Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદનું વર્ષ ૨૦૧૬-૧૭નું ડાયસ્પોરા સાહિત્ય પારિતોષિક
‘આથમણી કોરનો ઉજાસ’ને…લેખિકા દેવિકા ધ્રુવ અને નયના પટેલ…
આથમણી કોરનો ઉજાસ-પત્રશ્રેણી
Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
દર શનિવારે…

દેવી,
વાહ..પૃથ્વી વતન કહેવાય છે…’વિશ્વમાનવી’વાળી વાત ખુબ ગમી. ઉમાશંકર જોષીના નામ સાથે જ પેલી કવિતા તરત જ યાદ આવે કે,” ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,જંગલની કુંજ કુંજ જોવી હતી.જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,રોતા ઝરણાની આંખ લો’વી હતી…શબ્દો,ભાવ અને લયનું કેવું સાયુજ્ય ! મને ખ્યાલ છે ત્યાં સુધી સુંદરમ તારા માનીતા કવિ. તું વારંવાર ‘વિરાટની પગલી’ ગણગણતી. ખરું ને ?
આમ જોઈએ તો, વર્ષો પૂર્વે અજાણ્યા,પરાયા મુલકમાં આવીને આપણે પણ ભોમિયા વિનાના ડુંગરા જ ભમ્યા છીએ ને !! કેવી અને કેટકેટલી કેડીઓ ખેડી અને કોતરી? એ ભૂતકાળ પણ ભવ્ય હતો અને ભવિષ્ય પણ ઉજળું જ હશે એવું વિચારવું અને અનુભવવું ખુબ ગમે છે.
તે સમયના માતૃભાષા અંગેના અહીંના એટલે કે, યુ.કે.ના સામાન્ય વાતાવરણની વાત કરું તો, ક્યાંક ક્યાંક છૂટાંછવાયાં કામો થતા જણાતા. શનિ-રવિની રજામાં ગુજરાતી ભાષા શિખવવા અંગેના વર્ગો ચાલતા હતાં. ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’હેઠળ એ કામ થતું. ‘ગરવી ગુજરાત’, નવબ્રિટન, ‘અમે ગુજરાતી’ જેવા મેગેઝીનો પણ ચાલતા. ગુજરાતી રાઈટર્સ ગીલ્ડ પણ ક્યારેક ક્યારેક મુશાયરા કરે. કારણ કે, અહીં મુસ્લીમ પ્રજાની વસ્તી વધારે તેથી ગઝલ પર કામ થયે જતું. પછીથી સાહિત્યરસિકો અને સાહિત્યકારોને સંગઠિત કરવાનું કામ ‘સાહિત્ય એકેડમી’ દ્વારા શરુ થયું.જો કે, ત્યારે એ બધામાં મને પોતાને સક્રિય રહેવાને અવકાશ જ ન હતો. સામાજિક, કૌટુંબિક,ધાર્મિક એમ અનેક જવાબદારીઓ વચ્ચે જીંદગી જાણે ઝોલા ખાતી હતી. કોણ જાણે એ સંઘર્ષના પટારાની સાંકળ આજે નથી ખોલવી. પણ હા, એટલું તો ચોક્કસ જ કહીશ કે કદાચ એને જ કારણે સઘળી સંવેદનાઓ કલમ તરફ વળી. ગત દાયકાઓમાં થયેલાં વિવિધ અનુભવો જ મારી વાર્તાઓમાં પ્રતિબિંબિત થયાં. એ વિષય પર ઘણું બધું ફરી કોઈ વાર શાંતિથી લખીશ.
બીજું, તેં સ્કૂલમાં પ્રવેશ અંગેની જે વાત લખી છે તે જ રીતે અહીં પણ લગભગ એવું જ છે. મારા સંતાનો તો અહીં જન્મ્યા છે તેથી મારે કોઈ એવા અનુભવોમાંથી પસાર થવું પડ્યું નથી. પણ હા, બાળકો સાથે આવીને સેટલ થનારા મિત્રો/સ્વજનો પાસેથી આવી જ વાતો સાંભળી છે. નોકરીને કારણે ઘર બદલવાની પરિસ્થિતિ આવે ત્યારે પણ નવી સ્કૂલમાં એડમિશન મેળવવામાં વાંધો આવતો નથી. આવી બધી ખૂબ જ જરૂરી બાબતોમાં સુવિધાને કારણે અહીં કાયમી વસવાટ કરવાના નિર્ણયો થતાં રહેતાં હોય છે. દુઃખ સાથે આ હકીકતને સ્વીકારવી પડે છે. આપણે ત્યાંની પ્રાથમિક ધોરણે શિક્ષણ-પધ્ધતિ સારી છે. પણ પ્રવેશ અંગે તો ખરેખર, આપણા દેશના શિક્ષણકારોએ વિચારવા અને અપનાવવા જેવો મુદ્દો છે.
