હાઈકુઃ કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ January 13, 2026
Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , trackbackહાઈકુઃ
સાહિત્યનાં કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતાં પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારનાં અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનું માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્ત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે.
હાઈકુઃ મૂળઃ ઉદભવ,સ્વરૂપ અને વિકાસઃ
કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છે હાઈકુ. હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. સત્તરમી સદીમાં (૧૬૪૪–૧૬૯૪) બાશો નામના કવિએ ‘હાઈકુ’ નું સર્જન કર્યું. તેમણે તેને ‘હોક્કુ’ કહી. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’.પછી સમય જતાં તે ‘હાઈકાઈ ‘ નામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયું ‘હાઈકુ’!
એક અંગ્રેજી સાહિત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે,’સ્ટોપ-શોર્ટ’. “Stop-short” ! અર્થાત અહીં જ અટકો. કવિ શ્રી યોસેફ મેકવાન કકે છે કે, “ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું. બંનેની અલગ તાસીર રહેવાની. કારણકે બંને ભાષાઓનું કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષાના નામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે. એટલે ત્યાં પદક્રમ મહત્વનો છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ ન મૂકાય. પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુ–વિભાવના અહીં ખપમાં ન લાગે.
આપણી ભાષામાં ઘણાં કાવ્ય–પ્રકારો પરદેશથી આવ્યાં અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યાં. એ જ રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં કવિ શ્રી સ્નેહરશ્મિના હાથે જાપાનીસ કાવ્યપ્રકાર હાઈકુ અવતર્યું,ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.
સ્નેહરશ્મિ પછી કેટલાંકે હાઈકુમાં યત્કિંચિત સર્જન કર્યું છે. આધુનિક સમયમાં પન્ના નાયકે ઘણાં સુંદર હાઈકુ સર્જ્યા છે. તેમનો ‘અત્તર અક્ષર’ ખૂબ મનભાવન સંગ્રહ બન્યો છે.
સ્વરૂપઃઆંતર અને બાહ્યઃ
ત્રણ પંક્તિ- ૧૭ અક્ષર- ૫-૭-૫.
હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. છતાં એમાં અપાર શક્તિ રહેલી જણાય છે. હાઈકુની પ્રથમ શરત એ છે કે એ પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે.
એ માત્ર ૫-૭-૫ અક્ષરોથી રચાયેલું “ફ્લેટ સ્ટેટ્મેન્ટ” (સીધું વિધાન) ન જ હોવું જોઈએ.
સત્તર અક્ષરોમાં, જાણે પીંછીના એક જ લસરકે ચિત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ‘ઈમેજ’ દ્વારા વિશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! એમ બને ત્યારે જ એ સાચું કાવ્ય ગણાવી શકાય. ત્રણ પંક્તિમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પૂર્ણતાને પામી જાય છે ! ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચિત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે. આટલી મર્યાદિત અક્ષર-સંખ્યામાં આખી કાવ્યકૃતી રચવી એ બહુ સંયમ અને વિવેક માગી લેનારી બાબત છે. હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ નહિ. સિદ્ધહસ્ત કવિઓ કહે છે કે હાઈકુનો અર્થ આંખથી સંભળાય..હા, આંખથી સંભળાય અને કાનથી જોવાય !!
ત્રણ પંક્તિઓ જ વામનનાં વિરાટ ત્રણ પગલાં જેવી સાબિત થાય.
હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. હાઈકુમાં કશું બોધાત્મક ન હોય. પ્રકૃતિનું જે શબ્દચિત્ર કવિએ ખડું કર્યું હોય તે જ બોલે. કવિ શ્રી યોસેફ મેકવાનના શબ્દોમાં “કેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મન–વિસ્મય સાથે આહ્લાદ અનુભવે છે,હરખાય છે. ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫–૭–૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંની આખી રંગીન આકૃત્તિ–ચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. એ જ રીતે આ સત્તર શ્રુતિમાં એકાદ શબ્દ અહીં ત્યાં કરીએ–બદલીએ ને ભાવ પલટાઈ જાય,અર્થ બદલાઇ જાય. એમ આનંદદાયક અર્થો,ભાવો મળતાં રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !
આમ, હાઈકુની અસલિયત એ કવિની અનુભૂતિની અસલિયત છે. એ ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે ત્યારે તેની ચમત્કૃતિનો આનંદ મળે! આ બધું ખૂબ સહજ– સ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ! તેમાંથી જે સુખ–દુઃખ,વિસ્મય,આઘાત–પ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મે તે જ હાઈકુનો પ્રાણ! તેમાંથી ભાવકે ભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે તેટલા અંશે તેમાં સાચું હાઈકુત્ત્વ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો આક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળ–કાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવક ચિત્તમાં પ્રતિતીકર રીતે સંક્રાન્ત થાય. તેના તર્ક, બુદ્ધિને વળોટી જાય, ને આનંદ મૂર્ત કરે.”
ઉદાહરણઃ
સ્નેહરશ્મિનાં હાઈકુ–
તેમના હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે :
“હિમશિખરે
ફૂટે પરોઢ : અહો !
સૂર્ય હાઈકુ ! ”
‘સ્નેહરશ્મિ’ના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવિસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જુઓ :
નાજુક તારી
આંગળી ચૂંટે
ફૂલ ઘવાય નેણ
ચઢે આકાશે
ચંન્દ્ર: પર્ણે ઝીલાતી
ચાંદની કૉળે [પાંદડાં પર ચારુતાનું દર્શન]
પર્ણ વિનાની
ડાળીઓમાં સૂરજ
ટીંગાતો જાય (પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચિત્રો )
ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
હજીયે નભે
ઝૂંપડીઓના
ધૂમાડે નંદવાયાં
રવિકિરણો (ધુમાડાની ગતિલીલા)
ચડતી પ્હાડે
ગાડી : નીચે ખેતર
ચગતાં રાસે ( ગતિ)
વીજ ગોખમાં
ચીતરી ગૈ ટહુકો
કોક અદીઠો (કાન-આંખ/ધ્વનિ-રંગોનું સંયોજન)
પન્નાબેન નાયકના હાઈકુઃ
પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..
ઊડ્યું એક જ
પંખી ને કંપી ઊઠ્યું,
આખુંયે વૃક્ષ..
ગાઢા વનમાં
સળવળી, સ્મૃતિની
લીલી સાપણ.
શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા..
કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છે.
(કવિ શ્રી યોસેફ મેકવાન અને જુગલકિશોર વ્યાસના હાઈકુ અંગેના લેખોને આધારે તૈયાર કરેલ સમજૂતી.)
સંકલનઃ દેવિકા ધ્રુવ
૧/૨૬/૨૦૧૮
જાણ માટેઃ કવિ શ્રી યોસેફ મેકવાને, સાહિત્ય સરિતાના સભ્યોના પસંદ કરેલા હાઈકુ તેમના જ અક્ષરોમાંઃ

Comments»
no comments yet - be the first?