jump to navigation

સર્જાય છે…. September 13, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ગુલામ અબ્બાસના નીચેના એક શેરના છંદને આધાર રાખીને ગૂંથેલ એક ગઝલ.

ભાગ્ય વિફરે તો જીવનમાં એ દશા સર્જાય છે.
ઝાંઝવાઓ રણ ત્યજીને ઉંબરે ડોકાય છે.         (ગુલામ અબ્બાસ)

છંદવિધાન-ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.
( સપ્તકલ રમલ ૨૬ )
 

***************     *****************     *****************

દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
 પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે.       ( શૈલાબેન મુન્શા )

રામ ને સીતાની મૂર્તિને નમે છે લોક સૌ
ઊર્મિલાના ત્યાગને તો ક્યાં અહીં પૂછાય છે?  ( દેવિકા ધ્રુવ )

જોડણીના કોશમાં સંબંધના અર્થો જુઓ
દુનિયામાં આજ એવી લાગણી વર્તાય છે?   ( ઈન્દુબેન શાહ )

શીદ જાવું દુર તારે, ભાંગવા ઈમારતો,
તીર શબ્દોના કદી, ક્યાં કોઈથી રોકાય છે?  ( શૈલાબેન મુન્શા )

માત તારી અશ્રુ ધારા, જોઉ છું હું  મુખ પર
દર્દ પિતાનુ છુપું, ના કોઇને દેખાય છે.         (ઈન્દુબેન શાહ )

ખુબ ચીતરી, ખૂબ લેખી તો ય ના પૂરી થઈ,
ને અઢી અક્ષર-કથા, ના કોઈથી સમજાય છે.     (દેવિકા ધ્રુવ )

સાચું બોલે એ બધા તો જાય ટીપાઈ અહીં,
જૂઠનો લે આશરો તે કેમ નેતા થાય છે?       ( ચીમન પટેલ )

જીવવું ના જીવવું તો નિયતિને હાથ છે.
જિંદગીની દોડમાં ક્યાં કોઇ થી પહોંચાય છે? ( શૈલાબેન મુન્શા )

આજ,કાલે ને પછી ક્યારે મળીશું શી ખબર?
આ સમયની જાળ તો ના કોઈથી પરખાય છે. (દેવિકા ધ્રુવ )

 

__________________________

દેવકીનું દર્દ.. September 9, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

દેવકીની મનોવ્યથા

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે!  સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું  કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

( presented again with modifications) 

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

કાયા તો ઝીલે લઇ ભિતરમાં ભાર,
ના સહેવાતો  કેમે એ ક્રુર કારાવાસ.
આભલુ છલકીને હલકું થઇ જાય,
વાદળું ય વરસીને હળવું થઇ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય…..  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
અંતરનો યામી ભલા પરવશ  શાને?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય? …. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ,
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ,
પણ કોઈ ના જાણે આ જનેતાનું દર્દ?!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

 

 

 

ગોલ્ફ.. August 28, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગોલ્ફ

ગોલ્ફ

સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે.

આમ તો હું રમત-ગમતની દૂનિયાનો જીવ નથી. પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતા જોવાની મઝા આવે છે. જોતા જોતા રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. ( પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં ક્યાં લઈ જાય છે?)  સાથે સાથે અંદરની પેલી કવિ-દ્રષ્ટિ પણ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જીંદગી જેવી જ છે અને જીંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને? પણ છતાં આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું. કારણ કે ગોલ્ફની રમતમાં  ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું.

૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે.દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર,આયર્ન, ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે… ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે.  અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચનાઃ

 ગોલ્ફ

જીંદગી છે ગોલ્ફની રમત જેવી..
રમતા આવડે તો ગમ્મત જેવી.
હજારો યાર્ડની દૂરી પર
એક પછી એક
કુશળતાથી તાકવાના 
અઢાર અઢાર નિશાન !
અભિમન્યુને હતા કોઠા સાત,
અર્જુનની સામે એક જ આંખ..
એક જ પક્ષીની..
ગોલ્ફમાં તો અઢાર નિશાન.
બોલ કદી વાડમાં અટવાય,
કદી ખાડામાં અથડાય,
ક્યારેક ઝાડીમાં ફસાય,
ક્યારેક પાણીમાં પછડાય.
એક પછી એક
તાકવાના અઢાર નિશાન.
શાંત, સ્થિર મનથી,
સિફતપૂર્વક,સરળતાથી,
નાનકડા સફેદ ગોળાને
સીધા રાહ પર લઈ જઈ
ઓછામાં ઓછા ઝટકાથી,
છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!
‘પાર’ થાય તો સ્મિત,
‘બોગી’ થાય તો રુદન.
‘બર્ડી કરો’ તો શાન,
‘ઈગલ’ કરો તો અભિમાન.
અને એમ,
પરિસ્થિતિની પરવા કર્યા વગર,
હસતા, રમતા, આનંદપૂર્વક, 
નાનકડા શ્વેત ગોળાને,
છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો..
અંતિમ લક્ષ્ય સુધી…
આદિથી અંત સુધી.

શબ્દોની નાવ લઈ ચાલી સવારી… August 10, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

શબ્દોની નાવ

 

શબ્દોની નાવ લઈ ચાલી સવારી, સંવેદનાના સાગરમાં તરતી,
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે, આ અક્ષર હલેસેથી સરતી,
મારા, તારા ને કદી આપણા યે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, એ સમયની ધારે વિહરતી…
શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

ધાર્યું’તું, ઊંડે જઈ, ડૂબકી મારીને પછી, ભીતરના મોતી લઈ ધરશું,
ફૂલ સમી કોમળ ખુબ માળાઓ ગૂંથી, આ હૈયાના હારને પહેરાવશું.
પણ ખેવનાના હાથમાં  અક્ષરનું  જ હલેસુ, ધસમસતા ભાવ-પૂર નાથતી,
લો, ચૂમી લઈ શબ્દોને કવિતા સિવાય  કંઈ બીજું ના ધરતી…
શબ્દોની નાવ લઈ ચાલી સવારી …                    

કહે છે કે પાંખ હોય તો ઊડાય ને દૂર ઉંચે વાદળને  ય અડાય,
ને પંખીની જેમ મન ફાવે ત્યાં જવાય ને ફૂલ જેવાં હળવા રહેવાય
કલમ સહેલી આ વાત પાડે ખોટી ને ખેંચે આંગળીઓને ઝાલતી,
એ તો દોડે,ઊડે અરે,સૂરજ ને ચાંદ લગી 
પહોંચે,નીતરતી….
શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

 

જુલાઈ ૨૦૧૫-‘નવનીત-સમર્પણ’માં પ્રસિધ્ધ થયેલ ગઝલ. July 16, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

જુલાઈ ૨૦૧૫-‘નવનીત-સમર્પણ’માં પ્રસિધ્ધ થયેલ ગઝલ.

શિર્ષક-“વાત રે’વા દો.”

નવનીત-સમર્પણ-જુલાઈ'૧૫

 

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

 ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

 જુએ સામે અરીસો લઇ, છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

 સુગંધી શ્વાસમાં સૂંઘી, ભરે અત્તરને વસ્ત્રો પર,
ફૂલોની પાંદડી તોડી,પીસ્યાની વાત રે’વા દો.

 ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

 કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે, ખૂણાની વાત રે’વા દો.

 

’તઝમીન’- એક કાવ્ય પ્રકાર June 25, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

