મનનો માણીગર November 26, 2011
Posted by devikadhruva in : સ્વરચના , comments closed
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.
રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,
હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,
એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,
કાયાપલટ ત્હેં કીધી કૈં એવી,
ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.
રોબાટ થયો ને થયો મશીન એ,
પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,
અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,
ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,
ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો! જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.
પેઢી બે પેઢીના અંતર વધાર્યા,
સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,
જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,
દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.
ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!
પીવાઇ ગયું…. November 15, 2011
Posted by devikadhruva in : ગઝલ , add a commentછંદવિધાનઃ ષટકલ ૧૭-વિષમ
પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.
દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ.
દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું.
વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.
શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.
મળવા તને. November 7, 2011
Posted by devikadhruva in : ગઝલ , 1 comment so far( છંદવિધાનઃ રજઝ ૨૮-ગાગાલગા*૪ )
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.
સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.
ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.
સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને.
સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને.