તો કેવું સારું….. May 25, 2009
Posted by devikadhruva in : સ્વરચના , add a commentભૂલી જવાની વાતો યાદ ન રહે તો કેવું સારું,
યાદ રાખવાની વાતો ન ભૂલાય તો કેવું સારું.
પાનખર મહીં કદીક ક્યાંક વસંત ખીલે ને,
અમાસની રાતે ચાંદ ક્યાંક દેખાય તો કેવું સારું.
ઝાડ પર માળો કરતા પંખીને ઉડતા ઉડતા,
રાત પડે આભલે શયન મળે તો કેવું સારું.
સંગેમરમરના પત્થરને કદી વાચા ફૂટે ને
મુમતાઝ થઇ ઉભી કદી,તાજ જુએ તો કેવું સારુ,
માનવમાં કદીક કદીક દેવત્વ ઉભરે ને,
ઇશ્વર કદી માનવ બની થોડું શ્વસે તો કેવું સારું.
કાગળની હોડીમાં તરતુ બચપણ May 5, 2009
Posted by devikadhruva in : સ્વરચના , 3 commentsવીતી ગયું છે શૈશવ, ને વહી ગયું છે યૌવન,
પૂછી પૂછીને પૂછું કોને, શાને આવતું ડહાપણ ?
કાયા કહે છે ઉંમર કારણ,
માયા કહે છે ભારણ !
જીવનને પૂછું તો કહે છે,
મનડું જ એનું કારણ…….
બાળ બની રમતા‘તા કાલે,આજ પૌત્ર-પૌત્રી સામે,
કોરા કાગળની હોડી સાથે,તરતા લઇ ગઇ બચપણ ક્યારે ?
કળી કહે છે પાનખર કામ,
સુરજ કહે છે ચાંદ,
ચાંદને પૂછું તો દે છે,
દિવસ રાતનું નામ……
સોળના સપના કાલના વ્હાણા,ઉડી ઉડીને થયા વાર્તા,
“વાર્તા વાર્તા“ફરી મંડાતા,ઉત્તર મળતા સમયની ધારા
ઉત્તર મળતા ક્ષણના ગાણા, પળના પીંછા !!!!!!