jump to navigation

કાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું’ નો આસ્વાદઃ જયશ્રી મરચંટ October 19, 2026

Posted by devikadhruva in : રસદર્શન , trackback

કાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું’-દેવિકા રાહુલ ધ્રુવઃ
આસ્વાદઃ જયશ્રી મરચંટ

દેવિકા રાહુલ ધ્રુવના ‘અહીં જ બધું…’ને માત્ર કાવ્યોનો સંગ્રહ નહીં, પણ એક લાંબી સર્જનયાત્રાનો ભાવનકશો છે. કવયિત્રી પોતે જ આ સંગ્રહને “સમયની ધારે-ધારે ચાલતી સંવેદનાઓની સજાવટ” કહે છે; તેમાં ૨૦૧૭ પછીનાં નવાં ગીતો, ગઝલો, મુક્તકો અને અછાંદસ સહિત ઑગસ્ટ ૨૦૨૩ સુધીની રચનાઓનો સમાવેશ થયો છે.

ક્યારેક કવિ કોઈ નવી દુનિયા શોધવા નીકળે છે, તો ક્યારેક વર્ષોની યાત્રા પછી તેને અચાનક સમજાય છે કે જેની શોધમાં આટલું ફર્યા તે તો અહીં જ હતું—પોતાની આસપાસ, પોતાના સંબંધોમાં, પ્રકૃતિમાં, સ્મૃતિમાં અને સૌથી વધારે પોતાની ભીતર. દેવિકા રાહુલ ધ્રુવના કાવ્યસંગ્રહનું શીર્ષક ‘અહીં જ બધું…’ આ બીજી અનુભૂતિમાંથી ઊગેલી લીલાશભરી ભીનાશ  છે. આ ‘અહીં’ કોઈ ભૌગોલિક સ્થળ નથી. તે એક સંવેદનશીલ ભાવવિશ્વનો સતત ધબકતો ચેતનાપ્રદેશ છે.

એમાં વતન પણ છે અને વિદેશ પણ; મા પણ છે અને મિત્ર પણ; બાળપણ છે, ઘર છે, વૃક્ષ છે, વરસાદ છે, મોબાઇલ છે, ઝૂમ છે, GPS છે, કોરોના છે; પ્રેમ છે, વિયોગ છે, એકલતા છે અને ઈશ્વર પણ છે. એટલે  ‘અહીં બધું’ શબ્દો એ માત્ર બહુવિધ વિષયોનો સંકેત નથી—પણ આ બધાં સાથે થયેલાં સૂક્ષ્મ અનુસંધાનની હૂંફ સાથે, ‘આજના’ જીવનને સમગ્રતાથી સ્વીકારીને કવિચેતના, પૂર્ણતાથી જીવવાનું એલાન કરે છે.

કવયિત્રીની ઈશ્વરની શોધ મંદિર-મસ્જિદ, સ્વદેશ-પરદેશ અને મીરાં-શબરી સુધી વિસ્તરે છે—

“ક્યાં, ક્યાં નથી શોધ્યો તને, તનમન થકી મળવા તને.” અને અંતે કદાચ આ શોધ જ સંગ્રહના શીર્ષક પાસે આવીને કહે છે—જે શોધવાનું હતું તે ‘અહીં જ’ હતું.

નરસિંહ મહેતાનું અધ્યાત્મ પણ આખરે આ જ દિશામાં જાય છે—“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.”

દેવિકાબહેનની કવિતા આ તત્ત્વજ્ઞાનનું મથંન જીવન-અનુભૂતિનું નવનીત પામવા કરે છે.

વેદના, વાત, વજૂદ અને વ્યવહારમાંથી સ્વયંભૂ નીકળેલી કવિતા લાગણીતંત્રને ઝણઝણાવી જાય ત્યારે સંવેદનાનો ઉદ્‌ભવ થાય છે અને એમાંથી જન્મેલી કવિતાની છાપ ભાવકના મન પર લાંબા સમય સુધી રહે છે. આ સમસ્ત સંગ્રહમાં સંવેદનાની નિરંતર હાજરી સ્વયં મુખ્ય પાત્ર – Protagonist છે, એટલે જ કવયિત્રી માટે કવિતા કોઈ ભાષાકીય કસરત નથી. કોઈ દૃશ્ય, વસ્તુ, વ્યક્તિ કે સ્મૃતિ હૃદયને અડે અને ત્યાંથી શબ્દ ઊગે—એ જ તેમની સર્જનપ્રક્રિયા છે.

