jump to navigation

મુક્તકો વિશે-કવિ શ્રી યોસેફ મેકવાન April 28, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , trackback

કહેવાયું છે કે, literature is the mirror of our life. એટલે કે, સાહિત્ય એ સમાજનું દર્શન કરાવે છે.સાહિત્યમાં ગદ્ય અને પદ્ય પ્રકાર આવી જાય.વાર્તા, નવલકથા,નાટક,લઘુકથા,નિબંધ…વગેરે ગદ્યમાં આવે તો પદ્યમાં કવિતા,ગીત,ગઝલ,ખંડકાવ્ય,મુક્તકખાઈકુ વગેરેનો સમાવેશ થાય.

અહીં આપણે મુક્તકનો વિચાર કરીશું.

આપણે મુક્તકો બોલીએ છીએ તેમાં ‘મુક્ત’નો અર્થ આપણે જાણીએ છીએ.મુક્ત એટલે કોઈપણ બંધન વિનાનુ. છૂટું. હવે તેને અંતે ‘ક’ જોડીએ તો મુક્ત-ક બને. એનો અર્થ છૂટું કાવ્ય. લાંબી કવિતામાં દરેક શ્લોક સમગ્ર કાવ્ય રચનામાં આખી કૃતિને બાંધી રાખે.પરંતુ કવિઓ ક્યારેક ક્યારેક છૂટક એકલ-દોકલ શ્લોકો લખે. બસ,ાઅવા દરેક શ્લોક પરસ્પર સાથે સંકળાઈ એક ભાવવિશ્વ રચતા. પરંતુ આવાં છૂટક લખાયેલા મુક્તકોમાં એકબીજા સાથે કશો સંબંધ ન રહેતો. માટે જ એ

આવા મુક્તકની ખાસિયત શી?

મુક્તકની ખાસિયત એ કે તેમાં જીવનનો કોઈ એવો અનુભવ આકાર પામ્યો હોય-સુંદર અને અસરકારક રીતે રજૂ થયો હોય કે જે વાંચે તેના ચિત્તમાં,જે સાંભળે તેના અસ્તિત્વમાં એક કાવ્યાનંદની લ્હેર પસાર કરી દે.અરે, તે જીંદગીના એક અમૂલ્ય ભાથારૂપ બની જાય.કિસ્તી કહેવતરૂપ બની જાય.

મુક્તકોની રચનાની એક આખી પરંપરા છે. આપ્રકાર સંસ્કૃતમાં પણ ખુબ વિક્સિત થયેલો છે. આપણે આજે ય એવાં મુક્તકોને પ્રસંગોપાત યાદ કરીએ છીએ. આવાં મુક્તકો સંસ્કૃત કાવ્ય સાહિત્યનો એક મહાન વારસો છે.

રાજદરબારમાં કવિઓ પ્રસંગોપાત મુક્તકો રજૂ કરતા. કોઈ કોઈ વિદ્યાપ્રિય રાજા એક લાખ રુપિયા કે સવા લાખ રુપિયા કવિને આપતા એવી લોક-વાયકાઓ-કિંવદન્તીઓ પ્રચલિત છે. સહસા વિદધિત ન ક્રિયામ્‍- એટલે કે ઉતાવળે કોઈ કામ ન કરવું. આવા મુક્તકના ખર્ચેલા પૈસા આગળ જતાં દુષ્કાર્યમાંથી બચાવવા જતાં અનેકગણા ખપમાં આવેલા છે.આવા બયાન તત્કાલ કવિકથાઓમાં મળે છે.

ટૂંકમાં મુકત્કો એટલે તો લોક-હૈયે અને લોકજીભે વસી જાય છે. કારણ કે તે ટૂંકા,મર્મભર્યા,સાંભળવામાં રસિક કવનો જ હતાં. મુક્તકોના સંગ્રહો સંસ્કૃતમાં મળે છે. મુક્તકને સુભાષિત પણ કહેવાય છે.’સુભાષિત-રત્નભાંડાગાર’ એ મુક્તકોનો મૂલ્યવાન ખજાનો છે.
રાજા ભતૃહરિએ સો સો મુક્તકોના ત્રણ શતકો આપ્યાં છે. અમરુ કવિના ‘અમરુશતક’માં શૃંગારના જે મિત્રો ઉપસાવ્યાં છે તે અત્યંત પ્રજાપ્રિય બન્યાં છે.

આમ, સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા ઉતરી આવી,તેમાંથી અપભ્રંશ ભાષા વગેરે ભાષામાં મુક્તકો રચાતાં રહ્યા છે. લોક-સાહિત્યમાં પણ પાણીદાર મોતી જેવા મુક્તકોમળી આવે છે. આપણી ગુજરાતીમાં દૂહા અને સોરઠા જે જોવા મળે છે તે મુક્તકો જ છે. જેવાં કે  ઃ

બાકર બચ્ચાં લાખ,લાગે બિચારાં. સિંહણ બચ્ચૂં એક એકે હજારા.
બકરીના બચ્ચાં લાખ હોય તો યે બિચારા લાગે.સિંહનું બચ્ચું એક હોય પણ તે હજારને બરાબર છે. અનેક સંતાનો દૈવત વગરના હોય તેનાં કરતાં એક બાળક જો ગુણવાન હોય તો એ અનેક સંતાનની સમૃધ્ધિ સમું હોય.

