તમન્ના May 27, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a commentતમન્ના છે આભની પાતળી વાદળી બનું,
કે ઝાકળભીના પુષ્પની પાંદડી બનું;
ઉંચા કોઇ તરુવરની ડાળખી બનીને,
વિસામો ઝંખતા કો’શ્રમિત પથિકની છાંયડી બનુ……….
તમન્ના છે પૂનમની રાતની ચાંદની બનું,
કે કાજલકાળી અમાસી રાતની તારલી બનુ;
આંસુ સારતી,પ્રોષિત-ભર્તૃકાની વાટડી બનીને,
નાનકડા ગામની ઝુંપડીની આશા-દીવડી બનુ…………
તમન્ના છે મઝધારે ડૂબતા માનવીની નાવડી બનુ,
કે,કુદરતનો કોપ પામેલ અપંગની લાકડી બનુ,
મેઘલી રાતે નવજાત શિશુને શિર પર લઇ,
સરિતા પાર કરતા વસુદેવની છાબડી બનુ…………….
તમન્ના છે વિયોગિનીને ડોલાવતી વાંસળી બનું,
કે,મંદિરના પૂજારીની ભાવભીની આરતી બનું,
સઘળું થાઉં કે ઘડીભર કંઇ એક માત્ર થાઉં,
બસ, તારી કલાની એક સુરેખ આકૃતિ બનું….
એક મુક્તક February 27, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a comment
નીંદરની દેવી નિત્ય રાત્રે,
શબ્દ-આગિયા ઉડતા લાવે;
હ્ર્દય અશ્વ પર સવાર થઇ,
સવાર થતાં તો સરકી જાયે..
યાદોના છીપલાં February 17, 2008
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farમર્કટ મનડું કેવું ભટકે,
હો બધું તો યે કંઇક ખટકે;
દડ દડ દડ દડ આંસુ ટપકે,
ના જાણે ક્યાં જઇને અટકે.
ઉર્મિના તો દરિયા ઉમટે,
ભાવોના લઇ મોજા ઉછળે;
નીંદરને પગથારે ભીંજવે,
યાદોના છીપલાં દઇ પટકે.
છિન્નભિન્ન પલ-રેત પર રખડે,
ઉડી પવનને ઝોકે વળગે;
ખોબો ભરી ફૂંફો તો અડકે,
દિલને સઘળા કટકે કટકે.
બની બાલ માબાપને શરણે,
કદી સૂર સહોદરના રણકે;
સખી-સખા તો રોજને શમણે,
સ્વ-જન સૌ પાંપણની પલકે.
મર્કટ મનડું કેવું ભટકે,
હો બધું તો યે કંઇ ખટકે.
પરમ પ્રેમ February 7, 2008
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farઅગદ્યાપદ્ય :
પાંપણના પડદા પંપાળતાં,
સોનેરી કિરણો પ્રભાતના………….તારો પ્રેમ છે.
કમનીય કાયાને મરોડતો,
જુલ્ફોને રમાડતો સમીર તો……….તારો સ્પર્શ છે.
ચેતના જગાડતી ને પ્રેરતી,
આછી પાતળી વાદળી…………….તારું વ્હાલ છે.
દિલને ડોલાવતાં લીલાંછમ,
તરુવર ને પાંદડાના રંગો…………તારી પ્રીત છે.
આકાશમાં આમતેમ ઉડતાં,
પંખીઓના સુરીલા ગીતડા………..તારો પ્યાર છે.
વ્યોમમહીં ઘેલાં થઇ ઘુમતાં,
નીરભર્યા ઉન્માદી મેઘ…………….તારો નેહ છે.
મનની મોસમે રંગ જામે,
તો લાગે પેલું મેઘધનુ સાચે………તારો સ્નેહ છે.
નિંદરિયે રોજ રોજ ઢાળતી,
શમણાં સજાવતી રાતડી…………..તારી હૂંફ છે.
યુગોથી રમાતી પેલી આદિ
ને અંતની આંખની મીંચોલી……..તારી મમતા છે.
આ પ્રેમમાં છે છૂપી ને ઉંડી એક વેદના,
“તું છે” એ વાત તો, છે કેવળ કલ્પના !!!!;
તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
કે તુલસીના ઝીણા ઝીણા પત્તામાં……….તારો પ્રેમ છે.,પરમ પ્રેમ છે…..
