jump to navigation

હાયકુ એક કાવ્યપ્રકાર—યોસેફ મેકવાન March 20, 2020

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

હાયકુ એક કાવ્યપ્રકારયોસેફ મેકવાન

શ્રુતિવાળું કાવ્યસ્વરૂપ જેટલું સરળ લાગે છે એટલું વધારે સંકુલ છે. આપ સૌ જાણો છો કે કાવ્યમાં ધ્વનિ મહત્વનો છે. શબ્દસ્થ થયેલી પંક્તિમાંથી ઊઠતી વ્યંજના આપણને ચિત્તમાં અર્થ પ્રગટાવતા તે આનંદઆહલાદ આપે છે. કવિતાનો સ્વભાવ આનંદ આપવાનો છે. પછી તે આનંદથી ઊઠતી વ્યંજનાનો વિસ્તાર  હ્રદયને સ્પર્શતા તે કવિતા બને છે.

 

આપણી ભાષામાં સોનેટગઝલરૂબાઈ  જેવા કાવ્યપ્રકારો  વિદેશથી આવ્યા અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યા. રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં કવિ શ્રી  સ્નેહરશ્મિના હાથે જાપાનીસ કાવ્યપ્રકાર હાઇકુ અવતર્યું,ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.

 

પ્રાચીન કાળમાં દુનિયાના દેશોમાં,આપણે જાણીએ છીએ તેમ,રાજદરબાર ભરાતા. તેમાં કવિઓને આગવું સ્થાન મળતું. આરબ દેશોના રાજદરબારમાં શાયરો ( કવિઓ ) ગઝલોમુક્તકો કહેતા.આપણી જેમ જાપાનમાં પણ રાજદરબારમાં કવિઓ તાન્કા કે હાઈકુ સંભળાવી રાજદરબારનું મનોરંજન કરતા. મૂળ તાન્કામાંથી હાઈકુ આવ્યું. તાન્કામાં ની શ્રુતિ રહેતી.  તેમાંથી સત્તરમી સદીમાં  (૧૬૪૪૧૬૯૪) બાશો નામના કવિએ તાન્કામાંથી જે નવું રૂપ સર્જ્યું તેહાઈકુકહેવાયું. તેમણે તાન્કાની આરંભની ની શ્રુતિની સ્વતંત્ર કાવ્ય રચના આપી તેનેહોક્કુકહી. પછી સમય જતાં તેહાઈકાઈનામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયુંહાઈકુ’!

 

હાઈકુ વિશે બાશોનો મત પ્રમાણે છેઃ
જ્યારે સંવેદનશીલ મન જડચેતન પદાર્થોમાં કોઈ વિરલ ભાવ અનુભવે, કોઈ આધ્યાત્મિક સંવેદના જગાડે, કવિ તેને શબ્દસ્થ કરે તે પણ ૫ની શ્રુતિમાં ત્યારે તે હાઈકુ બને! તેમાંથી વ્યંજનાના કે ધ્વનિના તરંગો ભાવક મનમાં જન્મે.

 

આવું હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે..
કોઈ સદ્વૃત્તિનું ભાવવિશ્વ ખડું કરે.
રોજ સવારે ખીલતા પુષ્પો રોજ નવું દર્શન કરાવે. નવો પથ આપે.પ્રકૃત્તિના તત્વોથી શબ્દચિત્રમાં અંકિત કરે,જે નવજીવન પ્રેરે.

 

આમ,હાઈકુની પ્રથમ શરત છે કે પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. તે ભાવક ચિત્તમાં પ્રતીતિકર રીતે સંક્રાન્ત થાય. તેમાં ઈન્દ્રિજ્ઞવ્યત્યયો,ભાવવ્યત્યયો,પ્રતીકોનો સુમેળભર્યો વિનિયોગ થયો હોય. એકનું એક પ્રતીક અનેક સંદર્ભે,વિવિધ અર્થે રચાયું હોય કે જેના દ્વારા વાચકભાવકના ચિદાકાશમાં  સંતર્પક સંવેદનો તરંગિત થઈ ઊઠે!

 

આપણે ત્યાં આવા લઘુ કાવ્યસ્વરૂપ  મુક્તક,સુભાષિત,ઉખાણાં કે લાંબા કાવ્યોમાં સૂત્રાત્મક પંક્તિઓ આવતાં,તે દ્વારા કવિ બોધાત્મક ભાવને ઉપસાવતા. યાદ રહે કે ,હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. લઘુકાવ્યના સ્વરૂપથી પણ અલગ. એટલે કે,હાઈકુમાં કશું બોધાત્મક હોય. પ્રકૃતિનું જે શબ્દચિત્ર કવિએ જે ખડું કર્યું હોય તે બોલે. તેમાંથી ધ્વનિ કે વ્યંજના ઊઠે તે અર્થ પ્રતિપાદિત કરે.
હાઈકુને બોલવા દો.કવિ તમે બોલોએમ કહેવાય.

 

એનો અર્થ એવો થયો કે ૫ની શ્રુતિથી જે શબ્દચિત્ર રચાયું તેમાંથી ઉઠતી વ્યંજના કે ઉઠતો ધ્વનિનો રણકાર આંખ સાંભળે અને કાનને દેખાય! તે ચાક્ષુસ થાય. ત્યાં હાઈકુનું કામ પૂર્ણ થયું .

 

મિત્રો, ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું.બંનેની અલગ તાસીર રહેવાની.કારણકે બંને ભાષાઓનું કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષાના નામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે. એટલે ત્યાં પદક્રમ મહત્વનો છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ મૂકાય. પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુવિભાવના અહીં ખપમાં લાગે. છતાં આપણે તે  આપણું હાઈકુ કહેવાય.

 

મિત્રો, આપણે જાપાનીઝ બનાવટની ચીજવસ્તુઓથી પરિચિત છીએ.એમની નાનામાં નાની ચીજ વસ્તુની બનાવટ અદભૂત ફીનીશીંગવાળી હોય છે.જોતાં તેનું આકર્ષણ થાય ને મન લેવા લલચાય.તેમની બનાવટની વસ્તુની કારીગરી મોહક અને આકર્ષક હોય છે. અરે તે પ્રજાએ તો વનસ્પતિની વિશાળતાને બોન્સાઈમાં રૂપાંતરિત કરી ક્યાં ચમત્કાર નથી કીધો? જાપાનીઝ પ્રજાની કલાપ્રતિભા હાઈકુ જેવાં લઘુકાવ્યમાં પણ સંસ્પર્શ પામી છે.

