jump to navigation

ગુજરાતને ઝરૂખેથી.. December 23, 2013

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

ગુજરાત-૧

 

ગરવી ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો. 

એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો. 

સાબરનો આરો ને તાપી કિનારો, ગુજરાતની ગરિમાને ગાઇ તો જો. 

કસુંબલ કંઠના આષાઢી સૂરો, આ વિશ્વમાં સૌને સંભળાવી તો જો. 

 

સુરતના પાસાદાર હીરાની ચમક,પારખી ઝવેરાત નાણી તો જો. 

પાટણની આભલા મઢેલી ઝમક, નિરખી પટોળાને પામી તો જો. 

ધૂમકેતુના ‘તણખા ને મુન્શીની’અસ્મિતા’,શૌર્યનો ઈતિહાસ વંચાવી તો જો, 

મેઘાણીની‘રસધાર’ને સુંદરમની’વસુધા’,કવિઓના થાળને જમાડી તો જો. 

 

રોમરોમ ઝંઝોડતી ‘શયદા’ની ગઝલ, અંતરમાં ધીરેથી વસાવી તો જો. 

થનગનતી ગુજરાતી નારીની ઝલક, હળવેથી નિકટ જઈ માણી તો જો. 

નાટકનો લ્હેકો ને રંગીલો છણકો, ભીતરમાં આરપાર ઊતારી તો જો. 

સંસ્કૃતિ ને માણસાઈના દીવાનો તણખો, થઈ વિશ્વમાનવ ફેલાવી તો જો. 

 

રોશન કરી ગઈ છે જગને જે દીપિકા, બની ગુજરાતી પ્રસરાવી તો જો. 

આલેખે વિદેશી ઝરૂખેથી ‘દેવિકા’,જાગી,ઊઠી,જરા પડકારી તો જો. 

વ્હાલા ગુજરાતને ઝરૂખેથી ઊભી, ઝળહળતા દીવડા પ્રગ્ટાવી તો જો. 

એકવાર સત્યના ચરખાને કાંતી, અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.

દેખાય છે…

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

ખુલ્લી આંખે ક્યાં કશું દેખાય છે?

બંધ આંખે તો બધું જોવાય છે!

 

ચાલી આવ્યું છે સદીઓથી અહીં,

ધૃતરાષ્ટ્રને જ સત્તા સોંપાય છે !

 

પૂછવા પૂરતું જ પૂછે છે સહુ,

બાકી મન-માન્યું જ બધે થાય છે.

 

‘ઝીણી દ્રષ્ટિ,કામ લાગે’ સાચું છે,

તેલ જુઓ,ધાર જુઓ, પીલાય છે.

 

અક્ષરો ને શબ્દ સૌ અફળાય છે,

સાહિત્યમાંથી સત્વ શેં ખોવાય છે ?

 

નીર સૌને રાખવા છે સ્વચ્છ આ,

લીલ ચોંટી,સાથમાં ધોવાય છે.

 

કામ વિના નામની છે ઘેલછા,

જાગી જુઓ,સત્ય કો’ જોખ્માય છે.

બાકી છે..

Posted by devikadhruva in : ગઝલ , add a comment

 

જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.

ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

 

જમાનો કેટલો સારો, બધું સમજાવતો રે’છે !

દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !

 

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.

સતત મંદિરની ભીંતો, કહે છે,ધર્મ બાકી છે.

 

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,

મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.

 

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,

ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

 

ઇશ્વરની યાચના

Posted by devikadhruva in : ગઝલ , add a comment

પથ્થર બનાવી પૂજતા, આ માનવીનું શું કરું?

દંભી બનીને પ્રાર્થતા, આ માનવીનું શું કરું?

 

શણગારવા મુજને કરે, લાખો કરોડો ખર્ચ સૌ,

મૂઠી ભરી ના દાન દેતા, માનવીનું શું કરું?

 

ના પામતા કો’ બાળકો પણ, દૂધ છાંટો ક્યાંક તો,

પંચામૃતો રેલાવતા, આ માનવીનું શું કરું?

 

ભૂખ્યા જનો દ્વારે ઉભી, પીડા લઇને ટળવળે,

છપ્પન ધરે ભોગો બધા, આ માનવીનું શું કરું?

 

જોયા નથી શુકન કદી, કે ના મુહુર્તો શ્વાસના,

ક્ષણ ક્ષણ દીધી મેં હાથમાં, આ માનવીનું શું કરુ?

 

ફૂલો સમા નિર્દોષ ને નિર્મળ સહુ જન્માવું હું,

કેવાં હતાં, કેવાં થયાં, આ માનવીનું શું કરું?

 

ક્યાંથી રીઝુ? આ વિશ્વ જોઇ, યાચના તો હું કરું !

હે માનવી, સમજાવી જા, આ માનવીનું શું કરું?

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.