સાધારણ રીતે મુક્તક વિશેની પ્રચલિત (ગેર) સમજ એવી છે કે તે ગઝલોની રજૂઆત પૂર્વે શાયર, મુશાયરામાં એટલે બોલે છે કે ગઝલની રજૂઆત માટેની ભૂમિકા બની રહે. મુશાયરાને લાગેવળગે છે ત્યાં સુધી મુક્તકની આ સ્થિતિ કદાચ નિર્વાહ્ય હશે, પણ મુક્તકને ‘મંચિંગ’ પૂરતું જ સીમિત રાખવામાં મુક્તકને ન્યાય થતો નથી. મુક્તકને એક પ્રકાર લેખે તેની સંપૂર્ણ સ્વાયત્તતા હોવી ઘટે. સામાન્યત: ગુજરાતી શાયરો રુબાઈ અને મુક્તકને એકબીજાના પર્યાય ગણે છે, ખાસ કરીને ગઝલની ઉર્દૂ પરંપરાનો જેમને અભ્યાસ નથી એવા શાયરો, પણ આ બંને પ્રકારો વચ્ચે પાયાનો ભેદ એ છે કે રુબાઈ તેને માટે નક્કી થયેલા 24 છંદોમાં જ રચાય છે જ્યારે મુક્તકો એ છંદો ઉપરાંત પણ, ગઝલોના અન્ય છંદોમાં શક્ય છે. એ સંદર્ભે રુબાઈઓ મુક્તકમાં ખપે, પણ મુક્તકો, રુબાઈમાં ખપે જ એવું ન પણ બને.
મુક્તકની ચાર પંક્તિઓનું પ્રચલિત બંધારણ સ્વીકારીએ તો પહેલી, બીજી અને ચોથી પંક્તિઓમાં રદીફ અને કાફિયાનું આયોજન કદાચ વધુ સ્વીકૃતિ પામે છે. એનો અર્થ એવો પણ નહીં કે ચારેય પંક્તિઓમાં રદીફ-કાફિયાની યોજના કે રચનાથી ત્રીજી પંક્તિ મુક્ત હોય તેની વિશેષ જોવા મળે છે. એવું જ છંદની બાબતેય ખરું. ચાર પંક્તિઓના મુક્તકમાં છંદ પરિવર્તન સહજ સ્વીકાર્ય નથી એટલે ચારેય પંક્તિઓમાં છંદ એક જ હોય એ બાબત પણ મુક્તક સંદર્ભે વધુ સ્વીકાર્ય છે. આ તો થઈ મુક્તકનાં બાહ્ય બંધારણને લગતી વાત, પણ ગરબડો જોવા મળે છે તે તેનાં આંતર સ્વરૂપ સંદર્ભે. મોટે ભાગે વ્યવહારુ કે નિબંધ થઈ જનારી બાબતોને અતિક્રમીને મુક્તકની પ્રથમ ત્રણ પંક્તિઓ ઉત્તરોત્તર કાવ્યોચિત વિકાસ સાધીને કોઈ એક વિચાર, ભાવ કે વિષયનું સાતત્ય જાળવીને, ચોથી પંક્તિમાં એવું તો સચોટ રહસ્યોદઘાટન નૂતનતમ સ્વરૂપે સિધ્ધ કરે છે કે ભાવક વિસ્મય અને આનંદની તીવ્ર અનુભૂતિમાં રમમાણ રહે. ચોથી પંક્તિને અંતે સમગ્ર મુક્તકની પરિણતિરૂપ થતું વિષયરૂપ દર્શન, બાલકૃષ્ણના મુખમાં થતાં વિશ્વરૂપદર્શન જેમ ભાવકને દિગ્મૂઢ બનાવે છે ને ભાવનની પ્રક્રિયાનો તાળો મળે તે પહેલાં પ્રત્યક્ષ થતું ચમત્કૃતિપૂર્ણ દર્શન સર્જકને અને ભાવકને વિસ્મય આશ્રિત આનંદ સિવાય કોઈ ઉકેલ સંપડાવતું નથી. અન્ય વિસ્ફોટ અને આ વિસ્ફોટમાં ફેર એ છે કે અન્ય વિસ્ફોટને અંતે અંધકાર શેષ રહે છે જ્યારે આ વિસ્ફોટને અંતે ઉત્તરોત્તર દિવ્ય આનંદ-પ્રકાશની અનુભૂતિ થતી આવે છે.