 

હાઈકુને આમ પણ સમજી શકીએ. કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મનવિસ્મય સાથે આહ્લાદ અનુભવે છે,હરખાય છે.ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંની આખી રંગીન  આકૃત્તિચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. રીતે સત્તર શ્રુતિમાં એકાદ શબ્દ અહીં ત્યાં કરીએબદલીએ ને ભાવ પલટાઈ જાય,અર્થ બદલાઇ જાય. એમ આનંદદાયક અર્થો,ભાવો મળતાં રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !

 

આમ, હાઈકુની અસલિયત કવિની અનુભૂતિની અસલિયત છે. ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે ત્યારે તેની ચમત્ક્રુતિનો આનંદ મળે! બધું ખુબ સહજસ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ! તેમાંથી જે સુખદુઃખ,વિસ્મય,આઘાતપ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મી તે હાઈકુનો પ્રાણ! તેમાંથી ભાવકે ભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે તેટલા અંશે તેમાં સાચું હાઈકુત્ત્વ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો આક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં  રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળકાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવક ચિત્તમાં પ્રતિતીકર રીતે સંક્રાન્ત થાય. તેના તર્ક,બુધ્ધિને વળોટી જાય, ને આનંદ મૂર્ત કરે.

 

કેટલાંક સુંદર હાઈકુ કે જેમાં  કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છેઃ

 

હિમશિખરે
ફૂટે પરોઢ : અહો !
સૂર્ય હાઈકુ !               (સ્નેહરશ્મિ)

 ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
 હજીયે  નભે                 (સ્નેહરશ્મિ)

પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..             (પન્ના નાયક)

શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા..          (પન્ના નાયક)

*****************************************************************

મોનો-ઈમેજ કાવ્ય-પ્રકારઃ December 19, 2016

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

મોનો-ઈમેજ કાવ્ય-પ્રકારઃ

 

કાવ્યના અનેક પ્રકારો છે તેમાંનો એક પ્રકાર મોનો-ઈમેજ છે. ઈમેજ એટલે કલ્પન.  અહીં કલ્પન એટલે બુધ્ધિપૂર્વકનું લાગણીસભર સંકુલ શબ્દચિત્ર. મોનો-ઈમેજના મૂળ ૨૦ મી સદીની શરુઆતમાં અંગ્રેજ-અમેરિકન કવિતાઓમાંથી મળે છે. ૧૯૦૯થી ૧૯૧૭ વચ્ચેના સમયગાળામાં જોરશોરથી તેની ચર્ચાઓ ચાલી. એના મુખ્ય પ્રવર્તક ટી.ઈ. હ્યુમ. અને સૌથી મોટું પ્રદાન કર્યું એઝરા પાઉન્ડ અને રીચાર્ડ એલિંગ્ટને. એઝરા પાઉન્ડ તો એમ કહે છે કે, It is better to present one image in a life time than to produce voluminous work. ત્યાંથી આપણે ત્યાં આ કલ્પનવાદ છઠ્ઠા-સાતમા દાયકામાં ઉતરી આવ્યો. જો કે, આ એક ઓછો ખેડાયેલો અને બહુ પ્રચલિત નહિ તેવો અછાંદસ ટૂંકી કવિતાનો પ્રકાર છે.

 

આપણે ત્યાં તેનાં જુદા જુદા નામો પણ વિચારવામાં આવ્યાં. જેમકે, કશુંક નવું કરવાની ધગશ રાખતા શ્રી મધુ કોઠારીએ તેનું નામ “નવકાવ્યપ્રકાર’ આપ્યો. કવિ શ્રી ઉમાશંકર જોશી એ ‘ભાવપ્રતીક’ કાવ્ય કહી બિરદાવ્યું. શ્રી સુરેશ જોશીએ ‘ચિત્રકલ્પ” કહ્યું તો શ્રી ભાયાણીને તેના અર્થબોધ માટે “કલ્પન’ શબ્દ વધુ સચોટ લાગ્યો.શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ “પ્રતિરૂપ” શબ્દ આપ્યો.

 

હવે આ મોનો ઈમેજના  બાહ્ય સ્વરૂપની વાત કરીએ. એ ગદ્યની જેમ લખાતું ટૂંકું સ્વરૂપ છે. લાઘવ પર ભાર મૂકતું ગદ્યદેહે આલેખાતું આ સ્વરૂપ છે.તેમાં નિરર્થક શબ્દોને સ્થાન જ નથી. કદાચ હાઈકુથી મોટું પણ તેમાં અક્ષરોની કોઈ નિશ્ચિત્ત સંખ્યા કે માત્રાઓની ગણતરી નથી. કોઈ જાતના છંદની યોજના પણ નથી. એ ગદ્યની જેમ લખાતું પદ્ય છે!! એનું આંતરિક રૂપ બહુ મઝાનું છે.

 

અગાઉ કહ્યું તેમ આમાં જે કલ્પન છે તે બે પ્રકારના હોઈ શકે. સ્મૃત અને કલ્પિત.

 

૧) સ્મૃત- પહેલાં જોયેલી કે અનુભવેલી કોઈ વસ્તુ કે કોઈ દ્રશ્યોની છાપ મનોજગતમા, એની ચેતનામાં ક્યાંક સંગ્રહાઈને પડેલી હોય છે. તે છાપ ક્યારેક ફરીફરીને સળવળતી હોય છે. જ્યારે તે છાપને શબ્દોમાં ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે ઉતારવામાં આવે છે ત્યારે તે મોનોઈમેજ કાવ્ય બને છે.