આથી સામાન્ય વસ્તુઓ પણ એમની પાસે અસામાન્ય ભાવમૂલ્ય ધારણ કરે છે. જૂની ઘંટી માત્ર ઘરવપરાશની વસ્તુ નથી રહેતી. તેમાં બા, ઘર અને સમય દળાવા માંડે છે—
“વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી…
મૂઠી ધાન સ્મરણોનાં ઓરી, સમય ભરડવા બેઠી.”

‘મૂઠી ધાન સ્મરણોનાં’—અમૂર્ત ‘સ્મરણ’ને સ્પર્શી શકાય એવા ‘ધાન’માં ફેરવી દેવું અને પછી સમયને ઘંટીમાં દળાતો અનુભવવો—અહીં ઘરેલું વસ્તુ વહેતા વખતનું પ્રતીક બની જાય છે.

આ બહારથી અંદરની મુસાફરીમાં, બહારનું જગત “ખુલ જા સિમસિમ” કહીને અંતર્જગતનું દ્વાર નીરવતાથી ખોલી નાખે છે અને Basically, બહારનું ભ્રમણ કરતાં કરતાં અનાયાસે અંદરની ઝાંખી થવા માડે છે.

આ સંગ્રહમાં સૌથી સતત વહેતું તત્ત્વ કદાચ સમય છે, જે મુખ્ય પાત્ર –  કથાનાયક- કદાચ અહીં ‘કવિતાનાયક’ – સંવેદનાની સાથે તાલ અને લય મિલાવીને ચાલે છે. આથી જ્યાં સમયની પ્રતિકૂળતા આવે છે, ત્યાં વેદનાની ટીસ થાય છે, પણ તે સમયને Antagonist – ખલનાયક – કહીએ એવી નિર્દય નથી. સમય ક્યાંક વૃદ્ધત્વ છે, ક્યાંક સ્મૃતિ છે, ક્યાંક મૃત્યુ છે, ક્યાંક પરિવર્તન છે અને ક્યાંક જીવનના શાશ્વત નિયમનું નામ.

કવયિત્રી લખે છે—
“સમય વીતીને કદી પાછો વળતો નથી,
ભાવિની વીતક કદી કહેતો નથી.”

અને આગળ—
“સમય તો ક્ષણક્ષણની સમજ છે,
ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.”

અહીં સમય સામે ફરિયાદ કરતાં વધુ સમયને સમજવાની મથામણ છે.

‘નિયમ એટલે?!’માં એ જ વિચાર અત્યંત સાદી ભાષામાં આવે છે—સવાર પછી રાત, વસંત પછી પાનખર, ખીલવું અને ખરવું, આવવું અને જવું; અંતે આ જ તો જિંદગીનો નિયમ છે, એની સ્વીકૃતિ આવે છે.

આ ભાવમાં ભગવદ્‌ગીતાના સાંખ્યયોગ, અધ્યાય ૨ નો શ્લોક ૨૭મો યાદ આવે છેઃ
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ २७ ॥

પણ અહીં એક ભયસ્થાન છે, જે કવયિત્રી દરેક વખતે સહેલાઈથી પાર કરી શકતાં નથી. તેમની કવિતામાં ઘણી વાર ચિંતન સહજપણે થતી વાતચીતની જેમ આવે છે ત્યારે ત્યાં કવિતા સહેજ રૂંધાઈ જતી હોય એવું લાગે છે. પણ, એની બીજી બાજુ જોઈએ તો આ જ કારણે સરેરાશે આ ચિંતન ખૂબ ભારે ન બનતાં વાચક સુધી સીધેસીધું પહોંચે છે પણ કહી શકાય કે, કાવ્યત્વનો ભોગ અજાણતાં લેવાય છે, એવો છાનો કચવાટ વાઙ્‌મયતામાં ઝીણોઝીણો ક્યાંકક્યાંક વ્યક્ત થઈ જાય છે.

