jump to navigation

સ્મરણની શેરીમાંથી-૫ March 13, 2019

Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so far

(૫)   નિશાળ/શિક્ષકો/મિત્રો

મોટાં ભાઈ અને બહેનને નિશાળે જતા જોઈ હું બહુ ખેંચાતી ને વિચારતીઃ હું ક્યારે નિશાળે જઈશ? લખતા વાંચતા આવડી જાય તેની મનને ખૂબ જ ઉતાવળ હતી. ભાઈબહેનોની વાતો અને કક્કો-બારાખડી, ૧ થી ૧૦ નંબરોની અને આંકની ચોપડીઓ વગેરેમાંથી જાતે જાતે શીખ્યા કરતી. ખાનગી બાલમંદિરોની ફી તો પોસાય તેમ હતું જ નહિ એટલે સીધી  ૬ વર્ષની થઈ ત્યારે જ મફત ભણાવતી મ્યુનિસીપાલિટીની શાળામાં પ્રવેશ લીધો.

 

પહેલા દિવસે મોટીબહેનના ફ્રોકનો છેડો છોડતી જ નહતી તે બરાબર યાદ છે. શિક્ષિકા ગિરજાબેનનો ચહેરો હજી યથાવત સ્મરણમાં છે. બીજાં દિવસથી જ ખૂબ ગમવા માંડ્યું હતું. કારણ કે ઘણું બધું ઘેરથી શીખીને જ ગઈ હતી. તેથી ‘મને તો આ બધું આવડે છે’ એવી એક લાગણીએ આત્મશ્રધ્ધા ખૂબ સજાગ રાખી. તેમાં પણ શિક્ષકો પોરસાવતા ગયા, ઘરમાં દાદીમા ફૂલાવતા રહ્યાં અને પછી તો એ જ ઘરેડ બનતી ચાલી. એક જ નાનકડી રોજે રોજની અગાઉથી થતી જતી તૈયારીની સાહજિક વૃત્તિ, શિક્ષકોના પાઠો અને જલદી જલદી ‘હોમવર્ક’ કરી લેવાની આદતને કારણે દરેક બાબતમાં આપમેળે જ રિયાઝ થતો ચાલ્યો. અન્ય પુસ્તકોના વાંચન પણ ચાલુ જ. મને નથી યાદ કે ક્યારેય પરીક્ષા વખતે મેં ઉજાગરા કરીને વાંચ્યું હોય.   પરીક્ષાનો ‘હાઉ’ ક્યારેય લાગતો જ નહિ.

 

વિચાર કરું છું કે આ બીજ ક્યાંથી વવાયા? વાતાવરણમાંથી? સંજોગોમાંથી, માના મૂળ અને અનુરાગમાંથી? કદાચ આ બધામાંથી. પણ તો પછી દરેક વ્યક્તિને એ લાગુ પડે ને? દરેક માનવીને એના સંજોગો હોય છે, એનું વાતાવરણ હોય છે અને મૂળ પણ હોય છે જ ને? તો બધા જ એક સરખા રસ-રુચિ કે આદતયુક્ત કેમ નથી હોતા? આ એક ખૂબ રસપ્રદ મનન છે કે એક જ ઘરનાં બાળકો જુદાં જુદાં કેમ હોય છે? સર્જનહારે તો સૌને અંગ-ઉપાંગો,મન બુધ્ધિ, હ્રદય,આંખ,કાન,વિચાર-શક્તિ આપેલા છે. તો વ્યક્તિત્ત્વ જુદા કેવી રીતે ઘડાય છે? ઊંડાણથી વિચારીએ તો એમ લાગે છે કે જેના મૂળમાં જે રસના બીજ વધુ શક્તિશાળી તે તે મુજબ તેની પ્રક્રિયા અને વિકાસ થતો જાય. દા.ત. બગીચામાંથી પસાર થતા હોઈએ તો કોઈ ગુલાબ ચૂંટે, કોઈ મોગરા પાસે જઈ સુવાસ માણે તો કોઈ વૃક્ષની પાસે ઊભા રહી આનંદ પામે. કોઈને વળી લીલું લીલું ઘાસ જ જોવું ગમે.એની ઉપર આળોટવું ગમે. આ એનું સ્વત્વ.

 

આ  અંગે આજના બાળકની સ્થિતિ વિચારો. ખભો તૂટી જાય તેટલા દફતરોનો બોજ, હોમવર્કનો ભાર, ટ્યુશનોનો મારો અને ગમે કે ન ગમે અન્ય પ્રવૃત્તિઓ તરફ ધક્કા. બાળકના કુમળા છોડને આપમેળે, સ્વાભાવિક રીતે વિકસવા દેવાતા જ નથી. પ્રગતિના નામે અધોગતિ તરફ ફેંકાય છે. એ રીતે પશ્ચિમના દેશોમાં જરા જુદું છે. જેની જેમાં ક્ષમતા તેને બહાર લાવવાના પ્રયત્નો થાય છે જે અનુકરણીય છે.

