તડકો April 2, 2010
Posted by devikadhruva in : સ્વરચના , 1 comment so farતડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,
આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.
આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,
સરતો ને તરતો એ દરશન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.
વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,
ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
ધીરે ધીરે વિખરાયા વરસાદમા.
ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,
ભીની ભીની ક્ષણોને વીણી પકડીને,
પછી વાગોળી જૂની વાતવાતમાં.
તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.