પત્રશ્રેણી-૧… નવા વર્ષની નવી વાતો…નવી રીતો..દર શનિવારે… January 17, 2016
Posted by devikadhruva in : પત્રશ્રેણી , add a commentદર શનિવારે…
પ્રિય નીના,
૨૦૧૬નું નવું વર્ષ શરુ થયું છે ત્યારથી એક જ વાત વળી વળીને મગજમાં ઘૂમરાયા કરે છે અને તે હાલની ચાલુ પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કામ શરુ કરવું.
બ્લોગ પર ખુબ લખ્યું, ફેઇસબૂક પર ખુબ વાંચ્યું, સાહિત્યિક અને સાહિત્યેતર સંસ્થાઓ સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરી, કવિતાઓ પણ બહુ લખી, વોટ્સેપ અને વાઈબરના આ સમયમાં, કોણ જાણે બધું જ, બધે જ ‘મોનોટોનસ’ લાગે છે. ક્યાંય નિર્ભેળ આનંદનો અનુભવ નથી થતો. વાદવિવાદ, ચડસાચડસી, હરીફાઈ અને તેને કારણે ચાલતી વાડાબંધીથી એક અજંપો જાગે છે. આમ જોઈએ તો એનું જ નામ તો જીંદગી છે ને ? એ સમજવા છતાં મન એક નવી જ દિશા તરફ ધક્કો મારી રહ્યું છે. આજે તને આ બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે, એક પત્રશ્રેણી શરું કરવાનો વિચાર સતત ઝબકે છે. આજની પરિસ્થિતિ, પ્રસંગો, ઘટનાઓની સાથે સાથે જૂની કોઈ ઊંચી વાતને જોડી વાગોળવી અને ખુબ હળવાશથી જગત સાથે વહેંચવી.
નવા વર્ષના પહેલાં જ દિવસની એક મઝાની વાત લખું. આમ તો મને સામેથી ફોન કરી મિત્રો-સ્વજનો સાથે વાતો કરવી ગમે, ખુબ ગમે. પણ આ વર્ષે જાણી જોઈને મેં જાન્યુ.ની પહેલી તારીખે કોઈને ફોન ન કર્યો. તો શું થયું ખબર છે? નવી નવી ટેક્નોલોજીની બલિહારીને કારણે, ફોન બહુ ઓછા જણના આવ્યા! બીજું, જેમને હું દર વર્ષે કરતી હતી તે કોઈના ન આવ્યાં. તેનો જરા યે વાંધો નહિ. પણ છેક સાંજે ખુબ ખુબ હસવું આવે તેવું બન્યું. છેક રાત્રે મોડેથી મેં લગભગ એકાદ-બે કલાક જેની સાથે સામે ચાલી વાત કરી તેના કેટલાંક સંવાદો લખું. તને ખુબ મઝા આવશે.
“ઓહોહો… સો વરસના થવાના છો. હમણાં જ તમારી વાત થતી હતી. !” (મારા મનમાં-મને ખાત્રી જ હતી.)
“હેલ્લો, અરે વાહ…તમે નહિ માનો પણ આ ફોન પાસે આવીને વિચાર્યું ચાલો, હવે તમને ફોન કરું!”
(મારા મનમાં-સવારથી રાત સુધી તો મેં રાહ જોઈ. )
“શું ટેલીપથી છે યાર…ક્યારનો તમને યાદ કરતો હતો! હમણાં તમારી પેલી કવિતા વાંચી.”
( મનમાં-હડહડતું જૂઠ્!)
“હેલો, લો કહો, આ તમારો જ નંબર ડાયલ કરતી હતી ને ત્યાં તમારો જ ફોન આવી ગયો!”
(મનમાં- શું ગપ્પા મારતાં હશે લોકો.)
“ક્યારની તમને ફોન જોડું છું પણ લાગતો જ નથી ને! પછી થયું કોઈને સાથે વાત ચાલતી હશે!”
(મનમાં- બીજી વાર પ્રયત્ન ન થાય ? )
નીના, તું નહિ માને, દરેક ફોન વખતે મને એટલું હસવું આવતું હતું કે ન પૂછો વાત.
અમે બંને પતિપત્ની એકબીજાં સામે જોઈને આ વાત પર ખુબ હસ્યાં અને વિચાર્યું ચાલો, આમાંથી એક નાટક લખીએ અને આપણે જ ભજવીએ.પછી મને તારી સાથે આ વાત વહેંચવાનું મન થયું એટલાં માટે કે આ પ્રકારની વૃતિઓ કે વ્યવહાર પાછળના હેતુ,આશય કે કારણ શું હશે તેનું થોડું પીંજણ કરીએ. મેં તો એક સારો જ અર્થ લીધો કે ઘેર બેઠાં સરસ હાસ્ય મળ્યું અને કશું સર્જવાની ઈચ્છા સળવળી ! તારો સરસ પ્રતિભાવ આમાં જરૂર ઉમેરો કરશે તેની ખાત્રી છે. રાહ જોઈશ.
એક હિન્દી શેર યાદ આવ્યો.
भगवानसे वरदान मांगा कि दुश्मनोसे पीछा छूडवा दो,
यार,क्या कहुं,अचानक दोस्त कम हो गये !
ચાલ, આજે આટલું જ. અરે હાં, તને અને તારા પરિવારને શુભેચ્છા પાઠવી દઉં. આજના વિશ્વની વર્તમાન અસલામતીના સંદર્ભમાં બીજી તો શું શુભેચ્છા હોઈ શકે ?