દેવિકાબહેનની કવિતામાં અતીત અને સ્મૃતિ : જે વીતી ગયું તે ક્યાં જાય છે- એનું વિસ્મય બાળસહજ નિર્દોષતાથી આવે છે અને આથી જ, ક્યાંય કશું છૂટી ગયાનો અફસોસ નથી પણ જે છે, તેનો સહજ સ્વીકાર છે અને આ બહુ મોટી વાત છે.

કવયિત્રી જીવનના ઉત્તરાર્ધમાં, અતીતના આગળા ખોલે છે કે તરત જ, અદૃશ્ય અને નીરવ પગલે પીછો કરતો અતીત એમની સમક્ષ આકૃત થઈ જાય છે.
“સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
પડછાયા તમારા પરખાયા…”

અતીતનું આ પુનરાગમન અહીં સમગ્ર સર્જનમાં અનેક રૂપે થાય છે—બાળપણ, જૂનું ઘર, મા, મિત્ર, વતન, ઘરનાં સાધનો અને ઉત્સવોમાં. ખાસ કરીને **‘ઝીણી વેદના’**માં માતાનું સ્મરણ અત્યંત સાદગીથી આવે છે—
“માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે,
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.”
અહીં ‘ઝીણી’ શબ્દ, ‘શોક મોટેથી ચીસ પાડતો નથી, પણ અંદરથી હળવેથી ઊઠે છે. વસંત બહાર ખીલી છે, પણ મનમાં પાન ખરે છે—આ વિરોધ કાવ્યને વધુ કરુણ બનાવે છે.

રાજેન્દ્ર શાહની પંક્તિ યાદ આવે—“ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.”

પણ ઘર છોડ્યા પછી સમજાતી ‘ઘર’ની વ્યાપકતા પ્રતીતિ આપે છે કે ઘર ઈંટ-પથ્થર નથી; તે સ્મૃતિઓની જીવંત સ્થાપત્યરચના છે.
અહીં શાહિદ કબીરની ગઝલનો શેર યાદ આવે છેઃ
“બાંધ રખા હૈ કિસી સોચને ઘર સે હમકો
વર્ના અપના દરોદિવાર સે રિશ્તા કયા હૈ”

કવિ માટે કુદરતના દરેક તત્ત્વો વર્ણનનો વિષય બનીને અટકતાં નથી. અહીં સૂરજ પૂછે છે. પવન સ્પર્શે છે. વૃક્ષ વાત કરે છે. વરસાદ સ્મૃતિ જગાડે છે. પાંદડું જીવન સમજાવે છે. જૂનું ઘર છોડવાની ક્ષણે સૂરજ જાણે જીવંત સ્વજન બની પૂછે છે— “કાલે હું કોને સ્મિત આપીશ?” આ anthropomorphism—પ્રકૃતિનું માનવીકરણ—કવયિત્રીની સહજ અભિવ્યક્તિ છે.

વૃક્ષવિનાશ અંગેની ‘અધૂરું કથન’માં તો વૃક્ષ માત્ર પર્યાવરણનું પ્રતીક નથી; તે પેઢીઓની સ્મૃતિનો સાક્ષી છે. કરવત વૃક્ષને જ નથી કાપતી—માનવીના સામૂહિક અતીતને પણ કાપે છે. 

આ પ્રકૃતિપ્રેમમાં કલાપીની જાણીતી સંવેદના યાદ આવે—
“જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” કવિ માટે ફલો, વાદળો, આભ, આંબાના મોર, યમુનાનો કિનારો – બધાં જ કવિતાના જન્મસ્થાનો છે. દાડમના દાણામાંયે વિસ્મયનો વ્યાપ જુઓઃ
“ખોલું ખોલું ને દિલ અચરજ ભરે, રસભીના દાણાઓ હાથમાં સરે’
એકએક ક્ષણ અને એકએક પડમાં, નકશીદાર કેવી કરામત ઝરે?”

