તા. ૨૨મી ઑગષ્ટને શનિવારના રોજ, હ્યુસ્ટનના શારદા-અંબા મંદિરમાં એક સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. ખળખળ વહેતી સરિતાના કલકલ નિનાદ સમો એ પ્રસંગ હતો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના પચીસ વર્ષની ઉજવણીનો એટલે કે, ‘રજત જયંતી’નો ઉત્સવ હતો.
ઉનાળાની બપોરના ત્રણ વાગ્યાથી સંસ્થાની સમિતિના સભ્યો, સહાયકો અને સેવાભાવીઓની ચહલપહલ ચાલુ થઈ ચૂકી હતી. શરૂઆતમાં અલ્પાહાર અને ચ્હા સાથે શ્રોતાજનોનું સ્વાગત થતું જતું હતું, કાર્યકર્તા અને અન્ય કલાકાર ભાઈ-બહેનો સ્ટેજ પરની વ્યવસ્થામાં મશગુલ હતાં.
નિર્ધારિત સમયે જરૂરી સૂચનાઓની જાહેરાત અને વિનંતી બાદ હૉલના મંચનો મખમલી પડદો ખુલતાંની સાથે સુમધુર સંગીત સાથે સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. તે સાથે જ અતિથિવિશેષ, શ્રીચિન્મયા મિશનના ગુરુવર્ય શ્રી ગૌરાંગ નાણાવટી અને સંસ્થાના સ્થાપક શ્રી દીપક ભટ્ટે દીપ-પ્રાગટ્ય કર્યું. તેમને તથા સંસ્થાના પ્રથમ સભ્ય અને દાતાઓને સંસ્થાના સિક્કાવાળી અને ગુજરાતી અક્ષરોના ભરતકામયુક્ત સુંદર શાલ થકી સન્માનિત કરવામાં આવ્યા. તે જ સમયે સંસ્થાના એક નવા સભ્ય શ્રી ઓમપ્રકાશ ગુપ્તાએ તેમના તાજેતરમાં પ્રકાશિત પુસ્તકની માહિતી આપી.
કાર્યક્રમની શરૂઆત એક સુંદર યોગાનૃત્યથી કરવામાં આવી. રિદ્ધિ દેસાઈએ વિવિધ યોગાસનની મુદ્રાઓ સાથે, ધ્યાનાકર્ષક અંગભંગી અને હાવભાવ દર્શાવી, ગીત સાથે સુંદર રજૂઆત કરી. પ્રમુખ શ્રી નિખિલ મહેતા દ્વારા પ્રસંગોચિત સ્વાગત પ્રવચન બાદ, શ્વેતા શ્રોફે કાર્યક્રમનું સૂકાન આગળ વધાર્યું.
હ્યુસ્ટનના નૃત્ય-કલાકાર ઉમા નગરશેઠ દ્વારા આયોજિત કવિ શ્રી ઉમાશંકર જોશીનુંગીત, “સદા સૌમ્ય શી વૈભવે ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી” પરનું નૃત્ય રજૂ કરવામાં આવ્યું. કલાકાર બહેનોની સુંદર રજૂઆતે સભાજનોને મુગ્ધ કર્યા. નૃત્ય દરમ્યાન પાછળના મોટા ફલક પર શબ્દોને અનુરૂપ,અવની મહેતા દ્વારા સજાવેલ સુંદર 3Dચિત્રોનું આયોજન સૌનું ધ્યાન ખેંચતા હતાં.
ત્યારબાદ સંસ્થાના જ સર્જક દેવિકા ધ્રુવે લખેલ ‘પચ્ચીસમાં પર્વ’નું એક ગીત રજૂ કરવામાં આવ્યું. ગીતના શબ્દો હતાઃ ‘આજ સરિતાને તીરે કાંઈ જામ્યો છે મેળો’, તેનું સ્વરાંકન સંસ્થાના સભ્ય ભાવના દેસાઈએ કર્યું હતું; છ કલાકારો દ્વારા વાજીંત્ર સહિત આ સમૂહગાન કરવામાં આવ્યું.
