
અહેવાલઃ દેવિકા ધ્રુવ
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૧૩મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર ડો. શ્રી શ્યામલ મુનશી હતા.
શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, મસાલા રેડિયોના RJ ઈના પટેલ દ્વારા પુષ્પ-ગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી ભાવના દેસાઈના મધુર કંઠે સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. દેવિકા ધ્રુવે શ્રી શ્યામલ મુનશીનો સુપેરે પરિચય આપી, તેમની જ એક પંક્તિ ટાંકીને સભાનું સૂકાન કવિને સોંપ્યું.

હાસ્યકાર અને ગાયક તરીકેની આ બે ઝલક પછી કવિ તરીકે તેમનું સુવિખ્યાત થયેલ ગીતઃ
‘અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.’ રજૂ કર્યું તે સાથે જ સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.

આ ગીત પછી ‘વૃક્ષ બીજું શું કરે?’ ગઝલ સંભળાવી.તે ઉપરાંત બીજી પણ ગઝલોના કેટલાક શેર કાબિલેદાદ હતાઃ
“એ માર્ગ બતાવે છે કે, મારે છે ઠોકર, એ નક્કી કર.
તારી સામે છે તે, ઇશ્વર છે કે પત્થર, એ નક્કી કર..”
દરિયાએ દૂરદૂરથી નદીઓ નોતરી..કંકોતરી..લીલોતરી વગેરે મઝાના કાફિયાયુક્ત લાંબી બહેરની ગઝલો મજેદાર રીતે સંભળાવી. શ્રોતાજનોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળતો જતો હતો.
સુરતના જાણીતા ગઝલકાર ગૌરાંગ ઠાકરની પણ એક ગઝલ..’પ્રભુ તો લાં….બી રજા ઉપર છે.’ રજૂ કરી.
ત્યારપછી કેટલીક કરુણરસની વેદનાસભર રચનાઓ પ્રસ્તૂત કરી.
‘દાદા નામે વડ અને ‘આગ’ એમ બે કાવ્યો સંભળાવ્યાં.
નાનપણમાં જોયેલા ખાલી બાંકડા ઉપરથી એક વૃદ્ધના મનોભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા કે,
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,.
એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.
વ્યવસાયે ડોક્ટર હોઈ દર્દીઓની પીડાનાં કારણોમાં ઊંડા ઉતરી, કેટલીક કલ્પનાઓ ભરી રચેલી કવિતાઓમાંની એક ખૂબ જ દર્દભરી હતી જે તેમના કવિકર્મના કૌશલ્યની દ્યોતક જણાઈ.
આ રહી એ પંક્તિઓઃ
‘ કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,
આજે જે લાગ્યો છે કાળો તે જ સાચો.’
ત્યારબાદ એક કુશળ કલાકાર તરીકે, ભારે થયેલા વાતવરણને હળવેથી, વ્યંગભરી હાસ્યરચના તરફ વાળી લીધું. કવિ શ્રી દલપતરામની જૂની કવિતાઓને યાદ કરી, મનહર છંદમાં લખાયેલી સુંદર રચનાઓ સંભળાવી. હાથીની સર્જરી, લીલા પોપટલાલની ઉધરસ વગેરે વાતો થકી વાતાવરણમાં હળવાશ ભરી દીધી. વાર્તા અને વિચારની થીમ પર થોડા રમૂજી ટુચકા સંભળાવ્યા. ’ળ’ને બદલે ‘ર’ બોલે તો કેવું લાગેઃ
‘મૂરજીભાઈ ગોરવારા’ ની કવિતા સંભળાવી.
‘સુખ’‘ના થીમ પર “મને તો સુખ એમાં દેખાય’ અને
‘સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.’ એ ગીત ભાવસભર ગાઈને સંભળાવ્યું.
આ જ વિષય પર કવિની પારિમાણિક અભિવ્યક્તિની વાત ખૂબ મનનીય લાગી. તનસુખ, મનસુખ અને આત્મસુખ એટલે અનુક્રમે પુનરાવર્તન,પરિવર્તન અને કાયમી આનંદની ઊંચી અને સાચી વાત સૌને સ્પર્શી ગઈ.
વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને સમય પણ સરતો જતો હતો. તેવામાં સભામાંથી કેટલીક ફરમાઈશ આવી જેને ન્યાય આપતાં શ્યામલભાઇએ ‘ગરબાની રીતે ગરબો તું ગા..’ અને’કવિ શ્રી તુષાર શુક્લની ‘દરિયાની રેતી કંઈ મોજાને પૂછે’ પણ મધુરતાથી ગાઈ સંભળાવ્યું. તે પછી એક-બે ગીતમાં શ્રોતાઓને પણ સામેલ કરી વાનગીના ગીતમાં ‘ભાત… જાતજાતના ભાત’ બોલતા કરી દીધા. એટલું જ નહિ, રેપસોંગની રજૂઆત દરમ્યાન ‘શું કો’ છો? શું કો’ છો? હેં… શું કો’ છો? કહેતાં કહેતાં તો હોલમાં જાણે હાસ્યનાં મોજાં ફરી વળ્યાં.
છેલ્લે, રમૂજી રીતે ભાષાની કેટલીક ગંભીર વાતો પર સૌનું ધ્યાન કેંદ્રિત કર્યું. દેશમાં અને વિદેશમાં ગુજરાતી ભાષાની કટોકટી વર્તાય છે એ સંજોગોમાં શક્ય તેટલા પ્રયાસો ચાલુ રાખવાની સૌની ફરજ છે એ સ્થાપિત કરી પોતાનું વિવિધરંગી વક્તવ્ય અને રજૂઆતનું સમાપન કર્યું. સૌએ ઊભા થઈ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યું જેના એ સાચે જ હકદાર બની રહ્યા.

Comments»
no comments yet - be the first?