વિદેશવાસી ગુજરાતી સર્જક માટે ‘વતન’ સહજ વિષય છે; પરંતુ કવિની વિશેષતા એ છે કે તેમની વતનભાવના માત્ર nostalgia બની રહેતી નથી. એક તરફ ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યેનો ગૌરવ છે, તો બીજી તરફ ધીમેધીમે ઓળખનો પરિઘ વિસ્તરતો જાય છેઃ
‘પૃથ્વી વતન’માં આકાશમાંથી પૃથ્વીને જોતાં પ્રશ્ન ઊઠે છે—
“હું કોણ છું ને ક્યાંનો છું? પ્રશ્નો નકામા લાગતા…”

અને પૃથ્વી આખી જ ‘વતન’ બની જાય છે. આ બહુ મહત્ત્વનું પરિવર્તન છે—ગુજરાત → પરદેશ → પૃથ્વી.
ઉમાશંકર જોશીનું— “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી” અહીં સહજપણે યાદ આવે.

વિદેશવાસે કવયિત્રીની ગુજરાતી ઓળખને ઓગાળી નથી; ઊલટું, તેને વધુ સજાગ બનાવી છે અને  વિશ્વનાગરિકતાની દિશામાં પણ વિસ્તારી છે.

આ સંગ્રહની એક મજાની વિશેષતા એ છે કે કવયિત્રી કવિતાને માત્ર ચંદ્ર, ફૂલ, વરસાદ અને પ્રેમ સુધી સીમિત રાખતાં નથી. મોબાઇલ, GPS, રિમોટ કન્ટ્રોલ, Zoom, ‘Save the Date’, Covid test—આ બધું કાવ્યમાં પ્રવેશે છે. આધુનિક જીવનનાં આ ઉપકરણોને કાવ્યવિષય બનાવવાની તેમની રીતમાં ક્યારેક હળવું હાસ્ય છે, ક્યારેક વ્યંગ છે અને ક્યારેક ગંભીર તત્ત્વચિંતન. ‘GPS’માં માણસ આખું જીવન રસ્તો શોધતો રહે છે અને અંતે ખબર પડે છે—
“જન્મની સાથે જ
‘જીપીએસ’ તો ભીતર જ હતું!!”

અહીં GPS આધુનિક ઉપકરણમાંથી અચાનક અંતરાત્માનું રૂપક બની જાય છે.

‘કવિતાને કોરોના’માં તો સમયની કરુણ વાસ્તવિકતાને હળવા વ્યંગથી પકડે છે—
“લાગી ગ્યો છે, કોરોના, કવિતાને,
એનો ‘કોવિડ ટેસ્ટ’ કોઈ તો કરાવો.”

આવી રચનાઓ શાશ્વત કવિતાની ઊંચાઈનો દાવો કરતી નથી; પરંતુ તે પોતાના સમયની નોંધ જરૂર બને છે. આ પણ કાવ્યનું એક અગત્યનું કામ છે.

આટલા વિષયવૈવિધ્ય છતાં ‘અહીં જ બધું…’નું કેન્દ્ર શોધવું હોય તો કદાચ એક શબ્દ પૂરતો છે—સંબંધ. મા, મિત્ર, જીવનસાથી, સંતાન, માનસપુત્રી, વતન, પ્રકૃતિ અને પરમાત્મા—બધાની વચ્ચે કોઈ અદૃશ્ય તાર કવયિત્રીને જોડતો રહે છે. આથી એકલતા પણ તેમની કવિતામાં સંપૂર્ણ નિર્જન નથી. સંબંધ તૂટે તો સ્મૃતિ રહે છે. માણસ જાય તો પગરવ રહે છે.
ઘર છૂટે તો સૂરજ સાથે ચાલે છે. રસ્તો ભૂલાય તો ભીતરનું GPS રહે છે.

કવયિત્રી કોઈ છોછ વિના લખી શકે છે—“ખુશી મળે ‘દેવી’ બધે, એ વ્હેંચવાની હોય છે.” આ એક પંક્તિ સંબંધો માટે ઘણું બધું કહી જાય છે.

