
“Gujarati Fun with Swara and Agna” ના નામથી શરૂ કરેલી યુટ્યુબ ચૅનલ પર ….
“નમસ્તે ઍન્ડ જય સ્વામિનારાયણ. આઇ એમ સ્વરા. આઇ એમ આજ્ઞા.” ના મીઠા સંવાદથી ચાલું થતો વિડિયો અમેરિકામાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટેનું એક આગવું અંગ બની ગયું છે. નવાઈની અને આનંદની વાત તો એ છે કે, આ યુટ્યુબ ચૅનલના સૂત્રધાર ચિ. સ્વરા મોણપરા હજી તો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે ચિ.આજ્ઞા KG માં. આ બંને બહેનો હ્યુસ્ટનના મિઝોરી સિટીમાં રહે છે અને તેમણે અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોને ગુજરાતી શિખવાડવા માટે કવાયત આદરી છે. તેમના વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. માતા–પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ બાળકો ગુજરાતી મૂળાક્ષરો બોલતા, વાંચતા અને લખતા શીખી જાય છે.
જુલાઇ ૨૦૨૦ થી શરૂ કરેલી આ ચૅનલમાં અત્યાર સુધીમાં “ક” થી લઇને “ઝ” સુધીના મૂળાક્ષરોના વિડિયો આવરી લેવાયા છે. આગળના અક્ષરો માટેના વિડિયો બનાવવાનું કામ અને સાથે સાથે તેમની વેબસાઇટ www.gujaratilearner.com પણ ચાલું જ છે. આ આખીયે વાત રસપ્રદ તો છે જ પણ ખૂબ ખૂબ મહત્ત્વની છે, પ્રશંસાને પાત્ર છે અને પ્રેરણાદાયી પણ છે. આના અનુસંધાન માટે તેના ઘરના વાતાવરણ અને માતા–પિતાની એક પૂર્વભૂમિકા આપવી પણ જરૂરી છે.
સ્વરા અને આજ્ઞાના પિતા એટલે કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપ માટે’ ‘પ્રમુખ ટાઈપ પેડ’ના સંશોધક શ્રી વિશાલ મોણપરા. માતા નયનાબહેન માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક છે અને હાલ યુનિ. ઓફ ટેક્સાસમાં ક્લીનીકલ લેબ.સાયન્સનો અભ્યાસ કરી રહ્યાં છે.
એ વાત તો સૌને વિદિત છે જ કે, ૨૦૦૪–૨૦૦૫ ના સમયગાળા સુધી નોન યુનિકોડ ગુજરાતી ફોન્ટ ખુબ જ પ્રચલિત હતાં. જેટલાં કંઇ પણ લખાણો હતાં તે બધા જ નોન યુનિકોડમાં હતાં. પરંતુ તેમાં કેટલીક તકલીફો હતી. ૨૦૦૫ માં હ્યુસ્ટન–સ્થિત શ્રી વિશાલ મોણપરાએ “ગુજલીશ”માં લખેલા લખાણને ગુજરાતી યુનિકોડમાં ફેરવવાનો પ્રોગ્રામ બનાવ્યો. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની જ હતી અને અમેરિકાની ધરતી પર પગરણ કર્યાને માંડ એક-દોઢ વર્ષ જ થયું હતું. તે સમયે તેમણે અંગ્રેજી કીબોર્ડ પર જેવું ટાઇપ કરીએ એ સાથે જ ગુજરાતીમાં ટાઇપ થાય એ માટેની યોગ્ય ટેકનોલોજી વિષે સંશોધન આદર્યું અને ૫ જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી સહિતની ભારતની કુલ આઠ ભાષાઓમાં સરળતાથી ટાઇપ થઇ શકે એવું “પ્રમુખ ટાઇપ પેડ” પોતાની વેબસાઇટ પર લોકોના ઉપયોગ માટે મૂક્યું. ગુજરાતી ભાષાપ્રેમીઓએ ગુજરાતીમાં પોતાના બ્લોગ બનાવવાની શરૂઆત કરી ત્યારે તેમના આ ‘પ્રમુખ ટાઇપ પેડે’ લોકોને ગુજરાતીમાં ટાઇપ કરવાની સરળતા કરી આપી. હાલ તો ૨૦થી વધુ ભાષાઓમાં પણ લખી શકાય છે. આમ,અંગ્રેજી કીબોર્ડમાંથી ગુજરાતી ટાઇપિંગ, ગુજરાતી ફોન્ટ રૂપાંતર અને ગુજરાતી OCR સોફ્ટવેર એ તેમનું ગુજરાતી ભાષાના વિકાસ અને વિસ્તાર માટેનું પાયાનું યોગદાન છે.
