રસદર્શનઃ ૧ – જાગને જાદવાઃ નરસિંહ મહેતા February 23, 2026
Posted by devikadhruva in : રસદર્શન , trackbackજાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા,
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણાં દહીંથરાં ઘી તણાં ઘેબરાં,
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો,
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં,
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે,
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
આસ્વાદઃ દેવિકા ધ્રુવ
આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” એ પ્રભાતિયાંથી ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. ખળખળ વહેતા ઝરણાં જેવું કર્ણપ્રિય અને સુમધુર ભજન. નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. તેમના પ્રેમપૂર્ણ હૃદયમાં પ્રાર્થનાનું કે ભજનનું કોઈ માળખું ગોઠવેલું નહોતું રહેતું. એ તો બસ, શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી પદો રચતાં. તેમની વાણી અંતરમાંથી સહજ સ્ફ઼ુરી ઊઠતી હતી.
આ ભજનમાં ખુદ ઇશ્વરની માનવીયતા બતાવવામાં આવી છે. કૃષ્ણને યશોદા દ્વારા સંબોધવામાં આવ્યો છે. નજર સામે દિકરાને પ્રેમથી ઊઠાડતી માતાનું એક ચિત્ર ઊભું થાય છે એ કલ્પના જ કેટલી કાવ્યમય છે! પણ ખરેખર યશોદા મા કૃષ્ણને જગાડે છે એટલો જ ભાવ છે ? ના; ઈશ્વર તો જાગેલો જ છે. જાગવાનું તો જગતે છે, માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે કે યશોદાજી પોતાના અંતરને જગાડી રહ્યાં છે. “ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા” એટલે કે ૩૬૦ દિવસ આપણે જાગતા રહીને કાર્યરત રહેવાનું છે. અહીં બીજું તત્ત્વવજ્ઞાન એ છુપાયેલું છે કે, ૩૬૦ ગોવાળિયા દ્વારા શરીરના ૩૬૦ સાંધા કે નસોને જાગતી રાખવાની વાત છે. વડો ગોવાળિયો તો જાગતો જ છે. ભૂમિનો ભાર જેણે વેઠ્યો છે અને કાળી નાગને જેણે નાથ્યો છે; એ તો અહર્નિશ જાગતો જ છે. પણ આપણે એ સાચી રીતે જાણી લેવાનું છે અને તો જ દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં અને કઢિયેલ દૂધ પીવાશે. કેટલી ઉચ્ચતમ વાત સહજ રીતે કરવામાં આવી છે. આપણે જ આપણા સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાનું છે.
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમને હાજરાહજૂર હતાં. હરિ સાથેના તેમના સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી અને તેથી તો વ્યવહારું જગતમાં અનેક વખત તેમની હૂંડી સ્વીકારાઈ છે, લાજ સચવાઈ છે. “જમૂનાને તીર ગૌધણ ચરાવતાં…પંક્તિમાં તે કહે છે કે, જાગીને કાર્યરત રહેશો તો જ જીવનમાં મધુરી મોરલી વાગશે; તો જ આટીઘૂંટીમાંથી સરળ રીતે બહાર આવી શકાશે. નહિ તો ‘બૂડતા બાંયડી કોણ સાધશે ?” દુઃખને સમયે કોણ ઉગારશે ? કેટલી સીધી રીતે ઊંચી આધ્યાત્મિક વાત આ સંત કવિએ કરી છે? ઇશ્વરને માનવની સાવ નજીક મૂકી દઈને ખૂબ આશા આપી દીધી છે. “ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે”…સંપૂર્ણ સ્વૈછિક સમર્પણ અને તેમાં જ પરમ આનંદ. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज નો જ જાણે પડઘો..