સમયની સાથે સાથે તેને અનુરુપ શિક્ષણ ક્ષેત્રે પણ પરિવર્તન જરૂરી છે. પરીક્ષાનો ‘હાઉ’, ગોખણપટ્ટી,પેપરો ફૂટી જવા,વગેરે કેટલી જટિલ સમસ્યાઓ ઊભી કરે છે? ખરેખર તો થીયરી કરતાં પ્રેક્ટીકલ જ્ઞાન જીવનમાં વધારે ઉપયોગી અને ઉપકારક છે. જો ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે તો માનસિક અને શારીરિક વિકાસ થાય એ મત તો હવે લગભગ સર્વમાન્ય બની ચૂક્યો છે. મોટા મોટા તાલીમ શિબિરોમાં પણ એમ અનેકવાર કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે કઈ રીતે રુચિ વધે અને વધુમાં વધુ ગ્રહણ કરી શકે તે પધ્ધતિઓ આવકારદાયક છે. સવાલ છે માત્ર એના અમલીકરણનો. પશ્ચિમી દેશોના બિનજરૂરી અનુકરણો ઘણાં થતાં રહે છે; પણ દુઃખની વાત એ છે કે યુકે. કે અમેરિકાની શિસ્ત, નિયમ-પાલન જેવી સાવ પાયાની સારી વાતો સામે આંખમીંચામણા જ થાય છે. પરીણામે ટૂંક સમયની મુલાકાત, નિજત્વના આનંદ સાથે થોડો અજંપો પણ જન્માવે છે અને વધારે ખેદની વાત તો એ કે, આપણે એ અંગે કશું જ કરી શક્તા નથી !!
ચાલ, થોડી વાત બદલું અને પત્ર પૂરો કરું તે પહેલાં ક્યાંક વાંચેલી, કદાચ જ્યોતિન્દ્ર દવેની જ છે, એક મઝાની હાસ્ય રચના લખું. તને ચોક્કસ ગમશે જ. ખુબ જાણીતી વાત છે કે, હાસ્ય નિષ્પન્ન કરવામાં સુરતની બોલી ખુબ મઝાની. ઘણા સુરતી સાહિત્યકારોની એ વિશેષતા રહી છે ને? થોડા કોલર ઊંચા કરી લઉં?!! શિર્ષક છે ‘અશોક પારસી હતો’. તેની યાદ રહેલી થોડી પંક્તિઓ. પારસીની બોલીમાં…
‘પસાર ઠયા આય રસ્તેથી મનેખ! આસ્ટેથી વાંચીને આય લેખન પરખ
કોટરાવિયા લેખ છે જે મેં પા’રની અંડર, ટે ટુ કોટરજે ટારા જીગરની અંડર
મઝા બી કીઢી ને ટેં મોજ બી કીઢી, સુરટ થઈને ટેં સોજજી ટારી બી પીઢી.’
‘નેકીને રસ્ટે બસ સીઢો ટું ચાલ, નહીં તો થસે ટારા હાલ ને હવાલ
બઈરું સારું કોઈ નજરે પરેચ, કે ધેલાં સાનાં ટું કા’રી મહેચ?
હૈયાના ભાંજીને એ ભૂકા કરસે,, ટેઠી ટારું સું દુનિયામાં વલસે?
કેટલું હસવું આવ્યું તે લખજે હં ને !!!
આવજે.
નીના.
ફેબ્રુ.૬,૨૦૧૬.
Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
દર શનિવારે…
નીના,
કોલેજ કાળની વાતો લખીને તું મને સાબરમતીને તીરે લઈ ગઈ. એચ. કે આર્ટ્સ કોલેજમાં વહેલી સવારે ઝીરો પીરીયડ્માં સંસ્કૃતના પાઠો ભણવાનો પણ એક લ્હાવો હતો! આપણે કેટલાં નસીબદાર કે મોટા મોટા સાહિત્યકારો પાસે ગુજરાતી ભણ્યા. આજે તેમાંના મોટા ભાગના સાક્ષરો દિવાલ પરની ફ્રેઇમમાં આવી ગયાં છે. ક્યાં આજની કોલેજ લાઈફ અને ક્યાં તે વખતની ? ભારતની દરેક મુલાકાત દરમ્યાન સ્પષ્ટપણે દેખાયું છે કે, શિક્ષણની પધ્ધતિ અને વાતાવરણમાં હવે ધરખમ ફેરફાર થઈ ગયો છે. ઘણીવાર વિચારું છું કે આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નીકળતો વિદ્યાર્થી જીવન પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે પણ જીવન પ્રવાસ માટેનો વીસા પામે છે ખરો ?! ખેર !