કંપ January 29, 2008
Posted by devikadhruva in : કાવ્યો , 2 commentsઆંચકા ભૂતળને લાગે, તો ધરતીકંપ થઇ જાય છે,
ધક્કા ભીતરને વાગે, તો ધિક્કારકંપ થઇ જાય છે.
ન નીકળે લોહી પણ, પડે કાળજે ચકામા એવા,
કે સમયનો મલમ,ભરી દે જખમ તો યે ડાઘ રહી જાય છે.
શબ્દોના તારે, નીતરી સમજી જાય વેદના,
કે કર્યાં’તાં કાલે પોતાના, આજે સાવ પરાયા થઇ જાય છે.
ના દોષ કોઇના, હોય બધાં ઋણાનુબંધ એવાં,
કે સમયની સંગસંગ, ઇન્સાન પણ બદલાઇ જાય છે.
વીંધાઇ ધારદાર,સમજાય સત્ય આરપાર,
કે ચાંદ પર ચડતા માનવીથી, ક્યાં દિલ સુધી પહોંચાય છે ?!!!!
મારું અમદાવાદ ખોવાયું January 16, 2008
Posted by devikadhruva in : કાવ્યો , 1 comment so farમારું અમદાવાદ ખોવાયું,
વતનપ્રેમી મન બોલી ઉઠ્યું,
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું……મારું અમદાવાદ ખોવાયુ.
કાલે બોલાતા મિલના ભૂંગળા
આજે સૂરો સાયરનના;
કાલે પડતી સવાર કૂકડાથી,
આજે ગાડીના ઘોંઘાટથી…….મારું અમદાવાદ ખોવાયું.
જ્યાં જુઓ ત્યાં ઇમારત ઉચી,
પણ ધૂળની ઢગલીઓ જૂની;
સી.જી રોડ કે એસ.જી રોડ હોય,
ભીડ તો સર્વે ભારી…………મારું અમદાવાદ ખોવાયું.
સાઇકલ,રીક્ષા,બસ કે ગાડી,
વિના નિયમ સૌ ચાલે આડી;
સિગ્નલ મોટી ખુબ શોભતી,
પણ વાહન દોડે સૌ હટાવી…..મારું અમદાવાદ ખોવાયું.
અગાશીએ ઉપર, ચારેકોર જ્યાં દીઠું,
ઓહોહો, એ તો ન્યુયોર્ક સમું દેખાયું;
ખેંચી નયનો,કેટલું શોધ્યું,
તોયે મારું, ઘર મને ના જડ્યું…..મારું અમદાવાદ ખોવાયું.
મઝધારે નૈયા January 9, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a commentમુક્તક :
ભવસાગરમાં વહેતી નૈયા,
હું નથી કાબેલ તરવૈયા,
પ્રભુ, તુજ વિણ ન કોઇ ખેવૈયા,
પાર ઉતાર મઝધારે નૈયા.
લીલું પાન December 18, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentપાન લીલું, બની રાતું,
ખરે પછી થઇ પીળું,
સાવ નરવું કુદરત તારું,
રૂપ નીતરતું ભીનુ;.
જાણે ક્યાંથી પીંછી બોળી,
નિસર્ગ રચે રંગોળી,
દ્રશ્ય પછીતે ભાસે કોઇ,
રમતું આંખ-મીંચોલી.
નિસર્ગનું શ્વેત રૂપ December 8, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a commentઝરમર ઝરમર આભથી વરસે,
શ્વેત મોગરાનાં ફૂલો જાણે;
કોમળ કોમળ તાજા સ્પર્શે,
વાદળ રૂના ઢગલા જાણે;
પડતાં પડતાં ડાળ પર થીજે,
ક્રિસ્ટલ હો કોઇ મંડપ જાણે;
સરકી સરકી શાંત પડે એ,
સફેદ મુલાયમ ચાદર જાણે;
બર્ફીલા ભીનાં રૂપો કલ્પે,
આભ-ધરાનું મિલન જાણે.
તડપ November 29, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 3 commentsદરિયાને લાગી તરસ !
એને મીઠા બિંદુની તલાશ;
આભલાને લાગી ઓછપ,
એને ધરતીના ટુકડાની આશ,
તારલાને લાગી ઝાંખપ,
એ તો કોડિયાનો ઝંખે પ્રકાશ;
માનવીના મનને અજંપ,
જાણે પંખીની પાંખની કચાશ.