મંગળાષ્ટક- પૌત્રીના લગ્ન પ્રસંગે.. July 4, 2026
Posted by devikadhruva in : સ્વરચના,કાવ્યો , trackbackમંગળાષ્ટક- પૌત્રીના લગ્ન પ્રસંગે..
(છંદઃ શાર્દૂલવિક્રિડીતઃ)
ૐકારે શિવ-શક્તિ સૂર ગગને, રેલાવતા તોરણે
ઊગ્યો છે રવિ તેજ ને હૂંફ ભરી, બ્રિન્દેશના આંગણે
સોના-બાજઠ સ્થાપું ગૌરીસુતના, સ્નેહે મઢ્યાં બારણે
સર્વે દેવ બિરાજજો ભુવનનાં, સાધો શિવં સુંદરમ્ .. (૧)
ગૂંજે છે શહનાઈઓ ધ્રુવગૃહે, મંત્રો સરે મંડપે,
સોનેરી મન ચાહતી ઘડી હવે, પોંખી રહી અંતરે.
મેંદી હસ્તક પ્રેમની કલમથી, કેવા સજે સાથિયા,
ઈશા રૂપલ ગીત તો ગણગણે, સ્નેહે સદા સુખદમ્ .. (૨)
ચક્રો વિશ્વ મહીં ફરે ઋતુ તણાં, આશ્ચર્ય છે નિયતિ
સૌમ્યા શીતલ છે હવા વિહરતી, ફેલાવતી સુરખી
પુષ્પો બે દઈ દિલથી વરી રહ્યાં, હૈયે ભર્યા ભાવથી..
શોભા શેખર સંગ આજ છલકે, રૂડાં ઉરે મંગલમ્ .. (૩)
શ્રદ્ધાથી સરતી છે સપ્તપદી આ, રંગો ખીલે શાનથી,
અર્થો વેદ તણા ઘણા ગહન છે, ખુલે ખરા જ્ઞાનથી
ને મંત્રો મન મંગલાચરણ છે, સાયુજ્યના શબ્દ છે.
સાચો માનવ ધર્મ એક જ ખરો, લગ્ને રહો સાર્થકમ્ .. (૪)
સંગાથે શુભ-લાભ તો વરસતાં, આશિષ ખોબે ભરી
યાદો ભીંજવતી અને નીતરતી, દિવંગતા આત્મની.
પ્રગ્ટે પાવન જ્યોત બેઉ હૃદયે, વિશ્વાસની વાટથી.
સ્મૃતિ પૂર્વજની નવા યુગલના, માર્ગો કરો મંગલમ્.. (૫)
સેવા સ્વાર્પણથી સદા વિચરતાં, સંસાર શોભાવજો.
મીઠાશે બધી લાગણી ભરીભરી, દામ્પત્ય દીપાવજો..
ખોલી સુંદર રાહ જીવન પથે, મોંઘા બની મ્હાલજો
ઉજાળો કુળને તમે હળીમળી,બંને કુળે મંગલમ્… (૬)
કર્મે હો અધિકાર,ના ફળ મહીં, ગીતા વદે પાળજો,
યોગે કુશળ કર્મ છે જગતમાં, એકત્વ હો લગ્નમાં…
એકાકી મટીને નવી રીત હવે,”મારું બધું આપણું”,
ધર્મ, અર્થ ને કામના તવ પદો, થાઓ સદા સાર્થકમ્ .. (૭)
માંડે છે અશનિ નવી પગલીઓ, ફૂલો ભર્યા રાહમાં
ના હો કંકર તો કદી તવ પથે, પ્રસ્થાન હો પાવનમ્
પામો સુખ સદા તમે તન-મને, ઓવારણાં દિલનાં…
થાઓ જીવન ધન્ય ધન્ય ઘડી આ, કુર્યાત સદા મંગલમ્ .. (૮)
રચયિતાઃ દેવિકા રાહુલ ધ્રુવ જૂન ૨૭, ૨૦૨૬


Comments»
no comments yet - be the first?