જુન ૨૧ ૨૦૧૫ના રોજ  ‘વેબગુર્જરી’ માં પ્રસિધ્ધ થયેલ લેખઃ

ગઝલની સાથે સાથે કેટલાક રચનાકળામાં નિષ્ણાત એવા ઉસ્તાદોએ ‘તઝમીન’ જેવા કાવ્ય પ્રકાર ઉપર પણ હાથ અજમાવ્યો છે. બરકત વીરાણીએ લખ્યું છે કે, ’તઝમીન’, કોઈ શાયરની મૂળ બે પંક્તિઓ મત્લા, શેર કે મક્તા લઈને એના ઉપર અન્ય શાયર પોતાના તરફથી ત્રણ પંક્તિઓ ઉમેરી એનું અનુસર્જન કરે અથવા વિશેષ સર્જન કરે એને કહેવાય છે. આ કાવ્ય પ્રકારને કોઈ ઉદાહરણ રૂપે રજૂ કરવો હોય તો ગની દહીંવાલા કહે છે કે ‘કોઈ સારા નીવડેલા ગઝલકારના ઉત્કૃષ્ટ એવા ‘શેર’ની બે પંક્તિઓને સુઘડ એવા કોઈ બેઠા ઘાટના મકાનની ઉપમા આપી શકાય. એ મકાન ઉપર ત્રણ માળ ચઢાવી આપનાર કુશળ સ્થપતિ તે તઝમીનકાર’. આ વાતનું સમર્થન કરતાં શ્રી શેખાદમ આબુવાલા કહે છે કે તઝમીનકારને કોઈપણ ગઝલકારનો એક શેર મળવો જોઈએ કે જેના આધારે પોતાની ઊર્મિનો વિસ્તાર કરી શકે.

‘મુસાફિર’ પાલણપુરીએ ૧૯૮૪માં એક તઝમીન સંગ્રહ બહાર પાડ્યો હતો. તેમાં મૂળ કસબી પણ જોતો રહી જાય તેવું કૌશલ તેમણે દાખવ્યું છે. એમની કલમ કુતુબમિનારના પહેલા કઠેરા પરથી ઊંચા સોપાને ચઢે છે. મૂળ ‘શેર’ના ભાવ-જગત સાથે એકરસ થઈ પોતાને સાધ્ય એવી રચનાકળાનાં દર્શન કરાવે છે. ‘મુસાફિર’ પાલણપુરીના તઝમીન સંગ્રહમાંથી કેટલાક નમૂના ‘વેબગુર્જરી’ના વાચકો માટે અત્રે સહર્ષ રજૂ કરવામાં આવે છે.

– દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ

તઝમીન (૧)

      (૧) શયદાનો મૂળ શેર :

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

              તઝમીન :

‘હશે કે કેમ તું?’ એવી કોઈ શંકા ઉઠાવે છે.
ખુદાઈનો કરીને કોઈ દાવો, મન મનાવે છે.
પડે છે ભીડ તો તારે જ ચરણે શિર ઝુકાવે છે!
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

તઝમીન (૨)

     (૨) મરીઝનો મૂળ શેર : 

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

              તઝમીન :

દૂર બહુ નીકળી ગયા,પાછા ફરો જલ્દી મરીઝ !
પાથરેલી જાળ પાછી આવરો જલ્દી મરીઝ !
મોત પહેલાં જે મળે હોઠે ધરો જલ્દી મરીઝ !
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

તઝમીન (૩)

    (3) ઓજસ પાલનપુરીનો મૂળ શેર :

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

          તઝમીન :

ધૂળની લીલા હતી એ,ધૂળમાં ધરબાઈ ગઈ!
કો’ મધુરા સ્વપ્ન પેઠે જાણે ક્યાં ખોવાઈ ગઈ!
ઘેલછા ઓજસ! અમરતાની તરત સમજાઈ ગઈ.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

                    – ‘મુસાફિર પાલણપુરી

મળી ગઈ… June 7, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.

આ ઉગ્યો રવિ દૂરથી રાત વીંધી.
ને સૂરજની ધારા તિમિરો ગળી ગઈ. 

સમયના બે કાંટા સતત ફર્યા પણ,
ફરીને સમયના અક્ષરો કળી ગઈ. 

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી છો,
વળી તો,પરમ દર્શને હું મળી ગઈ. 

આ શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
ઘનેરા ફૂલોના વને હું ઢળી ગઇ. 

નિરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.

કલમની કમાલે ધરી હામ સાચી,
કહું? આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો □ ‘મહેક’ ટંકારવી June 3, 2015

Posted by devikadhruva in : Uncategorized , add a comment

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીનો

રજત જયંતિ કાર્યક્રમ અને મુશાયરો

અહેવાલઃ ‘મહેક’ ટંકારવી.