આજથી ૩૫ વર્ષ પૂર્વે,૧૯૮૦ની સાલમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ધરતી પર પગ મૂક્યો ત્યારે….ઓહોહો….આખું વિશ્વ કંઈ જુદું જ અનુભવેલું. ભાષાના ઉચ્ચારોથી માંડીને, ૠતુઓના ચક્ર, આબોહવા, રીતરિવાજ,લોકો,બધું જ સાવ નોખું. એવા જીવનમાં ગોઠવાઈ શકાશે કે કેમ એ એક પ્રશ્ન બિહામણું રૂપ ધરીને ડરાવ્યા કરતો. પણ “કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ એ ન્યાયે આ સ્વૈચ્છિક સ્વીકારેલા સંજોગો અને સમયની સાથે તાલ મિલાવી આગળ ધપ્યે રાખ્યું.
તારી એક વાત મને ખૂબ સાચી લાગી કે,અહીં બે ચાર મહિના ‘વીઝીટર’ તરીકે આવીને ‘અમેરિકાના કે યુરોપના અનુભવો’ વિશે ઘણું લખાયું છે. પણ વર્ષો સુધી જીવન વીતાવ્યા પછી એનું સમગ્રતયા દર્શન કરાવનાર કદાચ બહુ ઓછા હશે. શિક્ષણ-પ્રથાના જ મુદ્દાને આગળ વધારું તો મારા પહેલાં અનુભવની વાત કરું. અરે, પ્રથાની વાત ક્યાં? એ તો પછી આવશે. પહેલાં તો સ્કૂલમાં પ્રવેશ અંગેની વાત. સાંભળ.
અહીંની નિશાળોમાં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયોર્કમાં આવ્યા. પહેલાં જ અઠવાડિયામાં બંને બાળકોને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરુ થતાં વર્ષ માટે ‘એડમિશન’ મેળવી લઈએ. અમારા આશ્ચર્ય વચ્ચે, માર્ગદર્શક શિક્ષક, અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠા અને અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો. એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પધ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે! અમે તો આભા જ થઈ ગયા! કારણ કે,અમારા મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોના એડમિશનની ચિંતા કરતા માબાપોના દ્રશ્યો ચાલતા હતાં ! આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુધ્ધિધન હોવા છતાં, એક માત્ર સારી પધ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે સમજાયું.
માતૃભૂમિ માટે મને ખુબ પ્રેમ છે, અભિમાન છે.તટસ્થ રીતે જોવાની દ્રષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ વિશ્વની બારીઓ ખોલીને કશાયે પૂર્વગ્રહ વગર, જુદા જુદા પણ સાચાં દ્રશ્યો આલેખવાની અને વહેંચવાની ઝંખના સળવળી. માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, સાચો આનંદ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. હમણાં હમણાં ધૂમકેતુની ‘રજકણ’ જેવા સુવિચારોના ઘણાં પુસ્તકો વાંચી રહી છું. અંગ્રેજી સાહિત્ય પણ વધારે વાંચવું છે. ગુજરાતીની સાથે સાથે હિન્દી, અંગ્રેજી,ઉર્દૂ દરેક ભાષા માટે મને આદરભાવ છે. કારણ કે, કોઈપણ ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એ જુદી વાત છે કે, સૌને પોતાની ભાષા માટે સવિશેષ પ્રેમ હોય. વળી સાહિત્ય ક્યા જીવનથી જુદું છે? હું તો દ્રઢપણે માનું છું કે, સાહિત્ય એ બીજું કંઈ જ નથી પણ આ જોવાતું જગત છે અને જીવાતું જીવન છે. સાહિત્ય એનું જ પ્રતિબિંબ છે. તું શું કહે છે ? જરૂર લખજે.
આ વાંચીને અન્ય દેશોના આપણા જેવાં આ પત્રશ્રેણીમાં જોડાય તો સોનામાં સુગંધ ભળે. કારણ કે, આજની આ ટેક્નોલોજીના ચમત્કારિક કહીશકાય તેવાં માધ્યમોએ તો જગતને ખુબ નાનુ બનાવી દીધું છે અને નજીક લાવી દીધું છે. એ રીતે જોઈએ તો કવિવર ઉમાશંકર જોશીનું ‘વિશ્વમાનવી’નું સ્વપ્ન સાકાર થતું નથી લાગતુ? આ સંદર્ભમાં મારી બે પંક્તિ લખી આજે અટકું છું.
હું કોણ છું ને ક્યાંનો છું?પ્રશ્નો નકામા લાગતા,
ઇન્સાન છું બ્રહ્માંડનો,બસ એ કથન સમજાય છે.
છોડો બધી વ્યાખ્યા જુની,જે જે વતન માટે રચી,
આજે જુઓ આ વિશ્વનું,પૃથ્વી વતન કે’વાય છે.
ચાલ,ત્યારે, મળીશુ અહીં જ ..આ રીતે….આવતા શનિવારે….
દેવી.
જાન્યુ.૩૦,૨૦૧૬
Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
દર શનિવારે…

દેવી,
આ પત્રમાં તેં સરસ વિષય ખોલ્યો.
