jump to navigation

પત્રશ્રેણી-૨… January 17, 2016

Posted by devikadhruva in : પત્રશ્રેણી , trackback

દર  શનિવારે…

પ્રિય દેવી,

થોડી પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે તારો પત્ર મળતાં  ઘડીભર સારું લાગ્યું.  વર્ષોથી આપણે બંને વિશ્વના બે જુદા જુદા ખંડમાં આવી વસ્યાં છીએ. તું છે અમેરિકામાં અને હું છું યુરોપમાં. તેથી આપણી પાસે ઘણી ઘણી વાતો છે, અનુભવો છે અને આપણા પોતાના વિચારો છે. વળી સાહિત્યના તો આપણે બંને આજીવન વિદ્યાર્થીની. તેથી પત્રશ્રેણીના તારા સુંદર વિચારને આગળ વધારી રહી છું.

ફોન પરના તેં લખેલાં સંવાદો વાંચીને કોઈને પણ હસવું આવે જ. ચાલો, એ નિમિત્તે નવા વર્ષની અને આ પત્રશ્રેણીની શરુઆત હાસ્યથી તો થઈ ! વાત સાચી છે કે એવું જ બનતું હોય છે. માનવ સ્વભાવની આ એક ખાસિયત છે ને ? પૃથ્થકરણ કરવા બેસીએ તો એમ પણ કહી શકાય કે કેટલીક વ્યક્તિઓ સતત પોતાનો બચાવ કરતી રહે છે! કેટલીક વ્યક્તિઓની એ લાગણી પ્રગટ કરવાની રીત જ હોય છે. તો કેટલીક  વળી સાવ સાચી પણ હોય છે. હું પણ તને એમ જ કહેવાની હતી કે ”હું તને ફોન કરવાની જ હતી ! સાચું માનીશ જ એવો વિશ્વાસ છે !!

હાસ્યની આવી વાત આવે ત્યારે મારા સુરતના જ્યોતીન્દ્ર દવે ચોક્કસ યાદ આવે. આજે આટલાં વર્ષો પછી પણ તેમનું એક વાક્ય મને હજી યાદ છે. કોઈએ તેમને પૂછ્યું કે જીંદગી એટલે શું ? તેમનો શીઘ્ર જવાબઃ “ઘોડિયાથી ઠાઠડી સુધીની યાત્રા !” કેટલું  સચોટ,અસરકારક અને યાદગાર સત્ય..?

હાસ્યના સંદર્ભમાં એક વાત કહું. જ્યારે હું અહીંના એમ એ ટી વી પર કામ કરતી હતી ત્યારે મારા ચેટ-શો ‘સ્વયંસિદ્ધ’ મા સદનસીબે મને શાહબુદ્દિનભાઈ રાઠોડ સાહેબનો ઈન્ટરવ્યુ લેવાનો મોકો મળ્યો હતો ત્યારે મારા એક પ્રશ્ન-હાસ્યકારો મોટે ભાગે પત્નીઓ અને સ્ત્રીઓ ઉપર જ શા માટે વધારે જોક્સ કરતા હોય છે?-એના જવાબમાં એઓએ કહ્યું હતું, ‘હાસ્ય નિપજાવવા માટે નિરીક્ષણની કળા આવશ્યક છે. ઈશ્વરે અન્યોને હસાવવાની કળા સૌને નથી આપી. હવે જો નિરીક્ષણની કળા ઈશ્વરદત્ત કળા સાથે વિકસાવી ન હોય ત્યારે તેઓ પાસે ખૂબ મર્યાદિત વિષયો રહે છે. અને એટલે આવી આવીને તેઓ ત્યાં જ અટકી જાય છે.’
પત્ની, પતિ, સાસુ, વહુ પર જોક ન કરવા જોઈએ એમ કહેવાનો મારો જરાય આશય નથી. પરંતુ આ.જયોતીન્દ્રભાઈ દવે અને શાહબુદ્દિનભાઈની જેમ વિષયોની વિવિધતા અત્યારના હાસ્યકારો અને સામાન્ય રીતે એવા જોક્સ ફેઈસબુક પર રાખનાર વ્યક્તિઓમાં ક્યારે આવશે? આ લખવાનું કારણ આ વિષય પર સૌ વિચાર કરે એ જ છે.

છેલ્લે, પત્ર પૂરો કરતાં પહેલાં  એક ગમતો વિચાર ટાંકી વિષયાંતર કરી લઉં?  તને તો ખબર છે કે મેં બંગાળી સર્જકોને ખુબ વાંચ્યા છે. તેમાંના એક અનીતા ચટટોપાધ્યાયે લખ્યું છે કે,“

જીવનમાં કેટલાં અસત્યો,સૌન્દર્યનાં ઝીણા ઝીણા રંગીન આવરણમાં લપેટાયેલા આપણી સામે આવે છે અને આપણે એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વિના પોતાના મનમાં એને સત્ય તરીકે ઠસાવી દઇએ છીએ. જ્યારે એક દિવસ આ સત્ય પ્રગટ થાય છે ત્યારે માથું દબાવીને આપણે  રડી પડીએ છીએ અને માથું ધૂણાવીએ છીએ.ત્યારે….ત્યારે કવિનું હ્રદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે,ચિત્રકાર પોતાના રક્તથી એ ‘સત્ય’ની કલ્પનાને ચિત્રીત કરે છે,ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે.”

કેટલી માર્મિક અનુભૂતિ!

ચાલ, આજના પ્રારંભે આટલું જ. લખતી રહેજે.

નીના

જાન્યુ.૯,૨૦૧૬

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.