jump to navigation

થીજેલું સ્મિત July 4, 2013

Posted by devikadhruva in : ટૂંકી વાર્તા/લઘુ કથા , trackback

 

શિયાળાની કડકડતી ઠંડીમાં,વ્હેલી સવારે,શહેરના સૂમસામ રસ્તા પર એની કાર કબ્રસ્તાનના રસ્તે જઇ રહી હતી. આ એક રોજનો ક્રમ હતો. લીસા કારમાંથી ઉતરે, એક મીણબતી પ્રગ્ટાવે, આંખ બંધ કરી એક મિનિટ ઉભી રહે અને ગાડીમાં બેસી પાછી વળે. પછી આંખે બેઠેલા ચોમાસાને ચોંધાર વરસવા દે. કોઇને કદી કશું કહે નહિ. ઘેર આવી,મૂંગા મોંઢે એ નિત્ય કર્મોમાં લાગી જાય.

પશ્ચિમી દેશના એક ધનાઢ્ય શહેરનું એક નાનકડું સોહામણું ગામ. બરફની શ્વેત વર્ષા હોય કે પાનખરના રંગો, કુદરતની બારેમાસ ત્યાં મહેર હતી.પ્રમાણમાં ઓછી વસ્તીવાળા આ વિસ્તારમાં શાંતિ અને સલામતી હતી. અચાનક એક દિવસ ત્યાં અણધારી,અતિ હીણપતભરી, ક્રુર ઘટના ઘટી. બે મહિના પછી પણ આજે એ વાત લખતા કલમ ધ્રુજે છે, હ્રદય વલોવાઇ જાય છે અને શરીરે રુંવાડા ખડા થઇ જાય છે.

 

ટીવી પર જોયેલું એ દ્રશ્ય નજર સામે આવે છે. નિશાળના નાના નાના ભૂલકા એકમેકનો હાથ પકડી,ગળાની ચીસોને અંદર જ દબાવી રાખી, શિક્ષકોની સૂચના અનુસાર,સલામતીના સ્થળે પહોંચવા દોડી રહ્યા હતાં.વાતાવરણમાં ભયંકર કંપ હતો. એક ચોવીસ વર્ષના યુવાને, પોતાની મા કે જે શિક્ષિકા હતી તેના સહિત પાંચ-છ વર્ષના વીસ જેટલાં કુમળા બાળકોને વીંધી નાંખ્યા હતાં. એટલું જ નહિ રસ્તામાં આવેલ બીજા પણ ચાર-પાંચ શિક્ષકો અને આચાર્યને ઉડાવી દીધા હતાં!! કારમો કેર વર્તાયો હતો. ફૂલોને ખીલતા પહેલાં જ મુરઝાવી દીધા હતાં…સવારે સવારે જ સૂર્યાસ્ત થયો હતો. આટલાં નાના બાળકોને એકી સાથે રહેંસી નાંખવાનો બનાવ વિશ્વના ઇતિહાસમાં કદાચ આવો પહેલો બનાવ હતો.

હ્રદયને ક્યારેક તમ્મર આવે છે.

બુધ્ધિને ક્યારેક ચક્કર આવે છે.

ઘટના કદીક એવી પણ સર્જાય છે,

જે લાગણીને પથ્થર બનાવે છે.

લીસાના વલોપાતભર્યા શબ્દો હ્રદયદ્રાવક હતા.. એકાદ-બે મહિનાની અવાક‍ અવસ્થા પછી એણે હૈયું ઠાલવ્યું હતું. ફ્રેઇમમાં મઢાયેલો ફોટો જોઇ જોઇ એ કહેતી હતી. “મારી દીકરી વિક્ટોરિયાને સ્કૂલે જવું અને નવું નવું શીખવું ખુબ ગમતું. એને મિત્રો પણ ઘણાં અને શિક્ષકોની તો ખુબ વ્હાલી. રોજ અવનવી વાતો કરે અને ઘરને પ્રસન્નતાથી ભરી દે. ડેડીની તો શ્વાસ-પ્રાણ. ગમે ત્યાં ડેડી જાય પણ દીકરીને માટે સમયસર ઘેર આવી જાય. અરે, એણે તો એની કાર પાછળ એક્સીડન્ટથી બચવા એક તક્તી પણ મૂકાવેલી “ My daughter is waiting at home.drive safely.મારી દીકરી ઘેર રાહ જુએ છે.વાહન સાચવીને હાંકો.” વિક્ટોરિયાને ચિત્રોનો પણ શોખ. ઘરના દરેક રૂમમાં એના જ ચિત્રો લટકાવેલાં છે. કહેતા કહેતાં લીસા પતિના આંસુને લૂછતી જતી હતી. લાચારીની શૂન્યમનસ્કતાએ એને શબવત્ બનાવી દીધી હતી.