 

૨)કલ્પન- કવિ પોતાની કલ્પનાશક્તિ વડે, જોયેલાં કે જોવાતાં,અનુભવેલાં કે અનુભવાતાં દ્રશ્યોમાં કલ્પના ઉમેરી કશું નવું નિર્માણ કરે તે કલ્પિત કલ્પન. એને અલંકારોથી મઢી શબ્દસ્થ કર્યા હોય.આમાં મૌલિકતા  અને અર્થસભરતા વિશેષ હોય. અભિધા અને વ્યંજના બંને હોય. તેથી તેનો પ્રભાવ ભાવકના મનમાં ઉન્મેષ અને આનંદ જગાવે. An image is that presents an intellectual & emotional complex in an instant of time.

 

શ્રી યોસેફ મેકવાન લખે છે કે,કેલીડોસ્કોપમાં જરાક અમથા હલનચલનથી ચિત્ર-વિચિત્ર મોહક રંગોના સંમિશ્રણવાળી જાતજાતની આકૃતિઓ –આકારો રચાય અને ચિત્તમાં આનંદનો દીવો ઝબૂક ઝબૂક થયા કરે, એવો કોઈ અસ્તિત્ત્વને ઝકઝોરતો અનુભવ કરાવે  તે કવિનું કલાકારી  કલ્પન.

 

થોડાં ઉદાહરણ જોઈએ. મધુ કોઠારીનું મોનોઈમેજ કાવ્ય.

૧)

કોમ્પ્યુટર
તને ચહેરો દોરતા આવડે છે?
તો મારા ચહેરામાં
મારી માતાનું મૌન.
ચીતરી દે
અને ચીતરી દે
મારામાં રહેલું બાળક.

 

૨)

ચાંદની
મારા પર ફેલાઈ
ને હું બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું,
વિચારોની માછલી
આખી રાત.

 

અમેરિકામાં રહેતા પ્રીતમ લખલાણીનું એક મોનો-ઈમેજ કાવ્યઃહાર્ટબીટ જેવી ફેન્ટસી છે આમાં.

૧)
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય..

૨)
ઝાકળથી
લખેલ પત્ર
ફૂલ
પતંગિયા દ્વારા
કોને મોકલતું હશે?

 

સંકલનઃ દેવિકા ધ્રુવ
સંદર્ભઃ યોસેફ મેકવાનના પુસ્તક અને
અન્ય વિવિધ માધ્યમનું વાચન..

 

’તઝમીન’- એક કાવ્ય પ્રકાર June 25, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

જુન ૨૧ ૨૦૧૫ના રોજ  ‘વેબગુર્જરી’ માં પ્રસિધ્ધ થયેલ લેખઃ

ગઝલની સાથે સાથે કેટલાક રચનાકળામાં નિષ્ણાત એવા ઉસ્તાદોએ ‘તઝમીન’ જેવા કાવ્ય પ્રકાર ઉપર પણ હાથ અજમાવ્યો છે. બરકત વીરાણીએ લખ્યું છે કે, ’તઝમીન’, કોઈ શાયરની મૂળ બે પંક્તિઓ મત્લા, શેર કે મક્તા લઈને એના ઉપર અન્ય શાયર પોતાના તરફથી ત્રણ પંક્તિઓ ઉમેરી એનું અનુસર્જન કરે અથવા વિશેષ સર્જન કરે એને કહેવાય છે. આ કાવ્ય પ્રકારને કોઈ ઉદાહરણ રૂપે રજૂ કરવો હોય તો ગની દહીંવાલા કહે છે કે ‘કોઈ સારા નીવડેલા ગઝલકારના ઉત્કૃષ્ટ એવા ‘શેર’ની બે પંક્તિઓને સુઘડ એવા કોઈ બેઠા ઘાટના મકાનની ઉપમા આપી શકાય. એ મકાન ઉપર ત્રણ માળ ચઢાવી આપનાર કુશળ સ્થપતિ તે તઝમીનકાર’. આ વાતનું સમર્થન કરતાં શ્રી શેખાદમ આબુવાલા કહે છે કે તઝમીનકારને કોઈપણ ગઝલકારનો એક શેર મળવો જોઈએ કે જેના આધારે પોતાની ઊર્મિનો વિસ્તાર કરી શકે.

‘મુસાફિર’ પાલણપુરીએ ૧૯૮૪માં એક તઝમીન સંગ્રહ બહાર પાડ્યો હતો. તેમાં મૂળ કસબી પણ જોતો રહી જાય તેવું કૌશલ તેમણે દાખવ્યું છે. એમની કલમ કુતુબમિનારના પહેલા કઠેરા પરથી ઊંચા સોપાને ચઢે છે. મૂળ ‘શેર’ના ભાવ-જગત સાથે એકરસ થઈ પોતાને સાધ્ય એવી રચનાકળાનાં દર્શન કરાવે છે. ‘મુસાફિર’ પાલણપુરીના તઝમીન સંગ્રહમાંથી કેટલાક નમૂના ‘વેબગુર્જરી’ના વાચકો માટે અત્રે સહર્ષ રજૂ કરવામાં આવે છે.

– દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ

તઝમીન (૧)

      (૧) શયદાનો મૂળ શેર :

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

              તઝમીન :

‘હશે કે કેમ તું?’ એવી કોઈ શંકા ઉઠાવે છે.
ખુદાઈનો કરીને કોઈ દાવો, મન મનાવે છે.
પડે છે ભીડ તો તારે જ ચરણે શિર ઝુકાવે છે!
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

તઝમીન (૨)

     (૨) મરીઝનો મૂળ શેર : 

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

              તઝમીન :

દૂર બહુ નીકળી ગયા,પાછા ફરો જલ્દી મરીઝ !
પાથરેલી જાળ પાછી આવરો જલ્દી મરીઝ !
મોત પહેલાં જે મળે હોઠે ધરો જલ્દી મરીઝ !
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

તઝમીન (૩)

    (3) ઓજસ પાલનપુરીનો મૂળ શેર :

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

          તઝમીન :

ધૂળની લીલા હતી એ,ધૂળમાં ધરબાઈ ગઈ!
કો’ મધુરા સ્વપ્ન પેઠે જાણે ક્યાં ખોવાઈ ગઈ!
ઘેલછા ઓજસ! અમરતાની તરત સમજાઈ ગઈ.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

                    – ‘મુસાફિર પાલણપુરી

મુક્તકો વિશે-કવિ શ્રી યોસેફ મેકવાન April 28, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

કહેવાયું છે કે, literature is the mirror of our life. એટલે કે, સાહિત્ય એ સમાજનું દર્શન કરાવે છે.સાહિત્યમાં ગદ્ય અને પદ્ય પ્રકાર આવી જાય.વાર્તા, નવલકથા,નાટક,લઘુકથા,નિબંધ…વગેરે ગદ્યમાં આવે તો પદ્યમાં કવિતા,ગીત,ગઝલ,ખંડકાવ્ય,મુક્તકખાઈકુ વગેરેનો સમાવેશ થાય.

