jump to navigation

ખોવાઈ જવાયું.. January 24, 2014

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

શોધતા શોધતા શોધતા ખોવાઇ જવાયું.
ચાલતા ચાલતા ચાલતા બસ થાકી જવાયું.

શું મળ્યું,શું ગુમાવ્યું, એ તો ના જાણ્યું ખરેખર,
પણ સહુ શોધતા’તા શું, એ ભૂલાઇ જવાયું !

પારણેથી ઝુલીને કબરની ઝોળી! અરે વાહ,
કેવી રીતે ભલા મુખ્ય જ આ ચૂકાઇ જવાયું !

મોકલ્યાં’તા એણે કેવા તો અકબંધ અહીંયા,
ખુલતા ખુલતા ખુલતા ફિંદાઇ જવાયું !

સત્ય છે કે પછી સ્વપ્ન છે, ક્યાં કૈં જ ખબર છે ?
ઉંઘમાં જાગીને જાગતા જોવાઈ જવાયું.

દેખાય છે… December 23, 2013

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

ખુલ્લી આંખે ક્યાં કશું દેખાય છે?

બંધ આંખે તો બધું જોવાય છે!

 

ચાલી આવ્યું છે સદીઓથી અહીં,

ધૃતરાષ્ટ્રને જ સત્તા સોંપાય છે !

 

પૂછવા પૂરતું જ પૂછે છે સહુ,

બાકી મન-માન્યું જ બધે થાય છે.

 

‘ઝીણી દ્રષ્ટિ,કામ લાગે’ સાચું છે,

તેલ જુઓ,ધાર જુઓ, પીલાય છે.

 

અક્ષરો ને શબ્દ સૌ અફળાય છે,

સાહિત્યમાંથી સત્વ શેં ખોવાય છે ?

 

નીર સૌને રાખવા છે સ્વચ્છ આ,

લીલ ચોંટી,સાથમાં ધોવાય છે.

 

કામ વિના નામની છે ઘેલછા,

જાગી જુઓ,સત્ય કો’ જોખ્માય છે.

બાકી છે..

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.

ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

 

જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે !

દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !

 

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.

સતત મંદિરની ભીંતો, કહે છે,ધર્મ બાકી છે.

 

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,

મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.

 

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,

ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

 

ઇશ્વરની યાચના

Posted by devikadhruva in : ગઝલ , add a comment

પથ્થર બનાવી પૂજતા, આ માનવીનું શું કરું?

દંભી બનીને પ્રાર્થતા, આ માનવીનું શું કરું?

 

શણગારવા મુજને કરે, લાખો કરોડો ખર્ચ સૌ,

મૂઠી ભરી ના દાન દેતા, માનવીનું શું કરું?

 

ના પામતા કો’ બાળકો પણ, દૂધ છાંટો ક્યાંક તો,

પંચામૃતો રેલાવતા, આ માનવીનું શું કરું?

 

ભૂખ્યા જનો દ્વારે ઉભી, પીડા લઇને ટળવળે,

છપ્પન ધરે ભોગો બધા, આ માનવીનું શું કરું?

 

જોયા નથી શુકન કદી, કે ના મુહુર્તો શ્વાસના,

ક્ષણ ક્ષણ દીધી મેં હાથમાં, આ માનવીનું શું કરુ?

 

ફૂલો સમા નિર્દોષ ને નિર્મળ સહુ જન્માવું હું,

કેવાં હતાં, કેવાં થયાં, આ માનવીનું શું કરું?

 

ક્યાંથી રીઝુ? આ વિશ્વ જોઇ, યાચના તો હું કરું !

હે માનવી, સમજાવી જા, આ માનવીનું શું કરું?

