jump to navigation

સાહિત્યિક અવસરોનો આનંદઃ ફેબ્રુ.૧૨ થી માર્ચ ૧૨, ૨૦૨૪ August 8, 2024

Posted by devikadhruva in : લેખ , trackback

સાહિત્યિક અવસરોનો આનંદઃ ફેબ્રુ.૧૨ થી માર્ચ ૧૨, ૨૦૨૪

પૂરાં ૬ વર્ષ પછી આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ભારતની મુલાકાત લીધી. એક મહિનો પારિવારિક અને સાહિત્યિક સ્વજનોથી સભર રહ્યો. તે સઘળી સુખદ અને સુભગ પળોને શબ્દાંકિત કરવાનું મન થયું.

શરુઆત થઈ હતી ગાંધીનગરસ્થિત, માતપિતા તુલ્ય મોટાભાઈ અને ભાભી ( જેઠજેઠાણી)ને સ્નેહ અને ઉષ્માસભર મળવાથી. થાક, ઉંઘ અને ‘જેટલેગ’તો  એકદમ જ ગાયબ થઈ ગયો. પ્રથમ દિવસે જ પરિવારના અન્ય સભ્યો સાથે એક અગાઉથી આયોજેલ સુખદ આશ્ચર્યનો પ્રસંગ પણ સુપેરે ઉજવાયો અને સૌએ  સાથે મળીને ખૂબ આનંદ કર્યો. ગાંધીનગરના સુસજ્જ ‘રીનોવેટેડ મકાનના પ્રાંગણમાં, સદ્ગત  પૂ.બા-દાદાજીનાં પગલાં સમીપ, તેમની હાજરી તાદૃશ  કરી. 

ધ્રુવ પરિવારનાં ભાઈબહેનો અને ભાભી સાથે..

ઘણીવાર જીવનમાં એવું પણ બને છે કે, ન ધારેલું, ન આયોજન કરેલું છતાં આપમેળે ઘણું બધું સરસ બની જાય છે. મારો સાહિત્ય સાથેનો લગાવ કહું કે સંબંધોની સમૃદ્ધિ ગણું પણ ખરેખર ગમતી પ્રવૃત્તિઓ ઉઘડતી જાય છે. મિત્રો અને સ્વજનો તો ખરાં જ, પણ નેટના તારે કેટલી બધી વ્યક્તિઓ મળી? માંડીને જ વાત કરું.

શ્રી ગૌરાંગ દીવેટીઆ,શ્રી સતીશ વ્યાસ,શ્રી હર્ષદ ત્રિવેદી, પ્રીતિ સેનગુપ્તા દેવિકા ધ્રુવ અને શ્રી મનીષ પાઠક

બે દિવસ પછી એટલે કે, ૧૪મી ફેબ્રુઆરીના રોજ  ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદના સભાગૃહમાં યોજાયેલ ‘શબ્દજ્યોતિ’ નામે કાર્યક્રમમાં જવાનું થયું. પ્રીતિબહેન સેનગુપ્તાનાં જીવનકવન વિષે વક્તવ્ય સાંભળવાની મઝા આવી અને તે સાથે ઘણા બધા સાહિત્યકારોને મળી શકાયું. ઑમ કૉમ્યુનિકેશનના સંચાલક ભાઈ શ્રી મનીષ પાઠક ઘણાં વર્ષોથી આવા સુંદર કાર્યક્રમો કરતા આવ્યા છે. તેમની સાહિત્યપ્રીતિને સલામ. ગુ.સા.પ.ના ચાલુ વર્ષે નિમાયેલ પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીને રૂબરૂ મળી પંદરેક મિનિટ સુધી વાતો કરવાની તક મળી.

