યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ September 21, 2021
Posted by devikadhruva in : Uncategorized , add a commentયાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ
https://akilanews.com/Nri_news/Detail/29-09-2021/22228
યાદોનો ઓચ્છવઃ એક અહેવાલ લેખ :૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિએ ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં ‘ભજનસંધ્યા’ નામે સંગીતનો કાર્યક્રમ સંપન્ન (akilanews.com) આજે એક એવા અહેવાલ-લેખકના અવસરનો અહેવાલ લખવાનું કામ મારે ફાળે આવ્યું છે જેમની કલમમાંથી હ્યુસ્ટનની બધી જ સંસ્થાઓનાં સારાખોટા તમામ પ્રસંગોના, ઉજવણીના ‘આંખે દેખ્યા અહેવાલો’ આબેહૂબ ચિત્રિત થયા છે. અહેવાલો તો નવીન બેંકરના જ. સ્વ.નવીન બેંકર જેવા સ્પષ્ટ, તટસ્થ, ગર્ભિત વ્યંગસભર અને ચહેરા પર સ્મિત ફરકાવી જાય તેવા અહેવાલો તો હવે હ્યુસ્ટનમાં કોણ લખી શકે? એમની કલમ એટલે કમાલનો જાદૂ. એમાં ભાવકોને વશ કરવાની એક અજબની મોહિની હતી એટલે આજના મારા લખાણને હું અહેવાલને બદલે એક લેખ રૂપે જ લખીશ. ૨૦મી સપ્ટે,૨૦૨૦ના રોજ દિવંગત થયેલ નવીનભાઈ બેંકરની પ્રથમ પૂણ્યતિથિનો એ અવસર હતો. મોટીબહેન ડો.કોકિલા પરીખની પ્રબળ ઇચ્છા અને અવિરત જહેમતના પરિપાકરૂપે તા.૧૮મીની સાંજે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના હોલમાં, સ્વજનો અને મિત્રોની સ્નેહભરી હાજરીની હૂંફમાં, ‘ભજનસંધ્યા’ નામે એક સરસ કાર્યક્રમ સંપન્ન થયો. ન્યૂયોર્કથી આવેલ સંગીતજ્ઞ ભાઈ વિરેન્દ્ર બેંકર, તેમના પુત્ર ડો.સુવિન બેંકર અને ડલાસથી આવેલ ‘આઝાદ રેડિયો’ના RJ કોકિલકંઠી બહેન સંગીતા ધારિયા વગેરેના સુસજ્જ વાજિંત્રવાદન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. ઑસ્ટીનથી આવેલ કુટુંબની નાની પૂત્રવધૂ વ્યોમા બેંકરની હાજરી, પારિવારિક પ્રેમની શોભારૂપ હતી. વાતાવરણમાં, ન્યૂ જર્સીથી ન આવી શકેલ અત્યંત સંવેદનશીલ નાની બહેન સુષમા શાહ અને અન્ય સ્વજનોની પરોક્ષ હાજરીનો સતત અહેસાસ હતો. પરિવારના બીજાં સ્વજનોના પ્રતિનિધિ તરીકે સર્વ શ્રી પ્રકાશ પરીખ, મુ. ભાભીની બાજુમાં બિરાજમાન હતા. ખૂબ જ ટૂંકી ‘નોટીસ’ છતાં નવીનભાઈના ચાહકો, માનીતા ગાયકો, ‘ગુજરાતી સમાજ’ના બોર્ડના વહીવટી હોદ્દેદારો અને ખાસ તો લાયબ્રેરીના સર્જનના ‘પાયોનિયર સમાન ડો.પુલિન પંડ્યા, હસમુખ દોશી જેવાં અન્ય દાતાઓ તથા માનનીય આમંત્રિત મહેમાનોથી હોલ સમૃદ્ધ હતો.



(ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન. બોર્ડના સભ્યો અને ડો કોકિલા પરીખ ) (પુસ્તકાલયમાં તસ્વીર લગાવતાં પરિવાર જનો.)
અંતે શુદ્ધ શાકાહારી ભોજન પીરસાયું. હું વિચારતી હતી કે નવીનભાઈને આજે જરૂર સંતૃપ્તિનો ઓડકાર આવ્યો હશે. પારિવારિક પ્રસંગોના અહેવાલો લખતા હું અંગતપણે ખચકાઉં છું. પણ નવીનભાઈની મહેચ્છાના બહાના (!) હેઠળ ભાઈબહેનો તરફથી વહેતા રહેતાં લાગણીપ્રવાહમાં આજે તો ખેંચાઈ જ જવાયું છે. ફરી એક વાર સ્પષ્ટતા કે આ અહેવાલ નથી. આ અહેવાલ-લેખ છે. નવીનભાઈના ફોટા સામે જોઉં છું તો એ પણ એમ જ કહે છે. આ ઓચ્છવની આરતી ટાણે..ઘેરા રંગનું જેકેટ, માથે હેટ, આંખ પર કાળાં ગોગલ્સ, ખીસામાં હાથ રાખીને જાણે મરક મરક હસી હસી સીટીમાં ગમતું ગીત વગાડી, ડોલી રહ્યા છેઃ दुःखमें जो गाये मल्हारे वो इन्सां कहलाये, जैसे बंसीके सीनेमें छेद है फिर भी गाये। गाते गाते रोये मयूरा फिर भी नाच दिखाये रे… तुम आज मेरे संग हंस लो, तुम आज मेरे संग गा लो। ઓહ… આ લેખ પણ આજે ૨૦મી સપ્ટે.જ? વિદાયની એક વર્ષ પછીની ખરી તારીખે જ લખાયો! આ કાર્યક્રમ માટેનો સંપૂર્ણ યશ બહેન કોકિલા અને શ્રી પ્રકાશભાઈને ફાળે જાય છે. સો સો સલામ. અસ્તુ.. દેવિકા ધ્રુવ..