 

photo_008   photo_102

શુક્રવાર તા. ૧૫મી મે ૨૦૧૫ના રોજ બાટલીના અલ-હિકમાહ સેન્ટર ખાતે યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે ખાસ પધારેલ કવયિત્રી દેવિકા ધ્રુવના મુખ્ય મહેમાનપદે ‘ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલી’ની રજત જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કવિ અહમદ ગુલ સંપાદિત ગુલદાન જેમાં બાટલીના છ ગઝલકારોની કાવ્યકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું અને ‘Batley Bond’ અને ‘Batley Buds’ જેમાં બાટલી અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના નવોદિત કવિઓની અંગ્રેજી રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના સેક્રેટરી ઇસ્માઇલ દાજીએ મહેમાનો, કવિગણ તથા ઉપસ્થિત શ્રોતાઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીના પ્રમુખ કવિ અહમદ ગુલે ફોરમની સ્થાપના અને વિકાસયાત્રા પર ઘણી વિગતે વાત કરતાં જણાવ્યું હતું કે ૧૯૯૦માં ફોરમની સ્થાપના થઇ ત્યારથી લઇ આજ સુધીનાં ૨૫ વર્ષોમાં ફોરમે

દેશપરદેશના ઘણાં જાણીતા કવિઓને અહીં આમંત્રી તેમની ઉપસ્થિતિમાં અનેક મુશાયરાઓનું આયોજન કર્યું છે, સ્થાનિક કવિઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા વર્કશોપ્સ (કાવ્ય શિબિરો) યોજી છે, કાવ્ય અને ગઝલસંગ્રહોનું પ્રકાશન કર્યું છે, અંગ્રેજ કવિઓને પણ પ્રવૃત્તિમાં સાંકળ્યા છે અને એ રીતે લોકોને ગઝલો-હઝલોની લહાણી કરાવવા સાથે છેલ્લા પચ્ચીસ વર્ષથી અહીં બ્રિટનમાં અને ખાસ કરીને યોર્કશાયરમાં ગુજરાતી ભાષાની માવજત સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે. અહમદ ગુલે મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા એ જાણીતો શેર ટાંકીને પોતાનું વકતવ્ય સમાપ્ત કર્યું હતું. અહમદ ગુલની સેવાઓની કદર રૂપે આ પ્રસંગે તેમને તેમની પૌત્રી તરફથી ફુલહાર અર્પણ કરવામાં આવ્યો હતો.

ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ, યુ.કે.ના પ્રમુખ અને ગઝલકાર ‘મહેક’ ટંકારવીએ ‘આ કવિઓએ જે ગાયું છે તેને મારે ગાવું છે, તેમના દર્દને આપ લોકો સુધી પહોંચાડવું છે’ એમ કહી ‘ગુલદાન’ના કવિઓની ગઝલોમાંથી કેટલાક શેરો તરન્નુમથી રજુ કરી જાણે મુશાયરાનું માહોલ સર્જી આપ્યું હતું. તેમણે ખાસ કરીને જેમની ગઝલો-હઝલોના પડઘા હજી યોર્કશાયરની ખીણ-ટેકરીઓમાં ગુંજે છે અને જેઓ પોતાની ગઝલો-હઝલોનો વારસો આપણને સોંપીને અલ્લાહને પ્યારા થઇ ગયા છે તેવા મરહુમ હસન ગોરા ડાભેલી અને મુલ્લાં હથુરણીને યાદ કરી તેમની સેવાઓને બિરદાવી હતી.