બે આઈટમોની વચ્ચે સૂત્રધાર દ્વારા ગુજરાતી સાહિત્યની અને કવિઓની વિવિધ વાતો વાતાવરણમાં રસ અને રંગ ભરતી હતી. સભાગૃહમાં વાહ..વાહ.ના ભાવો વ્યક્ત થતા જતા હતા. તે પછી ઉપપ્રમુખ રિદ્ધિ દેસાઈ અને દેવિકા ધ્રુવ દ્વારા સંસ્થાના ૧ થી ૨૫ વર્ષના ઈતિહાસની, સ્થાપના, પ્રગતિ અને પ્રવૃત્તિઓની પાવરપોઈન્ટ થકી ઝલક દર્શાવવામાં આવી, ૨૫ સાહિત્યકારો તરફથી મળેલા શુભેચ્છા-સંદેશ પ્રસારિત કરવામાં આવ્યા અને નવી પેઢી દ્વારા સાહિત્ય સરિતા અવિરત વહેતી રહે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી. આ ઉપરાંત સંસ્થાના સ્વર્ગસ્થ પામેલ સર્જકો અને વર્તમાન સર્જકો અંગે પણ જાણકારી આપવામાં આવી.ભારતથી આવેલ સંસ્થાના એક સર્જક અને ભૂતપૂર્વ પ્રમુખ, શૈલા મુન્શાએ સ્વરચિત ‘જુગલબંધી કરી છે મેં’ એ ગઝલ રજૂ કરી અને પોતાની આ હ્યુસ્ટનની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી.તે પછીનો ગરબો “મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો” પ્રસ્તુત કરવામાં આવ્યું. તેમાં બહેનોની કલામય રજૂઆત જોતાં,આખોયે હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજતો હતો, પ્રેક્ષકો અનેરો આનંદ માણતા હતા.આ સમયે પણ પાછળના મોટા ફલક પર ગરબાના શબ્દોને અનુરૂપ, સજાવેલ સુંદર 3Dચિત્રોનું આયોજન સૌનું ધ્યાન ખેંચતા હતાંઅને માનસપટ પર ઘેરી છાપ ઉપસાવતા હતા.
કાર્યક્રમને વિવિધ રીતે આગળ વધારતા બે એકાંકી નાટકો રજૂ કરવામાં આવ્યા. પ્રથમ એકાંકી ‘ઉઘાડા પગે’ની વાર્તા-વસ્તુમાં મૈત્રીની મિરાત હતી. ત્રણ જ પાત્રો દ્વારા ભજવાયેલા આ નાટકમાં બહુધા નેપથ્યમાંના ‘ઑડિયો’ અને પડદા પરના વાર્તાને અનુરૂપ આબેહૂબ ચિત્રોએ મોટો ભાગ ભજવ્યો. નાટક હૃદયસ્પર્શી રહ્યું.અહીં પણ ફ્લેશબેકનાં ચિત્રોએ અનેરો રંગ રાખ્યો.દરેક કલાકારોએ કુશળતાથી રોલ ભજવ્યો.
ત્યારબાદ ૭૦-૭૫ની ઉંમરની બહેનો દ્વારા એક નૃત્યની રજૂઆત થઈ. જેમાં પગના ઠમકારાને બદલે ચહેરાના ભાવો અને સહજ અમસ્તી અંગભંગી દ્વારા, કવિ શ્રી ધ્રુવ ભટ્ટનું ગીત ‘સાંભળી શકાય નહિ, બોલવું યે બંધ અને કરવાની સંજ્ઞાથી વાત..’ એક અનોખી રીતે, સુંદર સંજ્ઞા-નૃત્ય પ્રસ્તુત કર્યું. સૌએ તાળીઓ થકી ખૂબ જ દાદ આપી.
બીજું એકાંકી નાટક ‘ દસમાંથી દસ’ માં વિદ્વાન પ્રોફેસર, ઘરરખ્ખું ગૃહિણી અને અને તેના શિક્ષક-એમ ત્રણ પાત્રોનું હતું. થોડું રમૂજી અને મર્મભર્યં રહ્યું. રંગભૂમિના અસ્સલ નાટકોના બદલે પાત્રોએ, પોતપોતાની ભૂમિકાને ‘ઑડિયો-વિડીયો’ થકી અભિનયને ઉપસાવી સુપેરે ન્યાય આપ્યો.
સમાપનમાં કલાકારો સહિત, દરેકની વ્યક્તિગત આભારવિધિ થયા બાદ, ભોજન પીરસવામાં આવ્યું અને કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.