કેટલાં દિવસથી વિચારતી હતી કે, નાનપણમાં જે કંઈ વાંચતા, તેનો સાચો અર્થ તો હવે સમજાય છે. કારણ કે તે, જીવનમાં અત્યારે અનુભવાય છે. ગયા વર્ષે ઘણી વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થઈ. ક્યાં શું બાંધછોડ કરવી અને ક્યાં કોને, કેવી રીતે સંભાળી લેવા તે પ્રશ્ન હતો. શરદબાબુ, ટાગોર અને કેટલાં યે બંગાળી લેખકોને વર્ષો પહેલાં વાંચ્યા હતા.પણ ક્યારેક જાણે એમ લાગે કે, એમાંનુ કશું યે વ્યવહારિક રીતે કામ લાગતું નથી. પણ એવું નથી. જ્યારે મૂંઝવણો, મથામણો અને અથડામણોમાંથી બહાર આવી ત્યારે સમજાયું કે ઓહ, અજાણપણે એના જ સહારે તો હું સાગર પાર કરી શકી!
મનના ઊંડાણમાં રોપાઈ ચૂકેલાં સારા બીજ, ખરે વખતે સાચા ફળ બની સારું અને તંદુરસ્ત જીવન જીવાડે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. કનૈયાના અધરે સ્થાન પામતા પહેલાં, વાંસળીને કેટલીવાર વીંધાવું પડ્યું હશે ? ચાલ, હવે એ વિષે વધુ વિચાર્યા વગર થોડાં હળવા થઈએ.
મને હાસ્યલેખો પણ વાંચવા ગમે. તને યાદ છે “ હું શાણી ને શકરાભાઈ’ વાળા મધુભાઇ (મધુસુદન પારેખ) આપણને કોલેજમાં ગુજરાતી ભણાવતા ? કેટલી હળવાશથી કેવા સરસ લેક્ચર આપતા! ક્યારે પીરીયડ પૂરો થઈ ઘંટ વાગી જતો તે ખબર જ ન પડતી. જીંદગીના નવમા દાયકામાં છે પણ હજી આજે પણ પુસ્તકો વાંચે છે અને પોતે લખે પણ છે. યશવંતભાઈની અસ્ખલિત વાણી ઘણીવાર યાદ આવી જાય. ‘ચિત્રાંગદા’ પર પ્રવચન આપે તો જાણે મંત્રમુગ્ધ થઈ બસ, સાંભળ્યા જ કરીએ. તેમના અતિશય સાહજિક રીતે બોલાતા વાક્યો ય જાણે હીરા-મોતીના ઢગલા થઈ મનના તોરણે શોભી ઉઠે અને નગીનકાકા… ઓહ…બોખા મ્હોંથી અવાજ વગરનો ખડખડ હસતો નિર્દંશ ચહેરો ! ટાગોર અને ઘણાં બંગાળી લેખકોના તેમના અનુવાદોને તો સો સો સલામ. સાહિત્ય જગતમાં આજે તેમનું નામ ગર્વથી લેવાય છે.
દેવી, યુ.કે.માં આવ્યે ૪૦-૪૫ વર્ષ વીતી ગયાં. ભારતથી નીકળી ત્યારે તો ‘પંખ હૈ કોમલ,આંખ હૈ ધૂંધલી,જાના હૈ સાગર પાર’ની મનોદશા સાથે ઉડ્ડયન આદર્યું હતું. આજે વિચારું છું કે,કેટકેટલું જોયું, અવનવું જાણ્યું, અનુભવ્યું. બધું જ સારું ખોટું, સાચી રીતે તટસ્થ દ્રષ્ટિએ સમાજ સામે ધરવું છે. ધર્મની સંકુચિતતાઓને લીધે સર્જાતી સમસ્યા અને હકીકતે તો પરસ્પર એકબીજાને જોડતો ધર્મ કેવી રીતે માનવને માનવથી દૂર લઈ જાય છે એની થોડી વાતો, વાર્તાસ્વરૂપે વ્યક્ત કરી છે તેને અહીં પણ દોહરાવવી છે. તો સાથે સાથે અહીંના લોકો (બ્રીટીશ લોકોની) સાથે અનુવાદક તરીકે કામ કરતાં કરતાં જોવા મળેલી કેટલીક ઉજળી બાજુઓને પણ નવાજવી છે.
