jump to navigation

મુક્તિધામ-અંતિમ વિશ્રામસ્થાન April 13, 2012

Posted by devikadhruva in : લેખ , 11 comments

એક નવી વાત..સ્મશાનગૃહની…ચોંકી ગયા? સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની.

ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની.થોડા દિવસ પહેલાં જ એનું હ્રદયંગમ વર્ણન સાંભળ્યું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દ્રષ્ટિઆર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વિડીયો પણ જોવા મળી. દિલને ખુબ શાતા વળી.

સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવા્ળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત,કરુણ નાદસાથે..તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુધ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય,દરેકના પ્રિય ગીત/ભજન/કવિતા વાગતી જાય. આહા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતા જોતા મને તો ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનુ મન થઈ આવ્યુ!!!

થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યુ. જળ, આકાશ,વાયુ,અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલકનિરંજન શંકર, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ,ગદાધારી હનુમાન, વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન વિશ્વના સર્જક  બ્રહ્મા, ભારત માતા, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર નટખટ કૃષ્ણ, મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતા ગયાં. મન શોકારહિત થતુ જતુ,આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતા્ની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત,સુશોભિત દિવાલો.

આટલું જોતા જોતા અને ખરેખર તો સાચા અર્થમાં માણતા જતા વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે.એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ..આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક  શાયરે કહ્યું છે ને કે,
“કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે !!!!!
વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારના સ્ટેચ્યુ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ડીવાઈન  દ્રશ્ય ઉભું કરે છે.સંગીતના ધીમા સૂરો તો હજી ચાલુ જ છે.

છેલ્લે બીજા બે ફાંટા પડે છે .૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…

માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં ક્યાં સુધી, કેવી કેવી રીતે, લઇ જાય છે !માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે  વળગેલો  માણસ અંતે લાકડે ચઢી  ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં  ભીંત પર ટીંગાઈ જાય છે.

“રાખના રમકડા…કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા…તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ…રાખના રમકડાં.”

પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ વાતો સાંભળીને,વીડીયો જોઈને મનને ખુબ જ સારું લાગ્યું.આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે એટલું જ નહિ, નિયતિના દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભુતિઓ સમા છે. તે સૌને મારા શત શત વંદન.

મને તો લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતા સ્વજનો અને મિત્રોના હ્દયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતા જતા સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ.

અસ્તુ…

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.