jump to navigation

ઈ-વિદ્યાલય-૫ March 13, 2019

Posted by devikadhruva in : લેખ , trackback

કલમ શબ્દ બહુ મજેદાર છે. એ મૂળ અરબી ભાષાનો શબ્દ. લખવાનું અણીદાર સાધન એટલે કલમ. કલમ શબ્દના બીજાં પણ ઘણા અર્થો છે. તે તો જોઈશું જ. પણ તે પહેલાં એ પણ જાણી લઈએ કે  કલમ શબ્દ સંસ્કૃતમાં, ફારસીમાં અને ઊર્દૂમાં અને અંગ્રેજીમાં પણ ઉતરી આવ્યો છે. ઊર્દૂમાં ‘ક’ની નીચે મીંડું કરવામાં આવે  એટલે કે क़लम   (हिन्दी लिपि) આ રીતે લખાય.

કલમ શબ્દના બીજા અર્થો થાયઃ લખવું, જેનાથી લખાય તે સાધન,ચીતરવા માટેની પીંછી, લેખિની, બંગાળમાં થતી એક પ્રકારની ચોખાની જાત, કદંબ વૃક્ષની એક જાત, કતાર વગેરે. આ કતાર શબ્દ લખ્યો એટલે લખાણની કતાર મતલબ કે અંગ્રેજીમાં જેને કોલમ કહીએ છીએ તે થાય. મઝા આવી ને જાણવાની?

હવે કતારને અડીને પણ કેટલા બધા શબ્દ-પ્રયોગો બને છે, ખબર છે?

કલમ-કશી= સુંદર છટાદાર લખાણ કરવું તે. અહીં કલમ એ અરબી શબ્દ અને કશી એ વળી ફારસી શબ્દ.

કલમ ચોર= લખવા માટે આળસુ માણસ, કોપી કરનારો, નકલ કરનારો.

કલમ ચિત્ર = ચિત્ર જેવું સુંદર લખાણ

કલમ-ક્રિયા= જુદા જુદા બે ઝાડની ડાળીઓને કાપી એકબીજાં પર ચડાવવી.

કલમબાજ=લેખન કાર્યમાં કુશળ.

આગળના લેખમાં આપણે વાત શરૂ કરી હતી કે અલગ અલગ ભાષા અને બોલીની.

સંસ્કૃત શબ્દ ‘ભાષ’ પરથી ભાષા અને ‘બોલ’ પરથી બોલી, એમ ગુજરાતીમાં ભાષા અને બોલી શબ્દો આવેલા છે. ભાષા અને બોલી વચ્ચે તફાવત  છે.

બોલી રોજબરોજના સ્વાભાવિકપણે વપરાશના શબ્દો જે બોલાય છે તે. દા.ત. હું ઘરની વ્યક્તિ સાથે ‘પાણી આપજે ને?”એમ કહું તે મારી સ્વાભાવિક બોલી કહેવાય. પણ એ જ હું મારી ઓફિસમાં અન્ય વ્યક્તિ પાસે પાણીની માંગણી કરતા કહું કે “મને પાણી આપશો,પ્લીઝ?” તો એ મારી ઔપચારિક ભાષા બની.

ભાષા જે તે રાજ્ય કે પ્રદેશની શિક્ષણની ભાષા છે તે. જ્યારે બોલી એ કોઈ ચોક્કસ જનસમુદાય કે શહેર કે પ્રદેશમાં વસતા લોકો દ્વારા રોજિંદા જીવનમાં બોલચાલમાં બોલાતી ભાષા છે તે. તે દેશે,દેશે,પ્રાંતે,પ્રાંતે અને શહેરે શહેરે જુદી જુદી  બની જતી હોય છે. તેની ઉપર જે તે જગાની સાંસ્કૃતિક અને ભૌગોલિક રીતોની અસર પડતી હોય છે.

સાવ સામાન્ય દાખલો લઈએ તો ગુજરાતના શહેરોમાં ‘પાણી આપો’ બોલે જ્યારે ગામડાના લોકો

‘પોણી આલો ને બઈ” એમ બોલે. ભાષાને અતિ શુધ્ધ રીતે બોલતા નાગરો વળી એક વિશિષ્ટ લઢણથી “પાણી આપશો? એ રીતે માંગણી કરે! આમ.બોલી બાર ગાઉએ બદલાતી રહેતી હોય છે.

ભાષા અને બોલીનો આ તફાવત સમજવા માટે નેલ્સન મંડેલા ખુબજ સરસ વાત કરે છે. એ કહે છે કે, “If you talk to a man in a language he understands, that goes to his head. If you talk to him in his language, that goes to his heart.“ અર્થાત, “કોઈ વ્યક્તિ જે ભાષા સમજે છે તે ભાષામાં તમે તેની સાથે વાત કરશો તો તે તેના મગજ સુધી પહોંચશે, પરંતુ તમે જો તેની પોતાની ભાષામાં તેની સાથે વાત કરશો તો તે તેના હ્રદય સુધી પહોંચશે.”

આ રીતે કેટલીક વાતો બૌધ્ધિક કહેવાય અને કેટલીક વાતો લાગણીની,હ્રદયની કહેવાય. આમ, ભાષા અને બોલીનો દરિયો કેટલો મોટો છે ને? ધીરે ધીરે પગલાં મૂકીએ તો વધુ ને વધુ મઝા આવતી જાય. તેથી આજે આટલેથી અટકીશુ? ફરી પાછા કોઈ નવા શબ્દોની વધુ વાત…

દેવિકા ધ્રુવ

 

Comments»

no comments yet - be the first?


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help