 

એક દિવસ સવારે મારા બેકયાર્ડમાં કાકડીના વેલાને જરા અડકીને બીજી તરફ વાળવા ગઈ તો થોડીક જ વારમાં એ કુમળી ઉગતી વેલ પાછી એની પોતાની જ દિશા તરફ વળી ગઈ. કારણ કે એને એ તરફ મોકળાશ હતી. સાર એટલો જ કે, સૌને મોકળાશ અને યોગ્ય દિશા મળે અથવા વ્યક્તિ પોતે નિયમિતતાની આદતો કેળવી યોગ્ય રાહે ચાલતી રહે. જગત સુંદર છે, એને વધુ સુંદર બનાવતા રહો.

 

કવિ શ્રી ‘સુંદરમ’ કેવી સરસ વાત કહે છે?

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

તે માનવી વિશે પણ લાગુ પડે તો? ‘વિશ્વમાનવ’ વાળી વાત પણ સંભવી શકે ને?

 

સ્મરણો ક્યાં ક્યાં ખેંચી જાય છે? આ લખું છું ત્યારે પ્રાથમિક શાળાના ઘણાં શિક્ષકોના ચહેરા નજર સામે યથાવત તરવરે છે. સોમીબેન, સારાબેન, કરુણાબેન,પૉલ, શાન્તાબેન.વી.ભાવસાર, સંગીતના પ્રભૂતાબેન, સીવણના મંગળાબેન. પાયાના ઘડતરમાં મોટો ભાગ ભજવનારને કેમ ભૂલાય? ભણતાં ભણતાં જેમની સાથે નાટકો ભજવ્યાં કે ગરબા અને, વક્તૃત્વ સ્પર્ધા કરી તે સૌ સહાધ્યાયીઓના નામો,ચહેરા, અરે,ઘણી બધી વક્તૃત્વ હરિફાઈ માટે તૈયાર કરેલી સ્પીચ અને રજૂઆત પણ અકબંધ સ્મૃતિમાં સચવાયેલી છે!

 

તે સમયની આર્થિક અગવડો અન્ય પ્રવૃત્તિમાં નડતી ન હતી. કોઈ ને કોઈ રીતે મારી આવડતને અવકાશ મળી જ જતો. એ માટે હંમેશા હું શિક્ષકોના મારા પ્રત્યેના પ્રેમભાવને જ નમન કરું છું.

 

૧૯૫૯ની એ સાલ હતી. સ્કૂલના વાર્ષિકોત્સવ પ્રસંગે ટાઉનહોલમાં “ધમુની ધીંગલી’ નામે નૃત્યનાટિકા ભજવાવાની હતી. બહારથી મોટા નૃત્યશિક્ષકની ૬ મહિના સુધી તાલીમ અને પ્રેક્ટીસ પછી એ કાર્યક્રમ મોટા પાયા પર થવાનો હતો.  દરેક ભાગ લેનારને તેમાં પાંચ રુપિયા ભરવાના હતા. પોસાય તેમ તો હતું જ નહિ. હવે શું કરવું? ભાગ નહિ લઈ શકાય તો કંઈ નહિ, પણ શીખવા તો મળશે? વિચારી હું પણ પ્રેક્ટીસમાં જતી. એ માટે શિક્ષકો પણ મને મંજૂરી આપતા. ખૂબ મઝા આવતી.  એક નૃત્યમાં ભાઈ કહેતો “બેની રે બેની તારી ઢીંગલી કાજે એક ઢીંગલો લાવ્યો.. બહેન પૂછ્તીઃ ભાઈ રે ભાઈ કેવો ગોત્યો છે જમાઈ? અને દરેક વખતે ભાઈ, નાની બેનને ચીઢવવા માટે ન ગમતા જવાબ આપતો. ગીતને અંતે ભાઈબેનનો પ્રેમ પ્રગટ થતો. એવી જ રીતે “હો…અમે ફૂલડાં,જાતજાતનાં ભાતભાતના રંગબેરંગી ફૂલડાં..” એ બાળગીત પણ ખૂબ ગમતું. વળી ‘હું ગોરી તું કાળો કાનુડા,હું ગોરી તું કાળો’ …તો યે હું રૂપાળો રાધિકા,ગર્વ કર્યો સોઈ હાર્યો,કાનુડા…હું ગોરી તું કાળો” એવો રાધા-કૃષ્ણનો રીસભર્યો ડાન્સ મનમોહી લેતો, ઘરમાં પણ હું ગાયા કરતી અને નાચ્યા કરતી. સ્ટેજ પર હું હોઉં કે ન હોઉં એવી પરવા વગર જ, બસ શીખતી અને મઝા કરતી.

 

છેવટે મારી એ ધગશ જોઈ સંગીત શિક્ષકે મને કાર્યક્રમની શરૂઆતના ઉદ્ઘોષક તરીકે રાખી, એટલું જ નહિ પણ સ્ટેજ પર ખૂણામાં જે મ્યુઝીક વૃંદ બેસતું ત્યાં મને સ્થાન આપ્યું. હવે પડદો ખુલે અને પ્રારંભની સ્પીચ મારે કરવાની હોઈ સારા કપડાં તો પહેરવાના હોય જ ને? તો તે પણ મારી એક બહેનપણીએ પોતે ચાહીને મને એનો નવોનકોર ડ્રેસ પહેરવા આપ્યો! ત્યારે ન તો મને લેવાનો ભાર કે ન એને આપ્યાનો એહસાન! કેવી સરળ અને સહજ એ જીંદગાની હતી!

