jump to navigation

પત્રશ્રેણી-૬- ફેબ્રુ.૬,૨૦૧૬- February 6, 2016

Posted by devikadhruva in : પત્રશ્રેણી , add a comment

દર શનિવારે…     

       કલમ-૨                              

કલમ-૧

દેવી,

વાહ..પૃથ્વી વતન કહેવાય છે…’વિશ્વમાનવી’વાળી વાત ખુબ ગમી. ઉમાશંકર જોષીના નામ સાથે જ પેલી કવિતા તરત જ યાદ આવે કે,” ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,જંગલની કુંજ કુંજ જોવી હતી.જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,રોતા ઝરણાની આંખ લો’વી હતી…શબ્દો,ભાવ અને લયનું કેવું સાયુજ્ય ! મને ખ્યાલ છે ત્યાં સુધી સુંદરમ તારા માનીતા કવિ. તું વારંવાર ‘વિરાટની પગલી’ ગણગણતી. ખરું ને ?

આમ જોઈએ તો, વર્ષો પૂર્વે અજાણ્યા,પરાયા મુલકમાં આવીને આપણે પણ ભોમિયા વિનાના ડુંગરા જ ભમ્યા છીએ ને !!  કેવી અને કેટકેટલી કેડીઓ ખેડી અને કોતરી? એ ભૂતકાળ પણ ભવ્ય હતો અને ભવિષ્ય પણ ઉજળું જ હશે એવું વિચારવું અને અનુભવવું ખુબ ગમે છે.

તે સમયના માતૃભાષા અંગેના અહીંના એટલે કે, યુ.કે.ના સામાન્ય વાતાવરણની વાત કરું તો, ક્યાંક ક્યાંક છૂટાંછવાયાં કામો થતા જણાતા. શનિ-રવિની રજામાં ગુજરાતી ભાષા શિખવવા અંગેના વર્ગો ચાલતા હતાં. ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’હેઠળ એ કામ થતું. ‘ગરવી ગુજરાત’, નવબ્રિટન, ‘અમે ગુજરાતી’ જેવા મેગેઝીનો પણ ચાલતા. ગુજરાતી રાઈટર્સ ગીલ્ડ પણ ક્યારેક ક્યારેક મુશાયરા કરે. કારણ કે, અહીં મુસ્લીમ પ્રજાની વસ્તી વધારે તેથી ગઝલ પર કામ થયે જતું. પછીથી  સાહિત્યરસિકો અને સાહિત્યકારોને સંગઠિત કરવાનું કામ ‘સાહિત્ય એકેડમી’ દ્વારા શરુ થયું.જો કે, ત્યારે એ બધામાં મને પોતાને સક્રિય રહેવાને અવકાશ જ ન હતો. સામાજિક, કૌટુંબિક,ધાર્મિક   એમ અનેક જવાબદારીઓ વચ્ચે જીંદગી જાણે ઝોલા ખાતી હતી. કોણ જાણે એ સંઘર્ષના પટારાની સાંકળ આજે નથી ખોલવી. પણ હા, એટલું તો ચોક્કસ જ કહીશ કે કદાચ એને જ કારણે સઘળી સંવેદનાઓ કલમ તરફ વળી. ગત દાયકાઓમાં થયેલાં વિવિધ અનુભવો જ મારી વાર્તાઓમાં પ્રતિબિંબિત થયાં. એ વિષય પર ઘણું બધું ફરી કોઈ વાર શાંતિથી લખીશ.

