jump to navigation

અલ્લડ આ મેઘ…. April 8, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

મૌન કુદરત કહે શબદને… April 7, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,

                કોમળ કૂણો તડકો વીંટે અંગ અંગ મનભાવન.

નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,

                    વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.

 ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કોગાગર,

                તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર.

નીર નદીના નિર્મલ રાખે અંતરતલને પાવન,

                        પંખી મધુરા ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.

તેજ સમેટી સૂર્ય સૂવાડે દઈને  શ્યામલ ચાદર,

                   પરમ શાંતિ શિર પર જ્યારે ટમકે ટમટમ તારક.

ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,

                     આભ ઝળુંબી ચૂમે ધરાને, ર્પણ જાણે સાગર.

મૌન કુદરત કહે શબદને; નિયતિ છે આવન-જાવન,

                      રૌદ્ર-રમ્ય, કરાલ કોમલ, સઘળું ઝીલશે માનવ?.

‘પળ-અકળ’….. March 18, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

માનનીય કવિ શ્રી યોસેફ મેકવાનના સૌજન્યથી અને શ્રીમતી રેખા કમલ મહેતા તરફથી મળેલ તસ્વીર..આનંદપૂર્વક..
‘કુમાર’-માર્ચ ૨૦૧૯માં પ્રગટ થયેલ સ્વરચના..

‘પળ-અકળ’…..

રંગપર્વ… March 17, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

આભલે માછલા, સાગરે તારલા…. January 8, 2019

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

આભલે માછલા, સાગરે તારલા, એવું પણ વિશ્વમાં કોઈ આણશે.
માનવીને મળે પંખ ને પૂંછડા, અવનવું અટપટું  કંઈક આવશે. 

 

પંખીઓ પામશે વાણી ને બે પગો, અચરજો પણ પછી કંઈ ન લાગશે.
યુગયુગોથી  અહીં હાલતા ને ચાલતા, ફેરફારો જગે કાળ લાવશે..

 

એક જણ વાવશે, અન્ય કો’ ફાવશે એ જ ક્રમ હર ઘરે એમ ચાલશે.
કોઈ નથી કોઈનું,  વાતવાતે કહી,  સગવડિયો નિયમ સૌ બતાવશે. 

 

ધમપછાડા કરો, નભ સુધી પહોંચવા, એકમેક અંતરો કોણ વાંચશે?
જે વિતી તે ઘડીય, તું કદી ફેરવે, નીકળ્યાં વેણ-તીર કોણ વાળશે?

 

 મારશે ગોળી ત્રણ, હાથ ખીલે બાંધશે, તે પછી શિર ખાલી નમાવશે.
યાદ ‘દેવી’ કરી, આશ દિલમાં ભરે, ‘એ જ એ’ આવીને સર્વ તારશે.

પળ-અકળ November 29, 2018

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

પળ-અકળ

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,

પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં.

 

ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.

કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..

રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..

પણ પહોંચે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…………
                                          જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.

શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..

સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,

તોય પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં..………
                                             જન્મની પળ કંઈ એવી અકળ અહીં..

 

 

ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.

લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.

છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..

આખરી પળ પણ એવી અકળ અહીં…………
                                       પામે ન કોઈ એ વિસ્મયના તળ મહીં…

 

નર્તન અનંતનુ… January 12, 2016

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતુ.

 

કાલ જે કરતી’તી રેતીની નાની શી ઢગલી
ને ફરતી’તી આંગણ લઈ મખમલી પગલી.
ક્ષણ મહીં સરતા આ ક્ષણતણા વ્હેણમાં
એકાએક જાત તો યુવાન થઈ ઉછળતી.

પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું…..સાવ કાચી

 

પાનખર-વસંત ને ઋતુઓની રીત સમી
ચડતી જવાનીના પૂર જાય ઓસરી.
એક દિન દર્પણ દેખાડે કરચલીના જાળા
ને અંગો સહુ માંગતા સમારકામ આળા.

ત્યારે દેહમાં પૂરાયેલ નાનકડું હંસલુ ભીતર ને ભીતર ફફડતું.
ઊડી જઈ પંખીની જેમ એમ પાછું, કોઈ નવા પિંજરમાં જઈ વસતું.

 

આ નર્તન અનંતનું પલના પલકારે, ક્યારે ને કોણ હશે કરતું?
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું ક્યારે કાયાને પલટતું.

 

 

દેવકીનું દર્દ.. September 9, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

દેવકીની મનોવ્યથા

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે!  સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું  કેવું અનુભવે છે ? કદી એની કલ્પના  કરી છે?

( presented again with modifications) 

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

કાયા તો ઝીલે લઇ ભિતરમાં ભાર,
ના સહેવાતો  કેમે એ ક્રુર કારાવાસ.
આભલુ છલકીને હલકું થઇ જાય,
વાદળું ય વરસીને હળવું થઇ જાય,
વદપક્ષની રાતે મન ભારેખમ થાય,
પ્રશ્નોની ઝડીઓથી હૈયું ઝીંકાય…..  શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં રાખ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
અંતરનો યામી ભલા પરવશ  શાને?
કંસ તણા કુવિચાર કાપ્યા ન કા’ને?
ગોવર્ધનધારી કેમ લાચાર થાય? …. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ,
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઇ યશોદાનું સુખ,
પણ કોઈ ના જાણે આ જનેતાનું દર્દ?!
આઠમની રાતે જીવે ચૂંથારો થાય….. શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..

 

 

 

શબ્દોની નાવ લઈ ચાલી સવારી… August 10, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

 

શબ્દોની નાવ

 

શબ્દોની નાવ લઈ ચાલી સવારી, સંવેદનાના સાગરમાં તરતી,
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે, આ અક્ષર હલેસેથી સરતી,
મારા, તારા ને કદી આપણા યે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, એ સમયની ધારે વિહરતી…
શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

ધાર્યું’તું, ઊંડે જઈ, ડૂબકી મારીને પછી, ભીતરના મોતી લઈ ધરશું,
ફૂલ સમી કોમળ ખુબ માળાઓ ગૂંથી, આ હૈયાના હારને પહેરાવશું.
પણ ખેવનાના હાથમાં  અક્ષરનું  જ હલેસુ, ધસમસતા ભાવ-પૂર નાથતી,
લો, ચૂમી લઈ શબ્દોને કવિતા સિવાય  કંઈ બીજું ના ધરતી…
શબ્દોની નાવ લઈ ચાલી સવારી …                    

કહે છે કે પાંખ હોય તો ઊડાય ને દૂર ઉંચે વાદળને  ય અડાય,
ને પંખીની જેમ મન ફાવે ત્યાં જવાય ને ફૂલ જેવાં હળવા રહેવાય
કલમ સહેલી આ વાત પાડે ખોટી ને ખેંચે આંગળીઓને ઝાલતી,
એ તો દોડે,ઊડે અરે,સૂરજ ને ચાંદ લગી 
પહોંચે,નીતરતી….
શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

 

વંટોળ.. June 3, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના….

શિખરિણી-૧૭ અક્ષર- યમનસભલગા
( લગાગા ગાગાગા લલલ લલગા ગાલલ લગા )

**********************************************

ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ  થઈ ખુબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ  ઘૂમે વમળ શું,
ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું હ્રદયનું.
પછી ધીરે આવે સરવર  પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
મિટાવી ચિંતાઓ, કરકમલ  લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન  શ્વસે પ્રાણ દઈ દે.
કશું ના જાણું હું, કલમ  કરતાલે રણકતું,
અહો, કેવી લીલા 
કવન કણથી એ શમવતું….

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.