જેના રોમેરોમમાં ભક્તિ છે એવા આ નરસિંહ મહેતા આર્ષ કવિ હતા તેમણે દૂરનું જોયું છે, અતિ ઝીણવટથી જોયું છે અને અતિ સાદી ભાષામાં સર્જ્યું છે. કદાચ તેથી જ આજે ૬ એક દાયકા પછી પણ તેમના પ્રભાતિયાંઓ અને ભજનો ગુજરાતીઓનાં હોઠ અને હૈયે ગૂંજતા છે. હજી આજે પણ માત્ર ઘેરઘેર નહિ, વ્યક્તિએ વ્યક્તિના મોબાઈલના રીંગટોનમાં આ પદ માનીતુ થઈ પડ્યું છે કે “જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા”….શબ્દેશબ્દમાં લાલિત્ય છે, અર્થનું ગાંભીર્ય છે અને તાત્ત્વિક ઊંડાણ છે.
આ સીધા સાદા શબ્દોની પાછળ અનેક રહસ્યો છુપાયેલાં છે અને જેમજેમ અંતરયાત્રા થતી જાય તેમતેમ આ રહસ્યો ઊઘડતાં જાય છે. અત્રે યાદ આવે છે કે, જ્યારે નરસિંહ મહેતાના આ ભજનનો રસાસ્વાદ કરાવ્યો ત્યારે એક સહૃદયી ભાવકે એક વિચારણીય અભિપ્રાય ટાંકતા કહ્યું હતું કે, નરસિંહ મહેતાના આ ભજનનો પ્રથમ શબ્દ છે “જાદવા”. જાદવાનો અર્થ છે “યાદવા” અર્થાત યાદ કરનાર. આપણે બધા પરમાત્માનો અંશ જ છીએ. સમસ્યા કેવળ એટલી જ છે કે આપણે તે ભૂલી ગયા છીએ અથવા બેહોશ છીએ. જેથી યાદ માત્ર એ કરવાનુ છે કે આપણે સૌએ જાગવાનુ છે અને આપણું મૂળ સ્વરુપ આપણે જાણવાનું છે. એટલે નરસિંહ મહેતા કહે છે,”જાગને જાદવા”. જાગ અને યાદ કર.
બીજો શબ્દ છે “કૃષ્ણ” કૃષ્ણ શબ્દના ઘણા અર્થ થાય છે જેમાંનો એક અર્થ છે “કૃષિજ્ઞ” અર્થાત કુશળ ખેડુત. આપણને જે માટીનો દેહ મળેલ છે તે જમીનને ખેડવાની છે અને તે પણ એક કુશળ ખેડુતની માફક.
ત્રીજો શબ્દ છે “ગોવાળિયા”. “ગો” ના બે અર્થ છે એક તો ગાય અને બીજો “ઈન્દ્રીયો”. ગોવાળિયાનો અર્થ છે જેણે ઈન્દ્રીયોને વાળી તે. જે ભટક્યા કરે છે સંસારિક સુખદુખમાં. આ ઈન્દ્રિયોને આપણે દેહરુપી જમીનમાં ખેડાણ કરીને અને જાગૃતિપૂર્વક વાળી શકીએ છીએ; જેમ એક કુશળ ખેડુત તેના સાધનોનો ઉપયોગ કરે છે તેમ.
ચોથો શબ્દ છે “ધેન” ધેનનો અર્થ છે ગોચર. જ્યાં આપણી ઈન્દ્રીયો ચરવા જતી રહે તે વાસનાઓનો અને સંસારનો પ્રદેશ. હવે આ પ્રથમ બે લીટીઓ વાંચવાથી વધુ ઑર આનંદ આવે છે..જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?
નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા ન હતા. પણ પ્રકૃતિની પરમ શકિત વિષેની શ્રદ્ધા અને ભક્તિમાંથી લાધેલા જ્ઞાની હતા અને એ જ જ્ઞાનની અનુભૂતિને કાવ્યમય રીતે વહેતી મૂકવાની તેમની સ્વયંભૂ કલાએ તેમને સંત-કવિ બનાવ્યા, તેમના પદોને અમર બનાવ્યાં. સાંપ્રત સમાજ હજી પણ જાગી શકે જો ‘’જાગને જાદવા” બરાબર સમજે તો…
સંતકવિની સ્વયંભૂ કલમને વંદન.
અસ્તુ.
Comments»
no comments yet - be the first?