 

આજે પૈસો સર્વસ્વ બની ગયો છે કારણ કે, આપણે એના આધિપત્યને સ્વીકાર્યું છે, પોષ્યું છે, પંપાળ્યું છે અને પરિણામે એના ગુલામ બની ગયા છીએ, એમ માનીને કે આપણે કેટલાં સ્વતંત્ર અને સમૃધ્ધ થયા છીએ!! ખરેખર સાચું શું છે? સવાલોના આ તણખા આજે તો મનને દઝાડે છે પણ કદીક, ક્યારેક, કોઈકને કિરણ બની અજવાળે તો કેવું સરસ?

 

સ્મરણની શેરીમાંથી-૪ March 1, 2019

Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so far

(૪) ઉછેર/મહોલ્લો/મિત્રો

 

ગામડાંની  વાતો પછી માનસપટ પર ઉપસે છે ચિત્ર ૫-૬ વર્ષની વયનું. પિતાજી અમદાવાદના વતની એટલે મારો ઉછેર પણ ત્યાં જ.

  અમદાવાદની સાંકડીશેરીમાં આવેલ ઝુંપડીની પોળનું એ ઘર. ઘર તો ભાડાનું પણ લાગે સાવ પોતાનું. ૨૩ વર્ષની ઉંમર સુધી ત્યાં જ વસવાટ. પોળમાં દસ ઘર. દરેક બે-ત્રણ માળના ઘરમાં બે કે ત્રણ કુટુંબ રહે. બધાં એકબીજાંને જાણે. બારણાં ખુલ્લાં અને સૌ સરસ રીતે હળેભળે.  ગોર્યો (ગૌરી વ્રત) ટાણે  અમે સરખી સરખી સહિયરો વાંસની નાની નાની ટોપલીઓમાં ઘઉંના જવારા સમૂહમાં ઉગાડતાં, પૂજા અને ઉપવાસ સાથે કરતાં, સાંજે માધુબાગમાં, કાંકરિયા કે કદીક વિક્ટોરિયા ગાર્ડનમાં પોળની આગેવાન સ્ત્રીઓ સાથે ફરવા જતાં, મેંદી સાથે મૂકતાં, વરસાદ પડે બહાર નીકળી પોળમાં સાથે પલળતા, સીઝનમાં અથાણાં,પાપડ,સારેવડા એક જ ઘરમાં ભેગાં થઈ સૌ સાથે બનાવતાં.

 

દિવાળી-હોળી વગેરે વાર-તહેવારો પણ સમૂહમાં જ ઉજવાતાં. વાડકી વહેવાર તો એકદમ સ્વાભાવિક. ઉનાળાની ગરમીના દિવસોમાં નાની અમસ્તી અમારી ખડકીમાં સાંજે પાણી આવે એટલે ૬ વાગ્યે સૌ સાવરણા લઈને પોળ ધોતા અને  ચાર-પાંચ સ્ત્રીઓ મોટા સગડા પર મોટાં તપેલામાં ખીચડી અને બટાકાનું શાક રાંધતા. બધા ઘેરથી પોતપોતાની થાળી વાડકી લઈને આવે અને સાથે જમતાં.  અમે બેનપણીઓ પણ ઉપર અગાશીમાંથી એકબીજાંને ઘેર સૂવા જતી. Really, It takes village to raise a child. સમૂહની આ મઝાથી આજની પેઢી કેટલી વંચિત છે? પૂર્વ કે પશ્ચિમ, કોઈપણ દેશના બાળકોને માટે આ જ પરિસ્થિતિ છે. સંયુક્ત કુટુંબના હિમાયતી ન હોઈએ તો પણ આસપાસનાનો સથવારો કોઈપણ ઉંમરે જરૂરી હોય છે જ. સાથે ન હોઈએ પણ પાસપાસે રહીએ તેના ફાયદાઓ તો છે જ.

 

ઘરની અંદરની ખટમીઠી યાદો ક્યારેય એના યથાવત રૂપમાં વ્યક્ત કરી શકાય?!. નાના ઘરમાં ૧૦ માણસોના સહવાસના સ્મરણો આજ સુધી શ્વાસની જેમ સાથે જ રહ્યાં છે. ક્યારેક રડાવ્યાં છે, ક્યારેક હસાવ્યાં છે, છતાં સતત મહેંક્યાં છે. કુંભારના ચાકડાની જેમ બધાં જ ભાઈબહેનોને તાવ્યાં છે, ટીપ્યાં છે, કસ્યાં છે અને એ રીતે દરેકને પોતપોતાના સ્વત્વ પ્રમાણેના આકારે ઘડ્યાં છે. એ ઘરની એક એક ભીંત, ફર્શનો પથ્થર, ગોખલાં,ઓરડી, છજું, અગાશી, છાપરું, આજે પણ જ્યાં હોઈએ ત્યાં આવીને વાતો કરે છે. એ મહોલ્લો, ખડકી, બાલભવન, લાયબ્રેરી… ઘણું બધું.