એકંદરે આ કાર્યક્રમ ઘણો સફળ રહ્યો. નોંધનીય એ હતું કે આમાં કોઈ ઝાઝા પ્રવચનો ન હતાં, અતિ સરળતા હતી, માત્ર ૯ જ આઈટમો હતી, પ્રોગ્રામ ન તો લાંબો હતો કે ન ટૂંકો હતો. 3Dચિત્રોનાં ઉચિત આયોજને દરેક આઈટમને મઝાનો ઊઠાવ આપ્યો. એ રીતે રસને જાળવી રાખીને બરાબર બેથી અઢી કલાકમાં જ આ રજતજયંતીનો ઉત્સવ સાહિત્યિક રીતે ઉજવાઈ ગયો જે સૌના મનમાં છવાઈ ગયો. સંસ્થાના સૌ સભ્યોને,આયોજકોને અને સહાયકોને ખૂબ અભિનંદન.
ચક્રો વિશ્વ મહીં ફરે ઋતુ તણાં, આશ્ચર્ય છે નિયતિ
સૌમ્યા શીતલ છે હવા વિહરતી, ફેલાવતી સુરખી
પુષ્પો બે દઈ દિલથી વરી રહ્યાં, હૈયે ભર્યા ભાવથી..
શોભા શેખર સંગ આજ છલકે, રૂડાં ઉરે મંગલમ્ .. (૩)
શ્રદ્ધાથી સરતી છે સપ્તપદી આ, રંગો ખીલે શાનથી,
અર્થો વેદ તણા ઘણા ગહન છે, ખુલે ખરા જ્ઞાનથી
ને મંત્રો મન મંગલાચરણ છે, સાયુજ્યના શબ્દ છે.
સાચો માનવ ધર્મ એક જ ખરો, લગ્ને રહો સાર્થકમ્ .. (૪)
આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” એ પ્રભાતિયાંથી ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. ખળખળ વહેતા ઝરણાં જેવું કર્ણપ્રિય અને સુમધુર ભજન. નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. તેમના પ્રેમપૂર્ણ હૃદયમાંપ્રાર્થનાનું કે ભજનનું કોઈ માળખું ગોઠવેલુંનહોતું રહેતું. એ તો બસ, શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી પદો રચતાં. તેમની વાણી અંતરમાંથી સહજ સ્ફ઼ુરી ઊઠતી હતી.
આ ભજનમાં ખુદ ઇશ્વરની માનવીયતા બતાવવામાં આવી છે. કૃષ્ણને યશોદા દ્વારા સંબોધવામાં આવ્યો છે. નજર સામે દિકરાને પ્રેમથી ઊઠાડતી માતાનું એક ચિત્ર ઊભું થાય છે એ કલ્પના જ કેટલી કાવ્યમય છે! પણ ખરેખર યશોદા મા કૃષ્ણને જગાડે છે એટલો જ ભાવ છે ? ના; ઈશ્વર તો જાગેલો જ છે. જાગવાનું તો જગતે છે, માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે કે યશોદાજી પોતાના અંતરને જગાડી રહ્યાં છે. “ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા” એટલે કે ૩૬૦ દિવસ આપણે જાગતા રહીને કાર્યરત રહેવાનું છે. અહીં બીજું તત્ત્વવજ્ઞાન એ છુપાયેલું છે કે, ૩૬૦ ગોવાળિયા દ્વારા શરીરના ૩૬૦ સાંધા કે નસોને જાગતી રાખવાની વાત છે. વડો ગોવાળિયો તો જાગતો જ છે. ભૂમિનો ભાર જેણે વેઠ્યો છે અને કાળી નાગને જેણે નાથ્યો છે; એ તો અહર્નિશ જાગતો જ છે. પણ આપણે એ સાચી રીતે જાણી લેવાનું છે અને તો જ દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં અને કઢિયેલ દૂધ પીવાશે. કેટલી ઉચ્ચતમ વાત સહજ રીતે કરવામાં આવી છે. આપણે જ આપણા સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાનું છે.