આજની વાત કંઇક જુદી જ હતી. રાબેતા મુજબ,કબ્રસ્તાનથી સવારે પાછી વળેલી લીસા ભિતરના દુઃખ, ક્રોધ, હતાશા, બદલો, ફરિયાદ, સવાલો,વેરઝેરના તમામ સમંદરોને  ઓળંગીને,જાણે સમાધિમાં હોય તેમ આખો દિવસ સાંજ સુધી સુનમુન,જડવત્ બેસી રહી. વચમાં વચમાં અચાનક એ આશ્વાસનભર્યા શબ્દો બોલે જતી હતી, બસ બબડે જતી હતી. “મારી દીકરીને સ્કૂલે જવું બહુ ગમતુ હતું. હવે એણે સ્કૂલ બદલી છે. એ આખા ક્લાસ સાથે, શિક્ષક સાથે અને પ્રિન્સિપાલ સાથે એક નવી અને જુદી જ સ્કૂલમાં ગઇ છે. હું પણ એને જોવા અને મળવા જલ્દી જઇશ.” કહી એ ફિક્કું અને કંઇક દયામણુ હસી. એનું સ્મિત થીજેલું હતું..

એ રાત્રે મૂશળધાર વરસાદ પડ્યો.

રાત આખી ડૂસકે ચઢી’તી.આભ સાથે ધ્રૂસ્કે રડી’તી.

પૃથ્વીના ખોળે છૂપાઇ,વિશ્વશાંતિના પ્રશ્ને રડી’તી… 

Comments»

1. વિજય શાહ - July 4, 2013

વાહ!
અભિનંદન
ગઝલ અને કાવ્યમાં સફળતાઓ હાંસલ કરીને નીલમબેન ની વર્ક્શોપ પછી” થીજેલા સ્મિત”દ્વારા ટુંકી વાર્તાનાં ક્ષેત્રે આપનુ ભવ્ય સ્વાગત.્બહુ સચોટ અંત

બસ બબડે જતી હતી. “મારી દીકરીને સ્કૂલે જવું બહુ ગમતુ હતું. હવે એણે સ્કૂલ બદલી છે. એ આખા ક્લાસ સાથે, શિક્ષક સાથે અને પ્રિન્સિપાલ સાથે એક નવી અને જુદી જ સ્કૂલમાં ગઇ છે. હું પણ એને જોવા અને મળવા જલ્દી જઇશ.” કહી એ ફિક્કું અને કંઇક દયામણુ હસી. એનું સ્મિત થીજેલું હતું..

એ રાત્રે મૂશળધાર વરસાદ પડ્યો.

રાત આખી ડૂસકે ચઢી’તી.આભ સાથે ધ્રૂસ્કે રડી’તી.

પૃથ્વીના ખોળે છૂપાઇ,વિશ્વશાંતિના પ્રશ્ને રડી’તી…

2. saryu - July 4, 2013

સાહિત્યિક શબ્દોમાં સારી લખેલ કરૂણ વાત.
છેલ્લે કંઈ નવો વળાંક કે વાત કહેવાનો મર્મ-સંદેશ હોય તો ઠીક રહે. સરયૂ

3. devikadhruva - July 4, 2013

સર્યુબેન,

વળાંક— લીસાનું થીજેલું સ્મિત (મૃત્યુ )
મર્મસંદેશ–વિશ્વ-શાંતિ ક્યારે ?
સૂચન બદલ આભાર.

4. chiman Patel "chaman" - July 4, 2013

વાર્તા ટૂકી મર્મ લાંબો!

મને લાગે છે કે તમારી પાસે ટૂંકી વાર્તાઓ તો છુપાઇને પડી જ હશે, પણ એકને આજે તમે બહાર આવવા દીધી છે બહારની ગરમીથી?

નિલમબેનતો નિમિત થયા.

વિજયભાઇની પ્રથમ કોમેન્ટ અને તે પણ વિસ્તારથી.
તાજેતરના એમના જ સુચનથી વાર્તાસંગ્રહ બહાર પાડવાની વાત બહાર આવી, નામોની યાદી સાથે કે જેમાં તમારું નામ નો’તું એનો આ પડકાર તો નથીને?

લેખકો/લેખિકાઓ બોલે થોડું, પણ લખે ઝાઝું હાં!

ચમનના ચાબકા સમજો!

સમજને વાલા સમજ ગયે, ના સમજે વો………!!!!!!

‘ચમન’

5. pravina Avinash - July 5, 2013

ખૂબ સરસ વાત લઈને આવ્યા.

અભિનંદન

6. devikadhruva - July 5, 2013

Email from Shaila munshaw–

બહુ સરસ વાર્તા લખાઈ છે.ગદ્ય પણ પદ્યાત્મક રીતે લખાયું છે. ભાવની અનુભૂતિ સામાના દિલ સુધી પહોંચે છે.

વાર્તાનો વળાંક, વાતનો મર્મ અને સંદેશ બધુંજ છે વાર્તામા.

આ છુપી કળાને વધુ બહાર લાવો એજ આશા સહિત.

શૈલા મુન્શા.

7. Navin Banker - July 6, 2013

વધુ ને વધુ આવી સરસ વાર્તાઓ લખો એવી શુભેચ્છા.

નવીન બેન્કર

8. indushah - July 7, 2013

દેવિકાબેન તમરી કાવ્યાત્મક વાર્તા હ્રદયસ્પર્ષિ છે .સુંદર કલાત્મક લખાણ સાથે માર્મિક સંદેશ.વધુ વાર્તાની આશા સાથે.
ઇન્દુ શાહ


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help