પશ્ચિમી દેશોની થોડા સમય માટે મુલાકાત લઈને ઘણું લખાયું છે. પણ ખરેખર ગોરા લોકો સાથે વર્ષો સુધી જીવ્યા પછી કદાચ ખુબ ઓછું લખાયું છે તેમ મને લાગે છે. આપણા દેશથી તદ્દન જુદા વાતાવરણ અને રીતરિવાજો વચ્ચે ઘણી અથડામણો અને સંઘર્ષ મને નડ્યા છે. પણ જરા ઊંડાણથી વિચારતાં સમજાયું છે કે દરેક દેશની પરંપરા કે જીવન જીવવાની રીત, એ દેશની આબોહવા,ભૌગોલિક સ્થિતિ અને જૂના ઈતિહાસ પર આધારિત હોય છે. આપણે જ સંસ્કારી અને બીજાં અસંસ્કારી એમ માનવાને બદલે બીજાં ભિન્ન છે, આપણાથી જુદા છે તેમ કહેવું વધારે સાચું છે. આંખ ખુલે ને સવાર પડે ત્યારથી માંડીને સૂવા સુધીની દિનચર્યા, દરેક પ્રક્રિયા, રહેણીકરણી બધું જ અલગ. બાકી સારું ખોટું બધે જ છે, બધામાં છે અને છતાં જાણેઅજાણે માનવી એકબીજાં પાસેથી સતત શીખતો જ રહે છે.આનું પૃથ્થક્કરણ એક ખુબ રસનો વિષય છે.
ક્રમે ક્રમે તને લખતી રહીશ. એ જ રીતે તારા અમેરિકાના અનુભવોને પણ માણતી રહીશ. હવે જીવનની મુખ્ય જવાબદારીઓમાંથી મુકત થવાથી સમયની મોકળાશ આ કામ જરૂર આનંદ અપાવશે. આ લખું છું ત્યારે મને ગમતી, તારી લખેલી પેલી પંક્તિઓ યાદ આવે છે.
અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.
સમયના બે કાંટા સતત ફર્યા પણ,
ફરીને સમયના અક્ષરો કળી ગઈ.
કલમની કમાલે ધરી હામ સાચી,
કહું? આ છે પૂજા, શિવે હું મળી ગઇ.
ચાલ, આવતા શનિવારે રાહ જોઈશ અને હું પણ પ્રસંગોથી ભરપૂર વાતો લઈને આવીશ.
નીના
જાન્યુ.૨૩,૨૦૧૬
Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
નીના,
ગયા શનિવારનો પત્ર ખુબ ટૂંકો લાગ્યો !!
સૌથી પ્રથમ તો તારા પ્રશ્ન વિશે લખું. તું ચિંતા સેવે છે કે, “વિષયોની વિવિધતા, અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ, ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? “તેના અનુસંધાનમાં કહું તો,હમણાં બે ત્રણ વર્ષ પહેલાં હાસ્યલેખક શ્રી હરનીશ જાનીને ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’મળ્યું તે પછી તેમણે લખેલ એક હાસ્ય-લેખ ખુબ મઝાનો છે. સમય મળે આ લીંક ખોલી જરૂર વાંચજે. તને આશાસ્પદ જવાબ મળી જશે,મઝા આવશે અને બે ઘડી મૂડ બદલાઈ જશે.
તારા છેલ્લાં ફકરાના વિષયે મનના ઘણાં વિચારોને વલોવ્યા. દરમ્યાનમાં એક ગંભીર વાતે મનમાં આકાર લીધો. સાંભળ. નાનપણમાં ભણ્યાં હતાં કે જીવન જીવવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે. હવા,પાણી અને ખોરાક. પણ નાનાથી મોટા થતા સુધીમાં તો આ ભણતર આગળ વધીને કેટલું બધું શીખવાડે છે ? હા, હવા,પાણી, ખોરાક,પ્રકાશ વગેરે ટકી રહેવા માટે અનિવાર્ય છે પણ એ સિવાય પણ, સારું અને સાચું જીવન જીવવા માટે ઘણું, બીજું બધું પણ જરૂરી છે એ અનુભવે સમજાય છે.. એ શું છે? થોડું વિશ્લેષણ કરીએ.
ગરીબ બાળકને પૂછીશું તો કહેશે કે, પૈસા જરૂરી છે. પૈસા હોય તો ભણાય. મોટાં માણસ થવાય.
અનાથ બાળકને પૂછીશું તો કહેશે કે, માબાપ જરૂરી છે. સલામતી અને રક્ષણ વિના કેમ જીવાય?
યુવાનને પૂછીશું તો કહેશે એક પ્રેમાળ સાથી જોઈએ. એ વગર તો કેમ જીવાય? વૃધ્ધને પૂછીશું તો કહેશે કે એક લાકડીનો ટેકો,આધાર જોઈએ. એ વગર તો કેમ જીવાય?