આ સંગ્રહનું આધ્યાત્મ સંપ્રદાયપરસ્ત કરતાં વધારે અનુભૂતિપરસ્ત છે.  મીરાં-શબરી, ગીતા, મંદિર, ઈશ્વર અને અંતરાત્મા એમની કવિતાઓમાં પોતાની જગાએ જરાયે આયાસ વિના સહજતાથી આવે છે.
‘દર્પણ’માં કવયિત્રી બહારનું રૂપ બતાવતો અરીસો નથી માગતી—“કોઈ એવું દર્પણ લઈ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.” આ કાવ્યસંગ્રહની ભીતરની યાત્રા સમજવા આ પંક્તિ ચાવીરૂપ છે.

કબીરનું પ્રસિદ્ધ પદ અહીં અનાયાસ યાદ આવે— “मोको कहाँ ढूँढे रे बन्दे, मैं तो तेरे पास में।” ‘અહીં જ બધું…’ના શીર્ષક અને કબીરના “પાસ મેં” વચ્ચે એક સુંદર આધ્યાત્મિક સેતુ રચાય છે. જેને બહાર શોધતા હતા, તે અંતે ભીતર મળે—આ સંગ્રહની અનેક રચનાઓમાં આ અનુભવ જુદાજુદા રૂપે ઊગે છે.

નીચેની પંક્તિઓ વાંચતાં થાય છે કે કવિતા લખ્યા પછી, અધ્યાત્મનો સંદર્ભ આવે ત્યારે કવયિત્રી એનાથી અળગાં થઈને, પોતાને Higher Being ને શરણે ધરી દે છે
“ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી
લીધા ઉગારી તેં ગોકુળવાસી
નરસિંહ, પ્રહ્લાદ ને કેવટની નાવડી
દ્રૌપદી અને શબરી અનેક લીધાં તારી!”

અહીં ન કહેવાયેલાં ભાવો વાચક સુધી પહોંચે છે કે, “બધાંને તાર્યાં, મારો વારો ક્યારે?”

કવિશ્રી સુરેશભાઈ દલાલની પ્રાર્થના પર અંશતઃ આધારિત રચનામાં પણ ઈશ્વરની આરતને અંતરના કોડિયે પ્રગટાવે છેઃ
“ઊજાસ પથરાયો અંતરના કોડિયે
જેમ  શબરીને  રામ મળ્યા વગડે.”

અહીં રવિ ઉપાધ્યાયની આ પંક્તિઓ યાદ આવી જાય છેઃ
“યુગોથી મીટ માંડવી તપ એનું નામ છે
શ્રી રામને  જમાડવા  શબરી  થવું પડે !”

અદમ ટંકારવી યોગ્ય રીતે નોંધે છે કે દેવિકાબહેનની ગઝલોમાં સંવેદનાનું સંક્રમણ અને ગોષ્ઠીની શૈલી જોવા મળે છે. સંગ્રહ અંગેની તેમની નોંધમાં કવિતાને “પ્રબળ લાગણીના ઉછાળ” સાથે સાંકળવામાં આવી છે.  જીવનની ક્ષણભંગુરતા વ્યક્ત કરતો આ શેર જુઓ—
“કાલ, આજ, આવતીકાલે, શું લીલા છે બધી આ?
નીકળી ‘છે’ની ગલીથી ‘હતાં’ થતાં ક્યાં વાર લાગે?”

‘છે’થી ‘હતાં’—માત્ર બે ક્રિયાપદો વચ્ચે આખું જીવન સમાઈ ગયું! આ પ્રકારની ભાષાકીય ચમત્કૃતિ ગઝલને માંજીને ચકચકતી કરે છે. તો, ક્યાંક કવયિત્રીની કલ્પના એકદમ તીક્ષ્ણ તીર જેવો કટાક્ષ વિધાતાને પણ કરે છેઃ
“થાય છે મનમાં કે પૃથ્વી ગોળ શાને થઈ હશે?
કોઈને   રોવાને  ખૂણો એક  હોવો જોઈએ.”

પૃથ્વીની ભૂમિતિ અચાનક માનવીના દુઃખની ભૂગોળનો સમાવેશ કરી શકતી નથી બની જાય છે. 