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમને હાજરાહજૂર હતાં. હરિ સાથેના તેમના સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી અને તેથી તો વ્યવહારું જગતમાં અનેક વખત તેમની હૂંડી સ્વીકારાઈ છે, લાજ સચવાઈ છે. “જમૂનાને તીર ગૌધણ ચરાવતાં…પંક્તિમાં તે કહે છે કે, જાગીને કાર્યરત રહેશો તો જ જીવનમાં મધુરી મોરલી વાગશે; તો જ આટીઘૂંટીમાંથી સરળ રીતે બહાર આવી શકાશે. નહિ તો ‘બૂડતા બાંયડી કોણ સાધશે ?” દુઃખને સમયે કોણ ઉગારશે ? કેટલી સીધી રીતે ઊંચી આધ્યાત્મિક વાત આ સંત કવિએ કરી છે? ઇશ્વરને માનવની સાવ નજીક મૂકી દઈને ખૂબ આશા આપી દીધી છે. “ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે”…સંપૂર્ણ સ્વૈછિક સમર્પણ અને તેમાં જ પરમ આનંદ. सर्वधर्मान्परित्यज्यमामेकंशरणंव्रज નો જ જાણે પડઘો..
જેના રોમેરોમમાં ભક્તિ છે એવા આ નરસિંહ મહેતા આર્ષ કવિ હતા તેમણે દૂરનું જોયું છે, અતિ ઝીણવટથી જોયું છે અને અતિ સાદી ભાષામાં સર્જ્યું છે. કદાચ તેથી જ આજે ૬ એક દાયકા પછી પણ તેમના પ્રભાતિયાંઓ અને ભજનો ગુજરાતીઓનાં હોઠ અને હૈયે ગૂંજતા છે. હજી આજે પણ માત્ર ઘેરઘેર નહિ, વ્યક્તિએ વ્યક્તિના મોબાઈલના રીંગટોનમાં આ પદ માનીતુ થઈ પડ્યું છે કે “જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા”….શબ્દેશબ્દમાં લાલિત્ય છે, અર્થનું ગાંભીર્ય છે અને તાત્ત્વિક ઊંડાણ છે.
આ સીધા સાદા શબ્દોની પાછળ અનેક રહસ્યો છુપાયેલાં છે અને જેમજેમ અંતરયાત્રા થતી જાય તેમતેમ આ રહસ્યો ઊઘડતાં જાય છે. અત્રે યાદ આવે છે કે, જ્યારે નરસિંહ મહેતાના આ ભજનનો રસાસ્વાદ કરાવ્યો ત્યારે એક સહૃદયી ભાવકે એક વિચારણીય અભિપ્રાય ટાંકતા કહ્યું હતું કે, નરસિંહ મહેતાના આ ભજનનો પ્રથમ શબ્દ છે “જાદવા”. જાદવાનો અર્થ છે “યાદવા” અર્થાત યાદ કરનાર. આપણે બધા પરમાત્માનો અંશ જ છીએ. સમસ્યા કેવળ એટલી જ છે કે આપણે તે ભૂલી ગયા છીએ અથવા બેહોશ છીએ. જેથી યાદ માત્ર એ કરવાનુ છે કે આપણે સૌએ જાગવાનુ છે અને આપણું મૂળ સ્વરુપ આપણે જાણવાનું છે. એટલે નરસિંહ મહેતા કહે છે,”જાગને જાદવા”. જાગ અને યાદ કર.
બીજો શબ્દ છે “કૃષ્ણ” કૃષ્ણ શબ્દના ઘણા અર્થ થાય છે જેમાંનો એક અર્થ છે “કૃષિજ્ઞ” અર્થાત કુશળ ખેડુત. આપણને જે માટીનો દેહ મળેલ છે તે જમીનને ખેડવાની છે અને તે પણ એક કુશળ ખેડુતની માફક.
ત્રીજો શબ્દ છે “ગોવાળિયા”. “ગો” ના બે અર્થ છે એક તો ગાય અને બીજો “ઈન્દ્રીયો”. ગોવાળિયાનો અર્થ છે જેણે ઈન્દ્રીયોને વાળી તે. જે ભટક્યા કરે છે સંસારિક સુખદુખમાં. આ ઈન્દ્રિયોને આપણે દેહરુપી જમીનમાં ખેડાણ કરીને અને જાગૃતિપૂર્વક વાળી શકીએ છીએ; જેમ એક કુશળ ખેડુત તેના સાધનોનો ઉપયોગ કરે છે તેમ.
