jump to navigation

ઈ-વિદ્યાલય-૪ February 27, 2019

Posted by devikadhruva in : Uncategorized , trackback

 (૪)

હમણાં એક માધ્યમિક શાળામાં ભણતા છોકરાએ પૂછ્યું કે, ગુજરાતી ભાષા આવી ક્યાંથી? અને આપણે જે બોલીએ છીએ તે અને લખાય છે તેમાં ફેર લાગે છે. તો આ બધું શું છે? આવા સવાલો ખૂબ વ્યાજબી પણ છે અને તેના જવાબો જાણવા જરૂરી પણ છે.

 

આમ તો વાત બહુ લાંબી છે, કારણ કે એનો એક આખો ઈતિહાસ છે. પણ આજે થોડા શબ્દોમાં આપણે એટલું તો સમજી લઈએ કે, ગુજરાતી ભાષા મૂળ ઈન્ડો-આર્યન કૂળમાંથી છૂટી પડેલી છે. પછી સમયની સાથે સાથે જુદી જુદી રીતે વિક્સેલી છે. પહેલાં વેદોના સમયથી સંસ્કૃત,પછી પ્રાકૃત બની તેમાંથી વળી અપભ્રંશ થતી થતી દરેક પ્રાંત મુજબ જુદી જુદી ભાષા બની. દા.ત. ગુજરાતી,બંગાળી,પંજાબી વગેરે. અને પછી તો ગુજરાતમાં પણ ગામે ગામે બોલી બદલાવા માંડી. કેવી નવાઈની વાત છે ને?

 

બીજું એ કે ગુજરાત ઉપર દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે અનેક લોકોએ આવીને ચઢાઈ કરી. દા.ત. શક,હૂણ,મુગલ,પારસી,બ્રીટીશ વગેરે. હવે શું થયું કે, આ બધી પ્રજાના લોકોની બોલીની અસર પણ ગુજરાતી ભાષા ઉપર થઈ. તેથી ઘણાં ગુજરાતી શબ્દોના મૂળ ત્યાંથી પણ મળી આવે છે.

 

આજે આપણે થોડી એવા શબ્દોની વાતો કરીએ.  દા.ત.

‘મારે તમને રૂબરૂ મળવું છે.’

આ વાક્યમાં ‘રૂબરૂ’ શબ્દ છે તે  મૂળ ફારસી ભાષામાંથી આવેલો શબ્દ.

ફારસીમાં રૂ એટલે ચહેરો. બ એટલે તરફ.

રૂબરૂ એટલે કે  ચહેરા તરફ. નજર આગળ,  ચહેરાની સામે, હાજર, સમક્ષ, મોંઢામોંઢ, સામસામે, સન્મુખ વગેરે.

 

હવે મઝાનો આ શબ્દ જુઓ. રૂમાલ. આગળ કહ્યું તેમ ફારસીમાં રૂ એટલે ચહેરો અને માલ એટલે ઘસવું તે !! આમ, રૂમાલનો અર્થ મોં લૂછવાનો કટકો.  અને આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઘણીવાર રૂમાલી રોટલી ઓર્ડર કરીએ છીએ ને? તો એના મૂળમાં શું છે, ખબર છે? ફારસીમાં  કબૂતરની એક જાતને રૂમાલી કહે છે. હવે કબૂતર તો કેવું ગભરું અને પોચું, નરમ નરમ હોય ને? તો લો, એના પરથી પોચીપોચી અને નરમનરમ  ફૂલકા રોટલીનું વિશેષણ આવી ગયું! રૂમાલી રોટલી!

 

ખરેખર કેવા આશ્ચર્યો અને આનંદભરી આ બધી વાતો અને જાણકારી છે?!!

હવે રૂબ એટલે રજૂઆત. તેના ઉપરથી અરબી શબ્દ ‘રૂબાઈ’ આવ્યો કે જે ફારસી ભાષાની એક પ્રકારની કાવ્ય રચના છે.

બીજો એવો શબ્દ રૂઆબ. રૂઆબ એટલે કે રોફ, ભપકો, ફાંકો,આભિમાન વગેરે. રૂઆબદાર માણસ કહીએ છીએ ને?

વળી અરબી ભાષામાં  આવો જ એક ‘રબાબ’ શબ્દ છે તેના ઉપરથી રૂબાબ શબ્દ આવ્યો કે જે એક  સારંગી જેવું વાજિંત્રનું નામ બન્યું. મોટે ભાગે ફકીર લોકો એ રાખતા હોય છે.

રશિયાના એક ચાંદીના સિક્કાને રૂબલ કહેવામાં આવે છે.

 

 હા, બીજી એક વાત. દરિયો શબ્દ ફારસી ભાષામાં પણ છે. તેનો અર્થ ખારા પાણીનો મોટો વિસ્તાર થાય છે. ખૂબ જ વિસ્તારવાળું જે કંઈ તે દરિયો. દરિયો કેટલો મોટો છે? દા.ત. દરિયાઈ દિલ એટલે કે, બહુ મોટા મનવાળી વ્યક્તિ. વિશાળ હ્રદય ધરાવતી વ્યક્તિ.

હવે દરિયા અર્થના પણ કેટકેટલા બીજા શબ્દો છે?
સાગર,સમુદ્ર,સિંધુ,જલનિધિ,અબ્ધિ, ઉદધિ,રત્નાકર,અંભોનિધિ,સરિત્પતિ,રત્નાકર વગેરે..

 

આવતા અંકમાં વધુ વાતો….અલગ અલગ ભાષા અને બોલી અંગે..

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.