બીજું, તેં સ્કૂલમાં પ્રવેશ અંગેની જે વાત લખી છે તે જ રીતે અહીં પણ લગભગ એવું જ છે. મારા સંતાનો તો અહીં જન્મ્યા છે તેથી મારે કોઈ એવા અનુભવોમાંથી પસાર થવું પડ્યું નથી. પણ હા, બાળકો સાથે આવીને સેટલ થનારા મિત્રો/સ્વજનો પાસેથી આવી જ વાતો સાંભળી છે. નોકરીને કારણે ઘર બદલવાની પરિસ્થિતિ આવે ત્યારે પણ નવી સ્કૂલમાં એડમિશન મેળવવામાં વાંધો આવતો નથી. આવી બધી ખૂબ જ જરૂરી બાબતોમાં સુવિધાને કારણે અહીં કાયમી વસવાટ કરવાના નિર્ણયો થતાં રહેતાં હોય છે. દુઃખ સાથે આ હકીકતને સ્વીકારવી પડે છે. આપણે ત્યાંની પ્રાથમિક ધોરણે શિક્ષણ-પધ્ધતિ સારી છે. પણ પ્રવેશ અંગે તો ખરેખર, આપણા દેશના શિક્ષણકારોએ વિચારવા અને અપનાવવા જેવો મુદ્દો છે.

સમયની સાથે સાથે તેને અનુરુપ શિક્ષણ ક્ષેત્રે પણ પરિવર્તન જરૂરી છે. પરીક્ષાનો ‘હાઉ’, ગોખણપટ્ટી,પેપરો ફૂટી જવા,વગેરે કેટલી જટિલ સમસ્યાઓ ઊભી કરે છે?  ખરેખર તો થીયરી કરતાં પ્રેક્ટીકલ જ્ઞાન જીવનમાં વધારે ઉપયોગી અને ઉપકારક છે. જો ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે તો માનસિક અને શારીરિક વિકાસ થાય એ મત તો હવે લગભગ સર્વમાન્ય બની ચૂક્યો છેમોટા મોટા તાલીમ શિબિરોમાં પણ એમ અનેકવાર કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યે કઈ રીતે રુચિ વધે અને વધુમાં વધુ ગ્રહણ કરી શકે તે પધ્ધતિઓ આવકારદાયક છે. સવાલ છે માત્ર એના અમલીકરણનો. પશ્ચિમી દેશોના બિનજરૂરી અનુકરણો ઘણાં થતાં રહે છે; પણ દુઃખની વાત એ છે કે યુકે. કે અમેરિકાની શિસ્ત, નિયમ-પાલન જેવી સાવ પાયાની સારી વાતો સામે આંખમીંચામણા જ થાય છે. પરીણામે ટૂંક સમયની મુલાકાત, નિજત્વના આનંદ સાથે થોડો અજંપો પણ જન્માવે છે અને વધારે ખેદની વાત તો એ કે, આપણે એ અંગે  કશું જ કરી શક્તા નથી !!

ચાલ, થોડી વાત બદલું અને પત્ર પૂરો કરું તે પહેલાં ક્યાંક વાંચેલી, કદાચ જ્યોતિન્દ્ર દવેની જ છે, એક મઝાની હાસ્ય રચના લખું. તને ચોક્કસ ગમશે જ. ખુબ જાણીતી વાત છે કે, હાસ્ય નિષ્પન્ન કરવામાં સુરતની બોલી ખુબ મઝાની. ઘણા સુરતી સાહિત્યકારોની એ વિશેષતા રહી છે ને? થોડા કોલર ઊંચા કરી લઉં?!! શિર્ષક છે  ‘અશોક પારસી હતો’. તેની  યાદ રહેલી થોડી પંક્તિઓ. પારસીની બોલીમાં…

‘પસાર ઠયા આય રસ્તેથી મનેખ! આસ્ટેથી વાંચીને આય લેખન પરખ
કોટરાવિયા લેખ છે જે મેં પા’રની અંડર, ટે ટુ કોટરજે  ટારા  જીગરની અંડર
મઝા બી કીઢી ને ટેં મોજ બી કીઢી, સુરટ થઈને ટેં સોજજી ટારી બી પીઢી.’
‘નેકીને રસ્ટે બસ સીઢો ટું ચાલ, નહીં તો થસે ટારા હાલ ને હવાલ
બઈરું સારું કોઈ નજરે પરેચ, કે ધેલાં સાનાં ટું કા’રી મહેચ?
હૈયાના ભાંજીને એ ભૂકા કરસે,, ટેઠી ટારું સું દુનિયામાં વલસે?

કેટલું હસવું આવ્યું તે લખજે હં ને !!! 

આવજે.

નીના.
ફેબ્રુ.૬,૨૦૧૬.          

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.