શ્રીમતી ગિરિમા ઘારેખાન સાથે …

તા.૨૦મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં જ ગુજરાતી સાહિત્ય ઍકેડેમીનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં સાહિત્ય ઍકેડેમીના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જહા તરફથી આમંત્રણ મળ્યું હતું ત્યાં હાજરી આપી. ખુલ્લા મેદાનમાં બાંધેલ મોટા મંડપ નીચે એક ખૂબ મોટો સમારંભ હતો જેમાં મોટાભાગના બધા જ કવિઓ/લેખકોને જોવા/મળવાનો આનંદ માણ્યો. તે સમયે સૌથી વધુ સાથ મળ્યો બહેન ગિરિમા ઘારેખાનનો. પ્રત્યક્ષ રીતે મળવાનો એ પ્રથમ અવસર હતો જે મનમાં એક આત્મીયપણાની છાપ મૂકી ગયો. તે દિવસે ગાંધીનગરમાં મેઘાણી ભવનનું ઉદ્ ઘાટન હતું અને કેટલાંક પુસ્તકોને પારિતોષિક અર્પવાનો પ્રસંગ પણ હતો. 

શ્રી રતિલાલ બોરીસાગર સાથે દેવિકા ધ્રુવ

તે પછીના દિવસે ગુજરાત વિશ્વકોશ પર વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનું ઐશ્વર્ય વ્યક્ત કરતા કાર્યક્રમમાં જવાનું બન્યું. ત્યાં શ્રી કુમારપાળ દેસાઈ,અમર ભટ્ટ વગેરે તો મળ્યા જ પરંતુ રતિલાલ બોરીસાગરને પ્રથમ વાર પ્રત્યક્ષ જોવા/સાંભળવા/મળવાનું પણ બન્યું. સૌના વક્તવ્યનો અને  અમરભાઈની મંત્રમુગ્ધ સંગીતમય પ્રસ્તુતિનો ખૂબ આનંદ માણ્યો.

જૂઈસભા’ની એક ગ્રુપ તસ્વીર.

(હેતલ બ્રહ્મભટ્ટ, રશ્મિ જાગીરદાર,દેવિકા ધ્રુવ, ઉષા ઉપાધ્યાય અને સખી ભાર્ગવી પંડ્યા તથા ગોપાલી બુચ .)

 

 

 https://youtu.be/bMVzCX7hGdw

તા. ૨૩મી ફેબ્રુઆરીના દિવસે જૂઈસભાનાં પ્રણેતા ઉષાબહેન ઉપાધ્યાય તરફથી આમંત્રણ મળતાં તે કાર્યક્રમ પણ એમ જ ગોઠવાઈ ગયો. ત્યાં પણ ઘણી યુવાન બહેનોની રચનાઓ સાંભળી અને ખુશી એ વાતની થઈ કે, ગુજરાતી ભાષાનું ભવિષ્ય હજી ઉજળું છે જ તેની પ્રતિતી થઈ. ત્યાં પણ જાણીતી કવયિત્રીઓનો પરિચય થયો. બહેન માર્ગી દોશી તેમની કલમ અને રજૂઆત દ્વારા મન પર સુંદર અસર મૂકી ગયાં.

બીજા દિવસે એટલે  કે, ૨૪મી તારીખે અમદાવાદ શહેર વિસ્તારમાં ચાલતાં ગયાં જ્યાં જૂની મીઠી સ્મૃતિઓને મમળાવવા ઉપરાંત ‘કુમાર’ કાર્યાલયમાં પણ ગયાં. ત્યાં શ્રી પ્રફુલભાઈ રાવલ અને તેમના સાથીદારો સાથે થોડી સાહિત્યને લગતી વાતો થઈ..

તા. ૨૭મી ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં  કડી  સર્વ વિશ્વવિદ્યાલય ખાતે ‘કાવ્યહેલી’ નામે યોજાયેલ કવયિત્રી સંમેલનની પણ મુલાકાત લીધી જ્યાં આઠ કવયિત્રીઓને મળવાનું બન્યું અને ત્યાં જ મંચ પરથી આમંત્રણ  મળતાં  ‘જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે, હરપળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે’ એ ગઝલની રજૂઆત કરી.

માર્ચની પહેલી તારીખે ફરી ‘વિશ્વકોશ’ પર શ્રી કુમારપાળભાઈ સાથે મળીને ડાયસ્પોરા સાહિત્ય અંગે વાતો કરી.  ત્યાંના સક્રિય કાર્યકરો સાથે તાજેતરમાં ખોલાયેલ ડાયસ્પોરા સ્ટડી સેન્ટરની મુલાકાત લીધી. પ્રકૃતિના પ્રાંગણમાં બંધાયેલ એ રમણીય અને નીરવ શાંતિથી છલકતી જગાએ રહી જવાનું ખૂબ મન થયું. વળી ત્યાંના પુસ્તકાલય વિભાગમાં મારાં કેટલાંક પુસ્તકો મૂકાયાંનો પણ આનંદ માણ્યો.