 

વાત રે’વા દો. June 26, 2013

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

હ્યુસ્ટનનું એક સાહિત્ય-રત્ન એટલે રસિક મેઘાણી.તેમનું ખરું નામ અબ્દુલ રઝાક.  ‘રસિક’ તેમનું તખલ્લુસ. જાણીતા ગઝલકાર ”નઝર” ગફૂરીના એ પરમ શિષ્ય. ૨૦૦૯ થી ૧૧ના બે વર્ષના ગાળામાં ગઝલના આંતર-બાહ્ય રૂપો, છંદ-ગૂંથણી અને ભાવવિશ્વ વિશે તેમની પાસેથી શીખવાનો અને એ રીતે અભ્યાસ/આયાસ અને રિયાઝનો મને પણ મોકો મળ્યો. ગઝલ-ક્ષેત્રે કલમને વધુ નક્શીદાર  બનાવવાના મારા પ્રયાસની વચ્ચે, ૨૦૧૨માં તેમને  સ્ટ્રોક અને હ્રદય-રોગનો હુમલો આવ્યો. ઇશ્વર-કૃપાએ બચી  ગયા પણ તેમનું જમણું અંગ પેરાલીસીસનો ભોગ થઇ પડ્યુ.

હાલ પરિવાર સાથે પાકિસ્તાન જઇને સારવાર લઇ રહ્યાં છે. ગઇકાલે ફોન પર વાત કરતાં મન ભરાઇ આવ્યું. તેમનો તત્વચિંતનથી ભર્યો શેર ઘણું કહી જાય છે.

“ચહેરા ઉપર ઉભરતી રહી કાળની લકીર,
ને આપણે તો આઇનો જોતા રહી ગયાં”.

આજની મારી ગઝલ ‘રસિક’ મેઘાણીને…..સાદર….

 

કવિતા ફૂટતી ક્યાંથી, સુહાની વાત રે’વા દો.
નકામી માંડ રુઝાયેલ ઘાની વાત રે’વા દો.

ભર્યા ઠાલા અને પોલા, છે અર્થો શબ્દ-કોષોમાં,
પરાયા પોતીકાને જાણવાની વાત રે’વા દો.

જુએ સામે અરીસો લઇ છતાં ના જાતને જોતા,
મળે ઇશ્વર, તો શું દેખે? બેગાની વાત રે’વા દો.

સુગંધી શ્વાસમાં સૂંઘી ભરે અત્તરને વસ્ત્રો પર
ફૂલોની પાંદડી તોડી પીસ્યાની વાત રે’વા દો.

ઝવેરી વેશ પ્‍હેરી વિશ્વને ઘાટે જૂઠા બેઠા,
હિરા ફેંકી, વિણે પત્થર, દીવાની વાત રે’વા દો.

કોઇ લાવો નવા રાજા ને રાણીની કથાવાર્તા,
પરીઓની ખરી ખોટી, રૂપાળી વાત રે’વા દો..

કહ્યું છે સાચું વિજ્ઞાને હજારો વાર પૃથ્વી ગોળ,
મળે રોવાને ક્યાં એકે ખૂણાની વાત રે’વા દો.

 

ઉનાળો June 3, 2013

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

 

ઉનાળો

“વેબગુર્જરી” પરિવારનુ પ્રથમ નવલું નજરાણું એટલેગ્રીષ્મવંદનાનામે ઇપુસ્તક.

તેમાં સમાવેશ પામેલ મારી એક રચના ઉનાળો’  અત્રે સહર્ષ આપની સમક્ષ ***************************             

   છંદવિધાન-   હજઝ- ૨૮ ( લગાગાગા*૪)

ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે.
ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે.

સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી,
ઝરે જલ-ધન, મળે માનવ રૂપાળો યાદ આવે છે.

નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
એ વ્હાલી બાના ગામે કેરીગાળો યાદ આવે છે.

શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે,
ભગિની-ભાઇનો એ નેહ નિરાળો યાદ આવે છે.

ભલે બાળે, દઝાડે ઝાળ સૂરજ ચૈત્ર-વૈશાખે,
મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.