સાંકડીશેરી, આશાપુરીનું મંદિર અને ઝુંપડીની પોળ..આટલી અમારી દૂનિયા. વેકેશનોમાં ઘણાં બહારગામ જતા, દરિયાકાંઠે જતાં પણ અમે તો પોળમાં જ બિલ્લા, ખોખાં, લક્ટીઓ, કુકા, દોરડાં, પગથિયાં અને ઓટલા ઉપર  જ  કેરમ કે પત્તા  છોકરા-છોકરીઓ સાથે રમતાં. બહુ બહુ તો મોસાળ જતાં.

 

આજે  સ્પષ્ટપણે સમજાય છે કે, અણસમજમાં એ જીંદગી પણ જીવાઈ ગઈ. જેવી મળી તેવી.. કારણ કે,દરેકને માટે જીંદગી તો સમયના પાટા પર સતત ચાલતી ગાડી છે. એ કોઈની રાહ નથી જોતી. કદી લાગે સફર સુહાની છે,તો કદી લાગે અમર કહાની છે. એ વેળાવેળાની છાંયડી છે. સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે. જીંદગી તો જી-વન છે. જીવની અપેક્ષાઓનું વન..એમાં ફૂલો ભરી બાગ કરો, કે કાંટાભરી વાડ કરો, જંગલ કરો કે મંગલ, મધુરી કહો કે અધૂરી ગણો, મનની સમજણનો સાર છે, બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

 

જેવી મળી આ જીંદગી જીવી જવાની હોય છે. સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
ના દોષ દો ઈન્સાન યા કિસ્મત તમે, પળ પળ અહીં દુલ્હન સમી સત્કારવાની હોય છે.

ટાગોરનું એક સરસ વાક્ય છે કે પગમાં ગૂંચો પડી હોય ત્યારે કૂદમકૂદ કરવાથી કંઈ નહિ વળે. નીચે બેસી, શાંતિથી અને ધીરજથી એક એક ગાંઠને ખોલતા જવાથી જ ગૂંચો ઉકેલી શકાશે. સ્વજન કે સ્નેહીનો સાથ હોય તે સારું જ છે. પણ ખરું કામ અને મહેનત તો વ્યક્તિએ પોતે જ કરવાની હોય છે. કર્મ એ જ ધર્મ અને જીંદગીનો મર્મ પણ એ જ. સારાં ખોટાંની સમજ અને દરેક અવસ્થામાં યોગ્ય વર્તન એ જ સાચું શિક્ષણ.

 

દાદીમાની વાર્તાઓએ મારી કલ્પના શક્તિને નાનપણથી જ ખીલવી. એ મને બહુ કામ કરાવતા પણ વાર્તાઓ સરસ કહેતા. મને બહુ મઝા આવતી. કેટલીક તો એ પોતે ઘડી કાઢતા. હું પણ આજે એવું જ કરું છું! મા પાસેથી મળેલાં બી બાથી સીંચાયાં. બાનું વ્યક્તિત્વ, આવડત અને નીતિનિયમો મને ગમતાં. પ્રેમ તો મા માટે જ સૌથી વધારે. મા ક્યારેય કોઈના વિશે ખોટું વિચારતી નહિ,  કોઈના માટે ખોટું બોલતી નહિ અને ઘણું સમજી લેતી પણ શાંત રહેતી, સહન કરતી. એ બધું કરવું કેટલું અઘરું છે તે આજે હર પળે અનુભવાય છે. મા પરિશ્રમી પણ ખૂબ જ. અમેરિકામાં એને કામ કરવાની જરાયે જરૂર હતી નહિ છતાં યે એ કંઈક ને કંઈક શોધી કાઢતી અને કામ કરતી.,અર્થ-ઉપાર્જન કરતી. એના વિશે મેં પુસ્તક લખ્યું છે તેથી અહીં વધુ નથી લખતી. કીબોર્ડ કે કલમને ભીંજવવાંનો શો અર્થ?.

 આજે યાદ કરી જ છે તો એને માટેની એકાદ કવિતા અહીં ટાંકી દઉ.

માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.

આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું  કે, મારા મનમાં ખરતા પાન આવે.

હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.

રોજ કાગળ-પેન લઈ  શાંતિથી ને ધીરે ધીરે એ,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.

ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં એ ઉપર ગઈ!
ને ‘છે’માંથી તો ‘હતી’ થઈ ગઈ, મા તુજ વિણ તાણ આવે.

‘પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા,આપતી તું
હર પળે ઝંખુ  કે આ દિલે  સતત એ ગાન આવે.

માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચનો મહિનો ફરે ને મા,  મને બહુ યાદ આવે.

 

આવતા પ્રકરણમાં નિશાળ,શિક્ષકો અને મિત્રોની જીવનમાં પડતી અસર વિશે વાતો…

સ્મરણની શેરીમાંથી..-(૨) February 23, 2019

Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so far

(૨)

સ્મરણની આ શેરીમાં રખડતા રખડતા એક Maternity Home,પ્રસૂતિગૃહ નજર સામે આવ્યું અને નવજાતનું  રુદન સાંભર્યું. વીજળીના ચમકારાની જેમ એક લઘુવાર્તા જેવી કલ્પના ઉપસી..