મુક્તક વિશે એવી સમજ પણ પ્રવર્તે છે કે ગઝલનો મત્લા અને તેનો એક શે’ર મળીને રચાતી પંક્તિઓ પણ મુક્તક છે. એ શક્ય છે જો ક્રમિક વિકાસ સાધીને એક જ ભાવ, વિષય કે વિચારનું સાતત્ય ચોથી પંક્તિને અંતે આનંદપૂર્ણ ચમત્કૃતિ કે સ્ફોટમાં પરિણમે. એવું ન હોય તો મત્લા અને અલગ શે’રથી વિશેષ કંઈ નથી. ટૂંકમાં, મુક્તક એક જ છંદમાં રચાયેલ મત્લા કે ભિન્ન એવા શે’રનો સરવાળ માત્ર નથી જ ! આમ આપણે ત્યાં લખાતાં મુક્તકો એ સંસ્કૃત સાહિત્યના શ્લોક અને સુભાષિતોને મળતો અને ફારસી-ઉર્દૂ સાહિત્યની રુબાઈને મળતો પ્રકાર છે. એનું સાહિત્યિક મૂલ્ય અન્ય કાવ્યપ્રકારો કરતાં સહેજે ઓછું નથી.
છેલ્લા ત્રણ-ચારેક દાયકામાં અછાંદસ, ગીત અને ગઝલના સ્વરૂપને આપણા કવિઓએ વિશેષ ઉપાસ્યાં છે પણ મુક્તકો બહુ થોડાએ, અને તેય અલ્પ પ્રમાણમાં લખ્યાં છે. ગઝલના ઝળહળાટ સામે જાણે મુક્તકનું રૂપ ઓઝપાઈ ગયું છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે અન્ય કાવ્ય-પ્રકારોમાં ભાવો અને સંવેદનોની અભિવ્યક્તિ માટે ઠીકઠીક મોકળાશ મળી રહે છે જ્યારે મુક્તકમાં તો ચાર પંક્તિઓમાં જ સઘળું કહી દેવાનું હોય છે. મુક્તકમાં ભાવસંવેદનોની સંકુલતા ઉતારવી અશક્ય નહીં તો, કઠિન જરૂર છે. આવા અઘરા અને બહુધા અણસ્પર્શ્યા જ રહી ગયેલા કાવ્યસ્વરૂપનું પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક, ભવ્ય પુરુષાર્થ દ્વારા ખેડાણ કરવાનું બીડું ઝડપવાનું એક સાહસ મેં કર્યું છે. હંમેશ કશુંક નોખું-અનોખું કરવાની ધગશ અને તમન્નામાં બસ મુક્તકો લખાતાં ગયાં, લખાતાં રહ્યાં જેના પરિણામ સ્વરૂપે મારા કુલ ચાર નિતાંત મુક્તકસંગ્રહો આકાર પામ્યા છે. (1) હે સખી ! સંદર્ભ છે તારો અને- 1997 (2) હે સખી ! સોગંદ છે મારા તને- 2004 (3) હે સખી ! ઝંખના છે તારી મને- 2012 (4) હે સખી ! તું રક્તમાં મારા વહે છે…2014. હા, સાચી વાત છે. મેં કુલ લગભગ 2500ની આસપાસ મુક્તકો લખ્યાં છે, જે ગુજરાતી સાહિત્યમાં વિક્રમજનક આંકડો છે. આ અગાઉ કોઈ પણ કવિએ આટલી બધી વિપુલ સંખ્યામાં વ્યવ્સ્થિત રીતે મુક્તકો લખ્યાં નથી. મારા ઉપરોક્ત ચાર મુકતકસંગ્રહો બાદ હજી એક મુક્તકસંગ્રહ ભવિષ્યમાં બહાર પાડવાની મારી યોજના છે અને એ દિશામાં હાલ હું પ્રવૃત્ત છું, સક્રિય છું. મુક્તક લેખન પરત્વે ખાસ લગાવ એટલા માટે છે કે એમાં થોડામાં ઘણું બધું અભિવ્યક્ત થઈ જાય છે. મારા અંગત મંતવ્ય અનુસાર મુક્તકો ક્રિકેટની વન-ડે મેચ જેવાં છે અને ગઝલ જાણે ટેસ્ટમેચ જેવી હોય છે. મુક્તકો તરફ વળવાનું-ઢળવાનું મુખ્ય પ્રયોજન એ છે કે એમાં ઓછામાં ઘણું કહેવાની તાકાત હોય છે. ફક્ત ચાર પંક્તિઓમાં સમગ્ર ભાવવિશ્વ ખડું થઈ જાય. કશું લાંબુંલચક નહીં. ક્યાંય પિષ્ટપેષણ કે ખોટો પથારો નહીં. અનુભવમાંથી આવેલી વાત હોય છે. આખો બગીચો નહીં પણ જાણે અત્તરનું પૂમડૂં...! મારા આ આગવા-ધ્યાનાકર્ષક પ્રદાનને અનુલક્ષીને કવિશ્રી રમેશ પારેખે મને ‘મુક્તકો-એ-આઝમ’ નો એવોર્ડ એનાયત થવો જોઈએ એવું વિધાન કર્યું હતું, કવિશ્રી નયન દેસાઈ મને ‘મુક્તકોના સમ્રાટ’ તરીકે સંબોધે છે. વળી કેટલાક સાહિત્યકારો મને ‘મુક્તકોના મહારથી’ ‘મુક્તકોના શહેનશાહ’, ‘મુક્તકોના બાદશાહ’, કે ‘મુક્તકોના મહારાજા’ વગેરે પ્રકારના બિરુદો આપીને નવાજે છે. અલબત્ત, એમાં એમનો સૌનો મારા પ્રત્યેનો સ્નેહ તથા સદભાવ જ ઉજાગર થતો હોવાનું હું નમ્રપણે માનું છું. કારણ કે મારે હજી આગળ વધવું છે અને ખાસ્સી એવી મજલ કાપવાની બાકી છે. હું ખોટો દંભ નથી કરતો પરંતુ મિત્રો અને મુરબ્બીઓ-વડીલોના પ્રેમ અને આશીર્વાદથી, એમની કદર અને કિંમતથી મને ખૂબ જ પ્રોત્સાહન સાંપડે છે એ એક સત્ય હકીકત છે.