હકીકત તો અનોખી સ્‍હેલ છે સંસાર ઉનાળાની,
સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે

સ્વર્ગીય સમૃધ્ધિ.

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

કેનેડા

Canadian rocky mountain at Jasper

નથી જાણ્યું હશે, કે ના હશે, કો’ સ્વર્ગનો આવાસ,
અને જો એ, હશે તો, થાય એવો અહીં કર્યો એહસાસ.

અનોખા ખૂબ ઉંચા શિખરો ભૂરા અને નીલા,
ભળી રાખોડી રંગોથી ભરે ભસ્માંગ-શો આભાસ.

ઝિલી ઝીલાય ના શબ્દો મહીં, કુદરત કલા અદ્ભૂત,
મઢેલા બર્ફ હિરાઓ તણા હારો વિંટ્યા ચોપાસ.

ડુબાડો જાતને પૂરી, નક્કી અહીં ખુદને ખોળો,
ગિરિમાળા પડી, અંગડાઇ લૈ એકાંતનો સહવાસ.

નથી જાણી હશે કેવી, અનંતે સ્વર્ગની સુવાસ,
કવિ વૃંદે રચ્યો એથી વધુ રૂડો કીધો એહસાસ..

જુદી જુદી શાન..

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

જમાને જમાને, જુદી જુદી શાન છે.

વડીલો ખૂણામાં, જુવાનોને માન છે.

 

હતી જે મઝા દાળ લાડુ ને વાલની,

પીઝા,નાન પીટા,સુરાહીને સ્થાન છે.

 

હજ્માજમ જેવા, સૌ રસમ પીરસાતા,

હવે રોજ રોજે, મદિરાના પાન છે.

 

લઇ પેન-પાટી, લખાતો હતો કકકો,

હવે આઇપેડ, આઇફોનોમાં ગાન છે.

 

ગયા ટેલીગ્રામો,પછી ફોન ફેક્સો,

મળે છે ઇમૈલો, ને ટેક્સ્ટના માન છે.

 

કરે દર્શનો સૌ, હવે તો યુટ્યુબ પર,

કથાઓ,ભજન નાટકોના યે નાદ છે.

 

ચઢયા ચાંદ પર ને વળી શોધ મંગળ,

હજી કેમ અંતિમ પળથી અજ્ઞાન છે ?!!

વાગે છે.. April 1, 2013

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

વાગ્યા ઉપર વાગે છે.

દાઝ્યા ઉપર ડામે છે.

 

રુઝ માંડ આવે ત્યાં,

જાતે જ ફરી ચાંપે છે.

 

છાંયાથી દૂર ભાગી જઇ,

તડકે જઇને ચાલે છે.

 

જાણી બુઝી વ્હોરે તાપ,

સૂરજને શેં ભાંડે છે ?

 

નિર્મળ ડહોળી નીર,

તીરે ઉભી મ્હાલે છે.

 

ડૂબ્યા વિના ઝંખે મોતી,

કોને ‘દેવી’ લાધે છે ?

મળે છે કંઇ? March 25, 2013

Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far

એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
દિલ-દિમાગને, ક્યાં બને છે કંઇ?

કૈં કહે ના, તો યે સમજી જાયે બધુ,
એ નજર પણ, હવે શું જડે છે કંઇ ?

કેટલાં નામ બોલાય છે સાથમાં,
પણ કહો, કૃષ્ણ-રાધા મળે છે કંઇ?

ખુબી જે સાચી છે,તે છબીમાં નથી.
મ્હેંક થૈ આ હવામાં સરે છે કંઇ.

સાચવી સાચવી ત્રાજવે તોલીએ,
પણ સગાંઓ, વહાલાં બને છે કંઇ?

બિંદુની વાતમાં, સિંધુની વાત છે.
શબ્દ ને મૌન વચ્ચે, ફરે છે કંઇ.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.