અહીં આપણે મુક્તકનો વિચાર કરીશું.

આપણે મુક્તકો બોલીએ છીએ તેમાં ‘મુક્ત’નો અર્થ આપણે જાણીએ છીએ.મુક્ત એટલે કોઈપણ બંધન વિનાનુ. છૂટું. હવે તેને અંતે ‘ક’ જોડીએ તો મુક્ત-ક બને. એનો અર્થ છૂટું કાવ્ય. લાંબી કવિતામાં દરેક શ્લોક સમગ્ર કાવ્ય રચનામાં આખી કૃતિને બાંધી રાખે.પરંતુ કવિઓ ક્યારેક ક્યારેક છૂટક એકલ-દોકલ શ્લોકો લખે. બસ,ાઅવા દરેક શ્લોક પરસ્પર સાથે સંકળાઈ એક ભાવવિશ્વ રચતા. પરંતુ આવાં છૂટક લખાયેલા મુક્તકોમાં એકબીજા સાથે કશો સંબંધ ન રહેતો. માટે જ એ

આવા મુક્તકની ખાસિયત શી?

મુક્તકની ખાસિયત એ કે તેમાં જીવનનો કોઈ એવો અનુભવ આકાર પામ્યો હોય-સુંદર અને અસરકારક રીતે રજૂ થયો હોય કે જે વાંચે તેના ચિત્તમાં,જે સાંભળે તેના અસ્તિત્વમાં એક કાવ્યાનંદની લ્હેર પસાર કરી દે.અરે, તે જીંદગીના એક અમૂલ્ય ભાથારૂપ બની જાય.કિસ્તી કહેવતરૂપ બની જાય.

મુક્તકોની રચનાની એક આખી પરંપરા છે. આપ્રકાર સંસ્કૃતમાં પણ ખુબ વિક્સિત થયેલો છે. આપણે આજે ય એવાં મુક્તકોને પ્રસંગોપાત યાદ કરીએ છીએ. આવાં મુક્તકો સંસ્કૃત કાવ્ય સાહિત્યનો એક મહાન વારસો છે.

રાજદરબારમાં કવિઓ પ્રસંગોપાત મુક્તકો રજૂ કરતા. કોઈ કોઈ વિદ્યાપ્રિય રાજા એક લાખ રુપિયા કે સવા લાખ રુપિયા કવિને આપતા એવી લોક-વાયકાઓ-કિંવદન્તીઓ પ્રચલિત છે. સહસા વિદધિત ન ક્રિયામ્‍- એટલે કે ઉતાવળે કોઈ કામ ન કરવું. આવા મુક્તકના ખર્ચેલા પૈસા આગળ જતાં દુષ્કાર્યમાંથી બચાવવા જતાં અનેકગણા ખપમાં આવેલા છે.આવા બયાન તત્કાલ કવિકથાઓમાં મળે છે.

ટૂંકમાં મુકત્કો એટલે તો લોક-હૈયે અને લોકજીભે વસી જાય છે. કારણ કે તે ટૂંકા,મર્મભર્યા,સાંભળવામાં રસિક કવનો જ હતાં. મુક્તકોના સંગ્રહો સંસ્કૃતમાં મળે છે. મુક્તકને સુભાષિત પણ કહેવાય છે.’સુભાષિત-રત્નભાંડાગાર’ એ મુક્તકોનો મૂલ્યવાન ખજાનો છે.
રાજા ભતૃહરિએ સો સો મુક્તકોના ત્રણ શતકો આપ્યાં છે. અમરુ કવિના ‘અમરુશતક’માં શૃંગારના જે મિત્રો ઉપસાવ્યાં છે તે અત્યંત પ્રજાપ્રિય બન્યાં છે.

આમ, સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા ઉતરી આવી,તેમાંથી અપભ્રંશ ભાષા વગેરે ભાષામાં મુક્તકો રચાતાં રહ્યા છે. લોક-સાહિત્યમાં પણ પાણીદાર મોતી જેવા મુક્તકોમળી આવે છે. આપણી ગુજરાતીમાં દૂહા અને સોરઠા જે જોવા મળે છે તે મુક્તકો જ છે. જેવાં કે  ઃ

બાકર બચ્ચાં લાખ,લાગે બિચારાં. સિંહણ બચ્ચૂં એક એકે હજારા.
બકરીના બચ્ચાં લાખ હોય તો યે બિચારા લાગે.સિંહનું બચ્ચું એક હોય પણ તે હજારને બરાબર છે. અનેક સંતાનો દૈવત વગરના હોય તેનાં કરતાં એક બાળક જો ગુણવાન હોય તો એ અનેક સંતાનની સમૃધ્ધિ સમું હોય.

એક સંસ્કૃત મુક્તકઃ સ્થાન ભ્રષ્ટા ન શોભન્તે હન્તા કેશા નખા નરાઃ
ઈતિ વિજ્ઞાય મતિમાન સ્વસ્થાન ન પરિત્યજેત।

પંચતંત્રના આ શ્લોકમાં (મુક્તકમાં ) કહેવાયું છે કે દાંત,વાળ, નખ અને મનુષ્ય એકવાર જો સ્થાનથી ભ્રષ્ટ થાય છે તો પછી તે શોભતાં નથી. એ રીતે જે બુદ્ધિશાળી માણસ છે તે પોતાને મળેલું સ્થાન છોડતો નથી.જો તે વધુ પૈસાની લલચે મળેલું સ્થાન છોડી બીજે જાય છે તો તેની કિંમત થતી નથી. થોડાં મુક્તકો માણીએઃ

અતિ ડહાપણ અળખામણો,અતિ ઘેલે ઉચાટ, આણંદ કહે પરમાણંદા ભલો જ વચલો ઘાટ.
મુક્તકમાં કવિ અને શ્રોતાઓનું નામ પણ મૂકી શકાય. કવિ આણંદ પરમાણંદને કહે છે કે, જે બહુ ડહાપણ ડહોળવા જાય તે અળખામણો બને,અતિશય ઘેલો બને તે ઉચાટમાં રહેીટલે કોઈએ વધુ પડતું ડહાપણ ડહોળવું નહિ કે અતિ ઉત્સાહી ન થવું. બંનેની વચ્ચે રહેવું આ થયો ભગવાન બુધ્ધનો મધ્યમ પ્રતિપ્રદાનો માર્ગ.

