jump to navigation

રૂમઝૂમતું કંઈક આવ્યું છે… February 8, 2015

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

હવા, પાણી અને પ્રકાશ જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે.પ્રતિદિન ખુબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ.પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વસંત ૠતુની વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ, આજના મારા શુભ દિને (જન્મદિવસ) ગીતરૂપે આપની સમક્ષઃ

 

રૂમઝૂમતું કંઈક આવ્યું છે. 


રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો 
રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો.
 

મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને  છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ  ઝળહળ  ઝીલી લો  રે, કોઈ લઈ લો….રૂમઝૂમતું  કંઈક
 

બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખુલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો….. રૂમઝૂમતું  કંઈક 

દડદડ દડીને  પરવત  પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને,ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો. ……રૂમઝૂમતું  કંઈક 

તેજ,પવન, જલ તનમન  ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો  રે, કોઈ ભરી લો રે… રૂમઝૂમતું  કંઈ

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.