jump to navigation

’તઝમીન’- એક કાવ્ય પ્રકાર June 25, 2015

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , trackback

જુન ૨૧ ૨૦૧૫ના રોજ  ‘વેબગુર્જરી’ માં પ્રસિધ્ધ થયેલ લેખઃ

ગઝલની સાથે સાથે કેટલાક રચનાકળામાં નિષ્ણાત એવા ઉસ્તાદોએ ‘તઝમીન’ જેવા કાવ્ય પ્રકાર ઉપર પણ હાથ અજમાવ્યો છે. બરકત વીરાણીએ લખ્યું છે કે, ’તઝમીન’, કોઈ શાયરની મૂળ બે પંક્તિઓ મત્લા, શેર કે મક્તા લઈને એના ઉપર અન્ય શાયર પોતાના તરફથી ત્રણ પંક્તિઓ ઉમેરી એનું અનુસર્જન કરે અથવા વિશેષ સર્જન કરે એને કહેવાય છે. આ કાવ્ય પ્રકારને કોઈ ઉદાહરણ રૂપે રજૂ કરવો હોય તો ગની દહીંવાલા કહે છે કે ‘કોઈ સારા નીવડેલા ગઝલકારના ઉત્કૃષ્ટ એવા ‘શેર’ની બે પંક્તિઓને સુઘડ એવા કોઈ બેઠા ઘાટના મકાનની ઉપમા આપી શકાય. એ મકાન ઉપર ત્રણ માળ ચઢાવી આપનાર કુશળ સ્થપતિ તે તઝમીનકાર’. આ વાતનું સમર્થન કરતાં શ્રી શેખાદમ આબુવાલા કહે છે કે તઝમીનકારને કોઈપણ ગઝલકારનો એક શેર મળવો જોઈએ કે જેના આધારે પોતાની ઊર્મિનો વિસ્તાર કરી શકે.

‘મુસાફિર’ પાલણપુરીએ ૧૯૮૪માં એક તઝમીન સંગ્રહ બહાર પાડ્યો હતો. તેમાં મૂળ કસબી પણ જોતો રહી જાય તેવું કૌશલ તેમણે દાખવ્યું છે. એમની કલમ કુતુબમિનારના પહેલા કઠેરા પરથી ઊંચા સોપાને ચઢે છે. મૂળ ‘શેર’ના ભાવ-જગત સાથે એકરસ થઈ પોતાને સાધ્ય એવી રચનાકળાનાં દર્શન કરાવે છે. ‘મુસાફિર’ પાલણપુરીના તઝમીન સંગ્રહમાંથી કેટલાક નમૂના ‘વેબગુર્જરી’ના વાચકો માટે અત્રે સહર્ષ રજૂ કરવામાં આવે છે.

– દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ

તઝમીન (૧)

      (૧) શયદાનો મૂળ શેર :

મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

              તઝમીન :

‘હશે કે કેમ તું?’ એવી કોઈ શંકા ઉઠાવે છે.
ખુદાઈનો કરીને કોઈ દાવો, મન મનાવે છે.
પડે છે ભીડ તો તારે જ ચરણે શિર ઝુકાવે છે!
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે.
પ્રભુ! તારા બનાવેલા તને આજે બનાવે છે.

તઝમીન (૨)

     (૨) મરીઝનો મૂળ શેર : 

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

              તઝમીન :

દૂર બહુ નીકળી ગયા,પાછા ફરો જલ્દી મરીઝ !
પાથરેલી જાળ પાછી આવરો જલ્દી મરીઝ !
મોત પહેલાં જે મળે હોઠે ધરો જલ્દી મરીઝ !
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

તઝમીન (૩)

    (3) ઓજસ પાલનપુરીનો મૂળ શેર :

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

          તઝમીન :

ધૂળની લીલા હતી એ,ધૂળમાં ધરબાઈ ગઈ!
કો’ મધુરા સ્વપ્ન પેઠે જાણે ક્યાં ખોવાઈ ગઈ!
ઘેલછા ઓજસ! અમરતાની તરત સમજાઈ ગઈ.
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ.
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.

                    – ‘મુસાફિર પાલણપુરી

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.