jump to navigation

યાદગાર ક્ષણો September 5, 2013

Posted by devikadhruva in : લેખ , add a comment

ઑગષ્ટ ૨૯

લાંબા વિરામ બાદ ફરી એક વાર…

વચગાળામાં સાબરમતીમાં ઘણા પાણી વહી ગયા ! ( તાજી તાજી અમદાવાદથી પાછી વળેલ લાગુ છું ને ?) પરિવારના માઠા સમાચારને કારણે અચાનક જ ભારત જવાનું થયું. ઉનાળાના વેકેશનને કારણે એરલાઇન ખાસ્સી ભરચક રહી, પાછા આવવા માટે ધારી ટિકિટ ન મળી શકી. પણ એને પરિણામે કેટલાંક સાહિત્યકારોને મળવાનો અલભ્ય મોકો મળ્યો.

શરુઆત થઇ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર શ્રી નારાયણ દેસાઇથી. દર વખતે ભારતની મુલાકાત દરમ્યાન તેમને મળવાના યોગો અનાયાસે જાગે જ છે. મુક્તિબેન મજમુદારનું કુટુંબ એટલે મારી છત્રછાયા. નારાયણ દેસાઇનો પણ એ ઘેર જ મુકામ. તેમના તમામ એવોર્ડ પણ ત્યાં જ હોય. આ વખતે પણ એ રીતે એ ઘરમાં જ તેમને શાંતિથી મળવાનું બન્યુ. મને યાદ છે ૨૦૦૯માં મારા પ્રથમ પૂસ્તક ‘શબ્દોને પાલવડે’ની પ્રથમ કોપી પણ તેમને જ આપવા સદભાગી બની હતી અને આ બીજી ઇબૂક ‘અક્ષરને અજવાળે’ને પણ એ જ સદભાગ્ય સાંપડ્યુ. આ રહી એ ધન્ય ક્ષણો..

ન..દેસાઇ     ન..દેસાઇ-૨

ગાંધીકથાના પ્રખર હિમાયતી પૂજનીય શ્રી નારાયણ દેસાઇ સાથે-જુલાઇ ૨૦૧૩.

બીજી એક સુખદ ઘટના બની “બુધસભાની”. ૨૦૦૯ની સાલમાં કવિ શ્રી યોસેફ મેકવાન નો પરિચય થયેલ. આ વખતે જ્યારે યોસેફ્ભાઇ સાથે ફોન પર વાત ચાલી રહી હતી ત્યારે જોગાનુજોગ ગુજરાત વિદ્યાપીઠના પ્રેસીડેન્ટ અને ‘કુમાર’ના તંત્રી શ્રી ધીરુભાઇ પરીખ ત્યાં બેઠેલા હતા. યોસેફભાઇએ તેમને ફોન આપતા વાતચીતનો મોકો મળ્યો અને તે પછી તો તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત પણ ગોઠવાઇ. લગભગ કલાક-દોઢ કલાક જેટલો સમય આ બંને મહાનુભાવો સાથે યોસેફભાઇના ઘેર સાહિત્યગોષ્ઠીમાં ગાળ્યો.એટલું જ નહિ, બીજા દિવસની બુધસભા માટેનું આમંત્રણ પણ મળ્યુ.

BUDH SABHA JULY 2013 (PART_01)

Watch this link. http://youtu.be/E9hzWslr-0Y.

ધિરુભાઇ-૨

( ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રેસીડેન્ટ શ્રી ધીરુભાઇ પરીખ,દેવિકા ધ્રુવ અને કવિ શ્રી યોસેફ મેકવાન. જુલાઇ ૨૦૧૩. )

બુધસભા વિષે વર્ષોથી ઘણી વાર ઘણું બધુ સાંભળ્યું હતુ અને ‘કુમાર’માં અવારનવાર વાંચ્યું પણ હતુ. તો પણ આજે બુધ સભા વિશે થોડું સવિશેષ લખવાનું મન થાય છે.તેના ઘણા કારણો છે. સૌથી પ્રથમ તો તેનું આયોજન ખુબ જ શિસ્તબધ્ધ, સમયસર અને મુદ્દાસર હોવાથી હું ખુબ જ પ્રભાવિત થઇ. બીજું, સાહિત્યનો એક એવો સરસ માહોલ રચાય છે જે અતિશય આનંદ આપે છે. બરાબર સાતના ટકોરે ભાઇ શ્રી મનીષ પાઠકે કાર્યક્રમની શરુઆત કરી અને ક્ષણના પણ વિલંબ કે બિનજરૂરી વાતોમાં સમય વેડફ્યા વગર,એક પછી એક સર્જકો આવતા ગયા અને પોતાની કૃતિઓ રજૂ કરતા ગયાં. મધુસૂદન પટેલ,ગુંજન ગાંધી, રાધિકા પટેલ,દક્ષા પટેલ અને પ્રવીણ પટેલે પોતપોતાની એક એક કૃતિ રજૂ કરી જેમાં ગીત,ગઝલ અને અછાંદસનો સમાવેશ હતો. શ્રી ધીરુભાઇએ, વિદેશમાં ગુજરાતીને સાચવવાની અને વિક્સાવવાની પ્રવૃત્તિઓની સરસ કદર કરતાં, મારી સવિશેષ ઓળખાણ આપી અને બે સ્વરચના વાંચવાનું ઇજન આપ્યું. મેં મારી ખુબ જ માનીતી રચના ‘શતદલ’ અને ‘પૃથ્વી વતન કે’વાય છે’ એ બંને રચનાઓ રજૂ કરી. બુધસભામાં કાવ્યપઠનનો આનંદ તો થયો જ પરંતુ અન્ય સર્જકોને સાંભળવાનો અનેરો લ્હાવો પણ મળ્યો એ મારે મન બહુ મોટી વાત બની ગઇ..