                          જોખમના લેખાંજોખાં…

ધરતી પર જન્મ લેતા પહેલાં જીવે શિવને કહ્યુઃ મારે મોકળાશ જોઈએ છે. એક મોટી જગા જોઈએ છે. કારણ કે, મારે બાગબગીચા જેવું ખૂબ સરસ કામ કરવું છે. શિવે કહ્યુ, “અરે વાહ..બહુ સરસ. જગા તો હું તને મોટી અને સરસ આપું. પછી તું એને ઉપવન કરે કે રેતીનું રણ બનાવે. કુસ્તીનું મેદાન બનાવે કે શાંતિનું ધામ રચાવે, બધું તારા હાથમા. એક કામ કરવિચારીને કાલે આવજે.”

બીજાં દિવસની સોનેરી સવારે જીવ તૈયાર છુંકહી હાજર થયો. શિવે ફરીથી પૂછ્યુઃ સાચે જ વિચારીને આવ્યો ?
જીવે મક્કમતાથી કહ્યુંહા,હા, એકદમ તૈયાર છું.શિવ તોતથાસ્તુકહી અંતરધ્યાન થયા. અજ્ઞાત જીવને મા મળી,ધરા મળી, જગત મળ્યું, જીવન મળ્યું. પણ જીવને  તો અવતરણની પ્રથમ ક્ષણથી જ રડવું આવ્યું, ઉંઆઆ…ઉવાં..ઉંવાઆ.. જીવને  શિવની વાત યાદ આવીધીરે ધીરે બંધ આંખે  ઉંઘમાં હસી જવાયું.  હજી તેનામાં શિવનો અંશ હતો….!

*************************************************************************************

આમ, જીવનું ધરતી પર અવતરવું પહેલું અને મોટું જોખમ અને લાંબી કે ટૂંકી જીંદગીને જગત વચ્ચે જીવવી બીજું મોટું સાહસ. બંનેની વચ્ચે જે કાંઈ બને છે તેનાં સજાગપણે લેખા-જોખા કરવાનો એક પ્રયોગ છે. અંગે સાચી અનુભૂતિ જીવન અને જગત સિવાય બીજે ક્યાંથી પામવી? આ લેખનમાં આત્મકથા કે જીવન ચરિત્ર કહેવાનો કોઈ ઈરાદો નથી. ( એ તો મહાન માણસોના લખાય ને?!!! ) પણ કુંભારના ચાકડાની જેમ ઘડાઈને બહાર આવેલાં મન-ઘડાની થોડી આકૃતિઓ ઉપસાવવી છે જે કદાચ ભાવિ પેઢીને ક્યારેક શાતા અને શક્તિ બક્ષે. મારા લોહીમાં સતત વહન કરતી ભાવનાઓ તેમના હ્રદય સુધી પહોંચે તો આ  પ્રત્યેક જીવના  સ્વીકારેલાં જોખમ અને આદરેલાં સાહસ લેખે લાગે.

હા, તો મારી સ્મૃતિની આજે  બીજી વાત હતી જન્મના સ્થાન,ગામની. ગુજરાતનું એ સાવ નાનું ગામડું. માત્ર વીસ-પચીસ ઘરોનું. નામ એનું ભૂડાસણ. આ નામ મને જરા પણ ના ગમે. કોણે આટલાં હૂંફાળાં ગામનું નામ આવું ભૂંડું રાખ્યું હશે? ને કેમ? એ પણ એક પ્રશ્ન. પણ ચાલો, શેક્સપિયરને યાદ કરીને, જુલિયેટ કહે છે તેમ,
“What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet.”  એમ વિચારી મન મનાવી લઉં!