ચોથો શબ્દ છે “ધેન” ધેનનો અર્થ છે ગોચર. જ્યાં આપણી ઈન્દ્રીયો ચરવા જતી રહે તે વાસનાઓનો અને સંસારનો પ્રદેશ. હવે આ પ્રથમ બે લીટીઓ વાંચવાથી વધુ ઑર આનંદ આવે છે..જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?
નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા ન હતા. પણ પ્રકૃતિની પરમ શકિત વિષેની શ્રદ્ધા અને ભક્તિમાંથી લાધેલા જ્ઞાની હતા અને એ જ જ્ઞાનની અનુભૂતિને કાવ્યમય રીતે વહેતી મૂકવાની તેમની સ્વયંભૂ કલાએ તેમને સંત-કવિ બનાવ્યા, તેમના પદોને અમર બનાવ્યાં. સાંપ્રત સમાજ હજી પણ જાગી શકે જો ‘’જાગને જાદવા” બરાબર સમજે તો…
સંતકવિની સ્વયંભૂ કલમને વંદન.
દર જન્મદિનની જેમ આ વર્ષે પણ મારી સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે આશ્ચર્યજનક ભેટ મળી. આમ તો વાંચતા-લખતાં રહેવું એ એક દૈનિક મનગમતી પ્રવૃત્તિ છે. પણ એ જ્યારે ક્યાંક કોઈ ખૂણે પોંખાય ત્યારે ખુશી જરૂર થાય.
આકાશવાણી, અમદાવાદના પૂર્વ નિયામક, શ્રી ભગીરથ પંડ્યાએ તેમના ‘કાવ્યસ્મૃતિ’ ઑડિયો મેગેઝીન માટે તૈયાર કરેલ ઍપિસોડ મોકલ્યો. તેમાં તેમણે ખાસ્સી જહેમત કરીને ઠેકઠેકાણેથી મારાં સાહિત્યિક પ્રદાન પર કેંદ્રિત વિગતો મેળવી પોતાના અવાજમાં રજૂ કરી છે.
સાહિત્યનાં કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતાં પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારનાં અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનું માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્ત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે.
હાઈકુઃ મૂળઃ ઉદભવ,સ્વરૂપઅનેવિકાસઃ
કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છેહાઈકુ. હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. સત્તરમીસદીમાં (૧૬૪૪–૧૬૯૪) બાશોનામનાકવિએ ‘હાઈકુ’ નુંસર્જનકર્યું. તેમણેતેને ‘હોક્કુ’ કહી. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’.પછીસમયજતાંતે ‘હાઈકાઈ ‘ નામેઓળખાઈ. તેમાંથીઅંતેનામથયું ‘હાઈકુ’!
એક અંગ્રેજી સાહિત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે,’સ્ટોપ-શોર્ટ’. “Stop-short” ! અર્થાત અહીં જ અટકો. કવિ શ્રી યોસેફ મેકવાન કકે છે કે, “ભાષાનાસંદર્ભેજાપાનીઝહાઈકુઅનેઆપણીભાષાનાહાઈકુવચ્ચેભિન્નત્વરહેવાનું. બંનેનીઅલગતાસીરરહેવાની. કારણકેબંનેભાષાઓનુંકુળઅલગછેને ? જાપાનીઝભાષાનાનામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણોવગેરેનાપદક્રમોનીગોઠવણીથીઅર્થસૂચવાયછે. એટલેત્યાંપદક્રમમહત્વનોછે. જ્યારેઆપણીગુજરાતીભાષામાંપ્રત્યયોવિનાડગનમૂકાય. પરિણામેભાષાઆલંકારિકબને. એટલેજાપાનીઝભાષાનીહાઈકુ–વિભાવનાઅહીંખપમાંનલાગે.
સ્નેહરશ્મિ પછી કેટલાંકે હાઈકુમાં યત્કિંચિત સર્જન કર્યું છે. આધુનિકસમયમાંપન્નાનાયકેઘણાંસુંદરહાઈકુસર્જ્યાછે. તેમનો ‘અત્તરઅક્ષર’ ખૂબમનભાવનસંગ્રહબન્યોછે.