આગળ કહ્યું તેમ મુક્તકમાં ભાવોની સંકુલતા પટુતાપૂર્વક ઉતારવી પડે છે. એક ચોક્કસ કુંડાળામાં રહી તલવારબાજી કરવી પડે છે. મુક્તક એ શબ્દચયનની અને ભાવનિરૂપણની એક વિશેષ પ્રતિભા અને પારંગતતા માગી લે છે. તેની પ્રથમ અને દ્વિતીય પંક્તિમાં નિરૂપિત ભાવાભિવ્યક્તિને ઉપાંત્ય પંક્તિમાં આવતાં એક ઠેસ લાગે છે ને એ ઠેસ અંત્ય પંક્તિના ભાવને કંઈક ઉક્તિવૈચિત્ર્યથી, કોઈક અવનવા ઉદગારથી, કોઈ વિશિષ્ટ ચમત્કૃતિથી ઉદઘાટિત કરીને ભાવકને વિસ્મયથી અને ચોટથી અભિભૂત કરી દે છે. શક્તિશાળી કવિ એને પોતાની આગવી શક્તિ અને પ્રતિભાથી સફળ રીતે યોજી બતાવે છે. જે તમને કોઈ પણ કારણથી ભીતરથી હલાવી નાખે, તમારા સ્વ-ભાવનું આનંદમાં રૂપાંતર કરી નાખે તે મુક્તક. પ્રમાણમાં લઘુ એવો આ કાવ્યપ્રકાર ગુણવત્તાની દૃષ્ટિએ અન્ય કાવ્યપ્રકારોથી લેશ પણ ઓછો મહત્વનો નથી. આ પ્રકારવિશેષ દ્વારા કાવ્ય સિધ્ધ કરવું કઠિન છે એટલે જ કદાચ આપણે ત્યાં એનું ખેડાણ ઓછું થયું છે ને ઓછું થાય છે. અને અંતે મારું એક મુક્તક હું અહીં રજૂ કરું છું :
” નામથી હું દિલીપ મોદી છું
કામથી હું દિલીપ મોદી છું …
છે છલોછલ તપશ્ચર્યા મારી –
જામથી હું દિલીપ મોદી છું ! “
અસ્તુ.
(સુરત, તા. 22.3.2015)
સ્નેહી બહેનશ્રી,
સૌપ્રથમ તો મારો મુક્તકો વિશેનો લેખ તમે સ્વીકાર્યો તેથી હું અત્યંત રાજીપો અનુભવું છું.
ખૂબ ખૂબ આભાર…
હવે તમારા સવાલનો સીધો જવાબ :
જે પ્રમાણે છંદ વગરની ગઝલનું કોઈ મૂલ્ય નથી તે જ પ્રમાણે છંદ વગરના મુક્તકની પણ કોઈ વેલ્યૂ નથી. છંદ એ બંને કાવ્ય પ્રકારની મૂળભૂત આવશ્યકતા (Basic Necessity) છે.અલબત્ત બંનેમાં ઉર્દૂ-ફારસી છંદોનો જ વિનિયોગ કરવામાં આવે છે. સર્જનમાં ભાવ કે સંવેદન ગમે તેટલું મજબૂત હોય, કલ્પનો કે પ્રતીકો અદભુત હોય, પરંતુ છંદની ગેરહાજરીમાં એની સાહિત્યિક ગુણવત્તા શૂન્ય થઈ જાય છે. એ સર્જનને-રચનાને ગણતરીમાં લેવામાં નહિ આવે. એની કોઈ ક્યાંય નોંધ લેતું નથી. તેથી છંદ MUST બની જાય છે. આમ, છંદ વગરની કૃતિને સાહિત્યમાં (ખાસ કરીને ગઝલ અને મુક્તક સંદર્ભે) સ્થાન મળતું નથી.
Comments»
મુક્તકો વિશે ની સારી માહિતી માનવામાં આવી…..
ધન્યવાદ……