ધૂળિયું એ ગામ, ભીની માટીની મહેંકની જેમ હજી પણ સ્મૃતિમાં અકબંધ સચવાઈને પડ્યું છે. આમ તો પિતાનું ઘર અમદાવાદમાં પણ મોટે ભાગે ઉનાળામાં ગામ જવાનું થતું. અને તે પણ મને યાદ છે તેમ પરાણે ચાર-પાંચ વખત  બાળપણમાં જ.  ઘરથી થોડે દૂર ગામનો એક કુવો. દોરડા બાંધેલા ઘડાથી ગામની સ્ત્રીઓ પાણી ખેંચતી તે હું જોતી. વચ્ચે પંખીઓનો એક ખૂબ મોટો ચબૂતરો. ઘણીવાર રાત્રે ત્યાં રામલીલાવાળા આવીને ભવાઈ જેવું કંઈક ભજવતા. મને તો રાત્રે વહેલા સૂવાની ટેવ એટલે બા ( નાનીને અમે બા જ કહેતા.) મારા માટે એક ખાસ હાથેથી ઉંચકાય એવી  નાની અમસ્તી ઢોયણી (ખાટલી) સાથે રાખતા. જેવી મને ઉંઘ આવે એટલે તેમાં સૂવાડી દેતા. ચબૂતરાથી આગળ ચાલીએ એટલે ગામની ભાગોળ. સવારે ઊઠીને લોકો (અમે પણ) પાણીનો લોટો ભરી એ તરફ ઝાડે ફરવાજતા. ઘરમાં ક્યાં બાથરૂમ કે ટોયલેટ હતા? અમે બધી બેનપણીઓ ભેગી થઈને જતા. પાછા આવતા રસ્તામાંથી લાલ ચટાક ચણોઠીઓ વીણતા. ચણોઠી શબ્દ એના રૂપ જેટલો મને  ખૂબ જ ગમે. સૌથી વધારે હું જ વીણતી અને ભેગી કરતી. તે પછી ખેતરો આવે. ત્યાં પણ પથ્થર ફેંકી કેરીઓ તોડ્યાનું સ્મરણ છે. ઘરની બીજી તરફ એકાદ માઈલના અંતરે નદી. ત્યાં કપડાં ધોવા જવાનું. મને એ બહુ ગમતું. પણ કિનારે બેસીને જ! પાણીમાં ડૂબવાનો ડર. એક વખત મારો નાનો ભાઈ ઘોડા પરથી પડી ગયો હતો અને નદી કિનારે ફેંકાયો હતો ત્યારથી એ બીક પેસી ગઈ હતી. તે દિવસે બહું રડવું આવ્યું હતું. આવા તો અનેક પ્રસંગો!

ગામના એ ફળિયાની અને ઘરની વાતો  પણ કેટલી બધી? લખતા પહેલા…વિચારું છું કે આજની પેઢીને આ વાંચતા કેટલું આશ્ચર્ય લાગતું હશે?  ૬-૭ દાયકામાં તો સમય ક્યાંથી ક્યાં ઊડ્યો અને ફેંકાયો? ક્યાં ધૂળિયા ગામની વાતો અને ક્યાં અમેરિકાના આ ટેક્સાસ રાજ્યના મહેલ જેવાં ઘરોની મિરાત!  આસમાનમાં ઊડતા પતંગની જેમ સમયની આ દોરી કેવી ગગડે છે! આકાશને જો બારી હોત તો અને કદાચ જો ત્યાંથી આપણા સૌના  સદગત પૂર્વજો જોતાં હોય તો કંઈક આવું ન લાગે? !!

અંતરિક્ષની બારી જરા ખોલીને  જોઈ,તો દૂનિયા દેખાઈ સાવ  અનોખી;
 છોડીને આવ્યાં જે કેડી એ દેશીકેવી દેખાય આજે ફરતી વિદેશી…..

કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ, ફેલાયા ચારેકોર ઘરના સિતારા,
કોઈ છે રશિયા તો કોઈ ઓસ્ટ્રેલિયા, દીસે છે આભેથી  ભૂમિના નક્શા….

રમતાતાં ભૂલકાં કેવા મોટા ચોકમાં, રહેતાતાં એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં, બંધાતી રાખડીઓ મોટા આંગણમાં….

ઉજવાયે આજે ઈમેઇલ પર સઘળી, ને સામેય હોય પેલી વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને  જોઈ, તો દૂનિયા નિહાળી સાવ અનોખી….–

 આજે અને આવતીકાલે, સૌ કોઈએ શીખવાનું એજ કે, પરિવર્તન સંસારનો અને કુદરતનો સનાતન નિયમ છે.પ્રત્યેક સમાજમાં પરિવર્તન સતત અને અવિરતપણે આવ્યા જ કરે છે. કેટલાંક જૂથ અને સમૂહોમાં પરિવર્તન ઝડપથી આવે છે તો કેટલાક સમાજમાં ધીમેથી આવે છે.પણ ફેરફારો તો થયા જ કરે છે. તેથી એને સમજી, સ્વીકારી, યોગ્ય રીતે અપનાવવું સત્ય છે. જરૂરી પણ એટલું જ છે. કારણ કે, માનો યા ન માનો પણ પરિવર્તનથી સ્વભાવમાં અને આદતોમાં પણ flexibilityનો ગુણ કેળવાય છે. વળી આ પરિવર્તન આમ જોઈએ તો વિજ્ઞાને કરેલી રચનાત્મક શોધ અને સિધ્ધિને જ આભારી છે ને? બદલાતા જવું, વિકસતા જવું અને વિસ્તરતા રહેવું એ પ્રકૃતિ  શીખવે છે, જીંદગીની હરપળ શીખવે છે. 

 

સ્મરણની આ શેરીમાંથી ન જાણે કેટલી કણિકાઓ ઝગમગી ઊઠશે?

 

સ્મરણની શેરીમાંથી…૧ February 20, 2019

Posted by devikadhruva in : સ્મરણની શેરીમાંથી.. , 1 comment so far

સ્મરણની શેરીમાંથી

સ્મરણગલીની સાંકડી શેરી, વિશાળ થઈને વિહરી જો.
વતન-જતનનું નર્તન કરતાં નિશાળ થઈને નીકળી જો.
ઝુંપડી સમી પોળની માટી, પથ્થર, રેતી પવન ને પાણી,
તેજની ધારે ધારે અહાહા, કેવી મહેલ થઈને નીખરી,જો.