ગુજરાતી લિટરરી ગૃપ, બર્મિન્ગહામના કવિ પ્રફુલ્લ અમીને Batley Bond વિષે બોલતાં જણાવ્યું હતું કે અંગ્રેજી ભાષી આપણી નવી પેઢીઓને ધ્યાનમાં લઇ હવે બહુભાષી મુશાયરાઓ યોજવાનો સમય આવી ગયો છે. અંગ્રેજ કવિઓને પણ સાથે લઇને ચાલવાથી એકબીજા સાથે હળવાભળવાનો અને પરસ્પર વિચારોની આપલે કરવાનો મોકો મળી રહેશે. તેમણે સંગ્રહમાં સમાવિષ્ટ તમામ કવિઓને અંગ્રેજીમાં સુંદર કવિતાઓ પીરસવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ત્યાર પછી Batley Budsf]=  ડેવીડ કૂપર અને બાટલી ગર્લ્સ હાઇ સ્કૂલના જુલિ હેઇગના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. નવોદિત કવિઓને પ્રોત્સાહિત કરતી આવી પ્રવૃત્તિઓનું મહત્વ સમજાવતાં તેમણે કહ્યું કે “investment in poets is an investment in our community. It binds together our communities.” વિવિધ સમાજોને એકબીજાની નિકટ લાવવામાં સાહિત્ય અને કવિતા સારો એવો ભાગ ભજવી શકે છે.

ઝયનબ દાજીએ પોતાની અંગ્રેજી કવિતાનું વાંચન કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. ત્યાર બાદ ૧૭ વ્યક્તિઓનું સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે તેમના ઉમદા યોગદાન બદલ પ્લાક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના શ્રી વિપુલ કલ્યાણીએ બ્રિટનમાં ગુજરાતી ભાષા વિષે બોલતાં જણાવ્યું કે અહીંની અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓએ ગુજરાતી ભાષાને અહીં અંગ્રેજીના પ્રભુત્વવવાળા દેશમાં આજ પર્યંત જીવંત રાખવા ઘણું કર્યું છે. દુ:ખ એ વાતનું છે કેે ગુજરાતથી હજારો માઇલ દૂર રહીને પણ રોજી રોટી કમાવાની સાથે સાથે ગુજરાતી ભાષા, સંસ્કૃતિ-સંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા પોતાની કલમ દ્વારા અહીંના કવિઓ, ગઝલકારો, વાર્તાકારો અને લેખકોએ જે મહેનત કરી છે તેની અત્યાર સુધી ગુજરાતમાં જોઇએ તેવી અને તેટલી નોંધ લેવાઇ નથી. ગુજરાતીના વર્ગો પહેલાં ચાલતા હતા જે હવે ચાલતા નથી, ગુજરાતીને અહીંની શાળા કોલેજોમાંથી પણ જાકારો આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતા ઉપજે છે. આવા સંજોગોમાં ગુજરાતી આપણા ઘરોમાં બોલવાનું પણ ચાલુ રહે તો ગનિમત લેખાશે.

લેસ્ટરની લેખિકા અને દેવિકાની વર્ષો જૂની નિકટની સહેલી નયના પટેલે જેમણે લગ્ન પછી ‘વર, ઘર અને બાળકો’ સાથે પણ લખવાનું ચાલુ રાખ્યું છે તેવા મુખ્ય મહેમાન દેવિકા ધ્રુવનો પરિચય આપ્યો હતો. પોતાનું વકતવ્ય શરૂ કરતાં કવયિત્રી દેવિકા ધ્રુવે ચમત્કારોના આવિષ્કારની વાત કરતાં જણાવ્યું કે અહીંયાં આવવું એ પણ મારા માટે એક ચમત્કાર જેવું થયું છે. ‘જ્યાં જ્યાં ભરાતો શબ્દનો દરબાર ત્યાં મન દોરાતું’ એમ કહી અહમદ ગુલનું આમંત્રણ મળતાં મેં અહીં આવવાનું નક્કી કર્યું અને ભાવભીના સ્વરે ઉમેર્યું કે આજે લાગણીનું તાપણું કરી બેઠેલા આવા દિલાવર લોકો વચ્ચે મને ઘર આંગણા જેવું લાગે છે. હું ફોરમની સાહિત્યિક પ્રવૃત્તિઓ વિષે સાંભળી અને નિહાળીને ઘણીજ પ્રભાવિત થઇ છું અને અહમદ ગુલને ખોબા ભરીને દરિયા જેટલી શુભાશિષ આપું છું, અભિનંદન પાઠવું છું. વિશ્વની ભાષાઓમાં સમૃદ્ધિની દ્દષ્ટિએ ગુજરાતી પચાસમા નંબરે આવે છે એમ જણાવી ‘મા (ગુજરાતી) વહાલી પણ માસી (અંગ્રેજી) પણ ગમે છે એમ કહી તેમણે બેઉ ભાષાઓનું ગૌરવ કર્યું હતું. એમણે આદિલ મન્સૂરીને યાદ કરતાં કહ્યું કે મને ગઝલ લખવાની પ્રેરણા આદિલ પાસેથી મળી હતી.

