jump to navigation

વાત લાવી છું… September 25, 2011

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

 

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું. 

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….

************          **************              **********

 ( છંદ વિધાનઃ —ષટકલ ૨૨-વિષમ- ( ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા )

ન કોઇ અહીં August 16, 2011

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

સરી જાય છે દિન આ બધા, પકડી શકે ન કોઇ અહીં.
વહી જાય છે લઇ બાળપણ, બદલી શકે ન કોઇ અહીં.

નિયતિ ફરે ધરતી પરે, સહુ દોડતા ઝીલવા થકી,
અણમોલ ભેટ છે જીંદગી, સમજી શકે ન કોઇ અહીં.

અરમાન સૌ ભરી મન મહીં ઉજવે મળી ભર-યૌવને,
ઘડપણ પછીની વિદાયને, સમજી શકે ન કોઇ અહીં.

જળમાં ચરે જલચર મૂંગા,તરતા મળે ફરતા જીવો,
નહિ જીવતા વિણ પાણી સૌ, જીરવી શકે ન કોઇ અહીં.

પથરા નડે, તડકા પડે, રમતી રહે પુરપાટ આ,
સરિતા સદા હસતી વહે, જકડી શકે ન કોઇ અહીં.

જો મળે નજર મુજથી અગર, સમજી જજે પ્રભુ આરઝુ,
કે જુબાન જે ન કહી શકે, પરખી શકે ન કોઇ અહીં.

આ શહેરની… May 22, 2011

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

ડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.

લીલા લીલા વૃક્ષો ઉંચા યાદો ભરે દૂર દેશની,
સ્પર્શે પવન આ તનબદન લૈ લહેરખી આ શહેરની.

અંગો તણી ધમની સમી આ રક્તવર્ણી ડાળ તો,
જુઓ કશે બીજે ન દીસે  શોભતી આ શહેરની.

આકાશબાગે જલપુલે સ્‍હેલાવતી દર્શાવતી,
અદ્‍ભૂત સિંગાપુરની અજાયબી આ શહેરની.

કુમળી કળી જેવી અહીં ખીલી રહી પૌત્રી દ્વયી,
બ્‍હેલાવતી આશા ઘણી ફૂલો તણી આ શહેરની.

જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની.

અણમોલ કેવી ભેટ આ અર્પી અહો જાદુગરે,
જ્યાં જ્યાં ઠરે આંખો ભરે, લીલોતરી આ શહેરની.. 

( છંદવિધાન – ગાગાલગા*૨૮ – રજસઃ )

કયામત છે….. April 27, 2011

Posted by devikadhruva in : ગઝલ , add a comment

છંદવિધાન -હજઝ ૨૮
( લગાગાગા-૪ આવર્તનો )

ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.
હકીકત તો હતી કે બે, કલેજાની શહાદત છે.

રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો  ફેંકવા સ્‍હેલા,
અગર ભિતર પડો જાણો, શૂરાની શી ઇબાદત છે.

જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
અહીં ના કોઇ અસલી છે, બધી મેક્કપ મરામત છે.

ખરાને પાડવા ખોટા, જગતની રીત જૂની છે;
નિજાનંદે સદા રે’નારના ભવભવ સલામત છે.

પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
બધા બખ્તર લીધાં સૌએ, છતાં કોની હિફાજત છે ?

પરાજય પામનારાને,  પૂછાશે કૈં સવાલો જ્યાં,
ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.

સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
અરે આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.

હોય છે… February 11, 2011

Posted by devikadhruva in : ગઝલ , 2 comments

પીડાઓ તો પ્રસવ સાથે અહીં અકબંધ હોય છે.
જખ્મોનો તો ગઝલ સાથે અહીં સંબંધ હોય છે.

ન ખોતરશો જૂના ભિતરના ઘાવો ભૂલથી પણ,
કે ત્યાં તો ધાર લોહીની સદા નિર્બંધ હોય છે.

અગર સૃષ્ટિ દીસે કુરૂપ તો ના દોષ આંખનો,
બધો અપરાધ દ્રષ્ટિનો બૂરો સંસર્ગ હોય છે.

ન ચારે હંસલા મોતી કદી તો જાણજો સાચે,
બેશક એને બગલાઓનો હવે સંપર્ક હોય છે.

ગુજરાત છે… November 9, 2010

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

    

     

 વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
પાણી દેશે દેશનું પણ ગૌરવ, આ ગુજરાત છે. 

પૂર્વ પશ્ચિમ વિશ્વને ખૂણે વસતા ભાઇ ભાઇ પણ,
વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે.
 