   ( ૧ ) 

રેશમી સુંવાળા રુમાલમાં અને મશરૂથીયે મુલાયમ મખમલી કપડામાં વીંટળાઈને મળેલી એક જીંદગી, અંતે સફેદ ચાદરની ચિર શાંતિમાં પોઢી જાય છે. પણ એની વચ્ચે કેટકેટલું બને છે? બંને સમયે હાથ તો ખાલી ને ખાલી, છતાં આ પારણા ને નનામીની વચ્ચે..’ક્રીબ’ અને કફનની વચ્ચે…ઘોડિયાથી શબવાહિનીની વચ્ચે કેટકેટલી ઘટના? કેટકેટલા ઉધામા?

પહેલાં સોહામણું…રળિયામણું..પછી સતામણું, બિહામણું અને છેલ્લે ?..  આ સનાતન સત્ય સુધી પહોંચવાના આ તે કેવા તબક્કાઓ, કેટલી અવસ્થાઓ? અને કેવાં કેવાં પરિવર્તનો?

જન્મ પછી બાળક પર અનેક વસ્ત્રો વીંટળાતા જાય છે. સૌથી પહેલાં લોહીના સગપણના  વસ્ત્રો. પછી શેરીના, મહોલ્લાના કે આસપાસના બાળકોની દોસ્તીના વસ્ત્રો. પછી ૫-૬ વર્ષે સ્કુલમાં જવાનું શરૂ થતા થતા શિક્ષક અને મિત્રોના સંબંધોના વસ્ત્રો ચડે છે. ધીરે ધીરે વય વધતા વ્યવહારના અને તહેવારના, એમ એક પછી એક વસ્ત્રોથી પેલો બાળક વીંટાતો જ જાય છે. એટલી હદ સુધી કે એ ક્યારે બાળકમાંથી બદલાઈ જાય છે એની એને પોતાને જ ખબર નથી રહેતી.  બાળપણમાં મળેલા કોરાકટ  કાગળ પર પોતે ક્યારે અને કઈ રીતે રાગદ્વેષના હાંસિયા દોર્યા એય ખ્યાલ બહાર જ જાય છે. હા, આ આવરણોથી રક્ષણ અને સંરક્ષણ તો મળે છે જ પણ સાથે સાથે જે ખરાં બીજ છે તે ઊભરતા અનુભવાય છે.

 આ વિચારધારા સાથે, વર્ષો જૂના કેલેન્ડરના પાનાં પાછળ ને પાછળ ફેરવતા જઈએ તો  સ્મૃતિના ડાબલામાંથી ઘણું બધું હાથમાં સરી આવે છે. પણ આ સ્મૃતિ પણ એક અજબની રહસ્યમય વસ્તુ છે. એ હંમેશા એને ગમતું જ સાચવે છે. બાકીનું તો બધું ખબર નહિ, કેવી રીતે ક્યાં ફેંકી આવે છે કે ઢાંકી દે છે! આ સાથે જ બીજો સવાલ એ છે કે, આગળ ચાલતી આ ગાડીના ‘રીઅર વ્યુ મિરર’માંથી કેટલે દૂર જોઈ શકાય છે?

૭૧ વર્ષના જૂના દ્વારો ખોલવા બેઠી છું.  નથી ખોલી શકાતા. ક્યાંથી ખુલે? આશ્ચર્ય નથી. હકીકત છે. સ્મૃતિનું આ એક વિસ્મય છે, એક રહસ્ય છે કે એના દાબડામાં અમુક ઉંમર સુધીનું કોઈને કશું જ યાદ નથી હોતું. સ્વયંનું ગર્ભમાંથી બહાર આવવું, તે વખતના માતાના ચહેરા પરના ભાવો, પિતાની ખુશી અને જવાબદારીનો અહેસાસ, કુટુંબનો આનંદ વગેરેની છાપ કોઈપણ બાળકના અબૂધ માનસમાં પડેલી હશે કે કેમ તે તો ખબર નથી. એ જે હશે તે પણ, જીંદગીના કોઈપણ સમયમાં ક્યારેય, કોઈ કારણસર કે વિના કારણ, એ છાપ આળસ મરડીને બેઠી થતી જ નથી. વળી એ જમાનામાં આજના જેવી ફોટોગ્રાફી કે વીડીયોગ્રાફી જેવાં ઉપકરણો ન હતા અને માતપિતામાં પણ એવી કોઈ ઘેલછા ન હતી. હા, પેંડા બરફી વહેંચાતા ખરા.

સ્મૃતિમાંથી  સરે છે માત્ર વડિલોના કહેવાયેલા શબ્દો. તે પણ સમજણી ઉંમરે. મા ખૂબ જ ઓછાબોલી હતી. એણે એકવાર કહેલું કે “તારો જન્મ ગામડામાં ઘરમાં જ, દાયણોના હાથે થયેલો. એ જમાનામાં છોકરો આવે તો વધારે આનંદ થાય અને તારો નં ત્રીજો. તારી આગળ એક છોકરી તો હતી જ. તોય તને જોઈ મને બહુ હેત ઉભરાતું.” બસ, આટલું જ. અને દાદીમાએ કહેલુઃ “દિકરો આવ્યો છે તેમ ગામડેથી કોઈએ કહેવડાવેલું એટલે પેંડા વહેંચ્યા. પછી ખબર પડી કે તું તો  મૂઈ માતા છે!! ને પછી હસતા.

