આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ :: September 19, 2008
Posted by devikadhruva in : Uncategorized , add a comment
આસુરી “આઇક્”નું ત્રિનેત્ર :: તરોતાજા અનુભૂતિ ::
13મી સપ્ટેમ્બરની એ ભયાનક રાત હતી,રાતની વિકરાળ વાત હતી.આગાહી તો હતી જ કે એ આવનાર છે; છતાં યે જ્યારે એના આગમનનો ઝપાટો શરૂ થયો અને ગતિ તીવ્રતાએ પહોંચી ત્યારે તો લાગ્યું કે,આઇક નામના રાક્ષસે ત્રીજું નેત્ર ખોલ્યું અને પ્રકૃતિ પર તાંડવ ખેલાયું !
700 માઇલના ઘેરાવામાં અને 110 માઇલની ઝડપે મોતની જેમ ઘૂરકિયા કરતો આ રાક્ષસ માતેલા લાખો આખલાઓની જેમ સઘળુ પછાડતો હતો.અંધારી આલમ…મધરાત..માથે છત પર જાણે સેંકડો ભાલા બરછી,તીર,તલવાર,કરવત,કુહાડા,લઇ મહાભારતનું યુધ્ધ થઇ રહ્યું હતું.ક્યારે કોનો ભોગ લેવાશે, કોને ખબર એવી ભયાનકતાની વચ્ચે અવાક રાત રડતી રહી.એક એક સેકંડ યુગો જેવી લાગતી હતી.ટેલીફોનના કનેક્શનો ખોરવાઇ ગયાં,ઇલેક્ટ્રીસીટીના તારો તૂટી ગયાં,મોબાઇલની બેટરી ખતમ થઇ ગઇ પણ આ આતંકવાદીના ખસવાનું કોઇ ચિન્હ નહોતું જણાતું.આકાશ પણ ડૂસ્કે ચઢ્યું હતું.
એવામાં 3.00 વાગ્યાના સુમારે,અચાનક ઘરમાં એક તીણી ચીસ સંભળાઇ.હજારો સળવળતા પ્રશ્નો સાથે અમે અંધારામાં ઉઠી અવાજની દિશા તરફ વળ્યાં.મુખ્ય પ્રવેશદ્વાર ધ્રૂજતું હતું.કાળી મેઘલી રાતે કોણ હશે? મનમાં ચિત્ર ઉભુ થયું મધરાતે માથે ટોપલીમાં બાળકને છુપાવી નીકળેલાં વસુદેવનું !!! પણ ના,નંદ-યશોદા બનવાનુ એ સૌભાગ્ય ન હતું. એ તો રાક્ષસી વાવાઝોડાની 50 માઇલ દૂરની એક ઝલક હતી..બારણામાં નાની-શી તીરાડ કરી અંદર આવી ભરખી જવાનો એનો પ્રયાસ હતો.અમે ચેતી ગયાં અને ફાનસના અજવાળે. વજનદાર ફર્નીચરનો ટેકો મૂકી, હવાબંધ પટ્ટાઓના લેપ કરી જાકારો દઇ શક્યા ! ફરી પાછા ખુલ્લી આંખે,ગાયત્રીના મંત્રો જપતા જપતા પથારીમાં પડ્યાં,તન-મન શેકાતા રહ્યાં.
આખરે સવાર પડી.સૂરજ તો ક્યાંથી દેખાય ? પણ ફરજ પ્રમાણે ,ન જાણે કેવી રીતે વાદળાંઓની વચ્ચેથી પણ એ ઉજાસ ફેંકતો હતો ! આકાશ હજી પણ રડતું હતું…કુદરતના આ કોપે ટેક્સાસમાં તાંડવ ખેલાઇ ગયું,હ્યુસ્ટનમાં હોનારત સર્જાઇ ગઇ. માનવ સર્જિત વીજળી મરી ચૂકી હતી અને એની ચેતના વગર જીવન પણ સ્મશાનવત નિશ્ચેટ બની ગયું..વૃક્ષો મૂળમાંથી ઉખડ્યાં,વાડો તૂટી,બાર્બેક્યુ ગ્રીલ જેવી ભારે વસ્તુઓ પણ પક્ષીની જેમ હવામાં ઉડી જ્યાં-ત્યાં ફેંકાઇ..જાન હાની પણ થઇ… માનવ-હ્ર્દયની એક ખૂબી છે.નૈસર્ગિક આફતોમાં સૌ એકમેકના બની રહે છે.મારું મન આભારવશ વિચારે છે; ભલે મહેનતથી સજાવેલો ફળ-ફૂલનો બાગ ઉજડ્યો છે,પણ જીવન-બાગ અકબંધ છે,સુસજ્જ છે..આજે છઠ્ઠો દિવસ છે,આકાશનું રુદન બંધ છે,વાદળાંઓ વિખરાયાં છે,સૂરજના દર્શન થયાં છે,વૃક્ષો ફરી ટટ્ટાર થવા માંડ્યા છે, વીજળીનો સંચાર થતા,શબવત જીવનમાં પ્રાણ ફૂંકાયો છે.આળસ મરડી સૌ બેઠા થયાં છે.માનવે મરામત કરી કુદરતને હૂંફ આપી છે તો કુદરતે હંમેશ મુજબનો સાથ આપ્યો છે.અંતરમાંથી અવાજ આવે છે :
હરીકેને મઢી’તી સારી રાત,એનું ઢૂંકડુ થયું છે પરભાત રે….
હરીકૃપા થી વીતી સારી રાત, હવે ઉઘડી ગયો છે ઉજાસ રે….
સમય સ્મરણ September 9, 2008
Posted by devikadhruva in : સ્વરચના , add a comment
વીતેલા દિવસો જીવનના સ્મરણ બનીને રહી ગયાં,
બીડેલા નયનના અવિરત સ્વપ્ન બનીને રહી ગયાં….
આથમતી સંધ્યાએ સૂમસામ ખંડેરોમાં હેલી થઇને,
એકાંતને ભીંજવતો ઇતિહાસ બનીને રહી ગયા..….
વીતેલા પ્રસંગોના કટકે કટકા હાથમાં લેતા,
સમી સાંજના ચમકતા સિતારા બનીને રહી ગયાં…..
કદમ કદમ પર સાથોસાથ ચાલતાં રહીને,
સમયના સંભારણા નાવના હલેસા બનીને રહી ગયાં…..
કાળના મુખમાં કોળિયો બનતા હરપળના ટૂકડા,
રાતના અંધકારમાં આગિયા બનીને રહી ગયાં…..
યુગની મૂઠ્ઠીમાં ઠલવાતા ક્ષણોના પ્રત્યેક કકડા,
દિલ બહેલાવતા પતંગિયા બનીને રહી ગયાં….