 મુનશીની અસ્મિતા છે, પાટણની પ્રભૂતા ય છે,
સત્યના ચરખાના ઝળહળ દીવડા ગુજરાત છે.
 
થઇ ગયા છે ગાંધી અહીં ને થયા લોખંડી વીર એ,
ઇતિહાસને બદલી રહ્યાં મોદી ખડા ગુજરાત છે.
 
વર્ષ સ્વર્ણિમ ભાવની ગૂંજે કથા સૌ શહેર શે’ર,
સ્વર્ગથી ઊતરી પ્રભુ, તુ જો અહીં, આ ગુજરાત છે.

 

‘ અ ‘ આદિત્ય. November 5, 2010

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

   નવા  વર્ષની  શુભ  શરુઆતઃ ઃઃ ઃઃ

  શબ્દારંભે સ્વર એક  ::  

 ‘ અ ‘ આદિત્ય.

 આવો, આવો આંગણે આજે,

આવકારીએ આદિત્યના આગમનને આજે….

અમાસના અંધકારને ઓગાળતા,

આશા-અરમાનને અજવાસતા,

આવકારીએ આદિત્યના આગમનને આજે….

અર્પી અમી આંખમાં એકમેકને,

અદ્વિતીય આનંદ અંતરથી,

આરાધીએ આદિત્યના આગમનને આજે…..

અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,

આસપાસ આદરનો ઓચ્છવ

અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…

કોને મળી ? October 31, 2010

Posted by devikadhruva in : ગઝલ , 2 comments

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેની કરી તેની કહો કોને ફળી ! 

વાવણી કોઇ કરે ને કાપણી કોઇ કરે,
ચાંદ ઊગે આભમાં ને ચાંદની સૌને મળી. 

ઇશ્વરે હૈયા ઘડ્યાં ઇન્સાનના ફૂલો સમા,
ઘાટ કીધો પથ્થરોથી ઇશનો સૌએ મળી. 

મોકળુ મેદાન દીધું વિશ્વનું જેણે સદા;
માનવીએ કેદ કીધો મંદિરે એને વળી ! 

પારધીના બાણથી વીંધાય પંખી વૃક્ષનું.
તો ય બાંધે નિજનો માળો લઇ ચાંચે સળી. 

જીંદગી કલ્પી હતી તેવી કહો કોને મળી ?
બંદગી જેણે કરી તેની કહો કોને ફળી ! 

********************************** 

 છંદવિધાન ઃ  રમલ ૨૬
( ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા ) 

નગર જુઓ.. October 12, 2010

Posted by devikadhruva in : ગઝલ , 2 comments



શિસ્તના શાસન થકી ચાલતું નગર જુઓ,
આભની વીજળી સમુ આંજતું નગર જુઓ.

પૂર્વની  રીતો  અને  વેવારથી  જુદું  ઘણું,
 માનવીને  યંત્ર  માંહે  શારતુ  નગર  જુઓ.

રાત દીઆઠે પ્રહર  ડોલરની  દોડધામમાં,
 આદમીને  હર  પળે  પલ્ટાવતું  નગર  જુઓ.

દૂરથી સોહામણું  ને  પાસથી  બિહામણું,
દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !
 
શાખ મોટી મોભની તીજોરી ખાલી ખાલી આ,
દાણ વીમાને પથારે કાંપતુ નગર જુઓ. 

લાકડાના  લાડુ જેવી  ખેંચતી  પછાડતી,
 જીંદગીને ભવ્યતાથી માપતું નગર જુઓ.

હોતી હશે? September 27, 2010

Posted by devikadhruva in : ગઝલ , add a comment

તસ્વીર કોઈની કદી શું બોલતી હોતી હશે?
તો યે છતાં કેવી રીતે એ વીંધતી હોતી હશે !

યુગુયુગ વિત્યાં વિશ્વાસના પ્રગ્ટે અહીં દીવા બધાં,
તેથી જ ના દેવોની વાતો ખૂટતી હોતી હશે.

પંખી બધા ઊડી ગયાં, માળા અહીં જંપી ગયાં,
સૂરાવલી બહેલાવવા આ ગૂંજતી હોતી હશે !

પાસે જતાં ચૂભી રહો ને દૂરથી ખેંચી રહો,
કાંટા ભરી ફૂલો તણી આ લાગણી હોતી હશે ?!!

કોઈ કહો આ વીજળી ક્યાંથી કદી આવી પડે ?
ઈશ્વર તણા હસ્તાક્ષરો સરકાવતી હોતી હશે !!!

************       ***************      ***********
છંદવિધાન-રજઝ ૨૮
ગાગાલગા  ગાગાલગા  ગાગાલગા  ગાગાલગા

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.