કબીરનો દૂહોઃ કહત કબીર કમાલ્કુ

કહત કબીર કમાલકુ,દો બાતેં સીખ લે,કર સાહેબકી બંદગી,ભૂખે કો કુછ દે. કબીર સાહેબ શિષ્ય કમાલને કહે છે કે જીવનમાં બે વાતો મુખ્ય છે. ઇશ્વરની બંદગી કરવી ને જરુરિયાત મંદને સહાય કરવી.

મુક્તકમાં વિનોદ વૃત્તિ પણ આવી શકે.‘કાણાને કાણો કહે કડવા લાગે વેણ,ધીરે રહીને પૂછીએ,ભલા શેણે ગયાં તુજ નેણ ?” કાણાને કાણો કહીએ તો ખોટું લાગે.પણ હળવે રહીને પૂછીએ કે ભાઇ, તારા નેણ કેમ કરતા ગયાં ?

સુંદરમનું એક લીટીનું મુક્તકઃ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. એમનું બીજું મુક્તકઃ “હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી.” સૃષ્ટિની સુંદર ચીજને ચાહું છું પણ જે અસુંદર છે તેને ય ચાહી ચાહી સુંદર કરી મૂકું…આમ મુક્તકો છંદમાં રચાય છે. ગઝલનો પ્રકાર પણ એ જાતનો છે કેતેમાં મુક્તકો મોતીની જેમ પરોવાય છે. શયદાનો એક શેર-મુક્તક જુઓ.

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,પ્રભુ, તારા બનાવેલાં આજે તને બનાવે છે.
મનહર મોદીનું એક મુક્તકઃ દિલ તમોને આપતાં આપી દીધું,પામતાં પાછું અમે માપી લીધું.

યોસેફ મેકવાનનું મુક્તકઃ

હું ક્યાં તમારાથી અરે અળગો હતો.
બોલ્યાં તમે એનો જ હું પડઘો હતો.

થોડી ક્ષણોનો પ્રેમ છે આ જીંદગી.
એ પ્રેમનો યે વહેમ છે આ જીંદગી.

શેખાદમ આબુવાલાના બે મુક્તકોઃ

તાજમહેલને—
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે,
મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે.
પ્રદર્શનન કાજ જેમાં પ્રેમ જેમાં કેદી છે જમાનાથી,
ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.

ગાંધીને–
કેટલો કિંમતી હતો ને સસ્તો બની ગયો.
થાવું હતું નહિ ને ફરિશ્તો બની ગયો.
તને ખબર છે ગાંધી તારું થયું છે શું-
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

મુક્તકો માણો અને લખો.


યોસેફ મેકવાનના વંદન.

 

 

 

મુક્તક- કવિ શ્રી દિલીપભાઈ મોદી

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

મુક્તક :  એ કંઈ તક જોઈને મૂકવાની વાત નથી…– દિલીપ મોદી

સાધારણ રીતે મુક્તક વિશેની પ્રચલિત (ગેર) સમજ એવી છે કે તે ગઝલોની રજૂઆત પૂર્વે શાયર, મુશાયરામાં એટલે બોલે છે કે ગઝલની રજૂઆત માટેની ભૂમિકા બની રહે. મુશાયરાને લાગેવળગે છે ત્યાં સુધી મુક્તકની આ સ્થિતિ કદાચ નિર્વાહ્ય હશે, પણ મુક્તકને ‘મંચિંગ’ પૂરતું જ સીમિત રાખવામાં મુક્તકને ન્યાય થતો નથી. મુક્તકને એક પ્રકાર લેખે તેની સંપૂર્ણ સ્વાયત્તતા હોવી ઘટે. સામાન્યત: ગુજરાતી શાયરો રુબાઈ અને મુક્તકને એકબીજાના પર્યાય ગણે છે, ખાસ કરીને ગઝલની ઉર્દૂ પરંપરાનો જેમને અભ્યાસ નથી એવા શાયરો, પણ આ બંને પ્રકારો વચ્ચે પાયાનો ભેદ એ છે કે રુબાઈ તેને માટે નક્કી થયેલા 24 છંદોમાં જ રચાય છે જ્યારે મુક્તકો એ છંદો ઉપરાંત પણ, ગઝલોના અન્ય છંદોમાં શક્ય છે. એ સંદર્ભે રુબાઈઓ મુક્તકમાં ખપે, પણ મુક્તકો, રુબાઈમાં ખપે જ એવું ન પણ બને.