સ્વરૂપઃઆંતર અને બાહ્યઃ
ત્રણ પંક્તિ- ૧૭ અક્ષર- ૫-૭-૫. હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. છતાં એમાં અપાર શક્તિ રહેલી જણાય છે. હાઈકુનીપ્રથમશરતએછેકેએપ્રકૃત્તિનાતત્ત્વોથીશબ્દચિત્રરચાય. હાઈકુઅણુમાંવિરાટનુંદર્શનકરાવે. એ માત્ર ૫-૭-૫ અક્ષરોથી રચાયેલું “ફ્લેટ સ્ટેટ્મેન્ટ” (સીધું વિધાન) ન જ હોવું જોઈએ.
સત્તર અક્ષરોમાં, જાણે પીંછીના એક જ લસરકે ચિત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ‘ઈમેજ’ દ્વારા વિશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! એમ બને ત્યારે જ એ સાચું કાવ્ય ગણાવી શકાય. ત્રણ પંક્તિમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પૂર્ણતાને પામી જાય છે ! ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચિત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે. આટલી મર્યાદિત અક્ષર-સંખ્યામાં આખી કાવ્યકૃતી રચવી એ બહુ સંયમ અને વિવેક માગી લેનારી બાબત છે. હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ નહિ. સિદ્ધહસ્ત કવિઓ કહે છે કે હાઈકુનો અર્થ આંખથી સંભળાય..હા, આંખથી સંભળાય અને કાનથી જોવાય !!
ત્રણ પંક્તિઓ જ વામનનાં વિરાટ ત્રણ પગલાં જેવી સાબિત થાય.
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો. સ્વરો સઘળા સંગે લઈને, વ્યંજનોમાં ઘૂમ્યો.
રેતી,માટી,પથ્થર માફક,અક્ષર વળગે સજ્જડ, એકમેકની સંગ મળીને રચે ઈમારત ફક્કડ.. હરે,ફરે ને ખેલે ખેલ,અંદર જાણે મેજીક મહેલ, માત્રાઓની સહેલ માણતો, પાક્કો પાયો કરતો ચાલ્યો, કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
બારાખડીની બારી ખોલી, હવા-ઉજાસ તો પહોંચે છેક,
શબ્દ રૂમઝૂમ નાચે લયબદ્ધ, પાંચે તત્ત્વો કેવાં નેક! તેજપુંજથી પલળું રોજ,અર્થ-નીરથી નીતરું રોજ, મનને હશે શેની આ ખોજ!! કે રુંવેરુંવે ઝુમ્યો, ના તૂટ્યો. કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૨૦મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર ડો. શ્રી શ્યામલ મુનશી હતા.
શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, મસાલા રેડિયોના RJ ઈના પટેલ દ્વારા પુષ્પ-ગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી ભાવના દેસાઈના મધુર કંઠે સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. દેવિકા ધ્રુવે શ્રી શ્યામલ મુનશીનો સુપેરે પરિચય આપી, તેમની જ એક પંક્તિ ટાંકીને સભાનું સૂકાન કવિને સોંપ્યું.
શ્યામલભાઈએ, શરૂઆતમાં જ, પરિચય અંગે અગાઉ થયેલ અનુભવને યાદ કરી, એકદમ હળવી રમૂજથી સભાગૃહમાં સ્મિતની પીંછી ફેરવી. તે પછી એક કૃષ્ણ-ભજન ભાવભેર ગાઈને ગીત-સંગીતનું વાતાવરણ ઊભું કર્યુ..
હાસ્યકાર અને ગાયક તરીકેની આ બે ઝલક પછી કવિ તરીકે તેમનું સુવિખ્યાત થયેલ ગીતઃ
‘અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.’ રજૂ કર્યું તે સાથે જ સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.
આ ગીત પછી ‘વૃક્ષ બીજું શું કરે?’ ગઝલ સંભળાવી.તે ઉપરાંત બીજી પણ ગઝલોના કેટલાક શેર કાબિલેદાદ હતાઃ
“એ માર્ગ બતાવે છે કે, મારે છે ઠોકર, એ નક્કી કર.
તારી સામે છે તે, ઇશ્વર છે કે પત્થર, એ નક્કી કર..”
દરિયાએ દૂરદૂરથી નદીઓ નોતરી..કંકોતરી..લીલોતરી વગેરે મઝાના કાફિયાયુક્ત લાંબી બહેરની ગઝલો મજેદાર રીતે સંભળાવી. શ્રોતાજનોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળતો જતો હતો.