ગૂર્જર સાહિત્ય પ્રકાશનઃ મનુભાઈ શાહ સાથે..

તે જ દિવસે સાંજે ગૂર્જર પ્રકાશનનાં શ્રી મનુભાઈ શાહની સાથે શાંતિથી  મારા નવા કાવ્યસંગ્રહ ‘અહીં જ બધું’ વિશે  વિગતે વાતો કરી. તે ઉપરાંત સાંપ્રત સમયમાં  ‘ડીજિટલાઇઝડ’ થતી જતી વ્યવસ્થાને કારણે પુસ્તક- પ્રકાશનની પ્રવૃત્તિ પર પડતી માઠી અસરોની પણ જે વાતો થઈ તેમાંથી અજંપો વરતાયો.

બંસરી ગ્રીન ફાર્મ હાઉસ પર..

છેલ્લું અઠવાડિયું માત્ર મિત્રો અને પરિવાર સાથેનો રાખ્યો હતો તે મુજબ પાંચમી માર્ચે ફરી એક વાર ગાંધીનગરથી થોડા માઈલો દૂર ‘બંસરી ગ્રીન’ નામના ઘરના જ ફાર્મ-હાઉસમાં  ગયાં અને ખુલ્લાં ખેતરો અને પ્રકૃત્તિની ગોદમાં સૌની સાથે મળી આનંદ માણ્યો.

શૈલા મુન્શા અને પ્રશાંત મુન્શા સાથે…
ગુજરાત યુનિં. ની નિકટની સાહેલીઓ ( સહકાર્યકર) સાથે સ્મરણીય ક્ષણો..

૭ મી માર્ચે સવારે  ન્યૂયોર્કની બેંક ઑફ બરોડાના મિત્ર સાથે, બપોરે હ્યુસ્ટનનાં, પણ હવે વડોદરા સ્થાયી થયેલ મિત્ર-દંપતિ સાથે અને સાંજે ગુજરાત યુનિવર્સિટીમાં સાથે કામ કરતાં કરતાં થયેલ વર્ષો જૂની નિકટની સહેલીઓ સાથે ખૂબ મસ્તીથી વીતાવ્યો. આ સૌએ મારી અનુકૂળતા મુજબના દિવસે, સમયે અને તે પ્રમાણેની જ જગાઓએ મળવાની અનુકૂળતાઓ કરી તેની નોંધ લેતાં સહર્ષ હૃદય ગદ્દગદ્ થઈ જાય છે. તે સિવાય પણ કેટલાંકને ફોન પર મળવાનું થયું તો વળી શરૂઆતના બીજા જ દિવસે સી.જી.રોડ પરના બહેનના ઘેર જવાનું અને સાથે શોપીંગ કરવાનો લાભ લેવાયો તે બોનસમાં મળ્યો!

ઝુંપડીની પોળની નાનકડી ખડકીમાં બેઠેલી, મ્હોંમાં કશુંક ચગળતી ગાય પણ કેટલી પોતીકી લાગતી હતી! શૈશવનું એ ઘર,ભાડાનું ઘર,દાદરનાં પગથિયાં અને પ્રત્યેક ભીંત અંદરના ધોધને બહાર લાવતાં ક્યાં રોકતી હતી? રિનોવેટ કરાયેલા એ મકાનની પાછળ મનમાં પેલું જૂનું ઘર, ભાઈબહેન, માબાપ, દાદી અને કેટલાંયે સુખદુઃખ મિશ્રિત ચિત્રો ઉપસતાં જતાં હતાં. સંવેદનશીલ ભાઈબહેનો તો ત્યાં જતાં જ રડી ઉઠે છે અથવા જઈ શક્તા જ નથી. હું કદાચ,એ રીતે થોડી મજબૂત બની છું કે પછી કલમ થકી એ શક્તિ કેળવાઈ છે! બંધ પડેલાં બાલભવનની બારી પણ જૂનાં પાનાંઓ ફેરવી હચમચાવતી હતી. 
થોડા બચેલા પરિચિત ચહેરાઓના ઉમળકા ભીતર અડતા હતા. રોજરોજ પૂજા નહિ કરવા છતાં પણ, જીંદગીભર સતત,સાથે રહેલ આશાપુરી માતાના મંદિરની પત્થરની મૂર્તિ પણ સજીવ થઈ ઘણું બધું
બોલતી હતી! તે પછી તો પ્રભૂતામાં પગલાં માંડેલ ઘર “ધ્રુવ નિવાસ”ને પણ એના નવા લિબાશમાં જોયું.