એક સંસ્કૃત મુક્તકઃ સ્થાન ભ્રષ્ટા ન શોભન્તે હન્તા કેશા નખા નરાઃ
ઈતિ વિજ્ઞાય મતિમાન સ્વસ્થાન ન પરિત્યજેત।

પંચતંત્રના આ શ્લોકમાં (મુક્તકમાં ) કહેવાયું છે કે દાંત,વાળ, નખ અને મનુષ્ય એકવાર જો સ્થાનથી ભ્રષ્ટ થાય છે તો પછી તે શોભતાં નથી. એ રીતે જે બુદ્ધિશાળી માણસ છે તે પોતાને મળેલું સ્થાન છોડતો નથી.જો તે વધુ પૈસાની લલચે મળેલું સ્થાન છોડી બીજે જાય છે તો તેની કિંમત થતી નથી. થોડાં મુક્તકો માણીએઃ

અતિ ડહાપણ અળખામણો,અતિ ઘેલે ઉચાટ, આણંદ કહે પરમાણંદા ભલો જ વચલો ઘાટ.
મુક્તકમાં કવિ અને શ્રોતાઓનું નામ પણ મૂકી શકાય. કવિ આણંદ પરમાણંદને કહે છે કે, જે બહુ ડહાપણ ડહોળવા જાય તે અળખામણો બને,અતિશય ઘેલો બને તે ઉચાટમાં રહેીટલે કોઈએ વધુ પડતું ડહાપણ ડહોળવું નહિ કે અતિ ઉત્સાહી ન થવું. બંનેની વચ્ચે રહેવું આ થયો ભગવાન બુધ્ધનો મધ્યમ પ્રતિપ્રદાનો માર્ગ.

કબીરનો દૂહોઃ કહત કબીર કમાલ્કુ

કહત કબીર કમાલકુ,દો બાતેં સીખ લે,કર સાહેબકી બંદગી,ભૂખે કો કુછ દે. કબીર સાહેબ શિષ્ય કમાલને કહે છે કે જીવનમાં બે વાતો મુખ્ય છે. ઇશ્વરની બંદગી કરવી ને જરુરિયાત મંદને સહાય કરવી.

મુક્તકમાં વિનોદ વૃત્તિ પણ આવી શકે.‘કાણાને કાણો કહે કડવા લાગે વેણ,ધીરે રહીને પૂછીએ,ભલા શેણે ગયાં તુજ નેણ ?” કાણાને કાણો કહીએ તો ખોટું લાગે.પણ હળવે રહીને પૂછીએ કે ભાઇ, તારા નેણ કેમ કરતા ગયાં ?

સુંદરમનું એક લીટીનું મુક્તકઃ જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી. એમનું બીજું મુક્તકઃ “હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની,ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી.” સૃષ્ટિની સુંદર ચીજને ચાહું છું પણ જે અસુંદર છે તેને ય ચાહી ચાહી સુંદર કરી મૂકું…આમ મુક્તકો છંદમાં રચાય છે. ગઝલનો પ્રકાર પણ એ જાતનો છે કેતેમાં મુક્તકો મોતીની જેમ પરોવાય છે. શયદાનો એક શેર-મુક્તક જુઓ.

મને આ જોઈને હસવું હજારો વાર આવે છે,પ્રભુ, તારા બનાવેલાં આજે તને બનાવે છે.
મનહર મોદીનું એક મુક્તકઃ દિલ તમોને આપતાં આપી દીધું,પામતાં પાછું અમે માપી લીધું.

યોસેફ મેકવાનનું મુક્તકઃ

હું ક્યાં તમારાથી અરે અળગો હતો.
બોલ્યાં તમે એનો જ હું પડઘો હતો.

થોડી ક્ષણોનો પ્રેમ છે આ જીંદગી.
એ પ્રેમનો યે વહેમ છે આ જીંદગી.

શેખાદમ આબુવાલાના બે મુક્તકોઃ

તાજમહેલને—
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે,
મને ધનવાન મજનુએ કરેલો ખેલ જોવા દે.
પ્રદર્શનન કાજ જેમાં પ્રેમ જેમાં કેદી છે જમાનાથી,
ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.

ગાંધીને–
કેટલો કિંમતી હતો ને સસ્તો બની ગયો.
થાવું હતું નહિ ને ફરિશ્તો બની ગયો.
તને ખબર છે ગાંધી તારું થયું છે શું-
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

મુક્તકો માણો અને લખો.


યોસેફ મેકવાનના વંદન.

 

 

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.