મુક્તકની ચાર પંક્તિઓનું પ્રચલિત બંધારણ સ્વીકારીએ તો પહેલી, બીજી અને ચોથી પંક્તિઓમાં રદીફ અને કાફિયાનું આયોજન કદાચ વધુ સ્વીકૃતિ પામે છે. એનો અર્થ એવો પણ નહીં કે ચારેય પંક્તિઓમાં રદીફ-કાફિયાની યોજના કે રચનાથી ત્રીજી પંક્તિ મુક્ત હોય તેની વિશેષ જોવા મળે છે. એવું જ છંદની બાબતેય ખરું. ચાર પંક્તિઓના મુક્તકમાં છંદ પરિવર્તન સહજ સ્વીકાર્ય નથી એટલે ચારેય પંક્તિઓમાં છંદ એક જ હોય એ બાબત પણ મુક્તક સંદર્ભે વધુ સ્વીકાર્ય છે. આ તો થઈ મુક્તકનાં બાહ્ય બંધારણને લગતી વાત, પણ ગરબડો જોવા મળે છે તે તેનાં આંતર સ્વરૂપ સંદર્ભે. મોટે ભાગે વ્યવહારુ કે નિબંધ થઈ જનારી બાબતોને અતિક્રમીને મુક્તકની પ્રથમ ત્રણ પંક્તિઓ ઉત્તરોત્તર કાવ્યોચિત વિકાસ સાધીને કોઈ એક વિચાર, ભાવ કે વિષયનું સાતત્ય જાળવીને, ચોથી પંક્તિમાં એવું તો સચોટ રહસ્યોદઘાટન નૂતનતમ સ્વરૂપે સિધ્ધ કરે છે કે ભાવક વિસ્મય અને આનંદની તીવ્ર અનુભૂતિમાં રમમાણ રહે. ચોથી પંક્તિને અંતે સમગ્ર મુક્તકની પરિણતિરૂપ થતું વિષયરૂપ દર્શન, બાલકૃષ્ણના મુખમાં થતાં વિશ્વરૂપદર્શન જેમ ભાવકને દિગ્મૂઢ બનાવે છે ને ભાવનની પ્રક્રિયાનો તાળો મળે તે પહેલાં પ્રત્યક્ષ થતું ચમત્કૃતિપૂર્ણ દર્શન સર્જકને અને ભાવકને વિસ્મય આશ્રિત આનંદ સિવાય કોઈ ઉકેલ સંપડાવતું નથી. અન્ય વિસ્ફોટ અને આ વિસ્ફોટમાં ફેર એ છે કે અન્ય વિસ્ફોટને અંતે અંધકાર શેષ રહે છે જ્યારે આ વિસ્ફોટને અંતે ઉત્તરોત્તર દિવ્ય આનંદ-પ્રકાશની અનુભૂતિ થતી આવે છે.

મુક્તક વિશે એવી સમજ પણ પ્રવર્તે છે કે ગઝલનો મત્લા અને તેનો એક શે’ર મળીને રચાતી પંક્તિઓ પણ મુક્તક છે. એ શક્ય છે જો ક્રમિક વિકાસ સાધીને એક જ ભાવ, વિષય કે વિચારનું સાતત્ય ચોથી પંક્તિને અંતે આનંદપૂર્ણ ચમત્કૃતિ કે સ્ફોટમાં પરિણમે. એવું ન હોય તો મત્લા અને અલગ શે’રથી વિશેષ કંઈ નથી. ટૂંકમાં, મુક્તક એક જ છંદમાં રચાયેલ મત્લા કે ભિન્ન એવા શે’રનો સરવાળ માત્ર નથી જ ! આમ આપણે ત્યાં લખાતાં મુક્તકો એ સંસ્કૃત સાહિત્યના શ્લોક અને સુભાષિતોને મળતો અને ફારસી-ઉર્દૂ સાહિત્યની રુબાઈને મળતો પ્રકાર છે. એનું સાહિત્યિક મૂલ્ય અન્ય કાવ્યપ્રકારો કરતાં સહેજે ઓછું નથી.

છેલ્લા ત્રણ-ચારેક દાયકામાં અછાંદસ, ગીત અને ગઝલના સ્વરૂપને આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યાં છે પણ મુક્તકો બહુ થોડાએ, અને તેય અલ્પ પ્રમાણમાં લખ્યાં છે. ગઝલના ઝળહળાટ સામે જાણે મુક્તકનું રૂપ ઓઝપાઈ ગયું છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે અન્ય કાવ્ય-પ્રકારોમાં ભાવો અને સંવેદનોની અભિવ્યક્તિ માટે ઠીકઠીક મોકળાશ મળી રહે છે જ્યારે મુક્તકમાં તો ચાર પંક્તિઓમાં જ સઘળું કહી દેવાનું હોય છે. મુક્તકમાં ભાવસંવેદનોની સંકુલતા ઉતારવી અશક્ય નહીં તો, કઠિન જરૂર છે. આવા અઘરા અને બહુધા અણસ્પર્શ્યા જ રહી ગયેલા કાવ્યસ્વરૂપનું પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક, ભવ્ય પુરુષાર્થ દ્વારા ખેડાણ કરવાનું બીડું ઝડપવાનું એક સાહસ મેં કર્યું છે. હંમેશ કશુંક નોખું-અનોખું કરવાની ધગશ અને તમન્નામાં બસ મુક્તકો લખાતાં ગયાં, લખાતાં રહ્યાં જેના પરિણામ સ્વરૂપે મારા કુલ ચાર નિતાંત મુક્તકસંગ્રહો આકાર પામ્યા છે. (1) હે સખી ! સંદર્ભ છે તારો અને- 1997 (2) હે સખી ! સોગંદ છે મારા તને- 2004 (3) હે સખી ! ઝંખના છે તારી મને- 2012 (4) હે સખી ! તું રક્તમાં મારા વહે છે…2014. હા, સાચી વાત છે. મેં કુલ લગભગ 2500ની આસપાસ મુક્તકો લખ્યાં છે, જે ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક આંકડો છે. આ અગાઉ કોઈ પણ કવિએ આટલી બધી વિપુલ સંખ્યામાં વ્યવ્સ્થિત રીતે મુક્તકો લખ્યાં નથી. મારા ઉપરોક્ત ચાર મુકતકસંગ્રહો બાદ હજી એક મુક્તકસંગ્રહ ભવિષ્યમાં બહાર પાડવાની મારી યોજના છે અને એ દિશામાં હાલ હું પ્રવૃત્ત છું, સક્રિય છું. મુક્તક લેખન પરત્વે ખાસ લગાવ એટલા માટે છે કે એમાં થોડામાં ઘણું બધું અભિવ્યક્ત થઈ જાય છે. મારા અંગત મંતવ્ય અનુસાર મુક્તકો ક્રિકેટની વન-ડે મેચ જેવાં છે અને ગઝલ જાણે ટેસ્ટમેચ જેવી હોય છે. મુક્તકો તરફ વળવાનું-ઢળવાનું મુખ્ય પ્રયોજન એ છે કે એમાં ઓછામાં ઘણું કહેવાની તાકાત હોય છે. ફક્ત ચાર પંક્તિઓમાં સમગ્ર ભાવવિશ્વ ખડું થઈ જાય. કશું લાંબુંલચક નહીં. ક્યાંય પિષ્ટપેષણ કે ખોટો પથારો નહીં. અનુભવમાંથી આવેલી વાત હોય છે. આખો બગીચો નહીં પણ જાણે અત્તરનું પૂમડૂં...! મારા આ આગવા-ધ્યાનાકર્ષક પ્રદાનને અનુલક્ષીને કવિશ્રી રમેશ પારેખે મને ‘મુક્તકો-એ-આઝમ’ નો એવોર્ડ એનાયત થવો જોઈએ એવું વિધાન કર્યું હતું, કવિશ્રી નયન દેસાઈ મને ‘મુક્તકોના સમ્રાટ’ તરીકે સંબોધે છે. વળી કેટલાક સાહિત્યકારો મને ‘મુક્તકોના મહારથી’ ‘મુક્તકોના શહેનશાહ’, ‘મુક્તકોના બાદશાહ’, કે ‘મુક્તકોના મહારાજા’ વગેરે પ્રકારના બિરુદો આપીને નવાજે છે. અલબત્ત, એમાં એમનો સૌનો મારા પ્રત્યેનો સ્નેહ તથા સદભાવ જ ઉજાગર થતો હોવાનું હું નમ્રપણે માનું છું. કારણ કે મારે હજી આગળ વધવું છે અને ખાસ્સી એવી મજલ કાપવાની બાકી છે. હું ખોટો દંભ નથી કરતો પરંતુ મિત્રો અને મુરબ્બીઓ-વડીલોના પ્રેમ અને આશીર્વાદથી, એમની કદર અને કિંમતથી મને ખૂબ જ પ્રોત્સાહન સાંપડે છે એ એક સત્ય હકીકત છે.