ત્યારપછી મહાન કવિની અમર રચના’નીરખને ગગનમાં’ના શબ્દે શબ્દનો રસાસ્વાદ ધીરુભાઇના મુખે,મનભાવન રીતે સાંભળતા સાંભળતા ઘણી બધી જૂની સ્મૃતિઓ તાજી થતી ગઇ. ( BUDH SABHA JULY 2013 (PART_02) http://youtu.be/f2Yq0w3-wJc ) ઘડીભર માટે એચ.કે આર્ટ્સ કોલેજના વિશાળ સભાખંડમાં યશવંત શુક્લ,નગીનકાકા ( નગીનદાસ પારેખ ) કે મધુસુદન પારેખના ગુજરાતીના વર્ગમાં હોવાનો રોમાંચ અનુભવ્યો. તેમનો બુલંદ અવાજ અને હળવી રસાળ વાણી સાંભળીને ધન્યતા અનુભવી.આ યાદગાર પ્રસંગની ખુશીનો આખો યે યશ યોસેફભાઇને અને આભારનો ભાર, નતમસ્તકે શ્રી ધીરુભાઇને આપુ છું.

તે પછી ઉડન ખટોલાની જેમ, “stop by” થવા આવું છું અને ઘેર ન હોવ તો પુસ્તક ‘drop-off’ કરીને જતી રહીશ’  એવી રીતે નેટ અને વેબ ગુર્જરીના શ્રી જુ.કાકાના નામથી ખ્યાતનામ  જુ.ભાઇશ્રી જુગલકિશોર વ્યાસને પણ અલપઝલપ મળી લીધું.તેમની ઇચ્છા તો હતી કે થોડા સાહિત્ય-પ્રેમીઓને એક્ઠા કરી શાંતિથી મળીએ.પણ પ્રખર ગરમી અને સાંબેલાધાર સતત વરસાદને કારણે સંગઠનની અનુકૂળતા ન મળી શકી. છતાં એ ટૂંકી મુલાકાત દરમ્યાન (૧)ભાષાશુધ્ધિનો તેમનો આગ્રહ અને (૨) ગુજરાતી કીબોર્ડના સંશોધક આપણા હ્યુસ્ટનના લાડીલા વિશાલ મોણપરાના બહુમાનની એમ બે મુખ્ય વાતો ભારપૂર્વક કરી.

અમદાવાદના ૩૬ દિવસના રોકાણમાં માંડ ૬ દિવસ વરસાદ વિનાના હતા તેમાંના એક દિવસનો લાભ લઇ વડોદરાની મુલાકાત લીધી.ઘણાં વખતથી ‘રીડગુજરાતી’ના સ્થાપક અને સર્જક મૃગેશ નવયુવાન મૃગેશ શાહને મળવાની ઇચ્છા હતી. અવારનવાર ફોન,ઇમેઇલ વગેરે માધ્યમો દ્વારા મળવાનું બનતુ. પણ આ વખતે પ્રત્યક્ષ મળતાં સાહિત્ય અને ગુજરાતી ભાષા અંગે ઘણી વાતો થઇ. એ કહે છે કે, “રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ છે યુવાવર્ગ સુધી એવા પ્રકારનું સાહિત્ય પહોંચાડવાનો કે જે તેમને આપમેળે વાંચતા કરી દે. સૌને પોતાના જીવનનું પ્રતિબિંબ એમાં દેખાય. એક એવા પ્રકારનું વાંચન જે સૌના મનને અનેરી તાજગી અર્પે. આ હેતુથી આ વેબસાઈટ પર રોજ નિયમિત રૂપે બે ચૂંટેલા લેખો પ્રકાશિત કરવામાં આવે છે.” યુવાનવયે ભાષાનો ભેખ ધરીને બેઠેલા,રાત દિવસ સતત માત્ર આ જ કામમાં મગ્ન અને એકલે હાથે ઝઝુમતા આ નવયુવાનને અંતરથી સલામ.