આટલી જન્મ વિશેની સાંભળેલી વાત સિવાય ચાર વર્ષ સુધીની કોઈ જ યાદો ખુલતી નથી. સૌથી પહેલી જે ખુલે છે તે મા સાથે ગામડે મોસાળ જતી તે. સાવ પોતીકું, જનમોજનમથી પોતીકું હોય એવું એ લીંપણવાળું, ઈંટ કલરના નળિયાના છાપરાંવાળું, કાથીના ખાટલા ઢાળેલું, આગળ ઓસરી, અંદર એક જ ઓરડો અને પાછળ નાનકડા વાડાવાળું ઘર. એ જગા, જ્યાં પરમ શક્તિએ આ જીવને ધરતી પર હળવો ધક્કો મારી મોકલ્યો હશે. આહ..એ  જગા, ઘર અને ગામ વિશે આગળ ઉપર વાત.

આજે તો માત્ર આ યાદો કેવી હોય છે? એ વિશે થોડું ચિંતન અને મનન. આપણે કહીએ છીએ કે સમય બળવાન છે એ વાત તો સાચી.પણ આ સ્મૃતિઓ સમયથી પરે છે. એને વર્તમાનકાળ સાથે કશી જ નિસ્બત નથી અને ભવિષ્યની તો પરવા જ ક્યાં છે? છતાં ખૂબી તો એ છે કે, સ્મૃતિઓ ભૂતકાળને લઈને વર્તમાનમાં જીવે છે. એ મનમોજી છે. એને જ્યારે આવવું હોય ત્યારે જ અચાનક આવી જાય છે. ઘણીવાર કારણો મળે તો પણ સંતાઈ જાય છે. કદાચ સમૃધ્ધિમાં! અને ક્યારેક વગર કારણે આવી જાય છે અને ખસવાનું નામ પણ નથી લેતી. ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે. મોટે ભાગે બુધ્ધિને નેવે મૂકી દે છે અને દિલને વળગી જાય છે. એનું સ્વરૂપ કેવું છે? નથી ખબર. એનો આકાર કેવો છે? નથી ખબર. એના નખરા ખબર છે. ક્યારેક મઝા કરાવે છે તો ક્યારેક હેરાન હેરાન કરી મૂકે છે. એ મનમાં જ રહે છે, મનમાં જ ઊભી થાય છે અને મનમાંથી જતી પણ રહે છે. ઉપમા કોની અપાય? નિરાકાર તો ઈશ્વર છે એને ઈશ્વર તો ન કહેવાય. કારણ કે,ઈશ્વર તો સર્જક છે! યાદો ક્યાં સર્જક…..અરે..કેમ ભૂલાય? હા, યાદો સર્જક ખરી જ. માનવીને જ્યારે સંવેદના કે અનુભૂતિ થાય છે ત્યારે બરાબર એ  જ ક્ષણે એ કંઈ કહેતો કે લખતો નથી. પણ મોટેભાગે બધું થઈ ગયા પછી ધીરે ધીરે એની યાદોમાંથી જ તો લેખક કે કવિઓ સર્જન કરે છે ને? એટલે શબ્દાકારે થતાં સર્જનો એ સંવેદનાની યાદોમાંથી જન્મે છે એમ કહી શકાશે? અદ્ભૂત ! અદ્ભૂત! આજે આ જે કંઈ લખ્યું તે એની જ તો લીલા છે ને!

 આ વિશે સુરેશ જોશીના એક નિબંધ સંગ્રહ “જનાન્તિકે”માં ખૂબ જ સુંદર લખ્યું છે કે,

સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવાં નવાં વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે..તથ્યનો એ વિકાસ જ સ્મરણમાં જ થાય છે; ત્યાં જ એનાં શાખા, પલ્લવ અને ફળફૂલ પ્રકટ છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શકીએ છીએ.”

આજની પેઢીને માટેનું ચિત્ર કદાચ જુદું હશે. કારણ કે, વિકસતી જતી ટેક્નોલોજીને કારણે ‘ડોક્યુમેન્ટસ’ ની જેમ યાદો પણ એને હાથ વગી જ હશે! હાથમાંની “એપલ વોચ”પર, યુટ્યુબ પર, આઈપેડ/ટેબ્લેટ પર,આઇફોન/સ્માર્ટ ફોન પર… એને સંવેદનાશૂન્ય કહીશું? યાદદાસ્તનું સ્મશાન કે આશીર્વાદ કહીશુ? મનનો અભિગમ પરિવર્તનને આવકારે છે આશીર્વાદરૂપે. જરૂર છે માત્ર યથોચિત ઉપયોગ. મોજશોખ કે ઈચ્છાઓ અનિવાર્ય જરૂરિયાત ન બની જાય તેવી તકેદારી.

अति सर्वत्र वर्जयेत्।

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.