સલામત હો સહુ જગ જન, ફરે નિડર બની ચોપાસ,
રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ.
વધુ તારા પત્ર પછી.
દેવી
નર્તન અનંતનુ… January 12, 2016
Posted by devikadhruva in : કાવ્યો , add a commentરોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતુ.
કાલ જે કરતી’તી રેતીની નાની શી ઢગલી
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
ક્ષણ મહીં સરતા આ ક્ષણતણા વ્હેણમાં
એકાએક જાત તો યુવાન થઈ ઉછળતી.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું…..સાવ કાચી
પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી
ચડતી જવાનીના પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીના જાળા
ને અંગો સહુ માંગતા સમારકામ આળા.
ત્યારે દેહમાં પૂરાયેલ નાનકડું હંસલુ ભીતર ને ભીતર ફફડતું.
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પિંજરમાં જઈ વસતું.
આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું ક્યારે કાયાને પલટતું.
ગુજરાતી સાહિત્ય સરિતા ની ડીસે.૨૦૧૫ની બેઠક -અહેવાલ શ્રી નવીન બેંકર December 23, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a comment
(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.
ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેન કડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેન શાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.
૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.
બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા.
શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું. ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.
પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર કરી મૂક્યું. શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.
બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-
પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
સલાહકારઃ શ્રી. અશોક પટેલ
નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.
છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.
અહેવાલ – શ્રી. નવીન બેન્કર (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)
हिन्दी कविताकी शाम-डीसेम्बर २०१५ December 8, 2015
Posted by devikadhruva in : કાવ્યપઠન , add a commentHINDI KAVITA KI SHAAM HOUSTON 2015
recorded by Dr. NIK NIKAM NNN
click the link below:
https://www.youtube.com/watch?v=bsymtjM3cx8
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a comment
‘સ્વરસેતુ’ ન્યુઝ ડાયજેસ્ટ-ઓક્ટો.નવે.૨૦૧૫ November 13, 2015
Posted by devikadhruva in : Uncategorized , add a commentસ્વરસેતુ’ ન્યુઝ ડાયજેસ્ટ-ઓક્ટો.નવે.૨૦૧૫માં પ્રસિધ્ધ થયેલ પ્રશ્નોત્તરી…..
શેર…૧ November 1, 2015
Posted by devikadhruva in : મુક્તકો/શેર , add a commentઈશ્કે હકીકી.. September 25, 2015
Posted by devikadhruva in : ગઝલ,Uncategorized , 1 comment so farવિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જતી હતી..
આજે એક ઈશ્કે હકીકી પ્રસ્તૂત છે. ( સ્વરચના )
કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે.
ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.
ઢળી’તી આંખ જોઈને ખરેલા પાન વૃક્ષોના,
પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે.
સજાવે લોક મંદિરો ભરી, સોના-રુપા થાળે,
મેં ભૂખ્યાં બાળના લોચનની ધારે તમને જોયા છે.
સુંવાળી સુખની શૈય્યા કરી પૂજાવ છો ખોટા,
ખરેખર તો ખરા ભક્તોની વ્હારે તમને જોયા છે.
હવે લાગે છે કે, અવતાર લેવા બંધ કીધા છે.
નહિતર કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”!
તમને જોયા છે… September 23, 2015
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so farબરકત વીરાણી ‘બેફામ’ની એક જાણીતી ગઝલના આધારે લખાયેલ સહિયારી ગઝલ.
છંદ -હજઝ-૨૮ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે.
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે.
છંદ -હજઝ-૨૮ લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.
કહું છું વાત છાની આજ, ક્યારે તમને જોયા છે.
પડે છે દુઃખ માથા પર, મેં ત્યારે તમને જોયા છે. (દેવિકા ધ્રુવ)
ખુલી આંખે ન દેખાયા, તમે જ્યારે મને ક્યાં યે
કરી દીધા મેં નેત્રો બંધ ત્યારે, તમને જોયા છે. ( ઇન્દુબેન શાહ )
તમે છો આમ તો પરદેશમાં ખુબ દૂર મારાથી,
છતાં નિકટ ઘણાં યે હર વિચારે, તમને જોયા છે. ( સુરેશ બક્ષી )
વિધિના ખેલ આ કેવાં સદા સ્મરતો રહ્યો છું હું .
રહી મઝધાર પર, હરપળ, કિનારે તમને જોયાં છે. ( રમઝાન વિરાણી )
તમારી યાદ માં ડૂબી હવે પ્હોંચી રહી પાસે.
નથી દૂરી રહી ઝાઝી,એ આરે તમને જોયા છે. (પ્રવીણા કડકિયા)
અચાનક આ તરફ આવ્યાં ને મારું તો જીગર થંભ્યું,
ખબર એ ના પડી, કે ક્યાં ને ક્યારે તમને જોયા છે. (ચીમન પટેલ)
કદી દર્શન પ્રભુના થાય તો છે યાચના મારી,
ન દૂજો ભાવ, ભક્તિના સહારે તમને જોયા છે. ( શૈલા મુન્શા)
હવે લાગે છે કે અવતાર લેવા બંધ કીધા તેં.
નહિતર કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”( દેવિકા ધ્રુવ)