કવિ પુરાણોના પાત્રોને કેવી સહેલાઈથી ગઝલમાં બિરાજમાન કરે છે એ જુઓઃ
“સાચી અગર એ વાત હો તો જો, જરુરત આજ પણ છે’
દુર્યોધનો, દુઃશાસનો ને છે શકુનિ આજ પણ માથાં ફરેલ”

કવયિત્રી ગઝલમાં ખીલે છે અને કલમનાં ઓજસ પાથરીને વાચકના અંતરમનને અજવાળે છે. એમની ગઝલો ક્યાંક ક્યાંક, જ્યારે ઈશ્કેહકીકી અને ઈશ્કેમિજાજી, બેઉની વચ્ચેથી સિફતથી સરકી જઈને જ્યારે સૂફીપણાંના આંગણે જઈ ચડે છે ત્યારે મૂઠ્ઠી ઊંચેરી બની જાય છે.

આટલા વિશાળ સંગ્રહનું મૂલ્યાંકન કરતાં તેની મર્યાદાઓ અવગણવી યોગ્ય નહીં ગણાય. દેવિકા ધ્રુવ ઘણી વખત એક ઉત્તમ કાવ્યાત્મક ચિત્ર સુધી પહોંચી જાય છે, પરંતુ ત્યાર પછી તેના અર્થને ફરી સમજાવે છે. આ વધારાનું સ્પષ્ટીકરણ ક્યારેક કવિતાની વ્યંજના ઘટાડે છે. ત્યાં ભાવક માટે રહસ્યની જગ્યા થોડી ઓછી રહે છે. રાવજી પટેલની “હણહણતી મેં સાંભળી સુવાસ” પછી કવિ અર્થ સમજાવતો નથી.

ક્યાંક કાવ્યપંક્તિ સુવાક્યની નજીક પહોંચી જાય છે; ક્યાંક સીધો જીવનબોધ કાવ્યની ધ્વનિક્ષમતાને થોડો ઓછો કરે છે. જ્યાં કવયિત્રી ઓછું કહે છે, ત્યાં ઘણીવાર કવિતા પોતાની વાત સામ્રાજ્ઞીની ભૂમિકા ઉન્નત શિરે ભજવી જાય છે.

આ મર્યાદા સાથે પણ, તેમની ભાષામાં ગુજરાતી ઘરઆંગણાની હૂંફ છે. તેમની કવિતા કહેતી નથી—“મારી ભાષાની ભવ્યતા જુઓ.” એ તો કહે છે—“આવો, મારી પાસે બેસો; તો હું એક મજાની વાત માંડું.”

અને અંતે, અહીં કબીરની પંક્તિના પડઘા ફરી સંભળાય— “मोको कहाँ ढूँढे रे बन्दे, मैं तो तेरे पास में।”

દેવિકા રાહુલ ધ્રુવનો આ સંગ્રહ કાવ્યપ્રયોગોની ચકાચૌંધ કરતાં જીવેલા જીવનની ઉષ્માથી વધુ યાદ રહી જાય છે. તેમાં કાવ્ય છે, સ્મૃતિનો આલ્બમ, આત્મસંવાદ,  પ્રાર્થના, વ્યંગ અને  સમય સામે ઊભેલા મનુષ્યનું મૌનસભર વિસ્મય અને અંતે વિસ્મયસભર મૌન ભાવકના ચેતોવિસ્તારનો કબજો લઈ લે છે..

કદાચ આ સંગ્રહનો સૌથી મોટો સંદેશ એટલો જ છે—માણસ આખું જીવન સુખ, પ્રેમ, ઈશ્વર, ઘર અને પોતાની જાતને દૂર દૂર શોધતો રહે છે; પછી કોઈ એક ક્ષણે ભીતરની બારી ખૂલે છે અને સમજાય છે—

જેની શોધ હતી,
જેને જીવનભર નામ આપતાં રહ્યાં,
જેને ક્યારેક વતન, ક્યારેક પ્રેમ, ક્યારેક ઈશ્વર

અને ક્યારેક કવિતા કહ્યું—
તે બધું અહીં જ હતું.

અહીં જ બધું…

અસ્તુ.

–જયશ્રી મર્ચંટ

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.