હવે તેમણે એક નવું મોટું કામ એ આદર્યું છે કે તેમની અમેરિકામાં જન્મેલી અને અંગ્રેજીમાં ભણતી પાંચ અને નવ વર્ષની પુત્રીઓ થકી ગુજરાતી ભાષાના https://www.gujaratilearner.com/ પર વીડિયો દ્વારા કોઈપણ ઉંમરે, કોઈપણ વ્યક્તિને ગુજરાતી શીખી શકાય તેવું કામ ચાલુ કર્યુ છે. તેઓ કહે છે કે, “આ કાર્યના બીજ પાંચ વર્ષ પહેલાં વવાઇ ગયા હતા. આ સમયે સ્વરા ચાર વર્ષની હતી. તેના મમ્મી નયનાએ ખૂબ જ જહેમત ઉઠાવીને આટલી નાની ઉંમરમાં સ્વરાને કક્કો, બારાખડી અને શબ્દો વાંચતા શીખવાડી દીધા હતા. આ રીતે નાનપણથી જ સ્વરાને ગુજરાતી ભાષાનો અભ્યાસ હતો અને રસ પણ વધવા માંડ્યો હતો. “
સ્વરા તેના વિડીયો ટ્યુટોરીઅલમાં કહે છે કે,
“Gujarati Learner Website is dedicated for kids who want to learn how to read, write and speak Gujarati.”
બાળકોની વિવિધ રમતોની ઘણી બધી યુટયુબ ચેનલો જોતા જોતા સ્વરાને પોતાની પણ એક ચેનલ હોવાનું સ્વપ્ન જાગ્યું, તેમાંથી ગુજરાતી શિખવા–શિખવાડવાનો વિચાર આકાર લેવા માંડ્યો અને પછી તો તેણે એક સવારે રાત્રિના એક સ્વપ્નમાં જોયેલ logoની વાત કરીને નીચે મુજબ એ દોરી બતાવ્યો .

અને તેના આ ચિત્ર ઉપરથી વિશાલ મોણપરાએ નીચે મુજબના રંગીન logo નક્કી કરી ગુજરાતી શિખવા માટેની ચેનલ તૈયાર કરી દીધી.
Final Gujarati Learner Logo

સ્વરા અને આજ્ઞાના પિતા વિશાલ મોણપરા હ્યુસ્ટનમાં આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ચલાવાતા ગુજરાતી ભાષાના વર્ગોમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા. આ દરમિયાન તેમણે બાળકોને ગુજરાતી શીખવામાં પડતી તકલીફોને ખૂબ નજીકથી જાણી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજ જ્યારે હ્યુસ્ટન પધાર્યા ત્યારે ૨૦૧૭માં વિશાલને ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આશીર્વાદ પાઠવ્યા હતા. આ આશીર્વાદની ફળશ્રુતિ રૂપે વિશાલે સ્વામિનારાયણ મંદિરમાં ચાલતા ગુજરાતી વર્ગો માટે બાળકો ગુજરાતી સરળતાથી લખતા શીખે તે માટેના પ્રોગ્રામ બનાવ્યા પરંતું તેમને હંમેશા ‘હજુ પણ કંઇક ખૂટે છે’ તેવું લાગ્યા કરતું હતું.
વિશાલ મોણપરા વધુમાં જણાવે છે કે,” ૨૦૨૦ ના વર્ષમાં કોરોના મહામારી અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ બની. ઘર બેઠા જ સ્કુલ અને નોકરી હોવાને કારણે પરિવારના સભ્યોને સતત સાથે રહેવાનો ખૂબ જ સારો લહાવો મળ્યો. પારિવારિક વાર્તાલાપ દરમિયાન બાળકોને ગુજરાતી શીખવાડવા માટે વિડિયો બનાવવાનો વિચાર આવ્યો. કામ અઘરું હતું પરંતુ પરિવારના દરેક સભ્યોએ આ પડકાર ઝીલી લીધો.”
સ્વરા અને આજ્ઞા પોતે નક્કી કરેલ વિડિયો માટે ગુજરાતી શબ્દો, સ્ક્રીપ્ટ અને પાત્રો પસંદ કરે છે. વિશાલ સ્ક્રીપ્ટ અને પાત્રોને વિડિયોમાં આવરી લેવા માટેની એનીમેશનની ટેકનીક તૈયાર કરી રાખે છે. ચિ.સ્વરા અને આજ્ઞા પોતપોતાના સંવાદોનું રિહર્સલ કરે છે કે જેથી ઓછામાં ઓછા સમયમાં સારી રીતે વિડિયોનું રેકોર્ડીંગ થઇ શકે. શનિ-રવિની રજાના દિવસોમાં વિડિયો રૅકોર્ડ કરવાનો હોય ત્યારે નયનાબહેન બંનેને સમયસર તૈયાર કરી દે છે. વળી રૅકોર્ડિંગના સમયે એકદમ નીરવ શાંતિ જળવાય તે માટે નયનાબહેન પોતાના નિર્ધારિત કામ આગળ-પાછળ કરીને પણ વિડિયો રૅકોર્ડ કરવાની અનુકૂળતા કરી દે છે. વિડિયો રૅકોર્ડ થયા બાદ વિશાલ તેને સ્ક્રીપ્ટ પ્રમાણે કાપકૂપ કરીને તેમાં એનિમેશન મૂકે છે અને ત્યાર બાદ યુટ્યુબ પર અપલોડ કરે છે.
