રજતજયંતી પ્રસંગે…૨૦૦૧ થી ૨૦૨૬ August 28, 2026
Posted by devikadhruva in : કાવ્યો , add a commentહ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાને ૨૫ વર્ષ પૂરાં થશે એ માંગલિક અવસર પર…
આજ સરિતાને તીર કંઈ ઉમટ્યો છે મેળો, ઉપવનમાં મ્હેકે જાણે કળીઓનો વેલો..
મંડપની મધ્યે છે ગુજરાતી ગરવા.
ભાવોનાં ગાણામાં ભાષાની ગાથા.
મોસમ મઝાની જો છલકે આપમેળે,
ને ભીતર તો કેવું ચડ્યું રે ચક્ડોળે.
આજ સરિતાને તીર કંઇ ઝુમ્યો છે મેળો, ઉપવનમાં મ્હેકે જેમ જૂઈનો વેલો..
અંતર ઉમંગે છે ઉડવાનો અવસર
પચ્ચીસમાં પર્વે મારે ભીંજાવું મનભર.
ગમતો ગુલાલ હે..ય, ઊડે ઊડે ઉલાળે
ને ખીલી ગઈ સંધ્યાયે સાવ એની મેળે
આજ સરિતાને તીર કંઈ જામ્યો છે મેળો, ઉપવનમાં મ્હેકે જેમ જૂઈનો વેલો..વાસંતી વેલો.