આમ અવસ્થા અને સમયની સાથે સાથે જરૂરિયાતોની વ્યાખ્યાઓ બદલાતી જાય છે. થોડી આડવાત કરું તો, બળદગાડી અને ઘોડાગાડીમાં મુસાફરી કરતો માણસ,પગરીક્ષા, ઑટો રીક્ષા, રેલગાડી,બસ,કાર અને હવે હવાઈ જહાજમાં ફરતો થયો. આંગડિયા,તાર-ટપાલથી રાજી રહેતો માણસ આજે ફેઇસબૂક,વોટસેપ અને ફેઇસ-ટાઈમ પર મળતો થયો છે.રેડિયો,ટીવી,ઓડિયો,વીડીઓ,સીડી,ડીવીડી પરથી હવે યુટ્યુબ પર દેખાતો થયો છે. જોતજોતામાં આટલુ મોટું પરિવર્તન… ધરખમ પરિવર્તન…
પરિવર્તન કુદરતનો નિયમ છે એ વાત સાચી પરંતુ સવાલ એ છે કે ખરેખર આટલી બધી વસ્તુઓની સાચે જ જરૂર છે ? એવું કશું નથી જે આ બધું જ મેળવી આપે? ખુબ અઘરો લાગતો આ સવાલ એક સમજણ જન્માવે છે. ‘સમજણ ‘ શબ્દ લખ્યો ત્યાં તો કેટકેટલી બારીઓ ખુલી ગઈ ! આ શબ્દ માત્ર બ્રહ્માંડની જેમ ‘વિરાટની પગલી’ બની ગયો ! સાતે કોઠે દીવા જ દીવા પ્રગટવા માંડ્યા! કોણ જાણે મને તો એમ લાગે છે કે, પરિવર્તનની સાથે સાથે સમજણભર્યો વ્યવહાર એ જ જીવનની જરૂરિયાત છે અને સાચી સમૃધ્ધિ પણ એ જ છે. અમીભરી દ્રષ્ટિ અને વિવેકી બોલ એજ સાચા આભૂષણો છે. બધું જ ચાલ્યું જશે પણ અંતરની આભા અમર રહેશે. મારી નજર સામે એવી થોડી વ્યક્તિઓ છે જેને યાદ કરતાં જ દિવસ સુધરી જાય અને આંખો સજળ બની જાય. તો સાથે સાથે એવી પણ વ્યક્તિઓ છે જે ઘણી ઘણી રીતે સારી હોવા છતાં એક માત્ર અમીભરી દ્રષ્ટિ અને વિવેકપૂર્ણ શબ્દના અભાવે સંબંધોની સમૃધ્ધિ ગુમાવી બેસે છે..
તને નથી લાગતું કે,આ જગત તો ગાડરિયો પ્રવાહ છે? પૈસા અને સ્વાર્થના જોરે, સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે ખેંચાઈ જશે. હા, તો મારી મૂળ વાત એ હતી કે જીવન જીવવા માટે હવા,પાણી ને ખોરાકની જેમ દરેક કાળમાં જીવમાત્રને,પછી એ માનવી હોય, મૂંગૂ પ્રાણી હોય કે ઝાડપાન હોય પણ તેને ચોક્કસપણે મૃદુ શબ્દો અને અમી નજરની જરૂર હોય છે જ.વાણીનું ભૂષણ એ જ ખરું ભૂષણ છે.
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषण भूषणम्॥
સાચું જ કહેવાયું છે કે વાણી અને પાણી ગાળીને વાપરો.
અહીં અમેરિકાની સ્કુલોમાં નાનપણથી બાળકોને એક વાત ખુબ સરસ શીખવાડે છે.”if you have nothing nice to say, say nothing at all.” એટલે કે હંમેશા સારું જ બોલો. શરુ શરુમાં એ બધું ઔપચારિક લાગે પણ હકીકતે રોજબરોજની એ ટેવ એક સારી આદત બને છે અને પછી એ આદરમાં પરિણમે છે. આ દેશની બીજી એક વાત મને ગમે છે, તે એ કે, અહીં પરિશ્રમનો પરિપાક મળે છે. કામ એ જ ધર્મ છે એ સમજાય છે,અનુભવાય છે. ફ્રાન્સીસ્કા રેગ્લરનું એક સરસ વાક્ય ટાંકી અટકું છું.
“Happiness is an attitude. We either make ourselves miserable, or happy and strong. The amount of work is the same.”
અલૌકિક આનંદનું સાચું રૂપ પણ એ જ છે ને ? શું કહે છે ? જરૂર લખજે.
દેવી
જાન્યુ.૧૬ ૨૦૧૬.
Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
દર શનિવારે…
પ્રિય દેવી,
થોડી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે તારો પત્ર મળતાં ઘડીભર સારું લાગ્યું. વર્ષોથી આપણે બંને વિશ્વના બે જુદા જુદા ખંડમાં આવી વસ્યાં છીએ. તું છે અમેરિકામાં અને હું છું યુરોપમાં. તેથી આપણી પાસે ઘણી ઘણી વાતો છે, અનુભવો છે અને આપણા પોતાના વિચારો છે. વળી સાહિત્યના તો આપણે બંને આજીવન વિદ્યાર્થીની. તેથી પત્રશ્રેણીના તારા સુંદર વિચારને આગળ વધારી રહી છું.