સુરતના જાણીતા ગઝલકાર ગૌરાંગ ઠાકરની પણ એક ગઝલ..’પ્રભુ તો લાં….બી રજા ઉપર છે.’ રજૂ કરી.
ત્યારપછી કેટલીક કરુણરસની વેદનાસભર રચનાઓ પ્રસ્તૂત કરી.
‘દાદા નામે વડ અને ‘આગ’ એમ બે કાવ્યો સંભળાવ્યાં.
નાનપણમાં જોયેલા ખાલી બાંકડા ઉપરથી એક વૃદ્ધના મનોભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા કે,
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,. એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.
વ્યવસાયે ડોક્ટર હોઈ દર્દીઓની પીડાનાં કારણોમાં ઊંડા ઉતરી, કેટલીક કલ્પનાઓ ભરી રચેલી કવિતાઓમાંની એક ખૂબ જ દર્દભરી હતી જે તેમના કવિકર્મના કૌશલ્યની દ્યોતક જણાઈ.
આ રહી એ પંક્તિઓઃ
‘ કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,
આજે જે લાગ્યો છે કાળો તે જ સાચો.’
ત્યારબાદ એક કુશળ કલાકાર તરીકે, ભારે થયેલા વાતવરણને હળવેથી, વ્યંગભરી હાસ્યરચના તરફ વાળી લીધું. કવિ શ્રી દલપતરામની જૂની કવિતાઓને યાદ કરી, મનહર છંદમાં લખાયેલી સુંદર રચનાઓ સંભળાવી. હાથીની સર્જરી, લીલા પોપટલાલની ઉધરસ વગેરે વાતો થકી વાતાવરણમાં હળવાશ ભરી દીધી. વાર્તા અને વિચારની થીમ પર થોડા રમૂજી ટુચકા સંભળાવ્યા. ’ળ’ને બદલે ‘ર’ બોલે તો કેવું લાગેઃ
‘મૂરજીભાઈ ગોરવારા’ ની કવિતા સંભળાવી.
‘સુખ’‘ના થીમ પર “મને તો સુખ એમાં દેખાય’ અને
‘સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.’ એ ગીત ભાવસભર ગાઈને સંભળાવ્યું.
આ જ વિષય પર કવિની પારિમાણિક અભિવ્યક્તિની વાત ખૂબ મનનીય લાગી. તનસુખ, મનસુખ અને આત્મસુખ એટલે અનુક્રમે પુનરાવર્તન,પરિવર્તન અને કાયમી આનંદની ઊંચી અને સાચી વાત સૌને સ્પર્શી ગઈ.
વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને સમય પણ સરતો જતો હતો. તેવામાં સભામાંથી કેટલીક ફરમાઈશ આવી જેને ન્યાય આપતાં શ્યામલભાઇએ ‘ગરબાની રીતે ગરબો તું ગા..’ અને’કવિ શ્રી તુષાર શુક્લની ‘દરિયાની રેતી કંઈ મોજાને પૂછે’ પણ મધુરતાથી ગાઈ સંભળાવ્યું. તે પછી એક-બે ગીતમાં શ્રોતાઓને પણ સામેલ કરી વાનગીના ગીતમાં ‘ભાત… જાતજાતના ભાત’ બોલતા કરી દીધા. એટલું જ નહિ, રેપસોંગની રજૂઆત દરમ્યાન ‘શું કો’ છો? શું કો’ છો? હેં… શું કો’ છો? કહેતાં કહેતાં તો હોલમાં જાણે હાસ્યનાં મોજાં ફરી વળ્યાં.
છેલ્લે, રમૂજી રીતે ભાષાની કેટલીક ગંભીર વાતો પર સૌનું ધ્યાન કેંદ્રિત કર્યું. દેશમાં અને વિદેશમાં ગુજરાતી ભાષાની કટોકટી વર્તાય છે એ સંજોગોમાં શક્ય તેટલા પ્રયાસો ચાલુ રાખવાની સૌની ફરજ છે એ સ્થાપિત કરી પોતાનું વિવિધરંગી વક્તવ્ય અને રજૂઆતનું સમાપન કર્યું. સૌએ ઊભા થઈ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યું જેના એ સાચે જ હકદાર બની રહ્યા.