આગળ કહ્યું તેમ મુક્તકમાં ભાવોની સંકુલતા પટુતાપૂર્વક ઉતારવી પડે છે. એક ચોક્કસ કુંડાળામાં રહી તલવારબાજી કરવી પડે છે. મુક્તક એ શબ્દચયનની અને ભાવનિરૂપણની એક વિશેષ પ્રતિભા અને પારંગતતા માગી લે છે. તેની પ્રથમ અને દ્વિતીય પંક્તિમાં નિરૂપિત ભાવાભિવ્યક્તિને ઉપાંત્ય પંક્તિમાં આવતાં એક ઠેસ લાગે છે ને એ ઠેસ અંત્ય પંક્તિના ભાવને કંઈક ઉક્તિવૈચિત્ર્યથી, કોઈક અવનવા ઉદગારથી, કોઈ વિશિષ્ટ ચમત્કૃતિથી ઉદઘાટિત કરીને ભાવકને વિસ્મયથી અને ચોટથી અભિભૂત કરી દે છે. શક્તિશાળી કવિ એને પોતાની આગવી શક્તિ અને પ્રતિભાથી સફળ રીતે યોજી બતાવે છે. જે તમને કોઈ પણ કારણથી ભીતરથી હલાવી નાખે, તમારા સ્વ-ભાવનું આનંદમાં રૂપાંતર કરી નાખે તે મુક્તક. પ્રમાણમાં લઘુ એવો આ કાવ્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ અન્ય કાવ્યપ્રકારોથી લેશ પણ ઓછો મહત્વનો નથી. આ પ્રકારવિશેષ દ્વારા કાવ્ય સિધ્ધ કરવું કઠિન છે એટલે જ કદાચ આપણે ત્યાં એનું ખેડાણ ઓછું થયું છે ને ઓછું થાય છે. અને અંતે મારું એક મુક્તક હું અહીં રજૂ કરું છું :

” નામથી હું દિલીપ મોદી છું

કામથી હું દિલીપ મોદી છું …

છે છલોછલ તપશ્ચર્યા મારી –

જામથી હું દિલીપ મોદી છું ! “

અસ્તુ.

(સુરત, તા. 22.3.2015)

સ્નેહી બહેનશ્રી,

સૌપ્રથમ તો મારો મુક્તકો વિશેનો લેખ તમે સ્વીકાર્યો તેથી હું અત્યંત રાજીપો અનુભવું છું.

ખૂબ ખૂબ આભાર…

હવે તમારા સવાલનો સીધો જવાબ :

જે પ્રમાણે છંદ વગરની ગઝલનું કોઈ મૂલ્ય નથી તે જ પ્રમાણે છંદ વગરના મુક્તકની પણ કોઈ વેલ્યૂ નથી. છંદ એ બંને કાવ્ય પ્રકારની મૂળભૂત આવશ્યકતા (Basic Necessity) છે.અલબત્ત બંનેમાં ઉર્દૂ-ફારસી છંદોનો જ વિનિયોગ કરવામાં આવે છે. સર્જનમાં ભાવ કે સંવેદન ગમે તેટલું મજબૂત હોય, કલ્પનો કે પ્રતીકો અદભુત હોય, પરંતુ છંદની ગેરહાજરીમાં એની સાહિત્યિક ગુણવત્તા શૂન્ય થઈ જાય છે. એ સર્જનને-રચનાને ગણતરીમાં લેવામાં નહિ આવે. એની કોઈ ક્યાંય નોંધ લેતું નથી. તેથી છંદ MUST બની જાય છે. આમ, છંદ વગરની કૃતિને સાહિત્યમાં (ખાસ કરીને ગઝલ અને મુક્તક સંદર્ભે) સ્થાન મળતું નથી.

કુશળ હશો.

આદરપૂર્વક,

– દિલીપ મોદીનાં વંદન

ડો.દિલીપ મોદીના મુક્તકોની ઝલક ઃ

યાર, સોનોગ્રાફી ક્યાં સંબંધની થાય?
એક્સ–રેમાં દર્દ ભીતરનું શું દેખાય ?
ટેસ્ટ લોહીનો કરાવી જોઈએ, ચાલ–
પ્રેમનાં જીવાણુ જો માલમ પડી જાય !
****************************************************

ટેરવાં કાપીને હું અક્ષર લખું.
ડાયરીમાં સ્નેહના અવસર લખું.
તારી સાથેના પ્રસંગો, હે સખી !
આજ મારા રક્તની ભીતર લખું.
******************************************************

લાગણીના રંગથી રંગાઈ જઈએ.
ચાલ, મોસમ છે હવે ભીંજાઈ જઈએ.
આંખથી તારી હું, મારી આંખથી તું;
હા, પરસ્પર આપણે વંચાઈ જઈએ
.