ફોન પરના તેં લખેલાં સંવાદો વાંચીને કોઈને પણ હસવું આવે જ. ચાલો, એ નિમિત્તે નવા વર્ષની અને આ પત્રશ્રેણીની શરુઆત હાસ્યથી તો થઈ ! વાત સાચી છે કે એવું જ બનતું હોય છે. માનવ સ્વભાવની આ એક ખાસિયત છે ને ? પૃથ્થકરણ કરવા બેસીએ તો એમ પણ કહી શકાય કે કેટલીક વ્યક્તિઓ સતત પોતાનો બચાવ કરતી રહે છે! કેટલીક વ્યક્તિઓની એ લાગણી પ્રગટ કરવાની રીત જ હોય છે. તો કેટલીક વળી સાવ સાચી પણ હોય છે. હું પણ તને એમ જ કહેવાની હતી કે ”હું તને ફોન કરવાની જ હતી ! સાચું માનીશ જ એવો વિશ્વાસ છે !!
હાસ્યની આવી વાત આવે ત્યારે મારા સુરતના જ્યોતીન્દ્ર દવે ચોક્કસ યાદ આવે. આજે આટલાં વર્ષો પછી પણ તેમનું એક વાક્ય મને હજી યાદ છે. કોઈએ તેમને પૂછ્યું કે જીંદગી એટલે શું ? તેમનો શીઘ્ર જવાબઃ “ઘોડિયાથી ઠાઠડી સુધીની યાત્રા !” કેટલું સચોટ,અસરકારક અને યાદગાર સત્ય..?
હાસ્યના સંદર્ભમાં એક વાત કહું. જ્યારે હું અહીંના એમ એ ટી વી પર કામ કરતી હતી ત્યારે મારા ચેટ-શો ‘સ્વયંસિદ્ધ’ મા સદનસીબે મને શાહબુદ્દિનભાઈ રાઠોડ સાહેબનો ઈન્ટરવ્યુ લેવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા એક પ્રશ્ન-હાસ્યકારો મોટે ભાગે પત્નીઓ અને સ્ત્રીઓ ઉપર જ શા માટે વધારે જોક્સ કરતા હોય છે?-એના જવાબમાં એઓએ કહ્યું હતું, ‘હાસ્ય નિપજાવવા માટે નિરીક્ષણની કળા આવશ્યક છે. ઈશ્વરે અન્યોને હસાવવાની કળા સૌને નથી આપી. હવે જો નિરીક્ષણની કળા ઈશ્વરદત્ત કળા સાથે વિકસાવી ન હોય ત્યારે તેઓ પાસે ખૂબ મર્યાદિત વિષયો રહે છે. અને એટલે આવી આવીને તેઓ ત્યાં જ અટકી જાય છે.’
પત્ની, પતિ, સાસુ, વહુ પર જોક ન કરવા જોઈએ એમ કહેવાનો મારો જરાય આશય નથી. પરંતુ આ.જયોતીન્દ્રભાઈ દવે અને શાહબુદ્દિનભાઈની જેમ વિષયોની વિવિધતા અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? આ લખવાનું કારણ આ વિષય પર સૌ વિચાર કરે એ જ છે.
છેલ્લે, પત્ર પૂરો કરતાં પહેલાં એક ગમતો વિચાર ટાંકી વિષયાંતર કરી લઉં? તને તો ખબર છે કે મેં બંગાળી સર્જકોને ખુબ વાંચ્યા છે. તેમાંના એક અનીતા ચટટોપાધ્યાયે લખ્યું છે કે,“
જીવનમાં કેટલાં અસત્યો,સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે….ત્યારે કવિનું હ્રદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે,ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે,ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.”
કેટલી માર્મિક અનુભૂતિ!
ચાલ, આજના પ્રારંભે આટલું જ. લખતી રહેજે.
નીના
જાન્યુ.૯,૨૦૧૬
Posted by devikadhruva in : પત્રશ્રેણી ,
દર શનિવારે…

પ્રિય નીના,
૨૦૧૬નું નવું વર્ષ શરુ થયું છે ત્યારથી એક જ વાત વળી વળીને મગજમાં ઘૂમરાયા કરે છે અને તે હાલની ચાલુ પ્રવૃત્તિ ઉપરાંત કંઈક નવું કામ શરુ કરવું.
