jump to navigation

સંબંધના સમીકરણો.. March 21, 2016

Posted by devikadhruva in : ટૂંકી વાર્તા/લઘુ કથા , trackback

                                    

“આનંદ-ઉપવન” માર્ચ ૧૬,૨૦૧૬ માં પ્રકાશિત થયેલી લઘુવાર્તા.                  

story ૠણાનુબંધ..

છેલ્લાં કેટલાં યે દિવસોથી ખોવાયેલા અને ગૂંચવાયેલા રહેતા સમીરના ચહેરા પર રાહતની રેખાઓ જોતાં નેહાને મનમાં હાશ થઈ. આજે તો નેહાએ પણ સમીરને એક સરસ વાત કરવાની હતી.પણ પહેલાં સમીરનું કારણ જાણવું હતું. તે પોતાની આતુરતા વ્યક્ત કરે તે પહેલાં તો સમીરે વાતની શરુઆત કરી.

નેહા, સાંભળ. આજે તો માઈકે મને એક ગેબી રીતે મદદ કરી.” માઈકનું નામ સાંભળતા જ નેહાની આંખ સામે ૧૨ વર્ષ પહેલાંનો એ ગોઝારો દિવસ પસાર થયો. માઈક અને સમીર સહકાર્યકર. કામમાં એકબીજાના પૂરક. અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારથી માઈકની સાથે, એક જ કંપનીમાં બંને તનતોડ કામ કરતા. રાતદિવસ જોયા વગર બંને સતત મહેનત કરતા. કંપનીને કારણે વિદેશ પણ સાથે જ જતા. સવારના નાસ્તાથી માંડીને સાંજના ભોજન અને સૂવાના સમય સુધી સાથે ને સાથે જ. ૧૨ મી માર્ચનો એ દિવસ..શાન્ગાઈ, ચાઈનાની એક હોટલમાં આગલી સાંજે ભોજન પછી, છૂટા પડતી વખતે માઈકે કહ્યું હતું.” સમીર, કાલે સવારે મારે વહેલા ઉઠવું છે. મારી દિકરીનો જન્મ દિવસ છે.” બસ, પછી એ રાતના, વધુ પડતી સીગારેટને કારણે એના ફેફસાહા, એ કદી ઉઠી શક્યો જ નહિ. સમીર ખુબ ભાંગી પડ્યો. ગમે તેટલો પ્રયત્ન કરે પણ વળી વળીને એના દરેક કામમાં માઈકનો ચહેરો તરવરે.આ વાતને વર્ષો વીતી ગયાં. નેહાએ ઝડપથી એ યાદોને ઝાટકીને સમીર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

 

સમીરે વાત આગળ વધારી. ”નેહા, ગયા અઠવાડિયે કંપનીના એક ઉપરીએ મને એક નવા પ્રોજેક્ટ અંગે ખુબ મહત્વનો સવાલ પૂછ્યો હતો. પહેલાં તો હું થોડી ક્ષણ ગૂંચવાયો. પરંતુ બીજી જ ક્ષણે મેં ભાવો છૂપાવીને શીઘ્ર જવાબ આપી દીધો. જવાબ આપતા તો આપી દીધો.પરંતુ પછી વિચાર આવ્યો કે, મારા જવાબ ઉપર તો અમારી કંપનીના નફાનુક્સાનનો મોટો આધાર હતો. આજે જો માઈક હોત તો આ મૂંઝવણ ન હોત. પછી મેં આપેલ જવાબ સાચો છે કે નહિ તેની ખાત્રી કરવા આજે સવારે હું માઈકની જૂની ઓફિસે ગયો. ઘણી બધી ફાઈલો ફંફોસવા માંડી. કંઈ હાથ ન લાગતા હું માથે હાથ દઈને બેસી પડ્યો.. ત્યાં જ એક ચમત્કાર જેવું કંઈક થયું..
સમીર અવિરત બોલ્યે જતો હતો. “નેહા,માઈકની જૂની ઑફિસની સેક્રેટરી આવીને એક મોટું કવર આપી ગઈ. ઝડપભેર મેં એ કવર ખોલ્યું ને હું સ્તબ્ધ થઈ ગયો ! ઓહ માય ગૉડ ! આ તો એ જ ફાઈલ જેમાં નવા પ્રોજેક્ટનો આખો પ્લાન હતો. એ જ માઈકના અક્ષર ! અને આ સેક્રેટરી ક્યાંથી ? એ કોણ હતી!! માઈક અને એની સેક્રેટરીની જગા તો પૂરાઈ ગઈ હતી!!
સમીર આશ્ચર્ય અને ચમત્કારની મિશ્ર લાગણીઓ વચ્ચે અવાક થઈને ઝડપભેર ઘેર આવ્યો હતો. હા, નેહા, આજે પણ માઈકે મને એક ગેબી રીતે મદદ કરી. કયો તાર છે એની સાથે ? શું સંબંધ છે મારે આ પરદેશી માણસ સાથે? “
નેહા એકદમ ચોંકી ગઈ. તે બોલીઃ અરે, આજે જ સવારે તારા ગયા પછી માઈકની પત્ની વિક્ટોરિયાનો પણ ફોન હતો. તેણે સમાચાર આપ્યાં કે, તેની દીકરીને ત્યાં આજે જ વહેલી સવારે દિકરાનો જન્મ થયો છે!” બંનેના કાનમાં માઈકના છેલ્લાં શબ્દો પડઘાયા કાલે સવારે મારે વહેલા ઉઠવું છે. મારી દિકરીનો જન્મ દિવસ છે.” ને બંનેની નજર કેલેન્ડરના પાના ઉપર પડી. આજે પણ ૧૨ મી માર્ચ!!!  એક જ તારીખે, ત્રણ જુદા જુદા સ્થાને ખેંચાયેલા માઈકનો તાર!!

 

મૃત્યુનો, મૈત્રીનો અને અધૂરી ઝંખનાનો.. સંબંધના આ તે કેવા સમીકરણો?!!

 

 

 

 

 

 

 

 

દેવિકા રાહુલ ધ્રુવ

જાન્યુ.૨૪,’૧૬

 

Comments»

1. JigarGondalvi - June 14, 2016

very very nice ..


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.