આવા જ એક બીજા વેબમિત્ર મળ્યા જીગનેશ જિજ્ઞેશ અધ્યારું. ‘અક્ષરનાદ’ પર ધૂમ મચાવતા આ સાહિત્યપ્રેમી પણ મળવા જેવી વ્યક્તિ છે. અક્ષરનાદને એ લેખન,વાંચન અને ભ્રમણ એમ ત્રણે પ્રવૃત્તિનું સંગમ સ્થાન ‘પ્રયાગ’ તરીકે ગણાવે છે.અક્ષરના માધ્યમથી અંતરના નાદ તરફ દોરી જતી આ પ્રવૃત્તિ તેમની મનગમતી વાત છે. વેબમિત્ર તરીકે મેં જ્યારે ફોન પર “તમારા ગામમાં છું’નો ટહૂકો કર્યો ત્યારે ‘મહુવા કે વડોદરા? ના આશ્ચર્યોદ્ગાર પછી ઉમળકાભેર સ્વાગત કર્યું અને યોગાનુયોગે તે દિવસે ત્રણ મહિના પછીની તેમની એ વડોદરાની ટૂંકી મુલાકાત હતી ! જેમાં પરસ્પર આ મોકો મળી ગયો. વિચારું છું; વેબવિશ્વે કેટલું સર કર્યું અને કરાવ્યુ !!

વડોદરાની ત્રીજી એક વ્યક્તિ કે જે કમ્પોસર અને ગાયક બંને છે તેમને ખાસ મળવાનો મારો ઉદ્દેશ હતો. નામ શ્રી કર્ણિક શાહ. ૨૦૧૨માં ફ્લોરી્ડાના પોએટ્રી ફેસ્ટીવલ દરમ્યાન પરિચય થયો. ડો.દિનેશ શાહ અને અન્ય કવિઓના તેમણે કમ્પોઝ કરેલાં ગીતો અને ગઝલો તેમના પોતાના જ કંઠે ત્યારે સાંભળવા મળ્યા હતાં. તે પછી મારા કેટલાંક ગીતો અને ગઝલો તેમણે કમ્પોઝ કર્યા છે જે મારે મન આનંદનો વિષય છે. વડોદરાના તેમના રેકોર્ડીંગ સ્ટુડીઓમાં, મારા શબ્દોને સૂરબધ્ધ થઇ વહેતા સાંભળવાની એ ક્ષણો પણ યાદગાર જ રહી.

એક જ દિવસના વડોદરાના માત્ર ચાર-પાંચ કલાક જેટલાં ટૂંકા સમયગાળામાં જેમને કારણે આ બધું શક્ય બન્યું તેમનું તો સદાનુ ૠણ ! તાજેતરમાં ‘અહમથી સોહમ્ સુધી’ જેવા ઉચ્ચ,આધ્યાત્મિક વિષય પર અતિ સરળ અને સહજ ભાષામાં લખનાર નિકટના મિત્ર ભોન્ડેશ્રી વિલાસ ભોંડેનો, આ તબક્કે, જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે.

યુ એસ એ.નીકળવાના દિવસે વળી ગુજરાતી સાહિત્ય એકેડેમી, ગાંધીનગરની મુલાકાત લીધી. ‘ગુજરાતી સાહિત્યકાર કોશ’ ઉપલબ્ધ કરી અને ગુ.સા.એ.ના મહામંત્રી તથા ‘શબ્દસૃષ્ટિ’ના  કવિ,વાર્તાકાર અને તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદીને પણ મળવાની તક ઝડપી. તેમની પાસેથી મનોહર ત્રિવેદી સંપાદિત કવિ શ્રી કિસન સોસાના ગીતોનો સંચય ભેટ તરીકે મળ્યો અને મારી ’અક્ષરને અજવાળે’ બૂક અવલોકનાર્થે શ્રી હર્ષદભાઇને આપી. સાહિત્યરસિક વ્યક્તિઓ સાથેની આ થોડી થોડી ક્ષણો આનંદસભર અને યાદગાર લાગે જ.

તો આ હતી મારી ખોબોભર ખુશી અને ગમતાનો ગુલાલ. કલમ શબ્દ અર્પે છે, શબ્દ કલા જગવે છે, કલા સર્જન કરે છે અને સર્જન સંબંધોનો સેતુ બને છે. કદાચ આનું જ નામ જીવન હશે કે જીવંત ચૈતન્ય હશે ! આ દિવસો દરમ્યાન કુદરતે પણ વરસવામાં માઝા મૂકી હતી. અવિરત વરસાદ પડ્યો હતો પણ ક્યાંય નડ્યો ન હતો ! એ પણ કેવો સુયોગ…ઋણાનુબંધ ! પરિવારના માઠા સમાચારથી અચાનક જ આરંભાયેલી આ અનાયોજીત યાત્રા ( કે યાતના ) મહદ્ અંશે સંકેતપૂર્ણ રહી.

बलियसी केवलम इश्वरेच्छा.

અસ્તુ.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.