક તપતો સૂરજ માથે,
કદીક શીતળ ચંદ્રની સાથે,
ચંદરવો તારકનો રાતે,
સાગર વહેતો અવિરત ધારે;
વડવાનલ તો જલતો હૈયે,
તોયે વહેતો સૂરીલા ગાને,
હસતો પીને જગના ઝેર,
શીખવે જેમ કોઇ સંતન જાણે.
એકલતાનો શોર September 4, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 18 commentsઘડીની ટીકટીક ને પાણીની ટપટપ,
ઠંડીની કડકડ ને હીટરની ધમધમ,
ટીવીની રમઝટ ને સુરોની સરગમ,
પંખીનો કલરવ ને હવાની હલચલ,
દીવાની ઝગમગ ને તારાની ટમટમ,
કમાડે ટકટક ને આભાસી પગરવ,
કાગળ ને કલમમાં યાદોની ધડકન,
સાદ સદા એકલતામાં આ હરદમ.
રક્ષાબંધન August 28, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 12 comments
હ્ર્દયની રચના,
કલ્પનાની બહેના,
શબ્દોનો ભ્રાતા,
ભાવોની રક્ષા,
લાગણીના તાર,
કાવ્યોના હાર….
ત્વમેવ સર્વમ August 22, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 15 commentsએક ગદ્યાપદ્ય :
તું અપરોક્ષ પણે નિશદિન સર્વત્ર સ્પર્શે છે,
તું જ અદ્રશ્ય રહીને પણ સર્વત્ર દ્રષ્ટિમાન છે,
સૂરજ- ચાંદ -સિતારા નીકળે છે ક્યાંથી ?
તારા જ રૂપના એ પર્યાય છે;
ક્ષણેક્ષણને એક્ઠી કરી યુગ રચે છે કોણ ?
તારા જ આકારનો એ આવિષ્કાર છે;
ઋતુઓ અને રંગો વિધવિધ બદલે છે કોણ ?
તારી જ પીંછીની એ કરામત છે;
વસંત પાનખરની રમત રમે છે કોણ ?
તારી જ આકૃતિની એ કલા છે;
જીવન-મૃત્યુની દોર,અરે એની વચ્ચેના
જીવન પટને વહાવે છે કોણ ?
તારી જ જાદુગરીનો આ ખેલ છે,
કઠપૂતળીઓ બનાવી સૌને નચાવે છે કોણ ?
તારા જ દિગ્દર્શનની આ સજાવટ છે ;
ભવ્ય રંગમંચના રચનારા એક સવાલ તને….
નેપથ્યમાંથી બહાર આવશે કદી ?
” અહમ્ અસ્મિ ” કહી દર્શન દેશે કદી ?
વેદનાની ખુશી August 15, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 26 comments બાંસુરી વાગે સૂરીલી ત્યારે,
જ્યારે છેદ કાયામાં વાગે;
રુદન સાંભળે બાળનું ત્યારે,
જ્યારે માત પ્રસવે પીડે;
ગગન વરસે નેહથી ત્યારે,
જ્યારે ધરા તપે ને ત્રાસે;
પથ્થર બને મૂરતી ત્યારે,
જ્યારે શીલ્પી ટીપે ને ટાંકે.
શક્તિ બક્ષે પ્રભુજી ત્યારે,
જ્યારે ઘાવ હ્ર્દયે લાગે;
ત્રીરંગી ઝંડા લ્હેરે ત્યારે
જ્યારે શૂરા શહીદી વ્હોરે.
દ્રષ્ટિ અને સૃષ્ટિ August 8, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 11 commentsદ્રષ્ટિ ને સૃષ્ટિ બે સખી અનોખી,
સૃષ્ટિ રંગીલી ને દ્રષ્ટિ નિરાળી,
વીણો તો મોતી દે સૃષ્ટિ સુહાની,
પામો સૌ શૂન્ય જો દ્રષ્ટિ બીડેલી.
સૃષ્ટિ છે સૌની જાણે કે આરસી,
દ્રષ્ટિ છે સૌની મનની અગાશી,
માણી શકો જો સૃષ્ટિ આ રૂપાળી,
જાણી શકો જો દ્રષ્ટિ ના મીંચેલી.
સૃષ્ટિની કાયામાં પરવત ને ધરતી,
દ્રષ્ટિની માયામાં વિધવિધ મૂરતી.
પ્રભુની રચના અદભૂત આ સૃષ્ટિ,
ને તેની જ કૃતિ માનવની દ્રષ્ટિ,
બંનેની તોયે સ્થિતિ કેમ નીરાળી ?
કહો કોણ ચડિયાતી એણે આલેખી ?
જેવી હો દ્રષ્ટિ, દીસે તેવી સૃષ્ટિ,
વિશાળ સૃષ્ટિ સમી કાં ના દ્રષ્ટિ ?!!!