jump to navigation

પત્રશ્રેણી-3… જાન્યુ.૧૬, ૨૦૧૬ January 17, 2016

Posted by devikadhruva in : પત્રશ્રેણી , trackback

દર  શનિવારે…

કલમ-૧   કલમ-૨  

નીના,

ગયા શનિવારનો પત્ર ખુબ ટૂંકો લાગ્યો !!

સૌથી પ્રથમ તો તારા પ્રશ્ન વિશે લખું.  તું ચિંતા સેવે છે કે, “વિષયોની વિવિધતા, અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ, ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? “તેના અનુસંધાનમાં કહું તો,હમણાં  બે ત્રણ વર્ષ પહેલાં  હાસ્યલેખક શ્રી હરનીશ જાનીને ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’મળ્યું તે પછી તેમણે લખેલ એક હાસ્ય-લેખ ખુબ મઝાનો છે. સમય મળે  આ લીંક ખોલી જરૂર વાંચજે. તને  આશાસ્પદ જવાબ મળી જશે,મઝા આવશે અને બે ઘડી મૂડ બદલાઈ જશે.

http://www.readgujarati.com/2012/09/18/jyotindra-paritoshik.                  

 તારા  છેલ્લાં ફકરાના વિષયે મનના ઘણાં વિચારોને વલોવ્યા.  દરમ્યાનમાં એક ગંભીર વાતે મનમાં આકાર લીધો. સાંભળ. નાનપણમાં ભણ્યાં હતાં કે જીવન જીવવા માટે ત્રણ વસ્તુ જરૂરી છે. હવા,પાણી અને ખોરાક. પણ નાનાથી મોટા થતા સુધીમાં તો આ ભણતર  આગળ વધીને કેટલું બધું શીખવાડે છે ? હા, હવા,પાણી, ખોરાક,પ્રકાશ વગેરે ટકી રહેવા માટે અનિવાર્ય છે પણ એ સિવાય પણ, સારું અને સાચું જીવન જીવવા માટે ઘણું, બીજું બધું પણ જરૂરી છે એ અનુભવે સમજાય છે.. એ શું છે?  થોડું વિશ્લેષણ કરીએ.

ગરીબ બાળકને પૂછીશું તો કહેશે કે, પૈસા જરૂરી છે. પૈસા હોય તો ભણાય. મોટાં માણસ થવાય.
અનાથ બાળકને પૂછીશું તો કહેશે કે, માબાપ જરૂરી છે. સલામતી અને રક્ષણ વિના કેમ જીવાય?
યુવાનને પૂછીશું તો કહેશે એક પ્રેમાળ સાથી જોઈએ. એ વગર તો કેમ જીવાય? વૃધ્ધને પૂછીશું તો કહેશે કે એક લાકડીનો ટેકો,આધાર જોઈએ. એ વગર તો કેમ જીવાય?

આમ અવસ્થા અને સમયની સાથે સાથે જરૂરિયાતોની વ્યાખ્યાઓ બદલાતી જાય છે. થોડી આડવાત કરું તો, બળદગાડી અને ઘોડાગાડીમાં મુસાફરી કરતો માણસ,પગરીક્ષા, ઑટો રીક્ષા, રેલગાડી,બસ,કાર અને હવે હવાઈ જહાજમાં ફરતો થયો. આંગડિયા,તાર-ટપાલથી રાજી રહેતો માણસ આજે ફેઇસબૂક,વોટસેપ અને ફેઇસ-ટાઈમ પર મળતો થયો છે.રેડિયો,ટીવી,ઓડિયો,વીડીઓ,સીડી,ડીવીડી પરથી હવે યુટ્યુબ પર દેખાતો થયો છે. જોતજોતામાં આટલુ મોટું પરિવર્તન… ધરખમ પરિવર્તન…

 પરિવર્તન કુદરતનો નિયમ છે એ વાત સાચી પરંતુ સવાલ એ છે કે ખરેખર આટલી બધી વસ્તુઓની સાચે જ જરૂર છે ? એવું કશું નથી જે આ બધું જ મેળવી આપે? ખુબ અઘરો લાગતો આ સવાલ એક સમજણ જન્માવે છે. ‘સમજણ ‘ શબ્દ લખ્યો ત્યાં તો કેટકેટલી બારીઓ ખુલી ગઈ ! આ શબ્દ માત્ર બ્રહ્માંડની જેમ ‘વિરાટની પગલી’ બની ગયો ! સાતે કોઠે દીવા જ દીવા પ્રગટવા માંડ્યા! કોણ જાણે મને તો એમ લાગે છે કે, પરિવર્તનની સાથે સાથે સમજણભર્યો વ્યવહાર એ જ જીવનની જરૂરિયાત છે અને સાચી સમૃધ્ધિ પણ એ જ છે. અમીભરી દ્રષ્ટિ અને વિવેકી બોલ એજ સાચા આભૂષણો છે. બધું જ ચાલ્યું જશે પણ અંતરની આભા અમર રહેશે. મારી નજર સામે એવી થોડી વ્યક્તિઓ છે જેને યાદ કરતાં જ દિવસ સુધરી જાય અને આંખો સજળ બની જાય. તો સાથે સાથે એવી પણ વ્યક્તિઓ છે જે ઘણી ઘણી રીતે સારી હોવા છતાં એક માત્ર અમીભરી દ્રષ્ટિ અને વિવેકપૂર્ણ શબ્દના અભાવે સંબંધોની સમૃધ્ધિ ગુમાવી બેસે છે..

તને નથી લાગતું કે,આ જગત તો ગાડરિયો પ્રવાહ છે? પૈસા અને સ્વાર્થના જોરે, સરળતાથી ગમે ત્યાં, ગમે ત્યારે ખેંચાઈ જશે. હા, તો મારી મૂળ વાત એ હતી કે જીવન જીવવા માટે હવા,પાણી ને ખોરાકની જેમ દરેક કાળમાં જીવમાત્રને,પછી એ માનવી હોય, મૂંગૂ પ્રાણી હોય કે ઝાડપાન હોય પણ તેને ચોક્કસપણે મૃદુ શબ્દો અને અમી નજરની જરૂર હોય છે જ.વાણીનું ભૂષણ એ જ ખરું ભૂષણ છે.

वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषण भूषणम्॥

સાચું જ કહેવાયું છે કે વાણી અને પાણી ગાળીને વાપરો.
અહીં અમેરિકાની સ્કુલોમાં નાનપણથી બાળકોને એક વાત ખુબ સરસ શીખવાડે છે.”if you have nothing nice to say, say nothing at all.” એટલે કે હંમેશા સારું જ બોલો. શરુ શરુમાં એ બધું ઔપચારિક લાગે પણ હકીકતે  રોજબરોજની એ ટેવ એક સારી આદત બને છે અને પછી એ આદરમાં પરિણમે છે. આ દેશની બીજી એક વાત મને ગમે છે, તે એ કે, અહીં પરિશ્રમનો પરિપાક મળે છે. કામ એ જ ધર્મ છે એ સમજાય છે,અનુભવાય છે. ફ્રાન્સીસ્કા  રેગ્લરનું  એક સરસ વાક્ય ટાંકી અટકું છું.
“Happiness is an attitude. We either make ourselves miserable, or happy and strong. The amount of work is the same.”

અલૌકિક આનંદનું  સાચું રૂપ પણ એ જ છે ને ? શું કહે છે ? જરૂર લખજે.

દેવી

 જાન્યુ.૧૬ ૨૦૧૬.

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.