***********************************************

મુક્તકઃ કવિ શ્રી કિશોર મોદી

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

             ગુજરાતી સાહિત્યમાં મુક્તકો:

             મુક્તક એટલે મોતી.અર્થાત્ કોઇપણ મુક્તક સ્વતંત્ર રીતે મોતીની માફક સ્વયંપ્રકાશિત હોવું જરૂરી ગણાય.

             જેમ શ્લોક એક બે,ત્રણ,ચાર અને પાંચ પંક્તિના હોઇ શકે તેવું જ મુક્તકનું બંધારણ ગણી શકાય.

              મહાકવિ કાલિદાસે શ્લોક રચના માટે મંદાક્રાંતાનો બહુધા ઉપયોગ કર્યો છે જ્યારે કવિશ્રી ભવભૂતિને

              શિખરિણી છંદ વધુ માફક અાવ્યો છે.અનુષ્ટુપ છંદમાં કવીશ્વર દલપતરામે શ્રી ફાર્બ્સ પર લખેલું એક મુક્તક

              ઉદાહરણરૂપે ઉતારું છું.

                                     छाया तो वडना जेवी,

                                     भाव तो नदना सम,

                                     देवोना धामना जेवुं,

                                     हैयुं जाणे हिमालय।

               વળી અા સાથે ઉપજાતિ છંદમાં લખાયેલો એક શ્લોક પણ ટાંકું છું.

                                    असंभवं हेममृगस्य जन्म ।

                                    तथापि रामो लुलुभे मृगाय ।

                                    प्राय: समापन्न विपत्तिकाले ।

                                    धियोडपि पुंसां मलिनीं भवन्ति ।।

                 અાગળ ઉપર અાપણે એક પંક્તિના મુક્તક/શ્લોકની વાત કરી ત્યારે ગુજરાતીમાં લખાતા “તન્હા”

                 નામનો કાવ્ય-પ્રકાર મને યાદ અાવ્યો.તન્હા એટલે કે એક જ પંક્તિમાં પૂરું થતું સ્વતંત્ર કાવ્ય.

                 જેને બીજી પંક્તિનો સહારો ખપતો નથી.

                                   कोकाकोला अाज मारी जेम उदास।

                        તેમજ

                                  मधमाखीने डायाबिटीस थाय तो ?

                  ગુજરાતી સાહિત્યમાં બે તેમજ ચાર પંક્તિના મુક્તકો વિશેષ જોવા મળે છે.તેમાં અાજકાલ

                  ફારસી છંદોમાં લખાતાં મુક્તકો ચાર પંક્તિના હોય છે. અા ચાર પંક્તિના મુક્તકોમાં અનુક્રમે પહેલી,

                  બીજી અને ચોથી પંક્તિમાં રદીફ-કાફિયારૂપે પ્રાસ નિભાવવા પડે છે.ઉદાહરણરૂપે મારાં બે મુક્તકો અહીં

                  ઉતારું છું.જેમાં પહેલું મુક્તક ફારસી છંદમાં છે જ્યારે બીજું મુક્તક પિંગળના છંદમાં ( રથાોધ્ધતા )

                  નિર્માયું છે.

                                   वाणीनी जाजम विशे मोहित छे मन,

                                   शब्दना मखमल विशे मोहित छे मन,

                                   लागणी अानंदघेली छे ‘किशोर’,

                                   श्वासमां हरफर विशे मोहित छे मन।

                                  वाणीना फलकमां मुदित छुं,

                                  अर्थना मरममां मुदित छुं,

                                  हर्ष अंदर लगी ‘किशोर’ छे,

                                  तत्त्वना अतळमां मुदित छुं।

                    દુહા અને સાખી એટલે મોટા મોટા ગ્રંથનો સારાંશ માત્ર બે પંક્તિમાં ઉજાગર થાય છે અને અા બંને

                    રચનાઓ મુક્તક/શ્લોકનાં સહોદર જેવાં ભાસે છે. બે ત્રણ  ઉદાહરણ ભાવક માટે લખવાનો મોહ

                    છોડી શકતો નથી.

                                  अमारी धरती सोरठ देशनी, ने ऊंचो गढ गिरनार,

                                  सावजडां सेंजळ पीए, एना नमणां नर ने नार।

                                 पैसा पैसा सहु चाहे,

                                 पण ए छे हाथनो मेल,

                                 सघळुं अहीं रही जशे,

                                 पुरो थशे जीवननो खेल।

                                 ढाइ अक्षर प्रेमना,

                                 पढी पढी पछताय,

                                 जो लक्षमी गांठ नारही,

                                 तो गृह लक्षमी पण जाय ।

                      રુબાયતના રચયિતા ફારસી કવિશ્રી ઉમર ખૈયામ મુક્તકોથકી જ જગતના સાહિત્ય મંચના ઉચ્ચ

                      અાસને બિરાજે છે.તેમની એક રુબાયતનો શ્રી રજનીશ માંગા કરેલો હિંદીમાં કરેલો  અનુવાદને

                      ચાલો અાપણે માણીએ.

                                    मुर्गेने जब दी बांग सुन कर हर कोइ ऊठ जायेगा ,

                                    दर सरायेका खुलेगा जब कोइ जोरसे चिल्लायेगा,

                                    तुम जानते तो हो यहाँ पर है ठिकाना कितने दिन,

                                    फिर बाद जाने के यहाँसे कौन मुड कर अायेगा ।

                      અંતમાં કવિશ્રી દિલીપ મોદીએ ફારસી છંદોમાં લગભગ ૨૦૦૦ જેટલાં મુક્તકો રચીને ગુજરાતી

                      સાહિત્યને એક વિક્રમ સુધી ઉજાગર કર્યું  છે તેનો અત્ર ઉલ્લેખ કરીને વિરમું છું.

                      કિશોર મોદી લખ્યા તારીખ : ૩/૨૭/૨૦૧૫.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.