સમાપનમાં બે ખાસ વાત નોંધવાની એ કે, જ્યારે અમે શહેરની શેરી, પોળો અને એ જૂના રસ્તાઓ ઉપર યુવાનીની દિલચશ્પ સ્મૃતિઓને, સાથે વાગોળતાં વાગોળતાં  જતાં હતાં ત્યારે મનોમન ૨૦૧૮માં કરેલી છેલ્લી મુલાકાતો સાથે સરખામણી થયે જતી હતી. એ જ સંવેદનાઓ ફરી દોહરાતી હતી. કારણ કે, ત્યાં તો છેલ્લાં છ વર્ષમાં કહેવાતા વિકાસનો કોઈ જ અંશ દેખાતો ન હતો. કશું જ બદલાયું ન હતું.  એટલે કે, ૨૦૧૮ની સાલમાં ફર્યા હતાં એ જ ભાવ ફરીફરીને સ્પર્શતો હતો. સાંકડીશેરીનાં એક એક મકાનો, દૂકાનો, નિશાળ, લાયબ્રેરી, રસ્તાઓ કંઈ કેટલુંયે બધું  ફરીથી એકવાર એકસામટી અઢળક   યાદોને ઝંઝોડતું હતું.

હા, અમદાવાદ શહેરની બહારના વિસ્તારને એનાં મૂળ રૂપે બહું શોધ્યું પણ ન જડ્યું. મને અમારો આંબાવાડીનો ફલેટ શોધવામાં પણ મુશ્કેલી નડી! વિકાસ થયો છે ને? હા,મોટી મોટી ઈમારતો, અદ્યતન મકાનો, ગાડીઓથી ભરચક માર્ગો, મોજશોખ ગણાતી વસ્તુઓની હવે બનતી જતી જરૂરિયાતો! કેટલું બધું બદલાયું છે? તો પછી ગરીબી ક્યાં છે? ઝૂંપડપટ્ટી કેમ નાબૂદ થતી નથી?  સાંભળ્યું છે કે, ઝૂંપડાંવાસીઓ પોતાને મળેલા ફ્લેટ્સ ભાડે આપી, પોતે તો ઝૂંપડામાં જ રહે છે!
ધૂળના ઢગલાંયે ક્યાં હટે છે? ટ્રાફિક સેન્સ” કેમ અમલમાં આવતી નથી? સવાલો એટલા માટે જાગે છે કે, પોતાની ભૂમિ માટે ખૂબ દુઃખ થાય છે. આમ છતાં નવી પેઢી અને દેશના નાગરિકો હજી વધુ સારાં પરિવર્તનો લાવે એવી એક આશા અને શ્રદ્ધા સાથે આ વિચારોને વિરામ આપું.

છેલ્લે, આ એક મહિનાના ગાળામાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪નાં વર્ષો દરમ્યાન ગુમાવેલ અમદાવાદનાં સર્જકમિત્રો શ્રી વલીભાઈ મુસા, શ્રી યોસેફ મેકવાન, માનનીય શ્રી ધીરુભાઈ પરીખ વગેરે કે જેમને હું અચૂક મળતી તેમની યાદ આવતી હતી. એ જ રીતે હ્યુસ્ટન પાછાં આવ્યાં પછી આ બધી જ વાતોને વહેંચવાનો સૌથી વધુ આનંદ મળતો તે શ્રી નવીન બેંકર (ભાઈ)ની ખોટ- ન પૂરાય તેવી ખોટ ખૂબ જ લાગી.

આજે સાડા ત્રણ મહિના પછી આ સ્મરણોને લખ્યાંની રાહત સાથે વિરમું.

–દેવિકા રાહુલ ધ્રુવ

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.