બ્લોગ પર ખુબ લખ્યું, ફેઇસબૂક પર ખુબ વાંચ્યું, સાહિત્યિક અને સાહિત્યેતર સંસ્થાઓ સાથે કેટલીક પ્રવૃત્તિઓ કરી, કવિતાઓ પણ બહુ લખી, વોટ્સેપ અને વાઈબરના આ સમયમાં, કોણ જાણે બધું જ, બધે જ ‘મોનોટોનસ’ લાગે છે. ક્યાંય નિર્ભેળ આનંદનો અનુભવ નથી થતો. વાદવિવાદ, ચડસાચડસી, હરીફાઈ અને તેને કારણે ચાલતી વાડાબંધીથી એક અજંપો જાગે છે. આમ જોઈએ તો એનું જ નામ તો જીંદગી છે ને ? એ સમજવા છતાં મન એક નવી જ દિશા તરફ ધક્કો મારી રહ્યું છે. આજે તને આ બધું લખવાનું મુખ્ય કારણ એ છે કે, એક પત્રશ્રેણી શરું કરવાનો વિચાર સતત ઝબકે છે. આજની પરિસ્થિતિ, પ્રસંગો, ઘટનાઓની સાથે સાથે જૂની કોઈ ઊંચી વાતને જોડી વાગોળવી અને ખુબ હળવાશથી જગત સાથે વહેંચવી.
નવા વર્ષના પહેલાં જ દિવસની એક મઝાની વાત લખું. આમ તો મને સામેથી ફોન કરી મિત્રો-સ્વજનો સાથે વાતો કરવી ગમે, ખુબ ગમે. પણ આ વર્ષે જાણી જોઈને મેં જાન્યુ.ની પહેલી તારીખે કોઈને ફોન ન કર્યો. તો શું થયું ખબર છે? નવી નવી ટેક્નોલોજીની બલિહારીને કારણે, ફોન બહુ ઓછા જણના આવ્યા! બીજું, જેમને હું દર વર્ષે કરતી હતી તે કોઈના ન આવ્યાં. તેનો જરા યે વાંધો નહિ. પણ છેક સાંજે ખુબ ખુબ હસવું આવે તેવું બન્યું. છેક રાત્રે મોડેથી મેં લગભગ એકાદ-બે કલાક જેની સાથે સામે ચાલી વાત કરી તેના કેટલાંક સંવાદો લખું. તને ખુબ મઝા આવશે.
“ઓહોહો… સો વરસના થવાના છો. હમણાં જ તમારી વાત થતી હતી. !” (મારા મનમાં-મને ખાત્રી જ હતી.)
“હેલ્લો, અરે વાહ…તમે નહિ માનો પણ આ ફોન પાસે આવીને વિચાર્યું ચાલો, હવે તમને ફોન કરું!”
(મારા મનમાં-સવારથી રાત સુધી તો મેં રાહ જોઈ. )
“શું ટેલીપથી છે યાર…ક્યારનો તમને યાદ કરતો હતો! હમણાં તમારી પેલી કવિતા વાંચી.”
( મનમાં-હડહડતું જૂઠ્!)
“હેલો, લો કહો, આ તમારો જ નંબર ડાયલ કરતી હતી ને ત્યાં તમારો જ ફોન આવી ગયો!”
(મનમાં- શું ગપ્પા મારતાં હશે લોકો.)
“ક્યારની તમને ફોન જોડું છું પણ લાગતો જ નથી ને! પછી થયું કોઈને સાથે વાત ચાલતી હશે!”
(મનમાં- બીજી વાર પ્રયત્ન ન થાય ? )
નીના, તું નહિ માને, દરેક ફોન વખતે મને એટલું હસવું આવતું હતું કે ન પૂછો વાત.
અમે બંને પતિપત્ની એકબીજાં સામે જોઈને આ વાત પર ખુબ હસ્યાં અને વિચાર્યું ચાલો, આમાંથી એક નાટક લખીએ અને આપણે જ ભજવીએ.પછી મને તારી સાથે આ વાત વહેંચવાનું મન થયું એટલાં માટે કે આ પ્રકારની વૃતિઓ કે વ્યવહાર પાછળના હેતુ,આશય કે કારણ શું હશે તેનું થોડું પીંજણ કરીએ. મેં તો એક સારો જ અર્થ લીધો કે ઘેર બેઠાં સરસ હાસ્ય મળ્યું અને કશું સર્જવાની ઈચ્છા સળવળી ! તારો સરસ પ્રતિભાવ આમાં જરૂર ઉમેરો કરશે તેની ખાત્રી છે. રાહ જોઈશ.
એક હિન્દી શેર યાદ આવ્યો.
भगवानसे वरदान मांगा कि दुश्मनोसे पीछा छूडवा दो,
यार,क्या कहुं,अचानक दोस्त कम हो गये !
ચાલ, આજે આટલું જ. અરે હાં, તને અને તારા પરિવારને શુભેચ્છા પાઠવી દઉં. આજના વિશ્વની વર્તમાન અસલામતીના સંદર્ભમાં બીજી તો શું શુભેચ્છા હોઈ શકે ?
સલામત હો સહુ જગ જન, ફરે નિડર બની ચોપાસ,
રહે તન-મન તણી શાંતિ સદાયે વિશ્વને આવાસ.
વધુ તારા પત્ર પછી.
દેવી