છેલ્લે વિરામ અને ભોજન બાદ મુશાયરાની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક ઇમ્તિયાઝ પટેલે હાજર રહેલા ૨૦ જેટલા કવિઓને પૂરતા સમયના અભાવે ઝડપથી રજૂ કરવાનું કપરુ કામ ઉપાડી લીધું હતું. મહેમાન કવયિત્રી દેવિકા ધ્રુવ ઉપરાંત બોલ્ટન, બ્લૅકબર્ન અને બાટલીના સ્થાનિક કવિઓ, લંડનથી પંચમ શુકલ, પંકજ વોરા અને ભારતી પંકજ, લેસ્ટરથી દિલીપ ગજ્જર, મધુબેન ચાંપાનેરિયા, કીર્તિબેન મજેઠિયા અને ડાહ્યાભાઇ પ્રજાપતિ, તથા બર્મિન્ગ્હામથી પ્રફુલ્લ અમીને પોતાનાં કાવ્યો રજૂ કરી શ્રોતાઓને રાત્રિના ૧૧.૩૦ વાગ્યા સુધી જકડી રાખ્યા હતા.

શબ્બીર કાઝીએ આભારવિધિ કરતાં કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોનો અને સુંદર સ્વાદિષ્ટ શાકાહારી ભોજન પીરસવા બદલ ઇકબાલ ધોરીવાલાનો તથા કાર્યકમના આયોજનની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લઇ તેને સરસ રીતે પાર પાડવા બદલ અહમદ ગુલ અને સાથીઓનો આભાર માન્યો હતો. સાંજના છ વાગ્યે શરૂ થયેલો આ કાર્યક્રમ રાતના ૧૧.૩૦ વાગ્યે સમાપ્ત થયો હતો..

વંટોળ..

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના….

શિખરિણી-૧૭ અક્ષર- યમનસભલગા
( લગાગા ગાગાગા લલલ લલગા ગાલલ લગા )

**********************************************

ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ  થઈ ખુબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ  ઘૂમે વમળ શું,
ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું હ્રદયનું.
પછી ધીરે આવે સરવર  પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
મિટાવી ચિંતાઓ, કરકમલ  લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન  શ્વસે પ્રાણ દઈ દે.
કશું ના જાણું હું, કલમ  કરતાલે રણકતું,
અહો, કેવી લીલા 
કવન કણથી એ શમવતું….

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે… પહેલી મુલાકાત સમયે… May 28, 2015

Posted by devikadhruva in : ગઝલ , add a comment

ગુજરાતી રાઈટર્સ ફોરમ, યુકે ની રજતજયંતિ નિમિત્તે…પહેલી મુલાકાત સમયે…સપ્રેમ, સાદર…

 

કડકડ થતી ઠંડી મહીં આ લાગણીનું તાપણું,
આવા દિલાવર લોક વચ્ચે લાગતું ઘર આંગણું.

 

પહેલી છે મુલાકાત, ને અણજાણ છું હું આપથી,
સાચું કહું તહેદિલથી, આ લાગતું સૌ આપણું.

 

જ્યાં જ્યાં સજાતો શબ્દનો દરબાર ત્યાં મન દોડતું
વિચારતું એના વિના બાકી બધું છે વામણું.

 

આવી અહીં જોયાં બધાં, ગુલશન ભરેલાં ગુલ આ,
પૂછું મને હું પ્રેમથી, શું સ્વર્ગનું આ બારણું?

 

મુજ દિલની આ પ્રાર્થના, ભાવે ભરું અમી છાંટણું,
શુભાશિષો, ગુલે ફલો, શબ્દો તણું લઈ ટાંકણું.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.