ત્રણ થી ચાર મિનિટના વિડિયો માટે આટલી બધી મહેનત વ્યાજબી છે? આ પ્રશ્નનો જવાબ અમેરિકામાં વસતા ગુજરાતી પરિવાર પાસે છે. અમેરિકામાં ઉછેર પામતા બાળકો માટે ગુજરાતી શીખવું એ અતિશય કપરું છે. માતા-પિતા સમયની વ્યસ્તતાને કારણે કે ગુજરાતી લખતાં, વાંચતા, કે બોલતા ન આવડતું હોય તેના કારણે બાળકોને ગુજરાતી ભાષાનું માર્ગદર્શન આપી શકતા નથી. વળી ગુજરાતી શીખવા માટેના જે ઓનલાઇન વિડિયો હાલમાં ઉપલબ્ધ છે તે માત્ર ગુજરાતી ભાષામાં હોય અથવા ભારતીય શિક્ષણ પદ્ધતિ પ્રમાણે હોય જેથી થોડા જ સમયમાં બાળકને ગુજરાતી શીખવામાંથી રસ ઉડી જાય. પરંતુ સ્વરા અને આજ્ઞાએ બનાવેલ વિડિયો અંગ્રેજી ભાષામાં હોઇ અને વળી અમેરિકન શિક્ષણ પદ્ધતિને અનુસરતા હોવાથી બાળકને ગુજરાતી ભણવામાં રસ જળવાઇ રહે છે. બાળક પોતાના માતા-પિતાની મદદ વિના પણ માત્ર વિડિયોના આધારે જ ગુજરાતી વાંચતા અને લખતા શીખી જાય છે.
કક્કામાં બાળકોને પા–પા પગલી ભરાવીને બાળકોને ગુજરાતીમાં પુસ્તકો વાંચતા કરી દે ત્યાં સુધીના સ્વપ્ના ચિ.સ્વરા અને આજ્ઞાએ સેવેલા છે. આ સ્વપ્નાને સાકાર કરવા માટે વિશાલ ગુજરાતી શીખવા માટેની મોબાઇલની ઍપ પણ હાલમાં બનાવી રહેલ છે.
આજે અમેરિકામાં યુવાન વર્ગ પોતાના વ્યવસાય અને બાળકોના ભવિષ્ય માટેની સુવિધાઓમાં વ્યસ્ત છે. છતાં અહીં જન્મેલા ગુજરાતી બાળકો બહુ સરળતાથી ફ્રેંચ, સ્પેનીશ કે અન્ય વિદેશી ભાષાઓ શીખી શકે છે, તો પછી ગુજરાતી કેમ નહિ એવા વિચારને અમલી બનાવવાનું આ એક સરસ કામ અમેરિકામાં જન્મેલી,અમેરિકન શાળામાં અંગ્રેજી ભણતી આ બે સાવ નાની બાળાઓ દ્વારા થઈ રહ્યું છે તે કેટલી મોટી વાત છે?
સ્વરા અને આજ્ઞાનુ સ્વપ્ન આ www.gujaratilearner.com ચેનલ દ્વારા સાત ધોરણ સુધીના શિક્ષણને આવરી લેવાનું છે. તેમના માતાપિતા ફુલ ટાઈમ જોબ,અન્ય સાંસ્કૃતિક કામ અને પરિવારની દૈનિક જવાબદારીઓ સાથે સાથે શાંતિપૂર્વક આવાં સુંદર કામમાં સાથ અને માર્ગદર્શન આપી રહ્યાં છે જે સાચે જ ખૂબ સરાહનીય છે.
અતિ નમ્ર, મીતભાષી અને માત્ર ૩૮ વર્ષના આ યુવાન વિશાલ મોણપરા હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્ય છે અને ગઝલો પણ લખે છે.
આ રહ્યા તેમના કેટલાંક શેરઃ
છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
વિશાલ, તેમના પત્ની અને બંને પૂત્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સાચા અર્થમાં માતૃભાષાનું જતન કરતા આ પરિવારને સલામ. ચિ. સ્વરા અને ચિ.આજ્ઞાને અઢળક શુભેચ્છા અને અંતરના ઊંડાણથી આશિષ.
અસ્તુ.
લેખઃ દેવિકા રાહુલ ધ્રુવ. હ્યુસ્ટન.
સંપર્કઃ ddhruva1948@yahoo.com